૬૬. કામિની

સંધ્યાએ થોડી વાદળીઓ અષાઢ કેરી વરસી’તી;
ભીની ખેતરની માટીની આછી સુરભિ પ્રસરી’તી;
ખુલ્લી મારી બારી પાસ
સૂતો’તો જોતો આકાશ.
નહીં સમાવી શકતી નિજમાં એવી ખુશબો ઉગ્ર લઈ,
પ્રવેશતી ને ઘૂમી વળતી મમ ઘરમાં વાયુલહરી;
આ તે શો આવો પમરાટ,
–અષાઢની અંધારી રાત ?
મધમધતે અંગે આ પંથે ગઈ કોઈ નવપરિણીતા ?
વા પ્રેમીને મળવા કાજે કોઈ ગઈ યૌવનમત્તા ?
જોતો હું બારીની બાર’ર,
દેખું પણ કેવળ અંધાર.
ફરી વળી સૌરભ છલકાતી લઈ આવી વાયુલહરી;
ફરી જઈને બારી પાસે નીચે જ્યાં મેં નજર કરી,
પર્ણોની પાછળ તે વાર,
દીઠી કામિનીની હાર.
અધીર એ આપી દેવાને અંતરની સુરભિ સઘળી,
તેથી તો આ વાયુ કેરી છલકી જાતી સૌ લહરી.
ધરણીનું ધરણીને દઈ,
ધરણી પર એ જાય ઢળી.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.