૪૭. હૈયું

હૈયાની જાણો છો જાત ? કે’વી હોયે કઈયે વાત,
તોયે કે’વી ને ના કે’વી, બન્ને કરવાં એકી સાથ!

વજ્જર જેવા એને થાવું, ફૂલ સમા યે બનવું સાથ :
ક્યાં વજ્જર ? ક્યાં ફૂલડું ? તેને બન્નેનો કરવો મેળાપ.

બિન્દુનું ગાવું છે ગાન, સિન્ધુની યે લેવી તાન :
દોસ્તી સૌ સંગાથે કરવી, નાનાં વા એ હોય મહાન.

દુભાઈને ગાવું પરદુ:ખે ઘવાઈને પોતે ગાવું;
દેવું છે પોતાનું સઘળું,–ને સાથે માગણ થાવું !

સૌની સાથે એક થવું છે, ચિસ્સાથી ના કોઈ તણા;
વિરોધમાં દાખવવી સંધિ : એવા એના કોડ ઘણા !

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.