૮૯. પૂજ્ય નાનાભાઈ ભટ્ટઃ એંસીમે જન્મદિને

કેવી કરામતથી ભર્યું આ કોડિયું !
તેલ ના કંઈ બા’રથી પૂરવું પડે,
કે વાટ પણ ના અન્ય કોઈ કર વણી એમાં ધરે.
તેલ એ નિજનું સ્વયં પૂરી લિયે,
વાટ પણ નિજની વણી મૂકી દિયે;
જો ! પછી એ સૌમ્ય તેજે, કુટિરમાં નિજ નાનદી, જલતું રહેં.
એને કશાં વલખાં નથી, અજવાળવા ધરતી બધી.
ગામ કેરાં નાનકાં પણ કોડિયાં પેટાવવા મથતું રહે છે રાતદી.
શી, અહો ધીરજ ! મથામણ કેટલી !
કંઈક મુશ્કેલી ય ફૂંકાતી રહી;
તો ય એની જ્યોત તો રે’તી ઝગી,
કોડિયાં હૈયાં તણાં પેટાવવા રે’તી મથી.
સૌમ્ય, તેજસ્વી, નિહાળીને તને,
ચિત્ત મારું ઝૂકતું તારી કને.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.