સખા ! સાથે જાતાં જીવન મહીં એવુંય બનતું,
ગમે રંગો, સૂરો, રૂપ સકલ તારા હૃદયને,
મને પ્યારાં લાગે નવ જરીય તે, ને મુજ ગમ્યાં
ન યે પામે તારા મન મહીં જરી સ્થાન પણ તે.
રહે તારી દ્રષ્ટિ સતત ઊડતી ‘કાલ’ ઉપરે,
અને મારાં નેનો સતત ભમતાં ‘આજ’ મહીં રે’;
મથે તું શ્રદ્ધાથી કંઈક જગ કાજે કરી જવા;
મને થાયે, એવા મન મહીં વળી ગર્વ કંઈ શા ?
ઊંચા આદર્શોના પલપલ તને સાદ પડતા;
અને વહેવારોના મુજ મન વિશે ખ્યાલ ભમતા;
ભરી આશા હૈયે તુજ : અવનિ આ સ્વર્ગ બનશે;
રહે પૃથ્વી,–મુજ મ ન વિશે એ અધિક છે.
વિરોધો વચ્ચે આ ઝરણ ઉરનું, નિત્ય વહશે
દિશે તારી, મારું : તુજ ઝરણ તેને શું મળશે