૯૫. માનવ-પારિજાત હે !

થોડી ઘડી તું મુજ પાસ આવી
ખડી રહી, ને મુખથી સર્યાં ત્યાં
થોડાક શબ્દો, સ્મિત,–આંખમાંથી
કિરણો તણાં ત્યાં
કુસુમો ગર્યાં કૈં.
પળે પળે અંગ મહીં પ્રસન્નતા
ઝબૂકતી શી !
સરોવરે જેમ જરા હલંતા
જલમાંહી ચાંદની !
થોડી ઘડી એ ગઈ, વાત આપણી
પૂરી થઈ, ને મુજ ચિત્ત જાતું,
દિન એક આવી ઘડીઓ મળી હતી
સહુ ચૂંટવા તે.

*

તે દી પરોઢે મુજ બાગ માંહી
ટહેલતો’તો, તહીં એક આવી
મધુરી સુવાસ
ખેંચી લઈ ગૈ નિજ વાસ પાસ.
ત્યાં છોડ ખૂણા મહીં પારિજાતનો
ઊભો હતો ભોર તણી હવામાં
હલતો જરાક.
પળે પળે પુષ્પ ધરા ખરંતાં
મનને ભરંતાં
નિજ સૌરભેથી.
થોડી ઘડી માનવ-પારિજાત હે !
તેં પાસ આવી સ્મૃતિ એ જગાવી
હૈયું કર્યું સૌરભથી ભર્યું ભર્યું !

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.