૭. હસું

અસંખ્ય કુટિરો થકી રજનિમાં સુણું શાંત, હું
નિસાસ, વળી અશ્રુથી પ્રતિનિશા ધરા ભીંજતી.
કહીંક ડૂસકાં સુણું,–હૃદયસ્પન્દનો દુ:ખનાં
સમાં; જન રિબાય ને અવનિમાં ભરે વેદના.

કરું કયમ પ્રવાહની ત્વરિત હું ગતિ અશ્રુના,
વહાવી મુજ આંસુને ? કયમ વિશાળ હું વેદના
તણા સૂર કરું, બજાવી મુજ દુ:ખનાં ગીતને ?
ઊંડાણ ઉરના અગમ્ય મહીં એ ભરું સર્વને.

અને, દિન અમાસને, વિધુવિહીન સિંધુ હસે;
હસે ઝરણ, માર્ગમાં ખડક સાથ જ્યાં આથડે;
વીંધાય ઉર વીજથી ગગનમેઘનું,–એ હસે :
વીંધાઈ અથડાઈને ત્યમ હસું હમેશાં જગે.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.