૭૩. આપણે ભરોસે

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈ ને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ.
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર :
એનો કરવૌયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, હો ભેરુ.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.