૬૪. થાયે છે થેઈ થેઈકાર

થાયે છે થેઈ થેઈકાર,
ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર !
બોલે છે મોરલા મલ્હાર,
કે આઘેરી સીમમાં થાયે છે થેઈ થેઈકાર !
વાદળના પડદાની આગળ આ વીજળી નાચે, ને થાયે ચમકાર;
આવે અવાજ ઓલાં ઝરણાંની ઝાંઝનો ને ઝાડવાં વગાડે કરતાલ !
ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર !
કેવું અજબ છે આ વર્ષાનું જંતર ! એને બાંધ્યા છે લખલખ તાર;
એ રે અનેકમાંથી એક જ ઊઠે છે આ હૈયાં હલાવતો ઝંકાર !
ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર !
વાગે છે પાવા પવન કેરા ધીરા ધીરા, વાદળનો ઘેરો ઘમકાર;
શ્યામલના સૂર કેરી, ધરતીને આવરીને ચાલી રહી છે વણજાર !
ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર !

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.