રોજિંદા કામ કેરું આ રચાયું મુજ પાંજરું;
આંખ, માથું, કરી નીચાં મારે ત્યાં નિત્ય બેસવું.
એની એ વાતને મારે ઘૂંટવાની ફરી ફરી;
ટીપું યે રસનું ના કે રંગની ઝાંય ના કશી.
કોઈ વાર કરી આંખો ઊંચી, ને બા’ર જોઉં છું :
ધરાની હરિયાળી ને આભને જોઈ મોહું છું.
ખ્યાલને પાંજરા કેરા, જાઉં છું વીસરી ઘડી
એકાદી,–ને વળી પાછા રે’ એના સળિયા નડી !
સુણું છું, સળિયા સાથે આવિ કોઈક આથડયું :
જોઉં ઊંચું,–અને જોઉં વર્ષાનું ગીતપંખીડું !
આવવા પાસ મારી એ પછાડી પાંખ ત્યાં રહ્યું :
રંગ છે વાદળી જેવો, આંખ બે નીરબિન્દુ શી,
ઇંદ્રચાપ તણા રંગો પીંછાં માંહી રહ્યા તરી;
વીજ જાણે, બની નાની, પંખીની કલગી થઈ !
ઘેરું ઘેરું મજાનું એ ગીતડું ગુંજતું કંઈ.
જોઈ ઊંચું, હસ્યો હું ને હાસ્ય મારું નિહાળીને
પંખીડું પાંખને પ્હોળી, આવવા પાસ, ત્યાં કરે.
જોઉં એ ને હસું ફિક્કું દિનના ચંદ્રના સમું :
સમજે ભોળિયું કેમ હાસ્ય કેરી ફીકાશને !
ખુશ એ તો વધારે થૈ ગુંજતું નિજ ગાનને.
ઊડી જાવા કહું કેમ ? આંખ મારી ધકેલતો :
રોજિંદા કામની માંહી આંખને મુજ ઢાળતો.
કામમાં નયનો કિન્તુ પંખીનાં ચમકી રહે,
અને તેની વળી છાયા કામમાં ભમતી રહે.
કામમાંથી જરા ઊંચી આંખો જોવા વિહંગને
કરું, કિન્તુ નહીં ત્યાં એ ! બેઉ ભોંઠી પડી અરે !
ટેવ ભૂલો હવે, આખો ! આભમાં ઘૂમવા તણી;
દોડવાની ય ભૂલો એ, ધરાએ હરણાં સમી.
ટેવ પાડો હવે આંહીં પાંજરે બેસવા તણી :
ફરી પાછું થતું માથું નીચું ને આંખ રે’ ઢળી !