૩૨. શ્રદ્ધા

લઈ કલમકાગળો ઘણી ય રાત બેસી રહું,
અને પ્રબળ ઊર્મિના હૃદયમાં પછાડા સહું;
મળી સકલ ઊર્મિ એ, મધુર ગાન કો ગુંજશે :
–અપેક્ષિત ઉરે નિશા તિમિરને વિતાવી દઉં.

પણે ગગનઅંતરે પ્રબળ ઊર્મિ શા તારલા
પડી ઊછળતા : હશે રજનિ ઉર મારી વ્યથા ?
નહીં, નહિ; તહીં મળી સકલ ઊર્મિ, આ ઊઠતું
પ્રકાશગીત પૂર્વમાં રવિ તણું ધરા ગુંજતું.

સહીશ, રહી મૌન, હું સકલ ઊર્મિ આઘાતને;
નિશા સમ મળી જશે કદીક ગીત : શ્રદ્ધા મને.

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.