એક નાનકી મારી વાત, સાંભળજિ, બન્ને ઓ હાથ !
હૈયાને જે ગમિયું તેને નહીં ભરતા જઈને બાથ.
ભોળા, જે ગમિયું હૈયાને, તેને તે લાવી દેવાને
હરખે ધાઓ છો, લાવો છો, ચાંપો છો છાતી સંગાથ :
અજાણ પણ છો, કેટકેટલું ગુમાવતા ભરતાં એ બાથ !
એવી અજબ પકડ છે ઉરની, છૂટવાની બારી કો રે’ નહીં;
પકડ તમારી પાંખડીઓની, ને એની છે ખુશબોની.
પાંખડીઓ કરમાઈ જાયે, મળી જાય માટીની સાથ :
ઝાલેલી ખુશબો હૈયાએ, રહી જતી એની સંગાથ.