૫૫. એક ફૂલ ખીલ્યું છે!

મારા વા’લમની વાડીએ રે એક ફૂલ ખીલ્યું છે !
એની ક્યાં યે કળાયે ના ડાળ રે,
એનું ક્યાં રે હશે મૂળ ? એક ફૂલ ખીલ્યું છે !
વિના તે ડાળ, વિના મૂળિયે રે,
જેવા ખીલે છે સૂરજ ને સોમ રે,
એમ રે ખીલે મારા વા’લમનું ફૂલ :
એ તો ફરકે, ને હરખે મારા રોમરોમ રે;
એક ફૂલ ખીલ્યું છે ! મારા.
ખીલ્યું છે ફૂલ પેલી વા’લમની વાડીએ ને
આવે છે મહેક મારા મનમાં રે;
આ રે ધરાએ મારા મેલ્યા છે પાય
તો યે જાણે ઊડું છું ગગનમાં રે,
એક ફૂલ ખીલ્યું છે ! મારા.
એના તે રંગ આવે, આવે છે ઊડતા ને
છંટાઈ જાય મારં અંગ રે;
શાણાં તે શમણાં મારી જાણે છે વાત,
એ તો ચાલી જાયે છે એને સંગ રે.
એક ફૂલ ખીલ્યું છે ! મારા.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.