‘સમુદ્રનું મોજું ઉલેચાયું… અરે કેવડું મોટું? નાખી નજર ન પહોંચે એવડું ઊંચકાયું… આ… તો… એ… પડ્યું… એ… પડ્યું ને હું દટાઈ જઈશ. ઓહ… ઓહ… આ તો ખડક પર પટકાયું… ફીણ… ફીણ… ફીણ…!’
‘ઓહ… મારા કપાળ પર સ્લેટ કોણે મારી? લોહી… લોહી… લોહી…’ સારિકા કપાળે હાથ ફેરવવા લાગી. ખાટેલ સૂતેલી માંદી સારિકા જાણે આઠનવ વર્ષની બાળકી બની ગઈ.
હા, તે દિવસે બહાર પહેલો વરસાદ પડ્યો હતો. મેડા પર તે માસ્તર પાસે ભણવા બેઠી હતી. સાંજના પાંચ વાગ્યે, ભણવાનો સમય સચવાવવો જ જોઈએ, એ સારિકાનાં માબાપનો કડક નિયમ હતો. ભીની રેતીની સુગંધ અને એ ઢગલા પર વરસાદના છાંટા જોઈ, સારિકાનું બાળકમન બારી બહાર જ વારેવારે તાકી રહેતું હતું. માસ્તરે દાખલો લખાવ્યો.
ભાગાકાર, ગુણાકાર, બાદબાકી – એ બધાંને પરસ્પર શો સંબંધ, શા માટે એવું ભણવાનું હોય, શા માટે એ બધાંનાં જુદાં જુદાં નામો આપેલાં હોય? એવો સવાલ આગલે દિવસે બુદ્ધિશાળી સારિકાએ ઉઠાવેલો. એનો જ જવાબ, ઘરડા માસ્તર આંખો પહોળી કરી, હાથના હાવભાવ સાથે, ‘સમજી ને? સમજી ને?’ કહી આપી રહ્યા હતા, પણ બાળકીનું મન તો પે…લા ઢગલાની માટીમાં ખૂંપી ગયું હતું. તે માત્ર ભાવભરી આંખે, કદીક માસ્તર સામે, તો ફરી ઢગલા સામે જોતી હતી.
‘સારું ત્યારે, હવે તું સમજી ને? લે, દાખલા ગણી કાઢ જોઉં!’ માસ્તરનું એ વાક્ય પૂરું થતાં જ સારિકા અધીરાઈથી પૂછી બેઠી.
‘સાહેબ, પેલા ઢગલાની રેતીમાં ટેકરા બનાવવાની, ખાડામાં પાણી ભરવાની કેવી મજા પડે, નહિ?’
પ્રાણ પૂરીને, ગળું ફાડી ફાડીને દાખલા સમજાવતા ઘરડા માસ્તર એક ક્ષણ તો ડઘાઈ જ ગયા. ને તરત તેમના હાથમાંની, દાખલા ગણવા સારિકા તરફ લંબાવેલી સ્લેટ, અનાયાસ સારિકાના કપાળે મારી બેઠા…
‘ઓહ… લોહી… લોહી… લોહી. મેં શો ગુનો કર્યો હતો?’ સારિકાથી જરા મોટેથી બોલાઈ ગયું. નર્સ દોડી આવીને સારિકાનું માથું પંપાળવા લાગી.
‘બુખાર તો જ્યાદા નહિ હૈ. ક્યા બોલ રહી થી? સપના આયા થા ન? મૈં બૈઠી હૂં.’ સારિકા મૂંગી સૂઈ રહી.
‘હા… આ તો હૉસ્પિટલ છે. હું તો મોટા ંઘરની દીકરી ને મોટા ઘરની વહુ છું ને? પણ પણ… મારા લગ્નમાં શરણાઈયે ન વાગી, જમણ ન થયાં… જાનેય ન નીકળી… અરે ભલા એવું તે હોય? પ્રતિષ્ઠિત જમીનદારની હું દીકરી, ને શહેરના પ્રતિષ્ઠિત અને ધનવૈભવવાળા ઘરમાં મને વળાવે… ને વાજાંય ન વાગે? હા, પણ તે સાંજે કેટકેટલાં શહેરનાં કુટુંબો ઊમટેલાં? અને એ ભવ્ય સમારંભ એક સાંજની મિજલસમાં જ ઊકલી ગયો. મા-બાપે પણ ખુદ આવાં લગ્ન નહિ વિચાર્યાં હોય. પણ.. પરદેશ જઈ આવેલા મુરતિયાની સુધરેલી ઢબને કેમ ઉવેખાય? સુધારો? હા…. ફક્ત આટલો જ ને? આપમેળે બીજી ન્યાતમાં લગ્ન તો ન થાય. આ તો પોતે અને માબાપને બેયના સંતોષની વાત હતી ને? ને…
વળી ગામડાનાં માબાપને ગર્વ લેવા જેવું ખાનદાન હાથમાંથી કેમ જવા દેવાય? અને… સૂમસામ લગ્ન… ચૂપચાપ લગ્ન… હૃદયને ચંચળ બનાવી દે, ઉત્સાહથી છલછલ બનાવી દે એવી કોઈ ધમાલ વગરનાં લગ્ન… ને હું પરણેલી… પત્ની… બેટર હાફ… બની.
શૂન્યતા… બધું મરજીવિરુદ્ધ…
‘દવાઈ પી લો.’
‘દવાઈ પી લો.’
‘કોણ… ઢંઢોળે છે? નર્સ? નહિ… નહિ… નથી પીવી… મને ઊંઘવા દે.’
‘ફિર વહી બાત? ડાક્ટરને ક્યા કહા થા, ભૂલ ગઈ? ચલો ઊઠો, આપકી માતાજી કો બુલાઉં?’
‘ડૉક્ટર… માતાજી… ઓહ, મને ધમકી આપે છે આ? માતાજી દવા પિવડાવી દેશે એમ ને? પીવી જ પડશે? પી જ જવાની ને?’
બધું મરજી… શૂન્યતા…
‘મા, મા, પપ્પાને કહો ને, મારે સાયન્સની લાઇન નથી લેવી. મને એમાં રસ નથી.’
‘સુરિ!’ માએ આંખ કાઢી,
‘તને તારા પપ્પાના સ્વભાવની ખબર નથી? વળી આપણા જેવા સાયન્સ ન લે તો શું પેલા માસ્તરની છોડીની જેમ આર્ટ્સ લેશે?’
‘મારાથી વાઢકાપ નહિ થાય મા.’
‘હા, તે તારે ક્યાં લાંબું ભણવાનું ને મહેતી થવાનું છે?’ શૂન્યતા… મહેતી… ડૉક્ટર… મહેતી… ડૉક્ટર…
‘ડૉક્ટરને ક્યા કહા થા…?’ નર્સનું વાક્ય ગોળ ચક્કર ફરી રહ્યું જાણે અને…
‘મા, મારે નથી પરણવું, હું તો ડૉક્ટર થઈશ.’
‘પહેલાં તો વાઢકાપને નામે મોં મચકોડતી’તી. ને હવે…! છે જ અવળચંડી, પરણીને ભણજે ભણવું હોય તો! આવું ખાનદાન કંઈ જવા દેવાશે? કેવડા મોટા શહેરમાં સાસરું, ને કેવો ભણલો-ગણેલો યુરોપિયન જેવો મુરતિયો!’
‘પણ… મા! ઉતાવળ શું છે? એય ભણવા પરદેશ ગયો જ હતો ને? હુંય ભણી લઉં પછી…’
‘ત્યાં સુધી એ તારે માટે વાટ જુએ એમ ને? લગનની વાતમાં તું મોઢે ચડીને બોલતાં શરમાતી નથી?’
‘પણ લગ્ન તો…’
‘ચૂપ – બેસ છાની…’
ડૉક્ટર… મહેતી… લગ્ન… શૂન્યતા…!
ચૂપચાપ લગ્ન… વર ઘોડે ન ચડ્યો. શણગારેલી મોટરમાં ન બેઠો. વાજાં ન વાગ્યાં. હસ્તમેળાપ… મહારાજના મંત્રો… અગ્નિની સાક્ષી… લગ્નની વેદી… ચાર ફેરા… ચૉરી…
‘છટ્ નોન્સેન્સ!’ જમાઈરાજની સિગારેટના ધુમાડાનાં ગૂંચળાં સારિકાની આસપાસ વીંટળાઈ વળ્યાં.
ધુમાડા જ માત્ર… ગૂંચળાં જ માત્ર… પણ એ ધુમાડાનો કાઢનારપોતે જ ધુમાડો બની ગયો. રહ્યાં માત્ર… આ ખબર જોવા આવનાર સગાંસ્નેહીઓ સાસુજી પાસે…
સારિકા એ તરફ પ્રયત્નપૂર્વક આંખ અને કાન માંડી રહી.
‘કેમ છે હવે સારિકાભાભીને?’
‘એમનું એમ જ.’
‘કેમ? ડૉક્ટર શું કહે છે?’
‘શું કહે વળી? તાવ ઊતરચડ કરે છે, અશક્તિ ખૂબ છે, મગજ નબળું પડતું જાય છે, લવારા વધતા જ જાય છે.’
એ અવાજ છેક પાસે આવ્યો.
‘કેમ સારિકાભાભી, કેમ છે હવે? ઓળખાણ પડે છે?’ સારિકાએ ઊંડા પાણીમાં ડૂબકી મારી… કૂંડાળાં કૂંડાળાં કૂંડાળાં… નાનાંમોટાં કૂંડાળાં… હવે તો ખૂબ નાનાં… અને… અને આ તો હવે બે જ કૂંડાળાં દેખાય છે… આ તો મધુકરભાઈના ચશ્માં… ત્યારે મંજુલા ને મધુકર આવ્યાં છે એમ?
સારિકાએ પરિચયનું સ્મિત ન કર્યું ત્યાં… ફરી અવાજ:
‘સ્વીટીને ઓળખો છો ને? સ્વીટી, આન્ટીને નમસ્તે કરો… કરો બબ્બુ… નહિ… માને? મમ્મી ને આન્ટી પ્યાર નહિ કરે તને હં! કરો… કરો… હાં એમ નમસ્તે… ગૂડ ગર્લ… જુઓ… જુઓ સારિકાભાભી, તમને નમસ્તે કરે છે…’
સારિકાએ હોઠ ફફડાવ્યા. મહાપ્રયત્ને બોલી નાખ્યું,
‘મરજી વિરુદ્ધ?’
‘એ શું કહે છે નર્સ? કમળાબહેન, જુઓ તો?’
‘લવારા, બીજું શું?’
લવારા… શૂન્યતા…! સારિકાએ આંખો બંધ કરી દીધી.
‘ખોટા લવારા ન કર. પેલું ગીતાબેને શિખવાડ્યું છે તે સુલુમાસીને નાચીને ગાઈ સંભળાવ તો!’ માએ છાની રીતે આંખ કાઢી સારિકાના હાથને ઝાટકો માર્યો.
‘ડચ્… ભૂખ લાગી છે.’
‘ભૂખ શેની લાગે? કહ્યું ન માને, એને ખાવા ન મળે, ચલ ઊઠ! ઊભી થા, ઊઠ જલદી! હાં… એમ… શરૂ કર… બરાબર…’
નાનકડી સારિકાએ રડતે અવાજે, ઢીલા ઢાલી હાથના ચાળા સાથે શરૂ કર્યું…
‘હું તો છાણા… વીણવા… ગૈ’તી રે મા
મને… મને…, વીંછીડે ચટકારી રે મા
હંબો હંબો…’
નથી ગાવું મારે! બાળકીએ મરજી વિરુદ્ધ થોડુંય ગાયું, ને નાસી ગઈ…
‘એવી જિદ્દી છે ને? આમ તો અમથા લવારા કર્યા કરે, પણ જીદે ચડે તો આવું જ. એના પપ્પાનો ડારો ખરેખરો હોં. આજે રાતે ફરી ઠીક કરાવીશ. આ આટલુંય કહ્યામાં રહી છે ને એના પપ્પાને લીધેસ્તો…!’
શૂન્યતા…
‘પણ ન ગાવું હોય, ન નાચવું હોય, તો?’
‘ડાન્સિંગ ક્લબમાં જોડાવું જ પડશે.’
‘પણ… મને… મને જાહેરમાં એવું નાચતાં નહિ આવડે.’
‘નહિ આવડે એટલે જ શીખવાનું ને? દોસ્તો, મિત્રો સાથે પાર્ટીઓ અને ક્લબોમાં જઈએ ને આ બધું ન આવડે તો મારો મોભો શું? તારે મારી રીતે ટ્રેઇન્ડ થઈ જ જવું જોઈએ.’
‘પણ હું ક્લબમાં ન આવું તો?’
‘એમ ચાલે જ નહિ. મિસ્ટર અને મિસ્સ સાથે જ હોવાં જોઈએ… બધું આવડવું જ જોઈએ. એક વાર શીખી જાય, એટલે શરમસંકોચ ખલાસ જ સમજ, ચાલ… ચાલ… ઊઠ! આમ મારી વાઇફ અણઘડ હોય તો હું ન જ ચલાવી લઉં. યુ મસ્ટ.’
ડાન્સરે લાકડી ઉઠાવી તાલ, રીધમ માટે…
‘યસ… કમેલોંગ… હિયર યુ આર.’ એની લાકડી સાથે મિસ્ટર અને મિસિસ તાલે તાલે, ‘સ્લો… સ્લો… સ્લો ક્વિક! સ્લો સ્લો સ્લો ક્વિક! વન ટુ થ્રી ફોર…’
‘મારવેલસ! સુપર્બ! વેરી સ્માર્ટ!’ એકદમ જોરમાં આવી સારિકાએ બેત્રણ તાળીઓ પાડી દીધી અને બોલી…
હુપ… હુપ… વાંદરાં!
શૂન્યતા…!
રસ્તા પર આદરી ડુગડુગી વગાડતો હતો. નાની સારિકા છોકરાના ટોળા સાથે એ ખેલ જોઈ રહી હતી.
‘ભગાભાઈ ને રતનબાઈ! નાચો… નાચો… મેરે રાજા રાની!’ …ડુગ ડુગ ડુગ ડુગ…
નાની વાંદરી રતનબાઈ કંઈક ખાવામાં પડી ગઈ, તેને મદારીએ લાકડી મારી, ‘ચલ ઊઠ, રતનબાઈ નાચે તો ભગાભાઈ નાચે.’ ડગાક ડુગ ડુગ ડુગ… તોય વાંદરી ન ઊઠી.
‘નહિ ઊઠતી? સબ માલિક લોક ક્યા કહેંગે? હમારા પેટ કૈસે ભરેગા? ચલો… માન જાઓ…’ ડુગ ડુગ ડુગ ડુગાક!
મદારી લાકડી હલાવવા લાગ્યો. ડુગડુગિયાના તાલે તાલે ભગાભાઈ ને રતનબાઈ ખભે હાથ મૂકી નાચ્યાં.
‘સબ લોક તાલી બજાઓ, બૂઢે, બચ્ચે, જવાન, બડે બડે માંઈ સા’બ, તાલી બજાઓ, પલે હુએ જાનવર કા ખેલ દેખો, રંગરેજી નાચ દેખો. બાબુસા’બ ઔર મેમસા’બ નાચે.’ ‘ડુગ ડુગ ડુગ ડુગાક…!’
છોકરાઓનું ટોળું હર્ષના પોકાર કરી ઊઠ્યું. એકસામટા અવાજો, ‘વાંદરા વાંદરા હુપ્ હુપ્.’ દોડતાં છોકરાંઓના અવાજ પાછળ કૂતરાં ભસી ઊઠ્યાં.
‘વાંદરા વાંદરા… હુપ… સુપર્બ મારવેલસ.’
‘શું છે સારિકાભાભી? વાંદરાં ને સુપર્બ ને મારવેલસ! શું છે બધું?’ બૉબ્ડ હેર ઝુલાવતી નણંદ સારિકાને ઢંઢોળી રહી.
‘ઓહ, સુધાબહેન, આટલાં બધાં કૂતરાં કેમ ભસે છે?’
‘કૂતરાં નથી, આ તો આપણો ટોમી છે, બોલાવું એને? ટોમી… ટોમી… ટોમી… કમોન?’
પૂંછડી પટપટાવતો કૂતરો સુધાના પગ પાસે આવી ઊભો. પ્રેમથી સુધા એને પંપાળી રહી.
‘ભાભી! જુઓ તો, ટોમી કેવડો મોટો થઈ ગયો? હવે એનું નામ ટાયગર પાડવું પડશે હં! બુચ્ બુચ્. બુચ્ ટાયગર શેકહૅન્ડ! યસ ડાર્લિંગ, હિયર યુ આર.’ સુધાની ગોદમાં લપાતો ટોમી ઊંચો થઈ છેક સારિકાના મોં આગળ ઝૂકી રહ્યો.
શૂન્યતા…
બોબ્ડ હેર… ગોદમાં લપાતો ટાયગર કોનું નામ એ…? ડાર્લિંગ! કોનો ઉચ્ચાર એ?
માથેરાનની હોટલમાં મોટી રાતે, મિસિસ તારાપુરવાલા ટાયગર સાથે ગેલ કરતી, વરંડામાં આરામખુરશીમાં બેઠી હતી.
‘કાલે રાઇડિંગ માટે જવું છે ને? ચાલો વહેલાં સૂઈ જઈએ.’ સારિકાનો હાથ પોતાના હાથમાં લઈ પતિએ ‘ગુડ નાઇટ’ શબ્દોની આપ-લે કરી. થાકેલી સારિકા પથારીમાં પડતાં જ ઊંઘી ગઈ. પણ …મોડી રાતે…
‘હાઉ લકી ઇઝ યોર ટાયગર?’ પતિનો બહાર અવાજ સાંભળ્યો.
‘વાય ડા…ર્લિંગ?’ મિસિલ તારાપુરવાલાના લાડભર્યા શબ્દો પછીનો બચકાર સાંભળતાં જ સારિકા દબાતે પગલે લૉબીમાં ધસી ગઈ. એ શીતળ ચાંદનીમાં એના પતિની છાતી પર માથું મૂકી મિસિસ તારાપુરવાલા ગેલ કરી રહી હતી.
‘જુઓ, એવું ના બોલો, લેટ મી સે, હાઉ લકી ઇઝ યોર વાઇફ?’
મિસિસ તારાપુરવાલાના હૃદય પર માથું મૂકી, પતિએ સ્વર્ગીય સુખનો લહાવો લેતાં આંખો મીંચી દીધી. બંનેની પ્રમત્તાવસ્થાામં ભંગ પાડતી સારિકા લગોલગ આવી ઊભી રહી. બંનેએ તેને જોઈ. કોઈ ન ગભરાયું. પણ… એક વાર કંઈ નહોતું, છતાં પોતે શરમથી મરી ગઈ હતી. પતિ તરફના શંકાના ઇશારા માત્રથી પોતે અર્ધમૂરત થઈ ગઈ હતી.
‘બા કહેતાં’તાં, મનીષ આવ્યો હતો, બહુ વાર બેઠો હતો.’
હા, સારિકાના ઓરડામાં મનીષ બહુ વાર બેઠો હતે, પણ એમ તો અનેક સ્ત્રી-પુરુષ મિત્રો આવતાં જ ને? ક્યાં બાધ હતો અહીં?
‘હા, સિનેમાની ટિકિટ કઢાવી લાવ્યા હતા. તમારી રાહ જોતા બહુ વાર બેસી રહ્યા. આખરે કોઈ જ ન ગયું ને ટિકિટોય બગડી.’ સારિકા બીતાં બીતાં થોડું હસી.
‘પણ તમારે બેએ જઈ આવવું હતું ને? મારી શું જરૂર હતી અહીં બેસી રહ્યાં, તે ત્યાં બેસવું હતું, સમજી? ઘરમાં, આંખે ચડવાની શી જરૂર હતી?’
‘પણ તમે…’
સારિકાની વાત ન સાંભળતાં, એનો ખભો થાબડી પતિએ વાત વાળી લીધી. સારિકા વિચારી રહી : મશ્કરી હશે? કે ‘એ તો એ જ ચાલે’નો ઇશારો હશે? પણ એનો ખરો અર્થ તો સારિકાને માથેરાનમાં મોડી રાતે જ સમજાયો. તેની હાજરીથી કોઈ હાંફળું-ફાંફળું ન થયું, કોઈ ન મૂંઝાયું. જડવત્ ઊભી રહેલી સારિકાને બહુ જ સહજ રીતે પતિએ પૂછ્યું,
‘ઊંઘ ન આવી?’
મિસિસ તારાપુરવાલાએ પોતાની ખુરશી સંભાળીને એ જ સ્વસ્થતાથી કહ્યું,
‘હૅવ યોર સીટ મિસિસ શાહ!’ અને તરત જ ‘ટાયગર ટાયગર કમોન!’ મિસિસ તારાપુરવાલાની ગોદમાં હવે પોતાના પતિને બદલે ટાયગર ખેલતો હતો, એના વાળમાં આંગળાં ફરતાં હતાં… ટાયગર ટાયગર…
‘સારિકાભાભી, આ ટોમી કેવો સમજુ છે, નહિ? જાણે ખબર જોવા આવ્યો હોય એમ કેવો ઝૂકી રહ્યો છે? બોલાતું નથી એટલું જ. બાકી લાગણી તો કેવી એની આંખમાં દેખાય છે?’ સુધાના શબ્દો સાંભળી રહેલી સારિકાના મનમાં નાનાંમોટાં કૂતરાં ઘૂમરીઓ લેવા લાગ્યાં.
‘ટોમી… ટાયગર… કુરકુરિયું… બરાબર છે. આ તો નાનું કુરકુરિયું, એક દિવસનું કુરકુરિયું છાતી પર ચડી બેઠું…’ બબડતી સારિકા શાંત થઈ ગઈ.
શૂન્યતા…
‘તારે જો ગોદ ભરવાની કે વાત્સલ્ય ઠાલવવાની ઉતાવળ જ હોય તો આ કુરકુરિયું શું ખોટું છે?’
‘નહિ, નહિ, નહિ, ભગવાનને ખાતર હું તારે પગે પડું છું. ઓહ, મને એનાથી વંચિત ન કરો. થઈ ગયું એ ભલે રહ્યું. એવી હત્યા ન કરશો. આ એક બાળક ભલે થઈ જાય. પછી કદી નહિ…’
‘અરે માબાપ બનવા માટે તો આખી જિંદગી પડી છે. અત્યારે તો ફ્રી લાઇફ, ક્લબ લાઇફ, રિસેપ્શન, ડિનર, હરવુંફરવું – બસ આ જ હોવું જોઈએ. હજી લગ્નને માંડ એક વર્ષ થયું, આવતે અઠવાડિયે તો આપણી લગ્નતિથિ ઊજવવાની ધામધૂમ ચાલે છે! વૉટ રૉટ યુ ટૉક?’
ખાલી ગોદમાં કુરકુરિયું રમી રહ્યું. ખોળો ખૂંદતું, શેકહૅન્ડ કરતું, પગ ચાટતું, પૂંછડી પટપટાવતું, એ જ કુરકુરિયું મોટરમાં, પાર્ટીઓમાં, ક્લબોમાં, સમારંભોમાં, હરવાફરવાને સ્થળે સાથેનું સાથે જ રહ્યું, ટોમી ડાર્લિંગને કેવું જતન, કેવી સરભરા! ને આજે ‘કેવું જબરું છે, ટાયગર નામ પાડવું પડશે.’ એ જ, બાળકના કરતાંય વધુ જતન પામતું કુરકુરિયું…
‘ઓહ… ઓહ, આ કુરકુરિયું મોટું ને મોટું થતું ચાલ્યું. મારે માથે, ગાલે, હાથે… ઓહ કેવી ખરબચડી જીભ ફેરવી રહ્યું છે… ચક્કર આવે છે મને… જાણે ચકડોળનાં ચક્કર… ઊંચે ચકડોળમાંથી નીચે જોતાં કેવાં ચક્કર આવે? પણ… પણ… આ તો માથેરાન… પેનોરમા પૉઇન્ટની ઊંચાઈ. બાપ રે, કેટલું ઊંચું? અને ચારે બાજુ ખીણ, ખીણ, ખીણ. કેવી સાંકડી પગદંડી! ઘોડાનો પગ લપસી જાય તો? અરે… અરે… આ ઘોડો, રાઇડિંગ મને નહિ ફાવે…’
શૂન્યતા…
તબડાક્ તબડાક્… ઓહ, મારાં હાડકાં ખોખરાં થઈ જાય છે. મને નહિ ફાવે… આ મને ક્યાં લઈ જાય છે? હું એકલી પડી ગઈ. બધાં ક્યાં ગયાં?
‘મિસ્ટર તારાપુરવાલા, કેટલું અંધારું? આ મંકી પૉઇન્ટ કેવો નિર્જન છે! પણ… એ લોકો ક્યાં ગયાં? કેમ દેખાતાં નથી? દૂર તાકતી સારિકાના ખભા પાસે ‘મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગ ડાર્લિંગ…’ મિસ્ટર તારાપુરવાલાનો ઝેરી શ્વાસ આખા વાતાવરણને આવરી રહ્યો.
‘ઓહ, હટાવો, હટાવો, આ કૂતરો જીભ કાઢીને હાંફી રહ્યો છે. મારી છાતી પર… ઓહ સુધાબહેન… બચાવો… બચાવો… ખાટલો અધ્ધર કેમ થઈ ગયો? નાસી જાઉં? મૂઠીઓ વાળી દોડી જાઉં? અરે, મને બચાવનાર બધાં ક્યાં ગયાં? કોણ બચાવે? કોને દયા છે?’ લાચાર સારિકાના અવાજ સાથે ડૂસકું સાંભળી સુધા ગભરાઈ ગઈ.
‘નર્સ… નર્સ… ડૉક્ટર, દેખો તો જરા.’
‘ક્યા હુઆ, ક્યા હુઆ, આપ ક્યું રોતી હો! ક્યા કુછ તકલીફ હૈ? રોના નહિ ચાહિયે, રોને સે તો…’
‘આ નર્સ શું કહે છે? હું રડું છું એમ? મારી આંખમાં આંસુ છે?… તો તે દિવસે આ ખજાનો ક્યાં લૂંટાઈ ગયો હતો? જે દિવસે પરમ દુર્ભાગ્ય, સ્ત્રીની ખરાબમાં ખરાબ દશા-વૈધવ્ય મેં પ્રાપ્ત કર્યાં… તે દિવસે એક આંસુય ખોળી ખોળીને થાકી. પરિણામે ખૂણામાં બેઠી. અને ગુસપુસ વાતો સહી રહી.
‘ગાંડી લાગે છે.’
‘ના, ના, એ તો દુઃખથી ડઘાઈ ગઈ લાગે છે.’
‘અરે દુઃખ લાગે તો રડેય નહિ? એ તો સ્ત્રી છે કે પથ્થર?’
‘આની આંખ તો સાવ કોરી છે.’
કેટલાં સગાંસંબંધીઓ તે સાંજે સાસુજી પાસે ધસી આવ્યાં હતાં! સાસુથી દૂર સારિકા, શણગાર વગર, શોભા વગર; સફેદ સાડીમાં ટૂંટિયું વાળી, શૂન્ય નજરે આવ-જાવ જોઈ રહી હતી. મૃત્યુની ગૂઢ શાંતિ હતી. ઘરમાં યુવાન મરણ થયું હતું. જેમ લગ્નની ધમાલ નહોતી, તેમ મરણનીય ધમાલ નહોતી. એ જ સગાંસંબંધીઓ, એ જ ધસારો, એ જ આવ-જા! મુખ ગંભીર હતાં. સગાંસંબંધીઓ આવી આવીને હાજરી નોંધાવી જતાં હતાં. સુધરેલાંને રડવાનાંય બંધન? મા મોં ખોલી હૈયાફાટ રડીય ન શકે? માની આંખો છાનું રડીને સૂજી ગઈ, પણ સારિકાની આંખોમાં આંસુનો જ દુકાળ પડ્યો હતો.
‘માંદગી અને મૃત્યુ સરખું કેમ લાગે છે?’
સારિકા તો હજી પતિના મૃત્યુને સાચુંય માની શકતી નહોતી, કારણ કે પતિની માંદગીના સમાચારે દૂર દૂરથી સગાંવહાલાંઓ આવીને બંગલે ઉતારો કરવા માંડ્યાં. અને બધાંની સરભરામાં, કોઈ માઠા પ્રસંગની એ આવજા છે એવો કોઈ આઘાત અનુભવવાનીય સારિકાને ફુરસદ મળી નહોતી.
ડૉક્ટરની આવજા, ઇંજેક્શનોની તૈયારીઓ, ટેલિફોનની તડામાર, મહારાજને જમવા માટેની જુદી જુદી સૂચનાઓ, મહેમાનોની સગવડ માટેની દોડાદોડી, આ બધું કરતાં તો સારિકા થાકીને લોથ થઈ જતી, માંદો પતિ કયા ઓરડામાં સૂતો છે, તેને શું થયું છે, પોતાના જરૂર ત્યાં છે કે નહિ, પોતાના ભાગ્યને એ માંદગી સાથે સંબંધ છે કે નહિ… તેનાં વિચાર કે ચિંતા સુધ્ધાં કરવાની ફુરસદ એને કોઈએ આપી નહિ.
પણ… કોઈએ પ્રાણપોક મૂકી નહિ, કોઈ બેભાન થઈ આઘાતથી ઢળી પડ્યું નહિ, આવેલા મહેમાનોમાંથી કોઈ વિદાય માટે ચસક્યુંય નહિ. ઊલટો વધારો થયો. આવજા વધી ગઈ. વાતાવરણની ગંભીરતા, નિઃશબ્દતા વધી રહી.
સારિકાને શણગાર વગરની, છૂટા વાળે અને સફેદ સાડીમાં આગળના મોટા હૉલમાં સાસુ પાસે બેસાડવામાં આવી. ત્યારે જ એને પ્રસંગની ગંભીરતા સમજાઈ. સૂનમૂન સારિકા માત્ર આવજાના ધીરા પગરવ સાંભળ્યા કરતી. આવનારાઓ પાંચ પાંચ મિનિટ બેસીને હાજરી નોંધાવી જતા હતા. ચંપલ પહેરતી વખતે ગુસપુસ વાતો સારિકાને કાને અથડાઈ પડતી.
‘આ તે સ્ત્રી કે પથ્થર? સાસુની તો આંખો ફૂલી ગઈ છે ને આ કોરી આંખે ટીકીટીકીને બધાંને જોઈ જ રહી છે.’
આવું આવું સાંભળતી સારિકાને થયું: ‘રડવું જોઈએ, રડવું જોઈએ. મારે માટે ખૂબ ખૂબ રડવાનો દિવસ આવી પહોંચ્યો છે. એ ગયા…! જેની ઇચ્છાઓ, આનંદો માટે મેં મારી લાચારીઓ જડ બનાવી દીધી, જેને ઇશારે હું આજ દિવસ સુધી નાચી, એ રંગભૂમિનો સૂત્રધાર આજે નથી. આજે તો છે, આવડું મોટું ઘર, એમાંનાં સગાંસંબંધીઓ, નોકરચાકર, સગવડો… અને ધુમાડાની સેર જેવી ક્યાંક ક્યાંક અનુભવી શકાતી પતિ પાછળની મૃત્યુની એ શાંતિ — ભયાનક શાંતિ.
‘મૃત્યુ — મૃત્યુ — વૈધવ્ય… અરે આવડું દુઃખ, આવડું મોટું દુર્ભાગ્ય, છતાં આંખો સૂકીલૂખી ધરતી જેવી વેરાન કેમ બની છે? મારે રડવું છે… બીજાંને ખાતરેય રડવું છે. આજદિન સુધી બીજાંને ખાતર મેં બધું કર્યું, અને આજે રડી ન શકું? આંસુ… આંસુ… આંસુઓ મને દગો દેશે…?’
અને સારિકા બેભાન થતાં નીચે ઢળી પડી. લોકોએ કહ્યું, ‘ગાંડી છે, મગજ નબળું પડી ગયું… ડૉક્ટર, હૉસ્પિટલ…’ અને ત્રણ દિવસે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે હૉસ્પિટલના સ્પેશિયલ વૉર્ડમાં હતી. બે માસથી ડૉક્ટરોને મુખે પોતાના રોગનાં જુદાં જુદાં નામો સાંભળતી, લાચારીથી ખાટલે પડી રહી હતી. તબિયત વધુ ને વધુ બગડતી હતી. બ્લડપ્રેશર, હિસ્ટીરિયા, એમ્નેશિયા, અને ક્યારેક ક્યારેક ગાંડપણ, સનેપાત કે લવારા જેવું…!
‘નર્સ… નર્સ… હું રડું છું? મારી આંખોમાં આંસુ છે? સાસુજીને બોલાવ… પેલા મહેમાનોને બોલાવ. નહિ, નહિ, નર્સ, તું મારી આંખો ન લૂછ. મહામહેનતે મને આંસુ મળ્યાં… કોઈ કિંમતે હું તને મારાં આંસુ નહિ આપું. જા, જલદી જા… દોડ, હું રડું છું… હા… આંસુ… આંસુ…’
‘આયા… નર્સ… ડૉક્ટર… દરદીને દંગા મચાયા. ચલો જલદી કરો. પલંગકા પીંજરા ડાલ દો. બંધ કર દો!’
સારિકાની બૂમો અને ધમપછાડાને લીધે તેના પલંગની ચારે બાજુ પાંજરું પડી ગયું. આ પાંજરામાં સારિકાનાં શરીર અને પ્રાણ ફફડી રહ્યાં.
(પ્રેમ ઘટા ઝૂક આઈ, ૧૯૫૮)