૧૩. અનંત કથા

‘કહીં કહીં લખું કથા ? કવણ ઝીલશે એ બધી ?
વદ્યું નભ : અને ફૂલો, ફળ, તૃણાંકુરો, પર્ણ સૌ
ધરે નિજ ઉરો, અને કથની તારલા-રૂપ જે,
ઉરો ઉપર એ લખાય શબનમ્ તણે અક્ષરે.

અષાઢ વદતો, ‘કહીં કથન ઠાલવું હું જઈ ?’
સરોવર, નદી અને ઝરણ સર્વ કે’તાં, ‘અહીં.’
રહી જલ-સ્વરૂપમાં સકલ વાત જે અંતરે,
સરોવર, નદી અને ઝરણમાં જઈ એ વહે.

ઊઠી મનુજ-અંતરે પ્રબળ ભાવના, ઊર્મિઓ,
કહે, ‘અમ કથા જઈ કવણ કાનમાં બોલીએ ?’
‘સુણીશ સહુ વાત હું,’ વદતી એમ તેને કલા.
અને હૃદય બેઉંનાં કથની માંહી તેને મળ્યાં.

ફરી ફરી લખાય છે નભ તણી કથા પૃથ્વીએ,
અને હૃદયને અષાઢ ફરી વાતમાં ઠાલવે;
ફરી ફરી કલા સમીપ જઈ ભાવના, ઊર્મિઓ,
કહે કથની, તોય અંત નવ તે હજુયે કહે.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.