કદી સંધ્યાટાણે,
કદી વા કો વા’ણે,
થતું હૈયે એવું, નીરખી નભશોભા પ્રસરતી :
હેત તું સંગાથે!
સ્ફુરે કોઈ જ્યારે
ઉરે ગીતો મારે,
થતું હા ! તે વારે મુજ મન મહીં એમ સહસા :
હતે તું સંગાથે !
નિશાશોભા જોઈ,
કદી નિદ્રા ખોઈ,
ભમે નેનો આભે : કંઈક દિલ એવું લવી જતું :
હતે તું સંગાથે !
નિહાળી કૈં ભવ્ય,
નિહાળી વા રમ્ય,
સ્ફુરે મારે પ્રાણે ચકિત : મુજ આનંદ મહીં જો
હતે તું સંગાથે !
વસંતે હૈયાના,
શિયાળે વા ત્યાંના,
ઊઠે જાગી ઇચ્છા પ્રબળ, મધુરી એક, ઉરમાં :
હતે તું સંગાથે !