નરક

નાકના ટેરવે ચડી બેઠેલી ગંધ કેમેય હટવાનું નામ લેતી નહોતી. ગંદુંગોબરું બધું… આવી ભરાતું હતું. ‘બળ્યાં, વાહની આગળ જ સી કે રોજ હવારમાં જઉં સું. ફોક દન સાફ થેલો હોય તો ઠીક મારી બઈ… નકર હરખું બેહાય એવુંય આ હોય સે… પણ તોય બળ્યું એ તો આ બેઠી ને આ ઊઠ્યાં. ગંધ ભળી ગંધ… બા’ નેહર્યા ત્યાં હુધી થુંક ને બૂક…’ મનોમન બબડતી રતન છેક તેની ઓરડી આગળ આવી ત્યાં સુધી મોઢામાં ચૂંક વછૂટ્યા કર્યું. સવારે નાહીને ગઈ હતી તોય ફરીથી નાહી લેવાની ઇચ્છા થઈ. પણ વાસમાં રમતી દીકરી દોડતી આવીને ખોળામાં ભરાઈ અને એ દીકરીના માથામાં હાથ પસવારતી ઊભી રહી. દીકરી હરખપદુડી થઈને બોલીઃ ‘મા… મા… કાંતિકાકાના ઘેર પિચ્ચરવાળા આયા સી.’ એને નવાઈ લાગી. ‘પિચ્ચરવાળા? શેરમાં વળી માં તોટો સે પિચ્ચરોનો તે…’ પછી થયું, ‘ભલું પુસાય કાંતિભાઈનું… હન્નરહરી ઓળખાણ સે તે હશે કાંક.’

ખોળામાંથી દીકરીને જુદી કરતાં એ હાથપગ ધોવા વળી. પાળી પર પડેલી સાબની કણી લઈને બરાબર ઘસવા મંડી પડી, હથેળીઓ અને મોટું ફીણ ફીણ થઈ ગયાં. ફીણોટો ચહેરો જોઈ તાળીયો પાડતી હસી રહેલી દીકરી ફરી પાછી કૂદકા ભરતી વાસ વચ્ચે રમવા દોડી ગઈ.

એને બાળપણ યાદ આવી ગયું.

ઘાઘરી-પોલકું પહેરેલી રતન એની આંખો આગળ ખડી થઈ ગઈ. એનાથી નિસાસો નંખાઈ ગયો. ‘ચેટચેટલા હરખથી મા-બાપે શેરમાં પૈણાઈ’તી!’ જેવું બબડતાં એણે મોઢા પર પાણીનો ખોબો ભરીને છાલક મારી. આંખોમાં સાબુની બળતરા વરતાણી. ઉપરાછાપરી છાલક માર્યા કરી… પછી ભીની પાંપણે કશુંક પલકવા માંડ્યું…

રતન… બેટી, જાનું એટલું કામ કરી આયનું મારી બુન…’

‘ના રે બાઈ… મું જાતી હશું, એવું કામ કરવા?’

‘અલી પણ મન ઠીક નથી… રાંડ, આપડો અવતાર સ… ઈમ મુઢું ફેરવે ચાલશે કાંય? જા હવ જા હેંડ. ગામમઅથી બે-તઈણ હંદુહા આઈ જ્યા સી. પસ ના જાહું તો ઠપકો હાંભરવો પડશે. નલોક કૂતરાંના બોનસ્ મૂઠી દાણાં આલતું હશે એયની આલઅ…’ રતનની મા તાવમાં તરફડતાં બોલતી રહેલી ને એ પગ પછાડતી ગામમાં ગયેલી. ફૂલી ગયેલા કૂતરાના શબમાંથી માથું ફાડી નાંખે એવી ગંધ આવતી હતી. રતનને બકારી આવી ગયેલી. પછી ઓઢણીનો છેડો મોં આડે રાખીને નીચી નમેલી. હાથમાંની દોરડીનો ગાળિયો કૂતરાના પગમાં નાંખવા ગઈ ને ખદબદ કીડા જોતાં જ એ પાછી પડેલી. આખા શરીરે કંપારી કરી વળેલી. રોકી રાખેલા શ્વાસમાં બકારીએ ઊથલો મારેલો તે દોરડી ગાળિયા સમેત

પડતી મૂકીને એ ઘર ભેગી થઈ ગયેલી. માએ ક્યાંય સુધી ઠપકો આપ્યા કરેલો ન પણ કશું ગણકારેલું નહીં.

‘રાંડ… આટલી સફાઈ કરી સી પણ હાહરામ જાયે અકઅ જખ મારીનું કરવું પડશે. તાંણા ચેઈ માન કેયે?’

બધું યાદ આવતું રહ્યું…

મરેલાં કૂતરાં-બિલાડાં ખેંચવાં, વાર-તહેવારે ખાવા જવું કે પછી ઘેર ઘેર ‘પરબલું આલજો. માં-બાપ!’ બોલતી માની પાછળ પાછળ ઢસડાવું..

અહીં શહેરમાંયે વાસના નાકે રહેતી ગોમતી એનાં છોકરાંને રોજ સાંજ પડે વાળુ માગવા સોસાયટીમાં મોકલતી. એણે ઘણી વાર કહેલું, ‘મરચું ને રોટલો ખઈનું રે’વું પણ વાળ માગવો સોકરાંન મોકલવાં હારે નઈ, ગોમતી’ પણ ગોમતીએ તો, ‘ના જોઈ હોય તો મોટી શિખામણ આલનારી! લે.. વાળુ માંગવાનો તો ધરમસે આપડો, એમાં શું ખોટું સે તી તું મને સમજાવવા આઈ સી?’

કાંતિભાઈના ઘર આગળ ઊભેલી જીપમાં ચડી બેઠેલાં છોકરાંએ હોર્ન પર હાથ દબાવ્યો ને વિચારોમાં ખોવાયેલી રતનની નજર વાસના નાકા સુધી લંબાણી..

હજુ સોમો આવ્યો નહોતો. જીપના હોર્નના લાંબાતીણા અવાજ જેવું કંઈક આરપાર થવા માંડ્યું. ફરી પાછો ફળફળતો નિઃશ્વાસ એની આસપાસ ફરી વળ્યો.

‘શાલકાર વૈણમાંય ના હોય એવી રૂપાળી સી તું…’ કહીને પડખે ખેંચતો સોમો અને શરમથી લાલ ચહેરે મલકી ઊઠેલી એ ક્ષણો…

કોલસાની સગડીનો ધુમાડો આંખોમાં ગોટવાતો રહ્યો.

જો, મુનસિપલિટીવાળા મારા હાળા હાવ નકામા સી. તું તારે ઘરનું કામકાજ ને સોકરાં…’ સોમાના શબ્દો ઊડી જતા ધુમાડામાં પકડવા મથતી હોય. એમ એણે આંખો ઉઘાડબંધ કરી જોઈ.

સગડીમાંના કોલસા લાલ-લાલ અંગારા થઈ તગતગી રહ્યા હતા. આંખો અંગારા સામે સ્થિર થઈ ગઈ. ખીચડી માટે રેશનિંગના ચોખા સાફ કર્યા પછી એની મોટી દીકરીએ સગડી ઓરડીમાં લીધી અને ખીચડીનું આંધણ મૂક્યું ત્યાં સુધી સગડી સામે જોતી બેસી રહી.

હમણાં જ દોડતી રમવા ગયેલી નાની દીકરી રતનના પેટે પડેલી ને સોમો ધીમે ધીમે બદલાવા માંડેલો. એણે સોમાને સમજાવવામાં કશું બાકી રાખ્યું નહોતું. કાકલૂદી કરી કરીનેય એ થાકી ગયેલી; પણ શરૂ શરૂમાં પૂરો પગાર હાથમાં મૂકનાર સોમો કંઈ કેટલી જાતનાં બહાના બતાવીને પગાર વેડફી દેવા માંડ્યો હતો, ક્યારેક ખૂબ પી જતો અને એકલો એકલો બકતો રહેતો, ‘આજ નઈ તો કાલ… ની છોડું… મેલડીના હમ્ જો પાનું પડતું મેલું તો…’

સગડી પર ફળફળતા આંધણમાં ખીચડીનું ઉભરણ ચડ્યું ને એણે ઊભી થઈને હાથથી જ છીબું હટાવ્યું. ટેરવે ચચરાટ થયો. ચચરતા ટેરવે ફૂંક મારી જોઈ. ટેરવા પર નંખાયેલી નજર ધીમે ધીમે આખા શરીરે ફરી વળી. – ઓરડી આગળથી વહી જતી ખુલ્લી ગટર. થોડેક દૂર શહેરની ગંદકીના ઢેર અને પેલાં જાહેર શૌચાલય તરફથી ઊડી આવતા મચ્છરોનો ત્રાસ… એણે ઝાપટ મારીને શરીર પર બેઠેલો મચ્છર હટાવવા પ્રયત્ન ર્યો અને મુકાદમના શબ્દો એના કાનમાં પડઘાવા લાગ્યા,

‘જા, હવે મોટી વાળવાવાળી ના જોઈ હોય તો… જા, આજથી શાકમારકીટનાં જાજરૂ સાફ કર જા…’

માથે કાળી ટોપી અને એવો જ કાળો ચહેરો લઈ ર્યા કરતા મુકાદમના પીળચટ્ટાં દાંત અને કાળાભઠ્ઠ હોઠ વચ્ચેથી ફેંકાતી તમાકુની વારંવાર પિચકારી..

એને કમકમાં આવી ગયાં. રોજ સાંજે લથડિયાં ખાતો આવતો સોમો લવારે ચડી જતો ને વાતવાતમાં મારવા ધસી જતો હતો. શરૂ શરૂમાં મ્યુનિસિપાલિટીએ ના જવાનું કહેનાર સોમો, ‘આખો દા’ડો ઘેર પડી ૨ઈ સી ને હિસાબ માંગી સી? તારા પસી આયેલી હઉવ બબે વરહથી કામે જોય સી… મુનસિપલિટીમાં…’

ને એણે વાસનાં બૈરાં સાથે મ્યુનિસિપાલિટીના રોડ વાળવાનું શરૂ કરેલું. રોડ પરની ગંદકી – ચીતરી ચડે એવું ઘણું બધું… મોં આડે સાડલો દાબીને સાફ કરવા માંડેલું. પણ, હથેળીમાં તમાકુ મસળ્યા કરતો મુકાદમ – હાજરી પૂરતી વેળાનો એનો રુઆબ અને રતન સોમા ભંગીનું સહેજ અલગ રીતે બોલાતું નામ… એણે ફરી મોં પર ઝાપટ મારી. ગાલ પર બેઠેલો મચ્છર બરાબરનો ચટક્યો હતો.

‘ભઈસા’બ આ તો નરક સે નરક… તોબા પરભુ, આવી જિંદગીથી તો!’

‘હવે ના જોઈ હોય તો નરકવાળી… રાંડ, કાંમ કરવું પડે સે એટલે જોર આવે સે?’

મોડી રાતે પડખે ભરાતો સોમો છાસિયું કરીને તૂટી પડતો હતો. મુકાદમની વધતી જતી તુમાખી અને અવળચંડાઈ સોમા આગળ કહેવા જીભ ઊપડે એ પહેલાં સોમો, ‘જપ કર હવે.. લપ લપ કર્યા વગર…’ કહીને પાસું ફેરવી જતો હતો. એની આસપાસ ઓરડીનું અંધારું ઘેરાઈ વળતું. એમાં વધતો જતો મચ્છરોનો ‘ ગણગણાટ કેમેય જંપવા દેતો નહોતો. ગળતી રાતમાં એકલદોકલ વાહનોની – ઘરઘરાટી… દૂર રેલવે સ્ટેશન બાજુથી ગાડીની ઉપરાછાપરી વાગતી વહીસલ… વાસના નાકે પડેલા એકાદ કૂતરાનું થોડી વાર માટે ભસવું… ને આસપાસની ઓરડીઓમાંથી મા-બાપના છણક-ભણક અવાજ વચ્ચે પાણી પીવા જાગેલું રડતું. બાળક…

‘મા, મા… ખીચડી દાઝવા માંડી સેનું તું હું લાઇટ કર્યા વગર બેસી ર’ઈ સી?’ બોલતી ગલ્લા પરથી ચા-ખાંડ લઈને આવેલી મોટી દીકરીએ લાઇટ કરીને ખીચડી ઉતારવા માંડી.

આખી ઓરડીમાં દાઝેલી ખીચડીની વાસ ફરી વળી…

એ ઝડપથી ઊભી થઈને મેલડીના થાનક પાસે ગઈ. અગરબત્તીનું ખાલી ખોખું થાનકમાં પાછું મૂકી દીધું. હાથ જોડ્યા. પછી વાસણમાં પીરસાતી ખીચડી સામે તાકી રહી. લુખ્ખી ખીચડી અને ભૂખ્યાં છોકરાં – એનો જીવ ઊંચોનીચો થઈ ગયો. બહાર આવીને ક્યાંય સુધી ઊભી રહી. વાસના નાકે જોયા કર્યું. સોમાનાં લથડિયાં હજુ કળાતાં નહોતાં. આખા દિવસનો થાક શરીરે વરતાવા માંડ્યો હતો. પેલી બાજુથી આવતા પવનમાં ઢગલો ભરીને ઊડી આવેલી ગંધ એક્સામટી વીંટળાઈ વળી ને એની સાથે જ આજ બપોર પછી શાકમાર્કેટના ખૂણે મળમૂત્રથી ખદબદતાં ગંદાંગોબરાં જાજરૂ એની આગળ ખડાં થઈ ગયાં.

છેલ્લા અઠવાડિયાથી મુકાદમ વીફરેલો હતો. શરૂ શરૂમાં રતન… રતન.. કર્યા કરતા મુકાદમની મેલી મુરાદ બર ના આવતાં છેવટે એણે સાઈટ બદલીને ગંધાતાં જાજરૂની સફાઈ રતનને સોંપી હતી. ઘેર આવતાં આવતાં સવારનું ખાધેલું નીકળી જાય એવું થયા કર્યું હતું. મનમાં નક્કી હતું કે, ‘આજ તો નૈનકીનો બાપ મારી નાંખે તોય ભલે, પણ બળ્યું આ નરક તો હવે નઈ જ વેઠાય…’

સફાઈ-કામદારો એક પછી એક પોતપોતાની ઓરડી ભણી આવી રહ્યા હતા. એમાંના કોઈ વાસના નાકે આવેલા ગલ્લે બીડી ફૂંકવાને બહાને સવારે ચડ્યા હતા, તો કોઈ લથડતી ચાલે વાસમાં વળ્યા હતા. એ બધાની વચ્ચેથી હડી કાઢીને – ઝઘડતાં આવેલાં કૂતરાં રતનની અડફેટે ચડે એ પહેલાં ઓરડીમાંથી એંઠા હાથ લઈને

બહાર નીકળેલી નાની દીકરી કાંતિભાઈના ઘર તરફ દોડી ગઈ.

વાસ વચ્ચેના થાંભલે ટ્યુબલાઇટ ચાલુ-બંધ થયા કરતી હતી; ને છેક દૂર પેલા કચરાના ઢગ પાસે ઊભેલા બીજા થાંભલે પીળચટું અજવાળું વેરતા ગોળ નાનાંમોટાં જીવડાં કૂંડાળે વળ્યાં હતાં.

કાંતિભાઈના આંગણામાં વાસની વસ્તી એકઠી થતી હી. ઝટપટ વાસણ ઊટકીને – ‘મા, તપેલીમાં ખીચડી ઢાંકેલી પડી સે… તું ખઈ લેજે…’ કહેતી મોટી દીકરી પણ વસ્તી ભેળી જઈ બેઠી.

એને નવાઈ લાગી. ‘શું હશે? પિચ્ચર બતાવવા આવ્યો હશી?’ એવા વિચારે ઓરડી બંધ કરીને એ હળવી ચાલે સૌની પાછળ જઈ બેઠી. ખુરશીમાં બેઠેલા બે-ચાર અજાણ્યા પુરુષોમાંથી એક તરવરિયા લાગતા જુવાને કશુંક આજના કાર્યક્રમ વિશે પૂરક માહિતી આપીને ટેબલ પર મૂકેલો ટી.વી. ચાલુ કરવા ખુરશી સહેજ ખસેડી. ઘરરર… અવાજ સાથે ટી.વી. ચાલુ થયો. થોડાંક દૃશ્યો – ના સમજાય એવાં હોલક-ડોલક થયાં. પછી ચિત્ર સ્થિર થવા માંડ્યું ને અવાજ ધીમે ધીમે સ્પષ્ટ થતો રહ્યો…

કોઈ ગામડાનું દૃશ્ય પડદા પર છવાતું ગયું. પછી ધીમે ધીમે ગામની શેરીઓ, મહોલ્લાઓ, ડેલીબંધ દરબારી મકાનો, શેઠ લોકોના માઢ અને જાહેર રસ્તા દેખાયા. ત્યાં જ દેશ-બાર વર્ષની બાળા અને એની માનું ચિત્ર જોતાં જ સૌ ઊંચા-નીચાં થઈ ગયાં, ‘અરે! આ તો…’ જેવું ટોળાબંધ બેઠેલામાંથી કોઈ બોલ્યું. પછી જાણે એની જીભ જ સિવાઈ ગઈ હોય એમ ચૂપ થઈ ગયું. દૃશ્યોની વણઝાર ચાલુ થઈ. બંધ ડેલીના ખાળ આગળનું પતરું ઊંચું કરતી પેલી બાળા દુર્ગધયુક્ત મળ એની પાસેના પતરાના ડબ્બામાં સરકાવી રહી હતી. પછી મળથી ભરેલો ડબ્બો

એના કુમળા હાથે ઊંચકાવીને એની માના માથે ગોઠવ્યો. ને મા-દીકરી ઊભી શેરીએ—એક પા થતી, લાજ-મલાજો સાચવતી, કાયા સંકોરતી, ધ્રૂજતા હાથે મોં આડે લૂગડું ઢાંકવાનો પ્રયત્ન કરતી – આગળ વધી રહી હતી. સામે હાથમાં માઈક પકડીને કોઈ જુવાન કશુંક પૂછી રહ્યો હતો. પ્રશ્નોની મૂંઝવણમાં પડેલી પેલી સ્ત્રી ડેલી તરફ જોઈને કશું બોલી નહીં.

દૃશ્ય બદલાયું…

ગામની બહાર ઠલવાતા મળના ઢગ વચ્ચે ઊભેલા વૃદ્ધ દંપતીના ચહેરા પરની અસંખ્ય કરચલીઓમાં આછેરી ખેંચતાણ વરતાણી ને ત્યાં જ પેલાં મા-દીકરી માથે મેલું ઉપાડતાં આવી પહોંચ્યાં. ડબ્બો તૂટેલો હતો. એમાંથી મેલું દદડી રહ્યું હતું. માથેથી ચહેરા લગી દદડતો રેલો ટપક થતો છેક ગળા નીચે સરકી ગયો…

ટોળામાં છવાયેલા સન્નાટા વચ્ચે રતનના મોંએ હાયકારા જેવું નીકળી ગયું. એની આંખો આગળ મરેલું કૂતરું ખેંચ્યા વગર જ પાછી વળેલી એ ક્ષણથી લઈને આજે બપોરે સાફ કરેલાં શાકમાર્કેટનાં ગંદા – ઊભરાતાં જાજરૂ… બધું જ ખદબદ થવા માંડ્યું. એની આંખો પેલાં મા-દીકરીના ચહેરે દદડતા મેલા પર સ્થિર થઈ ગઈ; ને દૃશ્ય બદલાયું..

હાથમાં માઈક પકડી રાખીને પૂછેલા સવાલનો વૃદ્ધાએ આપેલો જવાબ રતનની ભીતર શારડીની જેમ ઊંડ ને ઊંડે ઊતરતો ગયો.

‘સાબ… કશું પૂસવા જેવું જ નથ… જીવતે જીવત… પણ પેટ માટે વેઠ..’ – એનાથી ઝાઝી વાર બેસી રહેવું મુશ્કેલ થઈ પડ્યું. ફરી એક વાર ઊઠતાં ઊઠતાં એની નજર પેલા પતરાના ડબ્બામાંથી દદડતા રેલા પર અટવાઈ ગઈ. માસૂમ. બાળાના ગાલ પર ટપકી રહેલું મેલું એનાથી ના જીરવાણું. એણે ઝડપથી મોં ફેરવી લીધું. પાછળ ખાસું ટોળું જામ્યું હતું. એ સૌની આંખો ટી. વી. પર ચોંટી ગઈ હતી ને ચહેરા પર એકસામટું ઘણું બધું ગોરંભાઈ રહ્યું હતું. સાવ કોરીકટ્ટ આંખે એની પાછળ જ બેઠેલા સોમાને જોતાં જ રતનને થયું, ‘આ હમણાં આટલી વસ્તી વચી ધમાલ કરી મૂકસી… જોયું રાંડ, તું રાડો પાડ્યા કરતી’તી તે…’

પણ રતને જોયું તો હમણાં સુધી કોરીકટ્ટ આંખે બધું જોઈ રહેલો સોમો પોતાની સામે જોઈ લીધા પછી એકધારું દદડવા માંડ્યો હતો…

(‘હયાતી’ – ડિસેમ્બર ૨૦૦૯)

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.