અપાર જલ સિંધુનાં નિકટમાં હતાં વિસ્તર્યાં,
અને તિમિર રાતનાં ગગનથી હતાં ઓસર્યાં;
પ્રતીક શુચિતા તણાં,– અહીં તહીં ઝગે તારલા;
સૂતેલ ટૈંટિયું વળી, ક્ષિતિજ ઉપરે વાદળાં.
થયું મિલન સિંધુનું, સ્મરણભાત તેની પડી
રહી સકલ રેતીએ : નવ જરી ય ભૂંસાય તે,
–વિચારી મન તે, વહે પવન મંદ વેગે અતિ;
ઊભાં ઉભય તેજ ને તિમિર આ સમે એક થૈ.
તહીં ક્ષિતિજ ઉપરે અજબ ચેતના જાગતી,
અને વિવિધ રંગને પળપળે નભે છાંટતી;
સુવર્ણ તણી લીટીઓ સકલ વ્યોમમાં આંકતી,
જણાય નભ-સાગરે ભરતી તેજની આવતી.
ઊગે, પ્રભવસ્થાન એ સકલ ચેતનાનો, રવિ :
અપાર જલની સહુ હસી રહે તરંગાવલિ !