૭૨. લાગે રે નવાઈ

લાગે રે નવાઈ, એની મને લાગે રે નવાઈ !
હાથી ઉપર છાલકાં, ગધ્ધા અંબાડી લઈ જાય !

દેવ બન્યા, દ્વારપાળ હતા જે; એનાં ગીત ગવાય;
હોય ધરણા એને ધાન મળે ને ભૂખ્યા આંટા ખાય,
એની મને લાગે રે નવાઈ !
વ્યંડળ તો વરરાજા થાય, એની જાન મહીં સહુ જાય;
ઓલી કન્યા તો રહ રહ રુએ, એની હીબકે છાતી ભરાય,
એની મને લાગે રે નવાઈ !
ફૂલ કરે આજ મૂળની વાત : ‘એ તો તિમિરમાં અથડાય !
ભોંયની ભીતર એ ભળે, મારી ગગન પહોંચી કાય !’
એની મને લાગે રે નવાઈ !
હાથીને મણ, કીડીને કણ; એવું, ભાઈ, મનાય :
કીડી કેરા કણને, જોઉં છું, હાથી તાણી જાય !
એની મને લાગે રે નવાઈ !
શબનાં સરઘસ નીકળે, નહિ લે જીવતાં કેરી ભાળ;
પૂતળાં કેરી પૂજા થાતી ને માનવ ઠેબાં ખાય !
એની મને લાગે રે નવાઈ !

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.