‘બારી બહાર’ની પહેલી આવૃત્તિ ઈ.સ. ૧૯૪0માં પ્રગટ થઈ. ત્યાર પછી ઓગણીસ વરસે આ બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. આ આવૃત્તિમાં અનુક્રમમાં ફૂદડીની નિશાનીથી દર્શાવેલી કૃતિઓ નવી ઉમેરી છે. અને તે ઉમેરાતાં જૂની કૃતિઓનો ક્રમ બદલાયો છે.
સંગ્રહનાં કાવ્યોમાંથી ‘મુક્ત નિર્ઝર’ કવિવર ટાગોરના ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ કાવ્યનો ભાવનુવાદ છે. ‘અંધ’ તેમના ‘Cycle of Spring’ના ૧0૨ મા પાન ઉપરના અંધ ગાયકે ગાયેલા ગીતનો અનુવાદ છે. તે ઉપરાંત ‘છેલ્લી પૂજા’ અને ‘દાન’ એ બન્ને પણ તેમનાં જ પ્રસિદ્ધ કથાકાવ્યોના અનુવાદ છે.
પહેલી આવૃત્તિ સાથે જોડેલું શ્રી ઉમાશંકર જોશીનું પુરોવચન–’આંતર દર્શન’ આજે બે દાયકા પછીય એટલું જ ઉપયોગી હોઈ, આ આવૃત્તિમાં પણ મૂક્યું છે. એ મૂકવા દેવા માટે શ્રી ઉમાશંકર જોશીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
શ્રી મૂળશંકર મો. ભટ્ટે ગીતોની સ્વરચના કરી આપી મિત્રકાર્ય બજાવ્યું છે.
મારા મિત્ર શ્રી બાલમુકુન્દ દવે અને શ્રી બાલુભાઈ પારેખે જે સહકાર આપ્યો છે તે માટે તેમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.
આ આવૃત્તિના પ્રકાશનમાં મારા મિત્ર શ્રી ભૃગુરાય અંજારિયાની પ્રેરણા માટે તેમનો પણ આભારી છું.
– પ્રહ્લાદ પારેખ
સ્વામીનારાયણ ચાલ, રૂમ નં. ૨
મહાત્મા ગાંધી રોડ, કાંદીવલી (પશ્ચિમ), મુંબઈ