રાત પડી હતી, રાત પડી હતી, એવી તો સુંદર રાત પડી હતી,
જાણે એ બ્રહ્માએ ખાસ ઘડી હતી, એવી રૂપાળી એ રાત પડી હતી!
પૂનમનો પરકાશ નહોતો કે આઠમનાં અજવાળાં નહીં;
શ્યામલ, સુંદર ને નમણી, એ તો રાત અમાસની આવી હતી.
આભ મહીં નહીં આજ સુધાંશું ને તોય સુધા છવરાઈ રહી;
આજ અમાસ આ આંખડીને મુજ, રૂપની માધુરી પાઈ રહી.
તેજની માગ ઘણી કરતો પણ આજ નવાઈ આ નીરખતો :
અંધકારે મુજ અંતરમાં કર્યો દીપ આનંદ તણો ઝગતો !
એક દિને પેલી ભીલડી શંકર પાસ છમાછમ નાચી હતી;
એના સમી આજ રાત અમાસની નાચતી તારાના તાલ મહીં.
આછેરો પાલવ વાયુ તણો તેનો જાય અડીને,–ઝલાય નહીં;
નીંદરને મેં પિયર મેલી : આ રાતનો સાથ મુકાય નહીં !