૩૮. જીવનસંધ્યા

નફા ને તોટાના પથ ઉપરથી તું ખસી જઈ
ઘડી સોંપી દેને જીવનરથને પ્રેમકરમાં;
ભલેને લૈ જાતો ઉડુગણ વિશે એ ગગનમાં,
નહીં ખેડાયેલા પથ ઉપર એ જાય અથવા.

પુરાણા ખ્યાલો છો તુજ સકલ ત્યાં જૂઠ બનતા;
નફા ને તોટાનાં પણ નવલ ત્યાં મૂલ્ય મળશે
તને, તારા ને આ જગ સકલ કેરા જીવનનાં;
અને જોવાની આ જગત, તુજ દ્રષ્ટિ પલટશે.

અને યાત્રા અન્તે જીવન તણી, અંધાર ઊતરે,
શ્રમે કીધું ભેળું સકલ ઉપરે એ ફરી વળે,
સમે તે, સોંપીને જીવનરથને પ્રેમકરમાં,
હશે જોયાં દૃશ્યો, સકલ ઊગશે એ તિમિરમાં,–

ઊગે જેવા તારા દિવસ નમતાં ત્યાં ગગનમાં,
–અને સોહાગી એ જીવન તણી સંધ્યા થઈ જશે !

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.