પોલિટેકનિક

…માંડ બધું સમુંસૂતરું ચાલતું’તું ત્યાં પોલિટેકનિકનુંય બંધ થયું. વરસદિવસથી એકધારી હાલી આવતી હાડમારી મહિનાદિવસથી જરીક હળવી થઈ’તી. નિરાંત હતી. ત્યાં પાછી પોલિટેકનિકે પત્તર ખાંડી! ડેલાની બાયું તો કઠણાઈના કડુહલા નસીબમાં લખાવીને જ આવી હશે. નહિતર, આવું થાય? આવું!?

મિલું બંધ થઈ ત્યારેય કોઈને વાંધો ન’તો આવ્યો. ડેલો આખ્ખો કેડ્ય બાંધીને જાત-ભાતના ધંધામાં જોતરાઈ ગ્યેલો. બુટપોલિસ, હીરા, સેન્ટિંગ… જ્યાં પેટિયું મળ્યું ત્યાં સહુ લાગી ગ્યેલું. રોજનો રોટલો રળવામાં કોઈને કાંઈ તકલીફ નહોતી થઈ. પણ… પોલિટેકનિકે આડો આંક વાળ્યો. ડેલાના પુરુષવર્ગને તો જો કે અમથોય કાંઈ ફેર પડતો નો’તો. બહાર જ ફર્યા કરતા બધા. સૂવા પૂરતા જ ડેલામાં આવતા. તે સહુ સહુની ‘વ્યવસ્થા’ બહાર જ કરી લેતા. પણ બાયું? ડેલાની બાયુનાં લલાટે લખેલી કરમકઠણાઈ, તે.. બંધ થઈ પોલિટેકનિક!

ડેલાની બાયું માટે જો કે આ ય નવું નહોતું. ડેલા માટેય આ નવું નહોતું. દોઢસો-દોઢસો વરસની થાપટું ખાઈ-ખાઈને ખખડધજ થઈ ગ્યેલો ડેલો આવી તો કાંઈક લીલી-સૂકી જોઈ ચૂકેલો. જુવાન દીકરિયું, કોડભરી પરણેતરો ને ખખડધજ ડોશીઓને ધીમે-ધીમે ટેવાઈ જતાં ડેલાએ જોયેલાં. ટેવાવું પડે એવું જ હતું! ડેલાની વણલખી ‘વ્યવસ્થા’ મને-કમને પાળવા સિવાય છૂટકો જ ક્યાં હતો! શું કરે!

પેલા તો શું, કે હજી કાંઈ વાંધો હતો નહીં. શહેર હજી આફરીને ઢમઢોલ નહોતું થયું. કુદરત જેવું કાંક હતું. ને, એના ખોળે જઈ શકાતું. ડેલાની બાયું, રાતનું રસોડું આટોપીને, અંધારું ઓઢીને સાગમટે પડખેનાં ખેતરમાં કુદરતને ખોળે ઊમટી પડતી. આખ્ખા દિવસની અલકમલકની કરીને નિરાં…તે બધું પતાવીને પાછી આવી જતી. ડેલામાં આ વ્યવસ્થા સિવાયની બીજી કોઈ વ્યવસ્થા અંગે વિચાર પણ ક્યારેક જ થતો. શું, કે ટેવાઈ ગ્યેલી ડેલાની બાયું!

રમણની વહુ પરણીને પેલવેલુકી ડેલામાં આવી ત્યારે એને કાંઈ ખબર નહીં. અમદાવાદ એના પિયરમાં તો, ઘરમાં જ ‘હાઈકલા’ ‘વ્યવસ્થા!’ ક્યાંય જાવાપણું જ નહીં. રમણ સાથે ગાળેલી પહેલી રાતના કેફમાં ને કેફમાં સવારે ઊંધા હાથની નિશાની કરી સાસુને પૂછેલું કે, ‘ક્યાં?’ ત્યારે સાસુએ કિધેલુંઃ ‘સવારમાં નહીં, રાતે!’ રમણની વહુ રીતસરની હબક જ ખાઈ ગ્યેલી. સવારની ટેવવાળી રમણની વહુને રાતના સમયપત્રકમાં આવતાં એક વરસ નીકળી ગ્યેલું. શરૂઆતના દિવસોમાં એણે ખાવાનું ઓછું કરી નાખેલું. ખાઈ-ખાઈનેય! એકાદ વાર એણે બળવો કરેલોઃ ‘દિવસે જવું હોય તો શું કરવાનું?’ સાસુએ ધધડાવીને કહી દીધેલુંઃ ‘અમદાવાદ જતા રે’વાનું!’ પછી તો જો કે ઘીના ઠામમાં ઘી, ને ડેલામાં રમણની વહુ! ક્યાં જાય!

પણ ઘીના ઠામમાં ઘી પડ્યું રે’તું હોય તો તો શું જોઈએ? કુદરતના ખોળા જેવાં ખેતરોની જમીનું ‘N.A.’ થવા માંડી. બિનખેતીની જમીનો પર ‘ટુ રૂમ કિચન, બાથરૂમ ટૉઈલેટ’ની ‘ટાઈટલ ક્લિયર’ સ્કીમું ખડકાવા મંડી. ચોકીદારના કબજામાં બધી કુદરત! જવાનું ટળ્યું તે બાયું પાણાવાળી કરવાના મૂડમાં જ હતી. પણ કુદરત માલદારની હતી, એના હાથ હતા લાંબા… બાયું શું કરે?

એ.વી. સ્કૂલનું મેદાન ખાલી હતું. ભરવાડની બાયુંએ છાણાં થાપ્યાં હોય ત્યાં ડેલાની બાયું રાતે! ઉનાળાના દિવસો. આખ્ખો દી’ તાપની મારી ઘરમાં પુરાઈ રહેલી ‘પરજા’ને રાતે જ બધું સૂઝે! એમાં, ગાવાસ્કરના ગગલાવ ને સચિનનાં સગલાંવને ‘નાઈટ ક્રિકેટ’ના ચહરકા ઊપડ્યા! પંદર-પંદર રાતનો સળંગ ઝળાંહળાં પોગ્રામ એ.વી. સ્કૂલમાં! થાંભલેથી બારોબાર લીધેલી હેલોઝનના તોતિંગ ફુવારાએ ડેલાની બાયુંનો રાગે પડેલો પોગ્રામ પીંખી નાખેલો. બાયું શું કરે? ક્યાં…

ડેલાની પડખે ભીખાની ચાલીમાં જવાનો રસ્તો. રાતે અવર-જવર એકંદરે ઓછી. ફરતી… ફરતી… ફરતી… બાયુંની નજર ત્યાં બેઠી છૂટકો ન’તો! થઈ ગ્યું શરૂ… રાતવરત ભીખાની ચાલીનો રેવાસી કે એકલ-દોકલ આદમી નીકળે તો બિચારો શરમનો માર્યો નીચી મૂંડીએ હાલ્યો જાય. બળાપો કાઢતો જાય. ને બાયું તો, પહેલેથી જ, ઊંધું ખાલીને…

‘ભીખાની ચાલી’ માટે તો વળી આ નવું પાકિસ્તાન ઊભું થયું! નો કેવાય. ને નો’ સે’વાય એવી હાલત! તે, ચાલીનાં છોકરાંવ મારા બેટા કારગઠિયાં! ‘આઈડિયા’ ગોતી આવ્યાં! ઊભે રસ્તે એક-એક પાણો મૂકીને એને સિંદુરિયો રંગ ચડાવી દીધોઃ ‘તાત્કાલિક હનુમાન’, ‘ભીખાની મેલડી’, ‘ટોળાંનો મામો’… એમ નવદુર્ગાયું ને દસ દેવતાઓ હાજરાહજૂર, રાતોરાત! ધૂપદીવા-અગરબત્તીએ આખ્ખા રસ્તાને ‘પવિતર’ કરી નાખ્યો. ડેલાની બાયું મૂંઝાણીઃ ‘ભગવાનનેય આંયા બેહણાં કરવાનું હૂઝયું!’… ભગવાને આખી જિંદગીમાં નહીં લીધા હોય એટલા નિહાકા લીધા! ‘ભીખાની ચાલી’ વાળાંવને તો છોકરાંવના પરતાપે ગરમપાણીએ ખસ ગઈ. પણ બાયું? એનું શું? એ ક્યાં…

રેલ્વે સ્ટેશને અમદાવાદની ઈન્ટરસિટી સવારમાં સાડાપાંચે ઊપડે. ‘સવારમાં’ જવાના લોભે બાયુંએ આગળ-પાછળની ગણતરી કરીને ટ્રેનનો ‘લાભ’ લેવાનું શરૂ કરેલું. પ્લેટફૉર્મ પર પડેલી ગાડીમાં બે-બેની જુગલજોડીમાં બિનદાસ્ત બાયુંને ફાવતું હતું બરોબર, પણ એક વાર નીકળતાં થોડું મોડું થઈ ગયેલું ને ગાડી એના ટાઈમે ઊપડી… તે કંકુડી ને જીવલી બેય રહી ગ્યાં અંદર! ઠે…ઠ ગઢેચી વડલે ગાડી ઊભી રહી. બેય જણીઉંને પંદર કિલોમીટરની ટાંટિયાતોડ થઈ. બાયુંનો જીવ તો અધ્ધર! સાગમટે કર્યું નક્કી કે હવે ગાડીમાં જવાનું બંધ.

દુકાળિયા ગામતળાવમાં શરૂ કર્યું. હાલતું’તું, હાલતું’તું ત્યાં ગ્રેટ ગોલ્ડન સરકસનાં પાંજરાં ખડકાણાં. પાંજરામાં આમથી તેમ આંટા મારતી સિંહણો સામે બાયું ઘુરકિયાં કરીને આવતી રહેલી. બાયું બિચારી શું કરે? ક્યાં…

સરકીટ હાઉસ. એની સામે પાનવાડી વિકાસ સમિતિ. એની ઊભી દીવાલ. મહુવા જતો રસ્તો. વસ્તી ભરપૂર. એક જગ્યા હવે દેખાતી’તી. રાતના દસ-સાડાદસ થાય એટલે ‘ધારા’, ‘સૂરજમુખી’ને ‘કેસ્ટ્રોલ’ સુપર ટી.ટી.ની જાહેરાતો કરતી બાયું દિશા ફેરવે. સરકીટ હાઉસ, એટલે લાલબત્તીવાળી મોટરું એકધારી આવ-જા કર્યા કરે. ઈ લોકોને તો રાતના જ દી’ ઊગે ને! બાયું બે પગની વચાળે માથું સંતાડી રાખે. મોટરની લાઈટનો શેરડો રાક્ષસની જીભના લબકારા જેવો લાગે! ધારા’ ને ‘સૂરજમુખી’નું પાણી નકટી મોટર ઉપર રેડવાનું બાયુંને ઘણુંય મન થાય. પણ સમસમીને બેઠી રહે. શું કરે?

દુષ્કાળગ્રસ્ત જિલ્લાની મુલાકાતે મુખ્યપ્રધાન આવેલા. અસરગ્રસ્તોને રાહત આપવાના હતા. એમના ઉતારા સરકીટ હાઉસમાં. કલેક્ટરમામલતદારને વિચારેય આવે પાછા! તે એમને આવ્યો વિચાર. ‘સાહેબ’ની નજરે આ બધો ‘વૈભવ’ ન ચડે એટલા માટે પોલીસવાળાને કર્યો હુકમ. પોલીસવાળાએ ડંડા લઈને બાયુંને હાંકી કાઢેલી. વીલે મોઢે બાયું પછી ગમે ત્યાં.. બાયું બિચારી શું કરે? ક્યાં…

કોર્પોરેશનની ચૂંટણીટાણે ઉમેદવારો અઢીસો મત રોકડા કરવા ડેલામાં આવે. વચન આપી જાયઃ ‘અમને મત આપશો તો ડેલામાં ને ડેલામાં ચાર બંધાવી આપશું. ઘરનાં ઘર ને ફળિયામાં…’ બીજી ચૂંટણીટાણે મત ઉઘરાવવા ઈ ના ઈ નેતાઓ આવ્યા ત્યારે, ‘પેલા વેવસ્થા પછી મત’ કહી ધરાર બંધાવેલા. મેયરના હસ્તે ઉદ્ઘાટન કરેલું. આનંદ-આનંદ થઈ ગ્યેલો. પણ પછી, એ બેયની હાલત વસ્તીથી ઊભરાતા ભારત દેશ જેવી થઈ! પડખેથી નીકળવુંય ભોંભારે પડી જતું. એટલે, એ ય… બાયું મૂંઝાય. ‘જવું ક્યાં?’

ગામમાં જવાય તો ‘સુલભ’માં જવા મળે, હવે ‘સુલભ’ કેટલું ‘દુર્લભ’ઈ તો બાયું જ જાણે. ‘કઠણાઈની તો…!!!’ ખાવા હાટું રળવાનું ને ખાઈને ઠાલવવા હાટું રૂપિયો એક, આખ્ખો! ખણખણતો, ઝલવવાનો! ‘સુલભ’માં એમનેમ જવા ન મળે. બારણે ટેબલ નાખીને કામદાર બેઠો હોય. યમદૂત જેવો લાગે. આછી નજર એની હારે મેળવીને વખાની મારી બાઈ ‘અંદર’ ગઈ હોય તો યમરાજનાં બે પગલાં જોઈને ફડકી જાય. ‘ઈસ્ટોપર’ વગરનાં બારણાં વાસી, યમના પગ ઉપર પગ ટેકવીને ધડકતી છાતીએ એક હાથે બારણું ટેકવીને બાઈ મોક્ષપ્રાપ્તિની રાહમાં બેઠી રહે. પણ હાળું, બધું પેટના ક્યા અંધારિયા ખૂણામાં જતું રહે, ખબર જ ન પડે! બેઠી બેઠી વિચારે ચઢે. એને શેરીનું કૂતરું યાદ આવી જાય. મન પડે તે થાંભલો સુંઘી ત્રણ પગે ઠાલવી દેતું કૂતરું. પાછલા બે પગે નીચું નમી બળપ્રયોગ કરતું હોય ત્યારે પોતે ટીખળમાં, બે હાથની આંકડી ભીડી કૂતરાને તુ… તુ… તુ…’ કરીને, ‘ઈ ટાણે જ’ બોલાવ્યું હોય. બાઈને ખાતરી પાક્કી, કે કૂતરું ગમે એટલું બળ કરશે પણ એનો મોક્ષ નહીં થાય. કૂતરાના સરાપ લાગ્યા કે ગમે તેમ, ‘સુલભ’માં બેઠેલી બાઈને કૂતરાંની આંખોની લાચારીનો અર્થ ત્યારે સમજાયેલો. કેસ ‘ફેલ’ ગયો હોય તોય. અંદર ગર્યા એટલે રૂપિયો તો આપવો જ પડે. રૂપિયો ધરતાં જીવ કળીએ કળીએ કપાય. પણ, શું થાય!

ચોકમાં ખીમચંદભાઈનો વીરચંદ મંદિર ચણાવે. જતી-આવતી બાયું જોયા કરતી હોય. રાજસ્થાનથી ખટારા ભરી-ભરીને ગુલાબી પથરા ઠલવાય. હથોડી-ટાંકણાની ટકટકાટી ચાલુ જ હોય. બાયુંને મંદિરની જગ્યાએ વીસવીસની હારમાં, રૂપાળી હાથણીની જેમ ઝૂલતાં, નળ-ડોલ સાથેનાં, દેખાય… દેખાય… ત્યાં, ઘરરર! ઈલેકટ્રિક ડ્રીલની ઘરઘરાટી બધું ખેદાનમેદાન કરી નાખે.

આ બધીની કરમકઠણાઈભૂલીને બાયું હવે રાત્રે, એયને… ‘મેરુમાલણ’ ને ‘પારકી થાપણ’નાં ગીતો ગાતાં-ગાતાં, નરેશ કનોડિયા ને રોમા માણેકની વાતું કરતાં-કરતાં, આકાશમાં ચમકતાં તારોડિયાઓને જોતાં-જોતાં, સાંઠીકડેથી ચિતર દોરતાં-દોરતાં… પ… રમ સુખનો અનુભવ કરતી. ઝાડ-પાન ખૂબ ઊગી નીકળેલાં એટલે અવર-જવર કે વાહનોની બત્તીનો કાંઈ સવાલ નહીં. હવે તો ડેલામાં કોઈ ‘ટનાટન’ વ્યવસ્થા ઊભી કરી દે તોય, ‘પોલિટેકનિક ઈ પોલિટેકનિક’ કે’નારી બાયું ઝાઝી નીકળે. પોલિટેકનિકમાંથી છૂટીને બહાર નીકળતાં, ડામરના રોડ ઉપર, વધેલાં પાણીને ફુદરડી ફરી-ફરીને ઢોળવાની બાયુંને એવી મજા આવતી, એવી મજા આવતી!

ત્યાં ગગડાટી દેતા સમાચાર પાછી જીવલી જ લાવી. પોલિટેકનિકનુંય ટળ્યું! પોલિટેકનિકનાં છોકરાંવને ચૂનાથી ચિતરામણ કરતાં અને મજૂરોને ત્રિકમ-પાવડાથી ખાડા ખોદતાં જીવલીએ જોયાં. બાયુંને ખબર પડી ગઈ કે વંડી ચણાય છે! ‘મેર મૂઆવ! અભાગિયાવને અમારું ચપટીક સુખેય કહે છે! આંઈ ઈના બાપનું ક્યું રાજ લૂંટાઈ જાતું’તું કે વંડી કરવા મંડ્યા!’ બાયું ગાળ્યું કાઢતી ગઈ. એક-એક ગાળે ઈંટ ખડકાતી ગઈ. આખું મેદાન થઈ ગયું બંધ. વંડી વળી ગઈ તે રાતે બધી બાયુંએ જિલ્લા ઉદ્યોગકેન્દ્રના ચોકમાં બધું પાણી ઠલવી નાખેલું.

ગ્રેટ ગોલ્ડન સરકસના પાંજરાની સિંહણો જેવી દશા ડેલાની બાયુંની થઈ. આમથી તેમ. તેમથી આમ. આમથી તેમ. આકળવિકળ થઈ ગઈ બધી બાયું. ‘દબાણ’ ઓછું કરવા પાંચ-પાંચ નાનકડાં પા’ણાં રાખવાનું. દૂંટીએ થૂંક ચોપડવાનું બાયુંએ કરી જોયું. પણ… વિચિત્ર પ્રકારની ગંધ આખા ડેલામાં ફરી વળી. એકમેકની સામે જોઈને નીચે-ઊંચે નજર મેળવ્યા કરતી બાયુંનું મન વળી-વળીને પોલિટેકનિકમાં પહોંચે.

‘સો વાતની એક વાત. પોલિટેકનિક બંધ થાય ઈ હવે નો પોહાય!’ડેલામાં ગુસપુસ ચાલી. પુરુષો ‘પોલિટેકનિક’ ‘પોલિટેકનિક’ સાંભળ્યા કરે, પણ એ લોકો માથું ન મારે. ચોથા દિવસે રાતના અગિયારના ટકોરે બાયુંનું લશ્કર પોલિટેકનિક ઉપર કૂચ કરી ગ્યું. બે-ત્રણ બાયું લાવેલી કોશ, તે ભફોભફ પાડી દીધું પાંચ ફૂટનું મોટું બાકોરું.

‘હમજે છું હું પિટ્યાવ! મુવ! હવે ચણો વંડિયું!’ તે’દુની ઘડી ને આજનો દી’… સામે દિવસના ભાગે પોલિટેકનિકનાં છોકરાંછોકરીઓ હાથમાં લાકડાનાં પાટિયાં લઈ-લઈને આવી જાય છે. પાણીપૂરીવાળા અને ઈડલી સંભારવાળાને તડાકા પડે છે.

ને રાતના ભાગે આ તરફ. આ તરફ રાતે સ્વર્ગની બારી જેવા બાકોરામાં ડેલાની બાયું એક પછી એક, વટ્ટથી જતી હોય છે. હમણાં તો પોલિટેકનિક રાતદિવસ ધમધોકાર ચાલે છે.

(‘શબ્દસૃષ્ટિ’, ૨૦૦૨)

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.