૫૭. વાતો

હજુ ધીમે ધીમે, પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે :
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો કે’શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.

અને કૈં તારા, જો, નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે, જો, જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શદે પ્રણયરસ તે સર્વ ઝીલવા.

પછી તો ના વાતો : પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદયમાંહી શમી જતો.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.