૨૦. જાણીતી અજાણી

અજાણી એ રહી તોયે જાણીતી ઉરને થઈ;
નેન ના દેખતાં, કિન્તુ શકે ના ઉર વિસ્મરી.
શું નામ તેનું,–કદી યે ન જાણ્યું;
વા ધામ ક્યાં,–એ નવ જાણવા ચહ્યું.
ના વેણ એકે જઈ પાસ ઉચ્ચર્યો;
તેણે કદી યે નવ કૈં મને કહ્યું.
એક વાર અમે બન્ને સામસામે હસ્યાં, અને
પિછાન પૂર્ણ એ લાગી અમારાં બેઉનાં મને.

બારી પાસે મુજ થઈ જતી ક્યાંક રોજે સવારે,
નાની પાડી પગલી, મુખડું રાખતી કૈંક ભારે;
વાતો કૈં કૈં કરતી નિજ સંગાથ જો હોય “બાબો”;
એ સાથીની ઉપર નિજ દર્શાવતી સર્વ ભાવો.

ને સામે આવતાં બારી મારી, એ હસતી જરી;
અને જોઈ પછી નીચું ધૂળથી કૈંક વીણતી.
અમ પિછાનની જાણ ન કોઈને;
વીસરતાં હસી એકબીજાં અમે.
પડી જઉં નિજ કામ વિશે પછી;
ઘડી રમી વળી એ ય વહી જતી.

કિન્તુ આજે નથી એ : મુજ મન મહી ને, એ નથી એમ થાતું;
એવું ક્યારે ન જાણ્યું, મુજ મન બધું રે બાલિકાએ ભર્યું’તું !
જાયે ત્યારે જ થાયે : હૃદય મહીં હતો આવિયો સ્નેહ આ તો !
એના જાતાં વળી કાં હૃદય ભરી, અરે, જાપ તેનો જ થાતો ?

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.