ફટકો

કૃષ્ણજન્મ થઈ ચૂક્યો હતો.

રાતના નવ વાગ્યાથી ભાવિક લોકો કથા સાંભળવા ભેગા થયા હતા. દેવળમાંના રાધાકૃષ્ણના મંદિરના વૃદ્ધ પુરાણીજીએ ત્રણ કલાક સુધી એમની પુરાણી રગશિયા શૈલીમાં, — અને હા, કેટલીક વાર એ શૈલી રંગભરી પણ બની જતી, — કથા સંભળાવી. ભાવિકો એને શ્રદ્ધાથી, અને કોઈક ઝોલાં ખાતા, સાંભળી રહ્યા. અને એમ શ્રાવણ વદ આઠમનો દિવસ પૂરો થયો. બરાબર બાર વાગ્યે મંદિરમાં કૃષ્ણજન્મ થયો.

અત્યાર સુધીના શાંત વાતાવરણમાં જાણે અચાનક પલટો આવી ગયો. મંદિરમાં ડંકા બજ્યા અને આરતી થઈ. ગુલાલ ઊડ્યા અને અબીલ ઊડ્યાં. દહીંનો તો જાણે વરસાદ વરસ્યો. લોકો આનંદમાં આવી ઘેલાંની જેમ નાચવા મંડ્યા. કોઈને સમયનું ભાન ન રહ્યું. કશે સંકોચનું નામ ન રહ્યું.

અને ત્યારે ગીરગામની સખાજી લેનના ઘાટીઓની ટોળી નાચવા નીકળી પડી. મધરાતે નીકળેલા એ સરઘસનો દેખાવ જોવા જેવો હતો. ગંજીફરાક અને ટૂંકી ધોતી પહેરેલા એ ઘાટીઓનો પહેરવેશ એનો એ જ રહ્યો હતો. માત્ર ‘રંગ’ બદલાયો હતો. અને એ ‘રંગ’ તે કેવો!… બસ, દુનિયા જાય જહન્નમમેં. હમ તો નાચેંગે, ખેલેંગે, કૂદેંગે — એવો. સૌથી આગળ બબ્બેની હારમાં લેજીમ લઈને એને ખખણાવતા, કસરત કરતા નાનકડા છોકરાઓ ચાલતા હતા. તેમની સાથે કિટ્સન લાઇટ લઈને એક માણસ ચાલતો હતો. તેની પાછળ બે જુવાનો લાઠીથી પટા ખેલી રહ્યા હતા. પછી હતા નાચનારા. ટોળીમાં સ્ત્રીઓ નહોતી પણ એક નાની વયના ઘાટીએ સ્ત્રીનો વેશ લીધો હતો એટલે ખોટ પુરાઈ રહેતી. લેજીમ બજી રહ્યાં હતાં, લાઠીઓ વીંઝાતી હતી, નાચનારાના પગના ઘૂઘરા રણકી રહ્યા હતા.

ફટોફટ વીંઝાતી એ લાઠીઓ વચ્ચે ધોંડુનું મન ઝોલે ચડ્યું હતું. એના હાથ લાઠીના પટા ખેલી રહ્યા હતા પણ એનું મન લાઠીનો ઘા કરવાને તત્પર થઈ જતું હતું. ચાર વર્ષ પહેલાંની ગોકળ આઠમ તેને યાદ આવતી હતી. ત્યારે પોતે સુખી હતો, સંતોષી હતો, ઠીક કમાતો હતો, કાશી જોડે પરણવાનો હતો… કાશી! રત્નાગિરીના એ રુક્માપુર ગામમાંના નાનકડા બાપીકા ખેતરમાં કામ કરવા આવતી કાશી… વરસાદની મોસમમાં પોતે મુંબઈથી ગામ પહોંચી જતો. પહેલા વરસાદ પછી વાવણીનું કામ શરૂ થતું. વરસતા વરસાદમાં પોતે ખુલ્લે વાંસે તનતોડ મહેનત કરતો અને સાથે મહેનત કરતી કાશી. પવનનો એક ઝપાટો આવી જ્યારે એના સુંદર વાળને વિખેરી નાખતો અને વરસાદનું એક ઝાપટું આવી એનાં વસ્ત્રો પલાળી જતું ત્યારે કાશી તુકારામને એની મહામૂલી પોથી પાછી આપવા તળાવમાંથી નીકળી આવેલી દેવી સરસ્વતી જેવી લાગતી. અને એના સૌંદર્યમાં વધારો કરતો એનો સુંદર કંઠ. ‘ધોં…ડું’નું ઉચ્ચારણ કેટલું મીઠું લાગતું! કોણ જાણે ક્યાંથી વચ્ચે કેશવ આવી પડ્યો અને કાશીને ભરમાવીને ઉપાડી ગયો. નાનપણથી જેની સાથે રમ્યો હતો, જેને ઘરમાં બેસાડવાના મનોરથો ઘડ્યા હતા એ કાશીને કોક અજાણ્યો આવીને આંખના પલકારામાં ભરમાવી ગયો. અને એ કેશવમાં એવું હતુંય શું! નહોતો ચહેરો સુંદર કે નહોતું શરીર એવું બળવાન — અને ધોંડુએ સામે લાઠી ખેલતા યુવાન તરફ નજર ફેંકી. સાચે, એનામાં કશું જ નહોતું; કાશી શું જોઈને એના પર મોહી હશે? પૂરું લાઠી ફેરવતાય નહોતું આવડતું. કેટલી ખરાબ રીતે લાઠી ફેરવતો હતો એ! પટા ફેરવવામાં તો જો ધ્યાન ન રાખે તો સામા માણસની લાઠી તરત વાગી જાય અને માથામાં લાગે તો ખોપરી જ…

‘માથામાં લાગે તો…’ ધોંડુ વિચારી રહ્યો. કેશવને મારી નાખવો એ કેટલી સહેલી વાત હતી. આવી અણઘડ રીતે લાઠી ફેરવતા માણસના માથામાં એક ફટકો મારવો એ અઘરું કામ નહોતું અને એક વાર ફટકો વાગી જાય પછી કોઈ પૂછનાર પણ નહોતું. કેશવ પોતે ફરી પાછો ઊભો થવાનો નહોતો અને બીજા બધા તો સ્વાભાવિક રીતે આવું અકસ્માતથી થયું એમ જ માને. કોઈને સ્વપ્નેય ખ્યાલ ન આવે કે એણે આવું ઇરાદાપૂર્વક કર્યું હશે. આવા પ્રસંગે એવા અકસ્માતો તો કેટલાય બનતા હતા. હજી ગયે વરસે જ એક જણનો પગ ભાંગી ગયો હતો. ત્યારે કંઈ જેની લાઠી વાગી હતી તે માણસને બધાએ પકડ્યો નહોતો કે પોલીસને સોંપ્યો નહોતો; અરે, કોઈ બોલ્યું સરખુંય નહોતું. કેટલું સહેલું કામ હતું એ…

ધોંડુએ વળી પાછી કેશવ તરફ એક નજર ફેંકી અને તેની આંખમાં ખુન્નસ ઊભરાઈ આવ્યું. પણ એટલામાં તેને વિચાર આવ્યો: એમાં કેશવનો શો વાંક હતો! એ કાંઈ થોડો જ જાણતો હતો કે પોતે કાશીને પરણવાના મનસૂબા ઘડી રહ્યો હતો! ને ધોંડુનું મન જરા પાછું પડ્યું. સાચે જ. કેશવને કશી ખબર નહોતી. એ પોતાનો અને કાશીનો સંબંધ જાણતો નહોતો, અને જાણતો હોત તો…

અને જાણતો હોત તો!… ધોંડુ વિચારી રહ્યો. જાણતો હોય તો શું એ પોતાના માર્ગમાંથી ખસી જાત ખરો? અશક્ય. એને તો કોઈ પણ હિસાબે કાશી જોઈતી હતી, અને બીજો કોઈ કાશીને પરણવાનો હતો એમ જાણવાથી કાંઈ એ તેને છોડી દેવાનો નહોતો. જરૂર પડ્યે પોતાનું ખૂન કરીનેય એ કાશીને મેળવત. એવા માણસ પર દયા બતાવવાનો કશો અર્થ નહોતો. એને તો પૂરો જ કરવો જોઈએ.

ધોંડુના હાથ યંત્રવત્ લાઠી ફેરવી રહ્યા હતા. તેને કાને ઘૂઘરાનો રણકાર સંભળાયો. તેણે બાજુએ નજર કરી. તેની નજર ‘રાધા’નો વેશ લીધેલ ઘાટી પર પડી. રાધા! પોતાની રાધા તો કાશી હતી. — એ રાધા પર પોતે સઘળું કુરબાન કરવા તૈયાર હતો. એના સુખ માટે, એને આનંદમાં રાખવા, તે શું ન કરત! પોતે એને સાચા પ્રેમથી ચાહતો હતો અને એ સુખી થાય માટે… પણ ધોંડુની આ વિચારમાળા અડધેથી જ અટકી ગઈ. અચાનક તેને ખ્યાલ આવ્યો કે આ જ ઘડીએ, જેના સુખને માટે તે સર્વસ્વ કુરબાન કરી શકે એવું માનતો હતો, એ કાશીના જ પતિનું અને પ્રેમીનું કાસળ કાઢવાના વિચારો કરી રહ્યો હતો. જેમાં કાશીનું સૌભાગ્ય હતું, જેમાં કાશીનો આનંદ સમાયો હતો એનો જ એ નાશ કરી રહ્યો હતો આ તેની કુરબાની! અને ધોંડુના ફટકો મારવાને તલપાપડ થયેલા હાથ ઢીલા પડ્યા.

પણ… કાશી એ કુરબાનીને લાયક હતી ખરી? એણેય પોતાને દગો દીધો હતો. નાનપણથી જે પોતાની સાથે રમેલી અને પોતાને પરણવાનું જેણે વચન આપ્યું હતું એ કાશી પણ મન ફેરવી બેઠી અને બેવફા થઈ કોઈ બીજાને પરણી ગઈ. એ શું પોતાની કુરબાનીને યોગ્ય હતી? પછી — એવી બેવફા સ્ત્રીનો પતિ મરે કે જીવે એમાં પોતાને શું? પોતાને તો વેર લેવું હતું. પોતાને થયેલા ભયંકર અન્યાયનું વેર… અને ધોંડુએ પાછા હાથ સખત કર્યા.

ઝમઝમ લેજીમ બોલી રહ્યાં હતાં, ફટાફટ લાઠીઓ વીંઝાઈ રહી હતી, છમછમ ઘૂઘરા રણકી રહ્યા હતા. ટોળી ધીમે ધીમે આગળ વધતી જતી હતી. હવે બધાનો ઉત્સાહ જરા મોળો પડવા માંડ્યો હતો. કિટ્સન લાઇટમાં પણ ઘાસતેલ ખૂટવા આવ્યું હતું અને એનો પ્રકાશ જરા ફિક્કો પડવા માંડ્યો હતો.

એટલામાં ટોળીની આગળ લેજીમ લઈને ચાલતા નાની ઉંમરના છોકરામાંથી એકનો પગ કચરાઈ ગયો, અને તેણે મોટે ઘાંટે રડવા માંડ્યું. તેના રુદનનો અવાજ લેજીમના, લાઠીના અને ઘૂઘરાના અવાજ ભેદી ટોળીના બીજા છેડા સુધી પહોંચી ગયો અને એ અવાજે ધોંડુની વિચારમાળા ફરી શરૂ કરી દીધી. ધોંડુને કાશીની નાનકડી પુત્રીનો વિચાર આવ્યો. બે વર્ષનું કુમળું બાળક! એનો શો વાંક, કે નાની વયમાં બાપ ગુમાવવા પડે! પોતાની નાની ઉંમરમાં બાપ ગુજરી ગયા હતા એટલે બાપ વગરનું જીવન કેટલું મુશ્કેલ હોય એનો પોતાને પૂરતો ખ્યાલ હતો. અને પોતે તો, ગમે તેટલી નાની ઉંમરનો તોય. છોકરો હતો. આ તે નાનકડી, બે વર્ષની છોકરી… કેટલી સરસ હતી એ! નામ શું એનું? સોનબાઈ… કેટલું સરસ નામ હતું! અને હજી તો કાશી હમણાં બેજીવી હતી, એટલે મહિના બે મહિનામાં બીજું બાળક… એ બાળકોનો શો દોષ! નાની, કુમળી વયમાં એમને… માબાપના દોષને ખાતર શું એમને…! ધોંડુએ વળી પાછું પોતાનું મન વાળ્યું.

ટોળીને નીકળ્યાને સારો એવો વખત થઈ ગયો હતો. રાત ઘણી વીતી ગઈ હતી. શરૂઆતનો ઉત્સાહ ઓસરી ગયો હતો. બધા જરા થાકવા આવ્યા હતા. ધોંડુએ બીજા કોઈને લાઠી સોંપી થોડી વાર માટે પાછળ નાચ જોવા જવાનો વિચાર કર્યો.

પણ — એટલામાં એના માથા પર લાઠીનો એક જબરદસ્ત ફટકો પડ્યો. એની ખોપરી ફાટી ગઈ. એણે લથડિયું ખાધુ અને એ જમીન પર ગબડી પડ્યો. શહેરની ફૂટપાથ પર એના માથાનું લોહી વહી રહ્યું.

ટોળીના રંગમાં ભંગ પડ્યો. લેજીમ ફેરવનારા છોકરાઓ લેજીમ છોડી દોડી આવ્યા, નાચનારા નાચવાનું છોડી આગળ ધસી આવ્યા. ધોંડુના દેહની આજુબાજુ ટોળું વળી ગયું. કોઈ પાણી લાવવા દોડ્યું તો કોઈક વળી ડૉક્ટરને બોલાવવા દોડ્યું. કિટ્સન લાઇટની ઝાંખી પડતી વાટને કોઈએ મોટી કરી એટલે બધે પ્રકાશ પથરાઈ રહ્યો. રસ્તા પર થતી ધમાલને લીધે આજુબાજુનાં ઘરોનાં પણ બારીબારણાં ખૂલી ગયાં અને લોકો ભેગા થવા માંડ્યા.

ત્યારે ટોળાથી જરાક દૂર, સહેજ અંધારામાં ઊભેલો કેશવ વિચારી રહ્યો હતો કે આ ગણાવવાનો તો અકસ્માત જ, એમાં કશો શક નહોતો અને પોતાને બીવાનું કોઈ કારણ નહોતું. પણ પોતાના એક વખતના હરીફનું, — જેને હજીય પોતાની પત્ની કેટલીય વાર અદેખાઈ ઉપજાવે એવી રીતે યાદ કર્યા કરતી હતી, — આ રીતે કાસળ કાઢવા બદલ એને હવે જરા પસ્તાવો થતો હતો ખરો.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.