ભૂમિકા – મણિલાલ હ. પટેલ

ટૂંકીવાર્તા-સંપદા

(૧૯૧૮થી ૨૦૧૮)

સં. મણિલાલ હ. પટેલ

ભૂમિકા

એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલ રાવલ તથા અન્ય ધૂરાવાહક અને મદદનીશ/સહાયક સૌ મિત્રોને વિચાર આવ્યો કે આપણી ગુજરાતી ટૂંકીવાર્તાને એકસો વર્ષ થયાં છે ને એનો એક મોટો વાચકવર્ગ છે, વળી આપણી વાર્તાઓ કલા અને સાહિત્યિક ગુણવત્તાને ધોરણે ભારતીય કક્ષાએ અગ્રેસર હોવા સાથે વિશ્વની વાર્તાઓ સાથે પણ ઊભી રહી શકે એવી ક્ષમતા ધરાવે છે. આપણી વાર્તાનો બહોળો વાચક વર્ગ અનેક રાજ્યોમાં અને અન્ય દેશોમાં પણ વસે છે. દરેક વખતે એમને મનગમતી કે મહત્ત્વની વાર્તા વાંચવી હોય ત્યારે હાથવગી ન પણ હોઈ શકે. ત્યારે આ ડિજિટલ મિડિયાનો ઉપયોગ કરીને ગુજરાતી વાચકોને આપણી જાણીતી વાર્તાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

આવા ભલા આશયથી શ્રી અતુલ રાવલે મને ગુજરાતીની એકસો વર્ષની વાર્તાઓમાંથી જાણીતી, લોકપ્રિય, ઉત્તમ અને પ્રતિનિધિરૂપ વાર્તઓનું ચયન/સંપાદન કરી આપવાની દરખાસ્ત કરી હતી. મેં એ દરખાસ્ત સાનંદ સ્વીકારી અને એનું પરિણામ આપની સામે છે. ગુજરાતીના મૂર્ધન્ય વાર્તાકારોની વાર્તાઓ સાથે પ્રથમ હરોળના અગ્રણી વાર્તા-સર્જકોની વાર્તાઓ — સહુની એકાધિક વાર્તાઓ —નો અહીં સમાવેશ કર્યો છે. એ સાથે મહત્ત્વના કે ધ્યાનમાત્ર વાર્તાકારોની બેત્રણ બેત્રણ અથવા ઓછામાં ઓછી એક વાર્તાને અહીં સ્થાન આપ્યું છે. સાંઠ સિત્તેરથી વધુ સર્જકોની કુલ મળીને બસોથી વધારે વાર્તાઓનું ચયન કર્યું છે. કોઈની એકબે વાર્તા સારી હોય એમને પણ અહીં સ્થાન આપ્યું છે.

૧.

નવલકથા વગેરે ગદ્ય સ્વરૂપોની જેમ ટૂંકીવાર્તા પણ પાશ્ચાત્ય સાહિત્યમાંથી આવી હોવા છતાં એ ગુજરાતી પરિવેશમાં અને આપણા સાંસ્કૃતિક જીવનની પરંપરાઓમાં ઝડપથી મળી-ભળી ગઈ છે. આપણી કથાકથનની પરંપરા બહુ પ્રાચીન છે; લોકકથા ને બોધકથાઓ પણ આપણા લોકજીવનનો હિસ્સો છે. આ બધાંનો પ્રભાવ ટૂંકીવાર્તાને વધુ પોતીકી અને દૃઢમૂળ કરવામાં મદદરૂપ થયો છે. એટલે ટૂંકીવાર્તા જાણે આપણી જીવનધરાનું સંતાન બની રહી છે.

ટૂંકી વાર્તામાં એક મોટીફ-કથાબીજ- હોય, એ નિમિત્તે કથા આવે છે; કથા કહેનાર આવે છેઃ કથા વાર્તાનું મુખ્ય પાત્ર પણ કહેતું હોય અથવા લેખક/કથક પણ કહેતો હોય એવું બને! વાર્તામાં એક કેન્દ્ર હોયઃ પુષ્પમાં જેમ દીટું-દાંડી હોય છે. પછી એ કેન્દ્રમાંથી ચારપાંચ ફૂલપત્તી જેવી આછી અમથી ઘટનાઓ સહજ રીતે પ્રગટે છે ને ગોઠવાઈ જાય છે. આમ, ટૂંકીવાર્તા એક પુષ્પ જેવી હોય છે; જે એકત્વની છાપ પાડે છે.

ટૂંકીવાર્તા સામગ્રી અને ભાષા બાબતે કરકસરની કલા છે. વાર્તામાં એક જ મુખ્ય પાત્ર હોય અને એના જીવનની કોઈ એકબે ઘટનાઓ કે પરિસ્થિતિઓનું; સમસ્યાઓ કે સંવેદનાઓનું અસરકારક નિરુપણ હોય છે. એમાં વાચકને પકડી લ્યે એવો આરંભ અને સંઘર્ષપૂર્ણ મધ્ય હોવા સાથે રસ કે ભાવની ચમત્કૃતિ દર્શાવતો અંત મહત્ત્વનાં હોય છે. ટૂંકીવાર્તા સર્જક માટે ખાસ્સો પડકાર ઊભો કરે છે.

૨.

ગુજરાતી ટૂંકીવાર્તાના મહત્ત્વના તબક્કાઓનો પરિચય મેળવીએ. આ દરેક તબક્કામાં વાર્તા નવાં નવાં કલેવર ધારણ કરે છે. નવા વાર્તાકારો આવે છે અને પોતાના સમકાલીન સમાજજીવનને પોતાની રીતેભીતે આલેખે છે. એમાં ગામડું અને લોકબોલી આવે છે; નગર અને નાગરીભાષા પણ ધ્યાન ખેંચે છે. માનવજીવન અને માનવસ્વભાવનું આલેખન કોઈ પણ કલામાં હોવાનું. અલબત્ત! એની અભિવ્યક્તિ નોખી નોખી હોય છે. વાર્તા આપણા સમાજજીવનને, વ્યક્તિજીવનની સંવેદનાઓને, શિક્ષણ, રાજકાજ તથા સંસ્કૃતિને નિશ્ચિત પરિસરમાં આલેખે છે. પ્રજાજીવનનો સાંસ્કૃતિક ઇતિહાસ આપણી કથાવાર્તાઓને આધારે લખી શકાય એવી એમાં ગુંજાશ છે.

૧૯૧૫ની આસપાસ મલયાનિલે નમૂનેદાર-ગોવાલણી વગેરે-વાર્તાઓ લખેલી જે ૧૯૧૮માં ‘ગોવાલણી અને બીજી વાતો’–શીર્ષકથી પ્રગટ થઈ હતી–ગ્રંથસ્થ થઈ હતી. એ પૂર્વે પણ વાર્તાલેખનના પ્રયોગો થયા હતા. જેમાં રણજિતરામ મહેતા વગેરેનું લેખન ધ્યાનપાત્ર હતું. ગુજરાતી વાર્તાનો મજબૂત પાયો નાખનાર તો ધૂમકેતુ હતા. ૧૯૨૦-૨૨થી એમણે વાર્તાઓ લખવા માંડેલી. ૪૫૦–થી વધુ વાર્તાઓ એમણે લખેલી છે. વિષય વૈવિધ્ય સાથે લેખનરીતિનું વૈવિધ્ય દાખવીને ગુજરાતી ભાષાની ક્ષમતાનો કસ કાઢીને ધૂમકેતુએ ગુજરાતી વાર્તાને દૃઢમૂલ અને લોકપ્રિય બનાવી હતી. એ પછી રા. વિ. પાઠક–દ્વિરેફે નવી શૈલીની, બદલાતા જીવનની અને મનોગતની ગતિવિધિને નિરુપતી સરસ વાર્તાઓ આપી હતી. ગુજરાતી વાર્તાનો આ પ્રથમ તબક્કો ગણાવી શકાય.

ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ (૧૯૨૦થી ૧૯૪૦) તરીકે ઓળખાવાયેલા આ તબક્કામાં વાસ્તજીવનની છબિ આલેખવા સાથે જાતિયતાને લગતી તથા માનવમનમાં પ્રવેશીને મનોર્મિઓનો તાગ મેળવતી વાર્તા પણ ધ્યાન ખેંચે છે. ફ્રોઈડનો પ્રભાવ પણ જોઈ શકાય. આમેય સાહિત્યમાં સ્ત્રી-પુરુષના જાતીય સંબંધો હંમેશાં આલેખાતા રહ્યા છે.

દ્વિરેફ ઉપરાંત ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, ગુલાબદાસ બ્રોકર, સુન્દરમ્, ઉમાશંકર અને સ્નેહરશ્મિ આ ગાળમાં ગુજરાતી વાર્તાને સમૃદ્ધ બનાવે છે. હવે ગુજરાતી વાર્તા વૈયક્તિક સંવેદનાઓ સાથે કુટુમ્બ અને નારીજીવનની સમસ્યાઓને રસાળ શૈલીમાં રજૂ કરે છે.

ગાંધીજીના આગમન સાથે ગામડાં તરફ ધ્યાન જાય છે. સાહિત્યમાં ગામડું પ્રવેશે છે તે સાહિત્ય ગ્રામાભિમુખ બને છે. ગુજરાતના વિવિધ જનપ્રદેશો-તળપ્રદેશોમાંથી વાર્તાકારો આવે છે. જે ગ્રામ પરિવેશ અને તળ બોલીનો પ્રયોગ કરે છે. ગુજરાતી વાર્તા અહીં વૈવિધ્ય સાથે રચના-કૌશલ્ય પણ દાખવે છે. આ ગાળાના મહત્ત્વના વાર્તાકારો છેઃ પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, ઈશ્વર પેટલીકર, ચુનિલાલ મડિયા, પીતાંબર પટેલ તથા સુન્દરમ્, ઉમાશંકર.

આપણી અહીં સુધીની કેટલીક સર્વસ્વીકૃત વાર્તાઓ આ પ્રમાણે છેઃ ગોવાલણી, ખરી મા, મારી કમળા, પોસ્ટઓફિસ, સ્વર્ગ અને પૃથ્વી, વાત્રકને કાંઠે, નેશનલ સેવિંગ્સ, બાપુનો કૂતરો, વહુ અને ઘોડો, ઓળીપો, લોહીની સગાઈ, નીલીનું ભૂત, લતા શું બોલે?!, વાની મારી કોયલ, ચંપો અને કેળ, ખોલકી, માજાવેલાનું મૃત્યુ, લોહી તરસ્યો, મારી ચંપાનો વર, કમાઉ દીકરો, હવાડીનું પાણી, અંજળપાણી!

૩.

ગાંધીયુગ આથમે (હજી વાર છે.) એ પહેલાં જ આપણી વાર્તા પાછી નવતર ક્ષેત્રમાં પ્રવેશતી દેખાય છે – ૧૯૪૫ની આસપાસ જયંતિ દલાલ નગર જીવનની મહત્ત્વની રગોમાં પ્રવેશીને પરિવેશ તથા પ્રતીકનો સહારો લઈને નૂતન શિક્ષિત સમાજની રીતભાતની વાર્તાઓ લઈ આવે છે. નારીવાદનાં મૂળ તો ગોવાલણીમાં ય મળી આવે, પણ હવે શિક્ષિત નારીની સંવેદનાઓ માથું ઊંચકે છે. ઉત્તરા, અને આ ઘેર પેલે ઘેર — વાર્તાઓ નવીનતા આંકી આપે છે. જયંત ખત્રી ગુજરાતી વાર્તાના બહુ મોટા ખમતીધર કલાકાર! આ ગાળામાં એ કચ્છ પ્રદેશના પરિવેશને પ્રત્યક્ષ કરી આપવા સાથે એમાંથી જ પ્રતીકો નીપજાવી, એ અભાવગ્રસ્ત પ્રદેશની પ્રાકૃતિક સમૃદ્ધિ અને વિપદાઓમાં જીવતી પ્રજાની વેદનાનું નક્કર આલેખન કરતી ઘણી વાર્તાઓ લઈ આવે છે. પન્નાલાલ-મેઘાણી પચીનું આ ઊંચેરું શૃંગ છે. ખત્રીની પાણીદાર વાર્તાઓઃ લોહીનું ટીપું, ખરા બપોર, ધાડ, તેજગતિ અને ધ્વનિ, માટીનો ઘડો તથા નાગ! આ સમયમાં આગળના વાર્તાકારો પણ ઉત્તમ વાર્તાઓ આપી રહ્યા હતા. એમાં કેતન મુનશી અને બકુલેશનાં નામ ઉમેરી શકાય. અનેક વાર્તાકારો સતત લખતા હોવાની પ્રતીતિ ગુજરાતી વાર્તા કરાવતી રહી છે.

૪.

ઈ. સ. ૧૯૫૭-૫૮માં સુરેશ હ. જોશી ‘ગૃહપ્રવેશ’ વાર્તાસંચય લઈને આવે છે — નવાં ગૃહિતો ને નવીન રીતિની આધુનિક વાર્તા સહુનું ધ્યાન ખેંચે છે. ઘટનાને વાર્તાના કથનમાં ઓગાળી દેવી! ઘટનાનું તિરોધાન કરવું, કલ્પન, પ્રતીકો પ્રયોજવાં… વાર્તા પડકાર બનીને સામે આવે છેઃ કુરુક્ષેત્ર, રાક્ષસ, થીગડું, વરપ્રાપ્તિ અને પદભ્રષ્ટ!!

આધુનિક શૈલીની વાર્તાઓ આપવામાં સુ. જો. પછી મધુ રાય જેવા અપવાદો બાદ કરતાં બીજા ઝાઝા લેખકોએ ધ્યાનપાત્ર લખ્યું નથી. પ્રબોધ પરીખ, રાધેશ્યામ શર્મા, રાવજી, જ્યોતિષ જાની, સુમન શાહ, ચિનુ મોદી વગેરેના વાર્તાલેખન પ્રયાસો વાર્તાને ઊંચાઈ આપી નથી શક્યા. સુમન શાહે અનુઆધુનિક ગાળામાં સારી વાર્તાઓ આપી છે. આ ગાળામાં સુ. જો.ની લેખનરીતિથી ફંટાઈને, કૈંક પરંપરામાં નીજિ રીતિ ઉમેરીને અને ઘટનાને છોડ્યા વગર તથા સમાજ સન્દર્ભો લઈને સારી વાર્તાઓ લખનારા લેખકો વધુ ધ્યાન ખેંચે છે. ચન્દ્રકાન્ત બક્ષી, રઘુવીર ચૌધરી, સરોજ પાઠક, ધીરુબહેન, વર્ષા અડાલજા અને કુન્દનિકા કાપડીઆનું વાર્તાલેખન પ્રમાણમાં સમૃદ્ધિનો પરિચય કરાવે છે.

૫.

ગુજરાતી વાર્તાનો અનુઆધુનિક તબક્કો અનેક રીતે સમૃદ્ધ બની રહ્યો છે. દલિત ચેતના, નારીચેતના, ગ્રામચેતના, નગરચેતનાની વાર્તાઓ લઈને ગુજરાતના જુદા જુદા સમાજોમાંથી વાર્તાકારો આવ્યા. આધુનિકગાળાની કૃતક ટેક્નિકો ત્યજવા સાથે આ નવા વાર્તાકારો પરંપરાને વધુ પરિષ્કૃત કરે છે. પોતાના કૂળમૂળની વાતો, તળ પરિવેશ, બોલી, પ્રતીકોઃ આ બધાંનું કળાત્મક સંયોજન આ ગાળાની વાર્તાઓને નવી ઊંચાઈ સુધી લઈ જાય છે. હિમાંશી શેલતે તો પ્રતિબદ્ધ અને કળાપૂર્ણ વાર્તાઓ આપીને વાચકોને ન્યાલ કર્યા છે. જોસેફ મેકવાન, પ્રવીણસિંહ ચાવડા, વીનેશ અંતાણી, દલપત, દશરથ, મોહન પરમાર, કિરીટ દૂધાત, મણિલાલ હ. પટેલ, માય ડિયર જયુ, બિપિન પટેલ, અજિત ઠાકોર, રમેશ દવે, મનોહર ત્રિવેદી, રામચન્દ્ર પટેલ, હરીશ મંગલમ્, પ્રવીણ ગઢવી, પરેશ નાયક આ સમયના મહત્ત્વના વાર્તાકારો છે. ભૂપેન ખખ્ખરની તથા શિરીષ પંચાલની સમાજનું સંકુલ ચિત્ર આપતી વાર્તાઓ મહત્ત્વની છે. સંચય-સંપદામાં આ સહુની વાર્તાઓ છે — એટલે નામ પાડ્યાં નથી. આજે લખતા આવતીકાલના વાર્તાકારોનાં પ્રતિનિધિરૂપ નામ પણ — મહેન્દ્રસિંહ પરમાર, રામ મોરી, સાગર શાહ, પૂજા તત્સત્, કોશા રાવલ, અજય સોની, વિજય સોની — નોંધી શકીએ.

હવે આપની સામે ડિજિટલ સ્વરૂપમાં ગુજરાતી ૨૦૦થી વધુ વાર્તાઓ છેઃ નિરાંતે વાંચજો. આભાર.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.