‘બારી બહાર’ (૧૯૪૦)ની પહેલી આવૃત્તિ પછીનાં વીસ વરસમાં સ્વ. પ્રહ્લાદે લખેલાં કાવ્યો બીજી આવૃત્તિમાં યોગ્ય સ્થાને ગૂંથવાનું, અને એમ કરતાં જરૂર લાગે તેટલા કાવ્યોનો ક્રમ બદલાવવાનું કામ મારે કરવું પડયું હતું. કવિ પોતે જ પોતાનાં કાવ્યોને ઉત્તમ રીતે ગૂંથી શકે એવી મારી દલીલ છતાં સ્વ. પ્રહ્લાદના આગ્રહને મારે વશ થવું પડયું હતું.
ઉપરાંત, પ્રહ્લાદના હાથલખાણમાં, શેલીના હાથલખાણમાં હતાં તેવાં, એક પ્રકારની ઋજુતા અને નિસર્ગવાદ હતાં : જોડણી, અનુસ્વાર, વિરામચિહ્નો, પંક્તિને અને કડીને છંદ, લય અને પ્રાસને લક્ષમાં લઇ મુદ્રણનો અમુક ઘાટ આપવો, એ બધી બાબતોની એ બહુ ચિંતા ન કરતા. પહેલી આવૃત્તિના મુદ્રણમાં, એમના હાથલખાણમાં નથી એવી મુદ્રણને લગતી થોડીઘણી કાળજી કોઈ એ લીધી લાગે છે છતાં, પ્રહ્લાદના લખાણના આ લક્ષણની પ્રબળ અસર રહી ગઈ છે. બીજી આવૃત્તિ વેળાએ તેમણે આ બાબતની જવાબદારી પણ મારા ઉપર નાખેલી. એમણે ગાયેલી કામિનીનું ફૂલ એટલું નાજુક હોય છે કે તેને ચૂંટવા જતાં કાળજી ન રાખીએ તો હાથમાં છૂટી પાંખડીઓ જ આવે. એમની પંક્તિઓમાં વિરામચિહ્નો મૂકતાં મને આ નાની, નાજુક, શ્વેત પાંખડીઓ ઉપર હું મારી ટાંકથી આંકા પાડતો હોઉં એવું લાગેલું પણ ઉત્તમ કાવ્યસંગ્રહનું એક ભાવિ એ છે કે એ પાઠયપુસ્તક બને છે.
આ આવૃત્તિમાં મેં બીજી આવૃત્તિ છપાયા પછી તેમણે લખેલાં કાવ્યોમાંથી પસંદગી કરીને તેર કાવ્યો, અને, અમે તે પહેલાં લખાયેલાં પણ બીજી આવૃત્તિમાં ન લીધેલાં બે કાવ્યો, ‘દિલડું જીત્યું નહીં!’ અને ‘એક ગોરીને’, એમ કુલ પંદર કાવ્યો ઉમેર્યાં છે. આમ કરતાં, તેમની મને મળેલી નોટો, અધૂરાપધૂરા પ્રયોગ– પ્રયત્ન ધરાવતાં અનેક છૂટાં કાગળિયાં, ૯0 જોઈ લીધાં છે. ‘બારી બહાર’ હાલ પાઠયપુસ્તક છે તેથી આવૃત્તિમાં નવાં કાવ્યોને ગૂંથીને ક્રમ ન બદલાવતાં, પરિશિષ્ટ રૂપે એ પંદર કાવ્યો મૂક્યાં છે.
ઉપરકહી હસ્તલિખિત સામગ્રી પહેલી જ વાર ઝીણવટથી જોવા મળતાં બીજી આવૃત્તિમાં અને તે પછીનાં તેનાં ત્રણ પુનમુદ્રણોમાં મળતી ભૂલો સુધારી લીધી છે. ‘ગામની વિદાય’માં છેલ્લી અને ‘આવ, મેહુલિયા !’માં ત્રીજી કડી ઉમેરાઈ છે. ‘એક ફૂલ ખૂલ્યું છે !’માં પહેલી લીટીમાં ‘મારા વા’લમની ડાળીએ નહીં પણ ‘વાડીએ’ નોટમાં મળે છે, તે પ્રમાણે છે. ‘આયો મેહુલિયો !’ માં ‘એ તો આવી આવીને મલકાયો :’ અર્થવિહીન છે. મૂળ નોટ જોતાં કવિના હસ્તાક્ષરમાં પણ વ–લની સમાનતા મળે છે. પણ કવિએ આ ગીત મારી પાસે અનેક વાર ગાયું છે. તેની સ્પષ્ટ સ્મૃતિથી ‘એ તો આલી આલીને મલકાયો :’,–એમ સુધાર્યું છે. ‘ઘાસ અને હું’માં ‘ના છબે છે એક પળ એના ચરણ.’માં કવિએ મને બીજી આવૃત્તિ છપાઈ ગયા પછી કહેલું કે પોતાને ‘છબે’ અભિપ્રેત છે. નોટમાં પણ ‘છબે’ મળે છે. આ ઉપરાંત પુનર્મુદ્રણોમાં ઉમેરાયેલી ભૂલો કાઢી નાખવાની કાળજી રાખી છે.
બીજી આવૃત્તિમાં બીજાં અનેક કાવ્યોની સાથે ‘એકલું’નો મુદ્રણઘાટ બદલાવ્યો હતો. ‘મારા રે હૈયાને તેનું પારખું’નો બંધ પણ એવો જ હોવાથી એનો ઘાટ પણ આ વખતે ‘એકલું’ પ્રમાણે કર્યો છે. બીજાં કાવ્યોમાં પણ ઘાટ બદલાવ્યા છે.
નવાં કાવ્યો ઉમેરવામાં મારાથી જુદી રીતે કોઈ પસંદગી કરી શકે. આ કારણે, અને એમનાં અધૂરાં કાવ્યો, બે જુદી દિશામાં લખી જોયેલાં કાવ્યો. કડીઓ, છૂટી પંક્તિઓ વગેરે જે નોટો અને છૂટાં કાગળિયાંમાં છે તે બહુ વખત ન ટકે, તેથી એક વાર તો આ બધો ખેરો એક જ સ્થળે – બેન તો એક સામયિકમાં–રસિકો સમક્ષ મૂકવનું વિચાર્યું છે.
–ભૃગુરાય અંજારિયા
તા. ૧૦-૫-૧૯૭૦, સાન્તાક્રુઝ-પશ્ચિમ, મુંબઈ