૮૬. હૈયું કહીં ?

મૂંગો થો હું જાઉં છું.
વાણીને હું વહાલ કરનારો સદા,
આજ એનાથી વિખૂટો – લાગતું કે – થાઉં છું :
મૂંગો થતો હું જાઉં છું.

વ્યર્થ વાણી ભાસતી, –એવું નથી :
બોલવાને કાજ રહું છું હું મથી.
ગાનાર હું, ને ઝણઝણી ઊઠનાર હું,
આજ જાણે સ્તબ્ધતાના બંધમાં ભીંસાઉં છું :
મૂંગો થતો હું જાઉં છું.

દૂર કોઈ એક નાનું વિહગ બોલી ઊઠતું,
પર્ણ કોઈ પવન માંહી ડોલતું,
નાનકું વા ઘાસ મારા પાયને અડકી જતું,
હર્ષથી કેવું, અહો, હૈયું તદા પાગલ થતું !
હર્ષના એ સૂરથી સૌ, ત્યક્ત જાણે થાઉં છું :
મૂંગો થતો હું જાઉં છું.

જે દિનેથિ મેં નિહાળ્યો માનવીને પાસ લઈ,
–જોઉં તો મંદિર દીસે, પણ દેવ દેખાયે નહીં,
–હૈયું કહીં ?

ફંફોસતો મંદિર મહીં : પામું નહીં :
તે દિવસથી સ્તબ્ધતાની ભીડમાં ભીંસાઉં છું :

વાણી હું વહાલ કરનારો સદા
મૂંગો થતો હું જાઉં છું.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.