૫૩. આવેશ

ઊંચે ઊંચે તારકના પલકાર,
નીચે મારા હૈયાના થડકાર;
તેની વચ્ચે મુંગો મૂંગો વહે છે અંધાર.
ધીમા ધીમા વાજો આજ સમીર,
સાગર-વીરા ! લેજે આઘાં નીર :
મારો રે આવે છે વા’લમ, હૈયા કેરો હીર.
નીંદર બે’ની, ઘેરીશ ના એ નેન,
નહીં દેશો, ફૂલો, સુરભિ ઘેન:
મારા રે વા’લમને આવવા દેજો રે’તાં રેન.
મારા હૈયે કરિયા લાંબા હાથ,
આવીને એ પૂરી કરશે બાથ;
તેની વચ્ચે મૂંગો મૂંગો વ્હેશે પ્રેમ અતાગ.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.