૨૩. વ્યથા

અનંત ધારે ફૂટતો ફુવારો
સંજીવનીનો તહીં પૂર્વ આરે;
ને રેલતાં નીર, અખંડ ધારે
સૃિષ્ટ તણો પાય વિશાળ ક્યારો.

હસી ઊઠયાં ઉન્નત શૃંગ અદ્રનાં,
નાચી રહ્યા નિર્ઝર સર્વ પૃથ્વીના;
ખીલ્યાં ફૂલો અંતરની સુવાસે,
ને વિશ્વ ગાજ્યું દ્વિજ કિલકિલાટે.

એ નાચવા નિર્ઝર નૃત્ય જીવને,
પંખી સમાં ગાન સદૈવ ગાવા,
ઉઘાડીને અંતર-પાંખડી સહુ
પુષ્પો સમી ઉર સુવાસ ફોરવા,–

અનંત ધારે તુજ પ્રેમ કેરો
બ્રહ્માંડ વ્યાપી ફૂટતો ફુવારો;
એ ઝીલવા અંતરમાં મથું હું :
હૈયા તણો શે ન ભરાય ક્યારો ?

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.