૭૮. દાન

ભોરની ભરનિદ્રામાં શ્રાવસ્તી નગરી હતી;
બુદ્ધને કાજ ભિક્ષાની કોની બૂમ નભે ચડી ?
હજુ ન રંગો નભ ઊઘડયા’તા,
તારા બધા યે હજુ ના ગયા’તા;
હજુ ન પૂરાં ફૂલડાં ખીલેલ,
ના પંખીએ ગાન હજુ ધરેલ.

પ્હેલી પળો મંગળ એ પરોઢની,
ટાઢી વહેતી લહરી સમીરની;
પોઢેલ એ સૌ જનને નિસર્ગ
મીઠું મીઠું વ્હાલ કરી રહેલ.
એ સમે બુદ્ધના શિષ્યે સાદ એ પુરમાં કર્યો,
“જાગો છો ? આપશો ભિક્ષા બુદ્ધને, નરનારીઓ ?”
અરણ્યમાં કોઈ તપસ્વી જેમ
ઉચ્ચાર કો મંગલ મંત્રનો કરે,
તેવો સૂતેલી નગરી મહીં એ
પુકાર સાધુ કરતો બધે ફરે.
સ્વપ્નોમાં ભમતાં સૌને સાદે એ ચમકાવિયાં;
બીડેલાં નયનોને સૌ સાધુએ કરિયાં ખુલાં.
સાધુસાદે નરપતિ તણા અંતરે એમ થાતું :
“સત્તા શી આ પલવિપળની ? રાજ્યના ભોગ શા આ ?”
ને આવે છે ધનપતિ તના ચિત્તમાં યે વિચાર :
“આત્મા કેરા ધનવિભવ એ ફાંસલાના પ્રકાર.”

સાંભળી બુદ્ધનું નામ જાગી ગૈ નગરી બધી,
દેવા કૈં પ્રભુને પાયે, ધન્ય આવી ગણી ઘડી.

ભરી મુઠ્ઠી માર્ગે રતન ઠલવે રાજરમણી;
અને લક્ષ્મીવંતી, તનુ ઉપરનાં ભૂષણ તણી
કરે વૃિષ્ટ : ને સૌ ગરીબ ગૃહિણી વેણી મહીંનાં
બધાં ચૂંટી મોતી પથ ઉપર દે આજ ફગવી.

પરંતુ સાદ સાધુનો ભિક્ષા કાજ ફરી પડે :
રત્ન, આભૂષણો, મોતી બધાં યે ધૂળમાં રહે.

“તને શું જોઈએ, સાધુ ? પ્રભુ શું આજ માગતા ?”
લક્ષ્મીથી તુષ્ટ થાતા સૌ એ વિચારે ડૂબી જતા.

“પ્રભુ ના યાચતો રત્નો, તમારાં ભૂષણો કદી :
વિચારી આજ સંતોષો ઇચ્છા એ અવધૂતની.”
લક્ષ્મી ભરેલા પથને વટાવી,
ને સ્તબ્ધ મૂંગી નગરી મૂકીને,
અરણ્યને માર્ગ પળંત સાધુ,
પુકાર ત્યાં યે કરતો ફરીને.
ને આ ક્યાંથી, “ઘડીક ખમજો, દેવ !” એ કોણ બોલ્યું ?
ચોંકીને એ વિજન પથમાં સાધુએ શું નિહાળ્યું ?
વૃદ્ધા નારી,–શરીર વીંટિયું વસ્ત્ર કંગાલ એક,–
બોલે, “મારી પ્રભુ-ચરણમાં આપજો દીન ભેટ.”

બોલી એમ ગઈ એક વૃક્ષની ઓથમાં સરી;
આપતી વસ્ત્રની ભેટ, લંબાવ્યા કરમાં ધરી.

નાચિયું ઉર સાધુનું : વસ્ત્ર શિરે ચઢાવિયું :
પાત્ર જે રાખિયું ખાલી પુરે, તે કાનને ભર્યું !

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.