લાલ ચીંદરડી

નાનપણમાં જગમોહન ખૂબ તોફાની હતો. તમે કહેશો, નાનપણમાં તો બધાં છોકરાં તોફાની હોય. સાચી વાત. પણ જગમોહન તો બધાંથી ચઢી જાય એવો હતો. તેનાં તોફાનને હદ નહોતી. ઘરમાં તે દાદાજીની તપખીરની દાબડી સંતાડતો, બાપુજીનાં ચશ્માં ભાંગતો અને બાની મોંઘી સાડી ફાડી નાખતો. ઘરના માણસો તેનાથી કંટાળતાં એટલે તેને શેરીમાં મોકલી દેતાં, પણ શેરીમાંય તે બધાંને ત્રાહિ ત્રાહિ પોકરાવતો. અરે! માણસો તો શું, પશુપંખીનેય હેરાન કરવામાં તે બાકી રાખતો નહિ. પડોશીની ‘પુસી’ની તે પૂંછડી આમળતો ને ‘ડાઘિયા’નો કાન પકડી તેને લાત મારતો. એક વખત તો તેણે એક કબૂતરને પણ આબાદ સપડાવેલું.

બન્યું એવું કે એક વખત રમતાં રમતાં તેની નજર એક ભૂખરા કબૂતર પર પડી. કબૂતરનું ધ્યાન બીજે કશે હતું. જગમોહને દોડી તેને પકડી લીધું. કબૂતર બિચારું છૂટવાને ફાંફાં મારવા લાગ્યું. જગમોહને તેને વધુ વખત પકડી ન રાખતાં લાલ રંગના કપડાની એક ચીંદરડી લઈ, તે કબૂતરને પગે બાંધી તેને છોડી મૂક્યું.

પણ એટલી એ ચીંદરડીએ જગમોહનના ધાર્યા કરતાં કબૂતરને ઘણું વધારે હેરાન કર્યું, ત્યાર પછી જ્યાં જ્યાં એ કબૂતર જતું ત્યાં ત્યાં તે એકલું પડી જતું. તેને આવતું જોઈ બીજાં બધાં કબૂતરો ઊડી જતાં. પેલા કબૂતરને પગે બાંધેલી લાલ ચીંદરડી એમને એટલી ભયપ્રેરક હતી, કે કોઈ એનો સંગ કરવા તૈયાર ન હતું. તે બિચારું આખો દિવસ એક છાપરા પર એકલું બેસી રહેતું. જગમોહન આ જોતો અને પોતાની યુક્તિ પાર પડ્યાના આનંદથી ખડખડાટ હસતો.

પણ આ તો બધી જગમોહનના બાળપણની વાતો, ત્યાર પછી તો કેટલાંય વર્ષો વીતી ગયાં. જગમોહન બાળક મટી યુવાન બન્યો. મેટ્રિક થઈ તેણે એક બૅન્કમાં કારણની નોકરી લઈ લીધી ને કેટલાંય વર્ષોને અંતે કેશિયર બન્યો. પગાર ઘણો ઓછો હતોપણ એટલામાં તે પોતાની પત્ની તથા નાનકડા પુત્રનું અને પક્ષાઘાતથી પીડાતી ઘરડી માનું પૂરું કરી શકતો.

આખીય નોકરી દરમિયાન એણે પ્રામાણિકતાનો ખૂબ આગ્રહ રાખ્યો હતો, એટલે મૅનેજર સુધ્ધાં તેને માનથી બોલાવતા. પટાવાળાઓ તો તેને સાહેબ જ કહેતા. બહાર પણ તેની પ્રામાણિકતાની એટલા સારી છાપ પડેલી, કે મિત્રોમાં અને ન્યાતમાં પણ એને સારું સ્થાન મળ્યું હતું.

એવા એ જગમોહનના ઘરમાં એક વખત માંદગી આવી. માની પક્ષાઘાતની દવા તો કાયમ ચાલુ હતી. સાથે તેની સ્ત્રી શાંતા ટાઇફૉઈડમાં પટકાઈ પડી. પંદર દિવસ થયા તોય તાવ ન ઊતર્યો. રોજ ડૉક્ટર આવતો અને જતી વેળા દસની એક નોટ ખીસામાં મૂકતો જતો. ઉપરાંત દવા, બરફ, મોસંબી વગેરેનું ખર્ચ તો જુદું. ટૂંકા પગારમાંથી જગમોહન ઝાઝું બચાવી શક્યો ન હતો. પંદર દિવસમાં તેની બધી બચત ખલાસ થઈ ગઈ.

પંદર દિવસ તો ગયા, પણ હવે શું? માંદગીનો ખર્ચ ઘટવાને બદલે વધતો જતો હતો. અનાજ પણ ખલાસ થવા આવ્યું હતું. કોઈ રાંધનાર કે બીજી કશી મદદ કરનાર પણ નહોતું. બે સ્ત્રીઓ બિછાને પડી હતી અને પુત્ર સાવ નાનો હતો. એટલે જગમોહનને આખો દિવસ કામ કરવું પડતું. એ કામ અને પૈસાની ચિંતા — બે ભેગાં થયાં એટલે તેના મગજ પર ખૂબ ભાર રહેવા લાગ્યો.

સોળમે દિવસે જગમોહને હિસાબ કરી જોયો. ઓછામાં ઓછા પાંચસો રૂપિયા તેને મળવા જોઈએ. તો જ શાંતા બચે. પણ મેળવવા ક્યાંથી? તેણે પૈસા મેળવવાના બધા રસ્તા વિચારી જોયા, પણ એકેય માર્ગ ન મળ્યો. ગીરો મૂકી પૈસા લેવા જેવી તેની પાસે એકે વસ્તુ ન હતી. કોઈની પાસેથી ઉધાર લેવા? છટ્! એમાં તો એનું અભિમાન ઘવાતું હતું. પોતે કોઈની પાસે ભીખ માગવા જાય? કદી ના બને. વળી અધૂરામાં પૂરું પગાર આવવાનેય દસ દિવસની વાર હતી

પગાર? તેના મગજમાં એક નવો વિચાર આવ્યો. પગાર તો માત્ર નેવું રૂપિયા હતો. એટલામાં કાંઈ વલે એમ નહોતું, પણ બૅન્કમાંથી જ પૈસા લીધા હોય તો? દરરોજ તેના હાથમાંથી હજારો રૂપિયા પસાર થયા એમાંથી થોડા પોતે લઈ લે તો કોને ખબર પડવાની હતી?

તેના મગજમાં આ વિચાર આવતાં તે ચમકી ઊઠ્યો. તેના જેવો પ્રામાણિક માણસ પૈસા ઉચાપત કરે?… પણ પચી તેણે શાંત મને વિચાર કરવા માંડ્યો. પૈસા લીધા હોય તો એમાં ખોટું શું હતું? પોતે આટલાં વર્ષ બૅન્કની નોકરી કરી હતી. ખરું જોતાં તો ભીડ-અગવડને વખતે બૅન્કે જ સામે પડીને તેને આટલી રકમ આપવી જોઈએ. જો તેને પૈસા ન મળે તો શાંતાને બચાવવાની કોઈ આશા ન હતી. પૈસા લઈ લે તો કોઈ પૂછનાર નહોતું. વળી તે પૈસા થોડો જ લઈ લેવાનો હતો? બે-ત્રણ મહિને કકડે કકડે પાછા મૂકી દેવાશે. આમ પૈસા લેવામાં કશું ખોટું નહોતું. છતાં તેનું મન માનતું નહોતું. પોતે આટલાં વર્ષ પ્રામાણિક રહ્યો હતો. તેની સામે લાલચો નહોતી આવી એવું નહોતું, પણ દરેક વેળા તેની પ્રામાણિકતાએ એ લાલચો પર વિજય મેળવ્યો હતો. હવે વિશ્વાસઘાતી થવું? ના, ના…

આખી રાત જગમોહને વિમાસ્યા કર્યું. થોડી વાર તેનું મન પૈસા લઈ લેવા તરફ વળતું, તો થોડી વાર આજ સુધી ટકાવી રાખેલી પ્રામાણિક વૃત્તિ જોર કરતી. બીજે દિવસે પણ તેને સાંજ સુધી ચેન ન પડ્યું.

સાંજે જ્યારે તે બૅન્કમાંથી ઘેર આવ્યો, ત્યારે તેણે જોયું કે શાંતા નિશ્ચેતન થઈને પડી હતી. તેના મનમાં ફાળ પડી. તેના મગજમાં વિચાર ઝબકી ગયો. કદાચ શાંતા… તે તરત પથારી પાસે દોડી ગયો. શાંતા સાવ બેભાન થઈને પડી હતી. શ્વાસોચ્છ્‌વાસ ચાલતો હતો, પણ તે સાવ ધીમો. પરિસ્થિતિ ગંભીર તો હતી જ. તેણે તરત જ ડૉક્ટરને બોલાવ્યો.

ડૉક્ટરે આવીને શાંતાને તપાસી. પછી ચિંતાતુર દૃષ્ટિએ તાકી રહેલા જગમોહન તરફ ડોકું ધુણાવ્યું, જગમોહન કંપી ઊઠ્યો. તેણે ડૉક્ટરને પૂછ્યું: ‘કાંઈ જ આશા નથી?’

‘હું આથી વધુ કાંઈ નહિ કરી શકું.’ ડૉક્ટરે જવાબ આપ્યો. ‘તમે સિવિલ સર્જનને બોલાવો. કદાચ કારી ફાવે.’ ડૉક્ટર આવે પ્રસંગે ફી માગવાનો અવિવેક કર્યા વિના ચાલ્યો ગયો.

શાંતાની પથારી પાસે બેઠેલો જગમોહન શાંતાના મોં સામે તાકી રહ્યો. ઓહ! એ ચહેરા સાથે કેટકેટલી વાતો સંકળાયેલી હતી! વળી તેને ઘરની પરિસ્થિતિ યાદ આવી. ખાટલે પડેલી મા, નાનકડો પુત્ર અને… અને શાંતા જો મરી જાય…! પોતે શાંતાના શબને સ્મશાને લઈ જવાતું દેખી રહ્યો હોય એવો ભાસ થયો. તેણે પોતાની આંખો પર બે હાથની આંગળીઓ સખત રીતે દબાવી દીધી, પણ એથી તો ઊલટી અકળામણ વધી. તેણે હાથ ખેસવી ધીમેથી આંખો ખોલી. ના, હજી સુધી તો શાંતા જીવિત હતી. પણ એ ક્યાં સુધી? જો એ સિવિલ સર્જનને ન બોલાવી શકે તો પછી કઈ આશા બાકી હતી?

અને બીજે દિવસે તેણે બૅન્કમાંથી પાંચસો રૂપિયા લીધા.

પછી તો બબ્બે ડૉક્ટરોની વિઝિટો ચાલુ થઈ. બરફ વધુ ને વધુ ઘસાવા લાગ્યો. પહેલાં જેનો વિચાર પણ ન થઈ શકતો એ ઇન્જેક્શનો પણ અપાવા લાગ્યાં. શાંતા સારી થઈ જશે એમ લાગવા માંડ્યું.

પણ એટલામાં એક દિવસ જગમોહન પકડાઈ ગયો. તેને કોર્ટમાં ખડો કરવામાં આવ્યો અને તેના પર િવશ્વાસઘાતનો આરોપ મૂકવામાં આવ્યો. થોડાક દિવસ પછી મનમાં કંઈ કંઈ ચિંતાઓ ભરી જગમોહન જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો.

જેલમાં તેને એક વાર તેની માએ પાડોશના છોકરા પાસે લખાવેલું પત્તું મળ્યું. તેના ઉપરથી તેણે જાણ્યું કે શાંતા હવે સાજી થઈ ગઈ હતી અને હવે તે ઘરમાં હરીફરી શકતી હતી. આ પત્ર વાંચી તેના હૃદયમાં જરાક ટાઢક વળી. ત્યાર પછી તેને કશા સમાચાર મળ્યા નહિ. તેના પત્રોનો કોઈએ જવાબ ન વાળ્યો મુલાકાત માટેની તેની ઇચ્છા અધૂરી જ રહી.

એક વર્ષ પછી જ્યારે જગમોહને જેલની બહાર પગ મૂક્યો, ત્યારે તેના લાગ્યું કે દુનિયા બદલાઈ ગઈ છે. ગાડી-મોટરોની કતારો, લોકોની દોડધામ અને ભિખારીઓની બૂમો – બધું એનું એ જ હતું છતાં કશુંક બદલાયું હતું. શું તેની સમજ પડતી ન હતી.

મગજમાંથી આ વિચારોને ખંખેરી કાઢવાનો પ્રયાસ કરતાં તે આગળ વધ્યો. તેને હતું કે શાંતા પોતાના પુત્રને લઈને રાહ જોતી ઊભી હશે અને પોતે તેના હાથમાંથી પુત્રને લેવા જશે ત્યાં નાનપણનો ભેરુ રામુ આવીને તેના વાંસા પર ધબ્બો મારશે. પોતે પાછળ ફરીને તેને કહેશે: ‘ગાંડા! રસ્તા વચ્ચે આવું…’

…પણ જેલના દરવાજા આગળ કોઈ નહોતું. તેણે પાએક કલાક ત્યાં ઊભા રહી ઘર તરફ ચાલવા માંડ્યું.

ઘેર પહોંચી તેણે બારણાની સાંકળ ખખડાવી. શાંતાએ બારણું ખોલ્યું અને તેને જોઈ સહેજ પાછળ હઠી ગઈ, પછી બોલી: ‘આવો.’

‘કેમ છે તબિયત?’ જગમોહને પૂછ્યું.

‘સારી છે.’ શાંતાના જવાબમાં ઉમળકો નહોતો.

‘બા ક્યાં છે? બાબુ ક્યાં? બધાં સારાં છે ને? કેમ કોઈ દેખાતું નથી?’ જગમોહને મૂંઝવણમાં સામટા સવાલો પૂછી નાખ્યા.

‘ઉપર.’ શાંતાનો ટૂંકો જવાબ મળ્યો.

જગમોહન ઉપર ગયો. તેનો પુત્ર દાદી પાસે બેઠો હતો. તેણે તેને જોયો ને ઊભો થઈ ગયો.

‘આવ બાબુ, મજામાં?’ જગમોહને કહ્યું.

‘હા.’ બાબુએ ગભરાતાં ગભરાતાં જવાબ આપ્યો અને કોઈ જંગલી પ્રાણીથી બીધો હોય તેમ નીચે દોડી ગયો.

જગમોહનના મનમાં પ્રશ્ન ઊઠ્યો: ‘બધાં આમ કેમ કરે છે?’

બીજે દિવસે નાહીધોઈને તે બહાર નીકળ્યો. સૌથી પહેલાં તે તેની બૅન્કમાં ગયો. દરવાજામાં પેસતાં જ તેને લાગ્યું કે બધા કારકુનો ડોકાં ઊંચાં કરી તેની સાેમ જોઈ રહ્યા હતા. તેણે એક કારકુનને બોલાવ્યો: ‘કેમ ભાઈલાલ, મજામાં?’

‘ઠીક.’ પેલા કારકુને ડોકું ફેરવી દીધું.

જગમોહન મૅનેજરની ઑફિસમાં ગયો. તેનો વિચાર પોતાના સંજોગોનું વર્ણન કરીને અને માફી માગી મૅનેજરને પિગળાવવાનો હતો. પણ અંદર પેસતાં જ મૅનેજરે તેની સામે ડોળા કકડાવ્યા.

‘કેમ આવ્યા છો?’ હવે ઘાંટો પાડ્યો, ‘કોની રજાથી અંદર આવ્યા?’

‘હું… હું તો નો… નો… નોકરી…’ જગમોહન થોથવાઈ ગયો.

‘નો…કરી?’ મૅનેજરે ભાર દઈને લંબાણ ઉચ્ચાર કરતાં કહ્યું: ‘એક વાર વિશ્વાસઘાત કર્યો…’

‘પણ સાહેબ, મારી સ્ત્રી…’ જગમોહન બોલવા ગયો.

‘તમારી સ્ત્રી જાય જહન્નમમાં! તમારે માટે અહીં નોકરી નથી, જાઓ!’ મૅનેજરે કહ્યું.

જગમોહન ઑફિસની બહાર નીકળી ગયો. પોતાની પીઠ પર ભાલાની જેમ ભોંકાતી કારકુનોની આંખોથી બચવા તે દોડતો ફૂટપાથ પર આવીને ઊભો. ત્યાં તેણે પટાવાળાઓને એકબીજાના કાનમાં ધીમેથી વાતો કરતા જોયા. પણ જગમોહને તે બાજુ મોં ફેરવતાં જ તેઓ ચૂપ થઈ ગયા. તેણે બીજી દિશામાં પગ ઉપાડ્યા. તેને કાને પટાવાળાઓના ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.

જગમોહને બીજી બે-ત્રણ જગ્યાએ તપાસ કરી, પણ ત્યાંય તેને આવો જ અનુભવ થયો. એક જણે તો લાંબો ઉપદેશ આપતાં સંભળાવ્યું, કે ‘પૈસા ઉચાપત કરનારને કદી કોઈ બૅન્કમાં જગ્યા મળી સાંભળી છે? એ કરતાં તો સુધરાઈમાં વીસ રૂપિયાની નોકરી લઈ લો.’ તેમના એ ઉપદેશ માટે આભાર માનીને જગમોહન ઘર તરફ વળ્યો. રસ્તામાંય કોક કોક તેના તરફ આંગળી ચીંધીને વાતો કરતાં લાગ્યાં: ‘પેલો વિશ્વાસઘાતી… પેલો પૈસા ઉચાપત કરનારો જાય!’

શેરીમાં પેસતાં તેને રામુને ઘેર જવાનો વિચાર આવ્યો. રામુ બારીએ જ ઊભો હતોપણ જગમોહનને જોતાં જ તેણે ડોકું અંદર ખેંચી લીધું. જગમોહન નવાઈ પામ્યો. તે ઓટલાનાં પગથિયાં ચઢ્યો. તેણે રામુને પોતાની પત્નીને કહેતાં સાંભળ્યો: ‘એ ચોરને બહારથી જ વિદાય કરી દેજે. ઘરમાં નથી એમ કહેજે.’

જગમોહન અંદર ગયા વગર જ પાછો ફર્યો.

ઘેર આવી જમ્યા પછી જગમોહન મેડે પાન ખાતો બેઠો હતો ત્યાં શાંતા ઉપર આવી અને કહ્યું: ‘આ બાને…’

‘કેમ શું છે?’

‘કંઈ નહિ,’ શાંતા જરા ગૂંચવાઈ અને પછી તેણે કઠોર બનીને કહી નાખ્યું: ‘કાલે હું પિયર જવાની છું.’

‘કેમ?’

‘એ તો ઘરમાં કોઈ બાની ચાકરી કરનાર નહોતું. એટલે.’ શાંતામાં હિંમત આવતી લાગી, ‘બાકી આજે એક વરસથી બાપુજી કહ્યા કરતા’તા કે તું ચાલી આવ. આવા વિ…’ શાંતાએ જીભ કચરી.

જગમોહનનું મગજ તપી ગયું. ‘સમજ્યો!’ તેણે ભયંકર અવાજે કહ્યું.

‘બાબુને…’ શાંતાએ કહ્યું.

‘બાબુનેય…?’ જગમોહન ઊકળી ઊઠ્યો. પણ પછી તેણે મન પર કાબૂ રાખતાં કહ્યું: ‘લઈ જજે, મારે કામ નથી.’

શાંતા નીચે ચાલી ગઈ.

જગમોહન વિચારમાં પડ્યો. હજી તો તેને છૂટ્યાને માત્ર એક જ દિવસ થયો હતો એટલામાં તો જાણે એક યુગ વહી ગયો! પોતે એવું કયું પાપ કર્યું હતું, કે બધાં તેને તિરસ્કારતાં હતાં? જ્યાં જાય ત્યાં અવહેલના અને અપમાન… જાણે કપાળે કોઈએ સદાને માટે ગુનેગારની છાપ ન મારી હોય!

જગમોહનને લાગ્યું કે પોતે દુનિયામાં એકલો પડી ગયો છે. આખા જગતમાં પોતાનું કોઈ જ નથી. પોતાનું જીવન સાવ નિર્માલ્ય છે — નકામું છે.

જગમોહન ધ્રૂજી ઊઠ્યો. પોતાનું જીવન શું ખરેખર નકામું છે? તેના મગજમાં એક ભયંકર વિચાર આવ્યો. તેણે આજુબાજુ નજર ફેરવી, પાસે જ માની દવાની શીશી પડી હતી તે તેણે ઊંચકી અને તેની આંખ લાલ અક્ષરો પર ફરી રહી: ‘ઝેરી.’

બૂચ ખોલીને તે બાટલી સામે થોડી વાર તાકી રહ્યો, પછી તેણે બાટલીને હોઠે માંડી. આહ! કેવી સરસ વાસ આવતી હતી! હવે એક જ મિનિટમાં પોતે…

પણ એક શું, એકવીસ મિનિટો વહી તોય જગમોહન એ દવા પી ન શક્યો. આખરે એણે બાટલી પાછી મૂકી દીધી ને બબડ્યો: ‘મન પણ ભારે બાયલું છે તો! આટલોય જીવ નથી ચાલતો…’ અને તેમે પાસે પડેલી પાનદાનીમાંથી એક પાન કાઢી તેને હાથમાં કચરી નાખી મોંમાં મૂક્યું.

ત્યાં તેણે કશોક ફફડાટ સાંભળ્યો. તેણે એક કબૂતરને બારી પર આવીને બેસતાં જોયું. જરાક વાર રહી તે કબૂતર ઓરડામાં આવ્યું.

જગમોહને આંખે હાથ ફેરવ્યો. તેની આંખ તેને દગો તો નહોતી દેતી? શું એ કબૂતરને પગે ખરેખર જ લાલ ચીંદરડી બાંધેલી હતી?

તેને પોતાનું નાનપણનું તોફાન યાદ આવ્યું. પોતાની જેમ જ કોક તોફાનીએ કબૂતરને પકડી તેને પગે લાલ ચીંદરડી બાંધી હશે… તેનાથી અનાયાસે પોતાની અને કબૂતરની સ્થિતિ સરખાવાઈ ગઈ. બંને કેવી સરખી પરિસ્થિતિમાં મુકાયાં હતાં! …તેનું હૃદય અનુકંપાથી ભરાઈ ગયું. કબૂતર તેની સામે દયામણી આંખે તાકી રહ્યું હતું.

જગમોહન થોડી વાર સુધી કબૂતર અને તેને પગે બાંધેલી લાલ ચીંદરડી તરફ તાકી રહ્યો. પછી કોઈ નિશ્ચય કરી લીધો હોય તેમ ઊઠ્યો. ઊઠતી વેળા તેનો હાથ પાનદાની સાથે અથડાયો. પળભર તે પાનદાની તરફ જોઈ રહ્યો. પછી તેણે તે ઊંચકી અને કબૂતર તરફ છૂટી મારી. મોટો અવાજ થયો ને કબૂતરની આંખ બહાર નીકળી પડી.

અવાજ સાંભળીને દોડતી આવીને શાંતાએ જગમોહનને લોહી- નીંગળતા કબૂતર પર નમેલો જોયો.

‘શું થયું?’ તેણે પૂછ્યું.

‘કંઈ નહિ.’ જગમોહને ટટાર થતાં જવાબ આપ્યો, ‘એક દુઃખી જીવ છૂટ્યો!’

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.