મંદિરની પછીતે

મંદિરમાં ભક્તોની ભીડ ભાંગી દલા બંડે! જેણે વૈતરણી તરવા કરતાં નાતની પંચાયતમાં પોતાનો પડતો બોલ ઝિલાય એમાં જ જીવનની બધી મૂડી રોકી હતી એ દલાએ ખરી પલટી ખાધી! કાયમ મંદિરની પછીતના રસ્તે થઈને ખેતરમાં જનારો, પણ અંદર કદી પગ ન મૂકનારો દલો વગર ગુરુએ વટલાણો! કોઈના માન્યામાં આવતું નથી અને તેથી ગામમાં બધાં એની જ વાતો કરે છે. ભજનમંડળીના જે સભ્યો દલાને નોતરવા ગયા હતા એમને પણ સાચા પડ્યાનું સુખ નથી. અજંપો છે. અકળ રહી ગઈ છે અંદરની વાત. પણ દલાએ પલટી ખાવામાં જરાય ઉતાવળ કરી નથી.

ગામના પાયા નખાયા ત્યારથી એક ચાલ પડી ગયેલો. જે પંચાતમાં જાય એ મંદિરમાં ન જાય. પંચાતિયા ભક્તોને પરસાદિયા કહીને ઉતારી પાડે ને ભક્તો પંચાતિયાઓને અફીણિયા કહીને ઓળખે. હાડવેર. આંખોની આભડછેટ.

દલો એની જવાનીનાં બધાં વરસ ખરચીને હવે રીઢા પંચાતિયા તરીકે પંકાયો હતો. એનું ધાર્યું ન થાય ત્યાં સુધી રોડાં ગબડતાં રહે. વાસણ ખખડતાં રહે. બેનાં ચાર તડાં પડે. દલો છેવટે બધાને શાંત પાડે. સંમત કરીને રાજીપો દાખવે.

રેવાકાકાનો એ એકનો એક દીકરો. ખાધેપીધે સુખી. હાથનો છુટ્ટો પણ પત્ની ત્રેવડવાળી. ખેતીમાં કદાચ ખૂટે પણ દૂધમાં તરો પડે. કુદરતની કરામત જુઓ કે એમને પણ એક જ છોકરો. સાંભરતું નથી કે એ નાપાસ થયો હોય કે કોઈનો માર ખાઈને રડતો રડતો ઘેર આવ્યો હોય. નામ ભગો. એની મા મંછા. પણ એને ગામમાં નામથી કોઈ બોલાવતું નથી. ‘દલા બંડનો છોકરો,’ ‘દલા બંડની વહુ’ કહે છે. કામ હોય ત્યારે બધા દલાભે કહે. નાનેરાં દલોકાકો કહે. થયાં હશે સુડતાલીસ-અડતાલીસ.

પહેલાં દલો ગણેશ મુખીનું કહ્યું કરતો. એમનો ચઢાવ્યો ગમે તેની સામે બંડ કરતો. પછી એ ફેંસલા આપતો થયો. કોની મગદૂર હતી કે ચૂં કે ચાં કરે? ગામમાં ભણેલાયે છે ને તાલેવાન પણ છે. ઘણા પર એની ધાક બેસી ગઈ છે. એટલું જ નહીં, એમનેય ક્યારેક દલાની ગરજ પડે છે. સમજે છે કે સીધી આંગળીએ ઘી નથી નીકળતું… પણ ભજનમંડળીના સભ્યો દલાથી કદી અંજાયા નથી. એમનું રામભરોસે ચાલ્યા કરે છે. એક ગરબી કે ભજન પૂરું કરી બીજું ઉપાડતાં પહેલાં બીડી પીતા હોય ત્યારે દુનિયાદારીની વાત જરૂર નીકળે. એમાં દલો ડોકાય તો એની બરજોરીની અચૂક ટીકા થાય. કેટલાક ભક્તો એને વળી ‘દલો બંડ’ કહેવાને બદલે ફક્ત ‘બંડ’ કહેવામાં ધર્મ સમજે. એમણે ધાર્યું નહોતું કે એમને ભગવાનના કામે, દલાનો ખપ પડશે.

બીજી બધી રીતે ભજનમંડળી સધ્ધર રહી છે. પચીસેક વર્ષ પહેલાં આ શિખરબંધ મંદિર બંધાવેલું અને એમાં રાધા. કૃષ્ણ તેમજ હળધર બલદેવની મૂર્તિઓ પધરાવેલી. મંદિર પર કોઈ સંપ્રદાયની માલિકી નથી. વહીવટ ભજનમંડળીને હસ્તક છે. પગારદાર પૂજારી રાખે છે. પગાર માપનો પણ દાન-દક્ષિણા મળે એથી એનું નભી જાય. અત્યારના પૂજારી ઘણા વખતથી ટકયા છે. હસમુખા છે, ભણેલા પણ છે. મંદિર, પડાળી, મંડોવર બધું ચોખ્ખું રાખે છે. સવાલ છે એક પછીતનો.

મંદિર પૂર્વાભિમુખ છે. એની ફરતે વિશાળ પડાળી છે. એની પશ્ચિમ બાજુની દીવાલ પાસે કચરો ભેગો થયા કરે છે. પૂજારી બિચારો એવા ઉકરડા ક્યાં ઉથામ્યા કરે?

દલો એ રસ્તે થઈને વાસો જાય. ગામમાં બીજે ભેગા થતા કચરામાં અને મંદિરની પછીતના કચરામાં એને કશો ફેર લાગતો નહીં તેથી એનું ધ્યાન જતું નહીં. પણ પૂજારી અને ભજનમંડળીના પ્રમુખનું એ તરફ વારંવાર ધ્યાન જાય છે. હવે તો કચરો નાખનારાંની વસ્તી પણ વધી છે. એ બાજુ ધાબાંવાળાં મકાન થયાં છે. એમાં રહેનારાં પૈસેટકે સુખી છે. એમને દૂર જતાં આળસ ચઢે છે. રોજરોજ કોરોભીનો કચરો વધતો જાય છે. પ્રમુખ બેઉ હાથ જોડી વીનવે છે. અસર થતી નથી. ભવાં ચઢાવીને ઠપકો આપે છે. કોઈ વિરોધ કરતું નથી. નિસાસો નાખીને ભગવાન આગળ વસવસો કરે છે. કોઈ સાંભળતું નથી. પ્રમુખ તરીકે માન મળે છે એના બદલામાં ગાંઠના પૈસા ખરચીને વારતહેવારે કચરો ખસેડાવે છે. ફરી પાછું એનું એ. એ અને પૂજારી એક બાબતે સંમત છે : ગામમાં સુખસાહ્યબી આવ્યાં એની સાથે ગંદકી વધી.

પછીતના કચરાની વાસ વારેઘડીએ હાજરી પુરાવ્યે જાય છે. એની હાજરીની નોંધ લેવાની જવાબદારી પોતાની એકલાની હોય એમ એક રાતે ઓચ્છવ પૂરો થતાં પ્રમુખશ્રી બોલી ઊઠ્યા: ‘મારે પ્રમુખ તરીકે કચરો સાફ કર્યો કરવાનો? હવે જો કોઈએ કચરો નાખ્યો છે તો હું રાજીનામું આપી દઈશ.’

બીજે દિવસે સવારે નાહીધોઈને એ મંદિરે આવ્યા. પૂજારી પારિજાતનાં ફૂલ વીણી રહ્યા હતા. હજી ચોમાસું પૂરું થયું નથી. એમની સલાહ લઈને પછીતે લીંબડા-આંબા વાવવાનું આયોજન કર્યું, જેથી લોકોને યાદ રહે, અહીં ગંદકી ન થાય. પૂજારી કહે: ‘હું તો હવે કચરાની વાસથી ટેવાઈ ગયો છું પણ તમારી ભાવના ભગવાન પૂરી કરો. દેવમંદિરમાં આરતીનો ધૂપ અને પછીતે આંબા-લીંબડાના મહોરની સુગંધ! વાહ, એ દિવસ આપણા ભાગ્યમાં ક્યાંથી? ચાલો.’ બંનેએ સાથે મળીને લીંબડી અને આંબા રોપ્યાં.

દલા બંડનો છોકરો ભગો ગયા ઉનાળામાં દશમા ધોરણની પરીક્ષામાં સારા માર્કે પાસ થયેલો એનું ઇનામ રહી રહીને હવે મળ્યું. એની મા મંછા પિયરથી બાધાઆખડી રાખવાની ટેવ લેતી આવેલી. એણે ભગા જોડે ભગવાનનો પ્રસાદ અને પાંચ રૂપિયા મોકલ્યા હતા. પૂજારીએ એને દરેકે દરેક પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાના આશીર્વાદ આપીને ડોલ પકડાવી. દરેક ખામણામાં એક એક ડોલ રેડતો જા. ભગો બાધા પૂરી કરવાના ભાગ તરીકે જ ઝાડવાંને પાણી પાતો ગયો. બાકી, કોની મગદૂર હતી કે દલા બંડના છોકરાને કામ ચીંધે?

મંદિરના પૂજારીએ ચીંધ્યા મુજબ ભગાએ ગામની ભાગોળે કામ કર્યું! — એ જાણી લો મૂછમાં હસ્યો. મંછાના સાંભળતાં કહેઃ ‘ખેતરમાં ક્યારા વાળવાનું કહીએ છીએ ત્યારે તો દફતર લઈને બેસી જાય છે અને પારકાનું કામ કરતાં ભણતર યાદ નથી આવતું?’

‘ભગવાનના કામને તમે પારકું ગણો છો? – મંછાએ ઠપકાની નજરે જોતાં કહેલું. દરમિયાન ભગાને દલીલ સૂઝી ગઈ. ‘આ તો મારા ભણવામાંય આવતું હતું તેથી કર્યું. પણ તમે ના પાડશો તો નંઈ કરું.’

‘ના પાડવાનીય નવરાશ મળી હોત તો જોઈતું’તું જ શું?’ – મંછાએ કહ્યું અને દલાને વિચારતો કરી મૂક્યો.

ભગો વળી, માના નામ વિશે વિચારવા લાગ્યો હતો. ઈનામની જાહેરાત કરતી વખતે રિવાજ મુજબ શિક્ષક ભગાના બાપની સાથે માનું નામ પણ બોલેલા. પણ મંછા નામ સાંભળતાં જ વિદ્યાર્થીઓ હસી પડેલા. શિક્ષકે કહેલું: ‘સંસ્કૃતના ‘મનીષા’માંથી ‘મંછા’ બન્યું છે. એનો હવાલો આપીને ભગાએ કહ્યું: ‘મા, તારું મૂળ નામ તો મનીષા!’

સાંભળતાં દલો હસી પડ્યો. ભગાએ ગંભીરતાથી બોલી બતાવ્યું: મનીષામાંથી મંછા કેવી રીતે થાય!! દલો સાચ પર હસી ન શક્યો. એણે દીકરાના ભણતરમાં રસ લેવાનું નક્કી કર્યું. ઝાડવાંને પાણી પાવાનું શીખવે એ ભણતર નકામું તો ન જ કહેવાય.

વાસો જતાં જાણેઅજાણે એની નજર મંદિરની પછીત બાજુ ગઈ. આંબા-લીંબડાના રોપા લથબથ કચરા નીચે ઢંકાતા જતા હતા. રબારીઓનાં હરાયાં ઢોર એમની ટોચો બચી ગયાં હતાં. દીવાલની પેલી બાજુથી પૂજારીના હાકોટા એમને ક્યાંથી સંભળાય?

પારિજાતની મોસમ પૂરી થઈ ગઈ હતી. આથમણો વાયરો હોય ત્યારે કચરાની વાસ આવ્યા વિના રહે નહીં. શિયાળો પૂરો થતાં કચરાનો ઢગલો વધીને ઉકરડા જેવો લાગવા માંડ્યો. ગરમી શરૂ થઈ. વધી. ઉકરડાના તળિયાનો કહોવાટ આખો દિવસ ઊકળતો અને સાંજે આથમણી બારીઓ થકી ભક્તોના શ્વાસ સુધી પહોંચતો. ભક્તોની અકળામણ જોઈને પૂજારી પોતાની આપદામાં બધાને ભાગીદાર બનાવીને હળવા થવા માગતા હોય એમ કહેતા: ‘આ બધી તો સૂર્યનારાયણ અને પવનદેવની લીલા છે!’ – આવાં મીઠાં વેણ ભક્તોને રાહત આપી શકતાં નહીં કેમ કે ગરબી ગાતાં ગાતાં ભક્તિનો આવેશ વધી જતો અને ઉચ્છ્‌વાસના ઉછાળા પછી ફેફસાં શ્વાસમાં બહારની હવા લેતાં ત્યારે સડેલા કચરાની વાસ સીસાની જેમ અંદર ઊંડે ઊતરી જતી. હાડમાં ભળી જતી. એ પછી પંચામૃતનો સ્વાદ પણ જુઠ્ઠો પડી જતો. આસુરી બળો ઉંબરો ઓળંગતાં લાગતાં.

રાજીનામું આપ્યાની જાહેરાતની રાતે ભજનમંડળીના પ્રમુખશ્રીએ કહ્યું: ‘અહીં ભગવાનના ધામમાં ધૂપ-દીપ-કપૂરની સુગંધ હોય કે ચામડાં પકવવા માટેના કુંડની દુર્ગધ? બસ આવજો, રામરામ!’

બધાએ એમને વીનવ્યા, એક-બે જણે આજીજી કરી પણ પ્રમુખશ્રી એકના બે ન થયા. ઊભા થતાં કહે: ‘ગામનો સફાઈ-કામદાર થઈશ પણ તમારી મંડળીનો પ્રમુખ નહીં થાઉં.

તો કોને બનાવીએ પ્રમુખ? એકાદ નામ આલતા જાવ.’

‘જેને બનાવવો હોય એને બનાવો, કાળા ચોરને બનાવો, પેલા દલા બંડને બનાવો. પણ હું હવે મારા ઘરનો ગોખલો ચોખ્ખો રાખીશ. વારતહેવારે મંદિરની પછીતના ઉકરડા સાફ કરાવવા હું પ્રમુખ થયો નહોતો.’ – અને ભગવાનની માફી માગીને એ ચાલી નીકળ્યા. આ ભવમાં મુક્તિ નહીં મળે એટલું જ ને?

પ્રમુખ પગથિયાં ઊતરી રહે એ પહેલાં જ એમની જગા ભરવા માટે દરખાસ્તો આવવી શરૂ થઈ. એક સભ્યે હળવી રીતે દલા બંડનું નામ રમતું કર્યું. બીજાએ એમાં તથ્ય જોયું. ‘કચરો નાખનારાં પર ધાક બેસાડી દેવી હોય તો એના વિના બીજો ચાલે નહીં.’ વાત આગળ વધી. દલાના ખેતપડોશીએ કહ્યું: ‘એ આપણી મંડળીનો પરમુખ થશે શું કાંમ? એમાં ઈને ફાયદો શો?’

બીજાએ દલાનો બચાવ કર્યો: ‘તમારે ઈમ કે’વું છે કે દલો વગર ફાયદાનાં કામ કરતો જ નથી? ગામની કોઈ કુંવાશીને દુઃખ પડતું હાંભળે તો ઈનાં પિયરિયાં આરે એ દહ ગઉ દૂર સુધી હેંડી નાંખતો નથી? આ ટેક્ટર ને જીપો તો અવે આયી. એ પારકાં કામે જેટલું હેંડ્યો છે એટલું તો હેમાળો ગાળવા ધરમરાજાય હેંડ્યા નંઈ વોય! અને દલાને તો શું શમશાંન કે શું સમરાંગણ.’

વખાણ વધુ પડતાં થઈ ગયાં લાગતાં એક ભક્ત ભજનમંડળીના ધારાધોરણોનો હવાલો આપ્યો. એ ભણેલા હોવાથી ચીપી ચીપીને બોલતા હતાઃ જે માણસ આપણી મંડળીનો સભ્ય ન હોય, જેણે કોઈ કહેતાં કોઈ વ્યસન બાકી રાખ્યું ન હોય, એને તમે સામે ચાલીને પ્રમુખ બનાવો તો ભગવાન રાજી થાય ખરા?’ આ ગંભીર પ્રશ્નનો ઉત્તર કરવાની પોતાની જવાબદારી છે એમ સમજીને પૂજારી મંડળીના સભ્યોના ઝૂમખાની નજીક આવ્યા. કહે: ‘શ્રીહરિ તો પતિતપાવન અને અધમ-ઉદ્ધારક છે. એમણે નાસ્તિકોને પણ ક્યાં તાર્યા નથી? જ્યારે દલાભાઈ તો નાસ્તિક પણ નથી.’

‘કદી ફરક્યો છે આ બાજુ એ?’ એક પ્રૌઢ ધીમેથી બોલ્યા. દલાનો ભગો બાધા કરી ગયેલો એ દિવસ પૂજારીને યાદ હતો.

‘પણ હજીય કોક વાર અમલપિયાલી’ સભ્યશ્રી બોલતાં અટકી ગયા. અહીં બેઠા હોઈએ ત્યારે દારૂનું નામ ન લેવાય, એવી એમની સમજણ હતી. સહુએ એમની સામે માનથી જોયું.

દલો પીએ છે. કોઈની સાડાબારી રાખ્યા વિના પીએ છે. હા, ઘેર નથી પીતો. છોકરો હવે સમજણો થયો. એના દેખતાં કદી ન પીવાની દલાએ ગાંઠ વાળી છે. બાકી, બીજા કોઈની એને પડી નથી.

એક વાર મંછાનો ભાઈ એને માટે વરસનો સાલ્લો લઈને આવેલો. એને મનવર કરીને રોકેલો. ખેતરમાં આવ્યો. જુવારના પૂળા ખસેડતાં બાટલો નજરે પડતાં સાળાએ બનેવીને સલાહ આપી: ‘આ પીવાનું અપલસણ ઓછું કરાં તો—’

‘તમારા પૈસે તો નથી પીતો ને?’

‘હું તો તમારા ભલા ઓલે—’

‘મારા ભલાની ચન્ત્યા તમે કરશાં? દલો નશાની તલપમાં વીફર્યો અને ન બોલવાનું બોલી બેઠો: બેનને સાલ્લો લો છો તે ન લેતા પણ સાલ્લાના બાંને મને સલા આલવા ન આવતા હમજ્યા?’

સાળાએ એ વખતે તો ખમી ખાધું પણ પછી ફરકયો નથી. મંછાને બાતમી મળી ગઈ છે. ભાઈને ખોટું લાગ્યું છે. સંભળાવી દીધું દલાને. એમાંથી અબોલા થયા. પાંચ દાડે હોઠ ખૂલ્યા પણ અંગત વાત કશી નહીં. દલો નમતું નહીં જોખે, ભલે તૂટી જાય. ગણેશ મુખીમાં પણ આ લક્ષણ હતું. નબળાઈને વશ થઈને વહુને પણ નમવું નહીં. ને એકવાર જાહેરમાં બોલેલું કદી ફેરવી તોળવું નહીં. જોકે મુખીની બધી ટેવો દલામાં ઊતરી નથી. કોઈક અટપટી પંચાતમાં જતાં પહેલાં એ એક પ્યાલી ચઢાવી લેતા. એથી એમની જીભ છુટ્ટી થઈ જતી. સાંભળનારા દિંગ થઈ જતા. કયાંથી ફૂટતી હશે આ ડહાપણની સરવાણી!

દલાને કદી આવું બનતું નથી. એ પરવારીને આવ્યો હોય અને કશી સૂઝ પડતી ન હોય તો બે ઘૂંટડા ભરી લે અને પડખું ફરીને ઊંઘી જાય. આવજે વહેલી સવાર ઢૂંકડી!

ઊઠવામાં મોડું નહીં. દલો કામમાં કદી પાછો ન પડે. બે જણ બોલાવવા ન આવે ત્યાં સુધી પારકી પંચાયતમાં પડે નહીં. હા, કોઈ પડ્યું. આથડ્યું હોય ને એને બેઠો માર વાગ્યો હોય તો દલો એકબે બાટલા મગાવી આપે. એનું નામ પડે પછી કોઈ ભેળસેળ કરે નહીં. દલો માને છે કે એને દારૂ અને દારૂ ગાળનારાઓ સાથે લેણદેણ છે. તેથી એને દારૂ ન પીવાની સલાહ આપવાની હિંમત કરવા કોઈ ભક્ત તૈયાર નહોતા. કશી શરત કર્યા વિના એને પ્રમુખ બનાવવા જોકે ઘણા તૈયાર હતા. ફોડ પાડીને વાત કરી લઈશું. ‘જો ભઈ, તને પરમુખ અમસ્તો બનાવતા નથી. તારે એવી ધાક બેસાડી દેવી કે પડાળી પાછળ કચરો નાખવા કોઈનો પગ ઊપડે જ નઈં!’

પાંચ માણસને આવતા જોઈ દલાને ચિંતા થઈ. કોઈનું કશું અમંગળ તો થયું નહીં હોય? પણ વાત જાણતાં જ એ હળવો ફૂલ થઈ ગયો. ચલમ ભરવા બેઠો. ‘એ આપણું કાંમ નઈં!’ એણે ટૂંકમાં પતાવ્યું. પણ આવનારા ઊઠ્યા નહીં કે એમણે વાતનો વિષય પણ બદલ્યો નહીં.

દલાને થયું કે આ લોકોને માંડીને વાત કરવી પડશે. રખે માની લે કે હું એમના ઓચ્છવોમાં કશું સમજતો નથી. અંદર જતો નથી કે એ બાજુ જોતોય નથી પણ અંદરનો અવાજ તો કોક વાર સાંભળતો હોઈશ કે નહીં? દુનિયામાં નરસિંહ મહેતા અને મીરાંબાઈ જેવાં ભક્તો થઈ ગયાં છે એની દલાને ખબર હતી પણ ગામની મંડળીના બધા સભ્યોને એવા ભક્ત માનવા એ તૈયાર ન હતો. કહે: ‘અલ્યા, તમે અડધી રાત હુદી ગવ, નાચાં, કરતાલ વગાડાં ને બીજા દાડે બપોરે આખી વેળા ઘોરો ઈનો અરથ શો? તમારી બાયડીઓનું વૈતરું વધી જાય.’

દલો પંચાતમાં બેસીને દાખલા શીખ્યો છે. કાઠિયાવાડમાં એક ભગત થઈ ગયા. નરવા ને ગરવા. ગાવા બેસે ત્યારે ખુદ ભગવાન સાંભળવા આવ્યા હોય એમ એમનો કંઠ ઊઘડે. લૅ લાગે. પો ફાટે ત્યાં સુધી ભજન કરે. બીજે દાડે રજા. મજૂરી કરીને પેટિયું રળતા. કામના દિવસોમાં કોઈ ભજનનું વાયક આપવા આવે તો કહી દેઃ ‘ના બાપલા, આજ નહીં આવું. કાલે દાડીએ જવાનો છું ત્યાં કામ બરાબર ન થાય, ને ભગવાનના દોષમાં પડું. કોઈનું કામ બગાડીને ભક્તિ ન થાય’, આવા તો બીજા દાખલા પણ એની જીભે હતા.

બધા મોડે સુધી ગપસપ કરતા રહ્યા. પણ દલો મક્કમ હતો. એ આપણું કામ નહીં પણ તમે આયા છાં તો એટલું માંથે લઉં કે લોક ગંદકી ન કરે એ માટે જતાં-આવતાં ખોંખારો ખાતો રહીશ. બસ? બધા જઈને સૂઈ જાઓ.

એને મનાવવામાં નિષ્ફળ ગયેલાઓની પત્નીઓએ જાણ્યું કે એની સાથે મંછાના કાને વાત પડી. એને નવાઈ લાગી. જે આદમી ખેતરનું કામ પડતું મૂકીને પંચાત કરવા પરગામ ઊપડી જાય છે એને ઘેર બેઠાં મળતું માન કેમ ન પચ્યું?

એણે પૂછ્યું. ભલામણ કરી. દલાની દલીલોનો વિરોધ કર્યો. ઠપકો આપ્યો. ગુસ્સે થવાને બદલે એ એટલું જ બોલ્યો: ‘આજ લગી મંદિરમાં હું કદી ફરક્યોય નથી ને સીધો મંડળીનો પરમુખ થઈ જઉં? પણ એ બધાનો ભાવ છે તો ફેરો નઈ પડવા દઉં. મંદિર પછવાડે થઈને દાડામાં બે વાર નીકળું છું તો નજર રાખીશ, મારી ના છતાં કોઈ કચરો નાખતું હશે તો ચોપડાવીશ. તોય નઈ માને તો એકાદન કાંડું ભાંગી નાખીશ. ત્યાં પેશાબ કરવા બેસનારાઓને કાન પકડીને ઉઠાડી મૂકીશ. પણ આટલા ખાતર હું પરમુખ થઉં?

દલાએ મંછા આગળ કરેલી જાહેરાત મુજબ કામગીરી શરૂ કરી દીધી હતી. કચરો નાખવાની કુટેવોવાળાં ફફડવા માંડ્યાં હતાં. જો વગર પ્રમુખ થયે આટલી અસર હોય તો — બીજા બે જણા આગ્રહ કરવા આવ્યા. એમના કહેવા મુજબ જો તમે સફળ પંચાતિયા છો તો આ હોદ્દો પણ એટલી જ સફળતાથી ભોગવી શકશો. દલો હસી પડ્યો. પચીસપચીસ વરસ સુધી ગામેગામનાં બછાંણાંમાં અથડાઈ-કુટાઈને પોતે નાતના વેવારની આંટીઘૂંટીઓ ઉકેલતાં શીખ્યો છે. એ રીતે જો નાનપણથી ગાવા-નાચવાનું રાખ્યું હોત તો એય આવડ્યું હોત.

એમ, એક લીટી તો તમોને આવડે છે! તે દાડો ભગલાએ ભજનનું પૂછવું તાણે તમે એ લીટી નતી ગાઈ? ‘ઓધવજી રે મારા મંદિર પછવાડે મોહન મોરલી વગાડે જો!’ – કહેતાં મંછા હસી, બધાંએ સાથ આપ્યો. ચા-પાણી થયાં. દલાએ બધાને પચાસ પૈસાની ખાખી બીડીઓ મગાવીને પાઈ. પણ એમની વાત માની નહીં.

‘તો અમારે ભજનમંડળીના પ્રમુખની જગા ખાલી રાખવી?’

‘તમારા બધા નીમ પાળે એવો કો’ક જરૂર મળી જશે. હું તો–’ એક સભ્યે વચલો માર્ગ કાઢ્યો, ભણેલાની જેમ કહે:

‘એમ કરો દલાભાઈ, મંદિરમાં આવો ત્યારે તમે ન પીતા. બાકી તો તમે જાણો ને તમારો આતમરામ!’

બધા ઊભા થયા. શનિવારે ઓચ્છવમાં આવી હોદ્દો લઈ બધાને નચિંત કરવા વીનવતા ગયા. દલો ના પાડ્યા કરે છે એથી ગામમાં મંડળીનું ખરાબ દેખાય છે.

શનિવારે સાંજે દલો વાળુ કરી ચલમ ભરીને ઊઠ્યો. મંછાએ પૂછ્યું: ‘યાદ છે ને? આજે શનિવાર. મંદિરે જવાના કે નઈં?

દલાએ લાકડી નીચે મૂકી.

એ લોકોએ છૂટ તો આપી હતી. મંદિરે આવો એ દિવસ ન પીતા. બાકી તમે જાણો ને તમારો આતમરામ!

આતમરામ હોત તો જોઈતું’તું જ શું? એવો માણસ તે વળી, પચાતિયો થાય? માબાપ નાનાં છોકરાંની સગાઈ કરે, પરણાવી દે. વરકન્યા મોટાં થાય. એમનાં મન મળે. ત્યાં જો વેવાઈઓને વાંકું પડે તો વર-વહુને પૂછ્યા વિના જ ફારગતી માટે પંચ બોલાવવાનું! બધા ન્યાયાધીશ થઈને આવી પહોંચે. સાચ-જૂઠ બાજુ પર રાખીને એક પક્ષ લેવો જ પડે. ખોટું કર્યાનો વસવસો રહી જાય તો પછી ઊંઘ ન આવે. બાજરી કે જારના પૂળાની કાલરમાં દાટેલો બાટલો શોધવો પડે. એવી વસ્તુ ઘરના પાણિયારે રખાય નહીં. કુમળાં છોકરાં લતે ચઢે તો એમનાં કાળજાં દાઝે. જેવી લત પંચાતની, મોટાઈની એવી આ નશાની. હવે ન છૂટે. મરતી વખતે ગણેશ મુખીને નક્કી એમનાં કાળાંધોળાં યાદ આવ્યાં હશે. ભૂલી શક્યા નહીં હોય. તેથી તો એમણે ગંગાજળને બદલે દારૂ માગેલો… સાંભળીને મંછાને હસવું આવી ગયેલું.

‘જોઈ જોઉં, પંદર દાડા — મઈનો બધા નીમ પળાય એવું લાગે તો –’

દલો મંદિરમાં નહોતો ગયો. પછીત પાસે ઊભા રહી, દિવાસળી સળગાવી જોયું, કચરો નહોતો. પોતાના હાકોટાની અસર થઈ છે એ જોઈને એ રાજી થયો. અંદરથી ભજન ઊપડે એ પહેલાં એણે પગ ઉપાડ્યો.

ત્રીજે દિવસે એક પ્રસંગ બન્યો. બાજુના ગામની રાવરણ શાકભાજી વેચવા આવેલી. બપોરે દલો ઘર બાજુ આવે છે ત્યાં રાવરણ સડેલાં રીંગણાં પછીતે નાખતી નજરે પડી. દલો વીફર્યો: શું હું એના ધડામાં જ નથી? ડોળા કાઢી ઘુરકિયાં કર્યા વિના નહીં માને… પગથી ટોપલી હલાવી બોલ્યો: ‘અવેથી જો ભગવાંનની જગાને ગંધાતી કરી છે તો આ ટોપલીના દાણા ને લૂગડાં બધુંય મેલીને નાહવું પડશે, હમજી? દિયોર બીએ છે જરાય? મારા દેખતાં સડો નાંખી આયી!’

દલાએ હકીકતમાં એની સામે પણ જોયું નહોતું. પણ રાવરણ મોડે સુધી સાલ્લાનો છેડો સરખો કરતી રહી. એ પછી જે આવે એને ફરિયાદ કરતી રહી. કોઈએ એની વાતમાં ટાપસી પૂરી નહીં. એ દિવસ, એ ઘેર જવા વહેલી નીકળી ગઈ. રસ્તામાં વાડ-ઝાડનેય કહેતી ગઈ: ‘મૂઆ દારૂડિયાનો વશવા શો?’

મંછા જાણતાં જ સળગી ઊઠીઃ ‘ગાંમની હાહુને ઊભી ને ઊભી ચીરી નાંખું. મારા ધણીને ગાળો દે છે? આ વાહમાં પગ તો મેલે!’

પત્નીનો ઉકળાટ જાણીને દલાએ એને ઠંડી પાડી. ‘મૂવી મને ગાળો દેશે તો! પીઠ પાછળ ઘણાય દે છે. એ મંદિરની પછીતે ગંધાતું ન કરે એટલે થયું. એ વાતમાં આવે તો કજિયો ન કરતી.’

‘તો મેલી દ્યાં, આપણે પરમુખ-બરમુખ કશું નથી થવું.’

પણ એકવાર કચરાનો નિકાલ થઈ જવા દે. ભગલાને કે’જે કે પેલા રોપા હજી હુકાંણા નથી. પાંણી પાશે તો પાંગરશે.’

મંછાએ કહ્યું કે જતું આવતું લોક તમારી મશ્કરીઓ કરે છે. આ તો મૂછો મૂંડાવીને જીવવા જેવું થયું. સહુને નમીને ચાલવાનું?’

બીજાની વાત મેલ ને! આ તું જ પેલાં મારા એક બોલે ઊભી હુકાઈ જતી. ને અવે? દરેક બાબતે સલા આલતી થઈ જઈ છે! જાણે દરેક વાતે મારાથી વધારે હમજતી વૉય ઈમ – લાય, ચૂલામાં અંગારો વૉય તો, ચલમ ભરીને હેંડું ખેતરમાં. ખેતરમાં જઈ કામ આટોપી, એરંડાને હિસાબ લેવા માર્કેટ યાર્ડ જવા નીકળ્યો. પૈસા લઈ પાછા વળતાં હંગાથ થયો. બધા કહે: ચાલો, બસનો વખત છે તો બસસ્ટૅન્ડે જઈએ. બસ આવી ન હતી. પરગામની બે યુવતી બેઠી હતી. એ રહી રહીને દલા સામે નજર કરતી હતી. સંગાથીએ ઓળખાવી. એ બેમાંથી એકને તમે છૂટી કરાવી આપેલી. એનો મુરતિયો જરા દાધારંગો નહોતો? પછી તો એને પૈસા-ટકાવાળાને ત્યાં વળાવી છે પણ એ વ્યસની છે.

પોતાની વાત થાય છે એનો અણસાર આવતાં જ એ યુવતી દલા પાસે આવીને ઊભી રહી. સાલ્લાના પાલવ નીચેથી હાથ કાઢીને ઉઝરડો બતાવ્યો. ધણીની મારઝૂડની વીતકકથા કહી. પણ પૅલાંનો દાધારંગો ન’તો? મેં તો તારા ભલા માટે –’

યુવતી કહે: ‘દાધારંગો હતો કે કેમ એ તો તમે જાણો ને તમારો ભગવાંન જાણે. પણ જેટલી વાર ઈને દેખાંણી છું એટલી વાર એ વીલે મોંએ તાકી રે’છે… તમે ભલે મારા ભલા માટે કર્યું. પણ ઈને તો વગડે રઝળતો કરી મેલ્યો ને?

તારે ઈમ કે’વું છે કે ફરગતી ના થઈ વૉત તો તું સુખી વૉત?’

‘સુખની તો શી ખબર પડે દલાકાકા, પણ અતારે વૅસની માણસનો માર ખઉં છું. ઈને બદલે પેલાની હાથે પૂજાતી વૉત–’ કહેતાં એ રડી પડી, પાછી વળી ગઈ.

તે રાતે દલાને ઊંઘ ન આવી.

બાટલો શોધવા ઊઠ્યો. ન જડ્યો. આટલા દિવસ ખબર જ ન રહી કે સિલકમાં નથી! શું કરું? મોકલું કોઈને ને મગાવી લઉં? પણ કોને બોલાવું? કોને મોકલું? જેને કહીશ એ સામે તાકી નહીં રહે?

જાણે કે દરેકે દરેક માણસને ખુલાસો આપવા પોતે બંધાયેલો ન હોય! કરવું? જાતે જવું? પણ પગ આમ ભારેખમ કેમ લાગે છે? ઘૂંટા ભાંગી ગયા હોય એમ…. ત્યાં ચીબડી બોલી. યાદ આવ્યું. રાતના દશે વીજળીની લાઇન આવશે. પાણતી બોર ચાલુ કરાવીને આવશે. એ પહોંચે એ પહેલાં ઢાળિયો પાણીથી છલકાઈ જવા આવશે. અંદરની ધરો એમની એમ રહેશે. પાણી રોકાશે. દહાડેદીવે ઢાળિયો ખોળી રાખવાનું સૂઝ્યું જ નહીં. તો શું મોડું થઈ ગયું છે? લાવ ઊઠું. પાવડો શોધી કાઢ્યો. ઢાળિયો ચંદ્રના અજવાળામાં લીલો નહીં પણ આસમાની લાગતો હતો. કૂંડીમાં પાણી હતું. એમાં તારા નહાવા ઊતર્યા હતા. એની પાળ પર પહેરણ મૂકીને દલાએ પાવડો ચલાવવા માંડ્યો. ખસરક ખસરક… પગ પાસે સળવળાટ થયો. હશે એરુ, ખસી ગયું અવાજથી. કામ ચાલુ રહ્યું. પાણી આવ્યું. પાણતી આવ્યો. એક વીઘો પાવાનું હતું. ત્રણેક કલાકે પી રહ્યું. ત્યાં સુધી પાણીને ટેકો કર્યો. એ એને ઘેર ગયો. દલો વાઢી રાખેલી ચાર ઢોરને નાખીને સૂઈ ગયો. પડતાંની સાથે પોપચાં બિડાયાં.

પરોઢિયે મંછા ભેંશ-ગાયો દોહવા આવી. કેમ આ હજી ઊઠ્યા નથી? મોડી રાતે નશો તો કર્યો નહીં હોય? ખાતરી કરું. શ્વાસમાંથી સહેજે વાસ આવતી નહોતી. એનું નાક દબાવવાનું મન થયું. આજે પોતે જરા વહેલી ઊઠી ગઈ છે કે શું? ખાણ કાઢી ગાય અને ભેંશની ગમાણમાં મૂકી આવી. દલાના ખાટલા પાસે બેઠી. આજે નથી જગાડવા. જોઈએ કેટલી વાર કરે છે. મોં પાસે ઝૂકી. હાથ ખસેડ્યો. કુમળી કુમળી ધરોની વાસ આવતી હોય એમ લાગ્યું. પંચને ગજવતી દલાની પહોળી છાતી પર માથું ટેકવી વિસામો લેવાની લાગણી થઈ. લમણો ટેકવ્યો. દલો સહેજ ઝબક્યો, વાદળમાંથી ચંદ્ર બહાર આવે એમ! મંછા મલકાઈ ઊઠી. ખસી નહીં. ‘આ તે દિયોર સપનામાં આયી હોય ઈમ જોડાજોડ!’ – કહેતાં એને ખેંચી લીધી. લીલી જુવારની પાણેઠની જેમ સરકી આવી. વીંટળાઈ વળી. અગાઉ મનવર કરીએ તોય લાકડીની જેમ પડી રહે. જ્યારે આ તો જાણે ખળખળ વહેતી નદી. દલો ઉનાળાની સવારના મહુડાની જેમ ખીલી ઊઠ્યો. ઉપર તારા રમણે ચઢ્યા હતા. અહીં બત્રીસકોઠે દીવા થયા હતા…

ભેંશ રેંકી અને મંછા જાગી ગઈ. પહેલા આણે આવી હોય એમ શરમાતી ખસી ગઈ. દલાની આંખ ઊઘડી ગઈ હતી. આવુંય બનતું હશે? પ્રભુએ કઈ સેવાનું ફળ આલ્યું આ? તો શું આજ લગી નશાની આડે આ સુખ કળાતું નહોતું?

ગાય-ભેંશ દોવરાવી, ડોલચું ને બોઘેણું ટોકરમાં ગોઠવી ઉપાડવામાં મંછાને મદદ કરી. નાહ્યો. મંદિર ગયો. પૂજારીએ આવકાર આપ્યો. દલાને ઊભાં ઊભાં ભગવાનને કાલાવાલા કરતાં ન ફાવ્યા. તે સાષ્ટાંગ દંડવત્ કરવા પાટલાની જેમ નીચે પડ્યો. હળવો થયો. પંદર દાડા ખેંચી કાઢું તો ખરો – કહેતાં ઊઠ્યો. પૂજારીએ આપેલા પ્રસાદમાંથી એક કાંકરી મોંમાં મૂકી. શ્વાસે શ્વાસે એનો સ્વાદ અનુભવ્યો. ઘેર આવી ભગલાને બોલાવીને એને પ્રસાદ આપ્યો, વધ્યો એ મંછાની હથેળીમાં મૂક્યો.

‘તો છેવટ તમે પરમુખ થયા ખરા!’ મંછા મલકાઈ.

‘ના, અજી મેં કોઈને કીધું નથી. પંનર-વીહ દાડા જોઈ જોઉં. કાલ રાતે જ તલપ લાગી’તી. પણ કોઈને મોકલતાં શરમ આયી. જાતેય જવાણું નઈ. પછી તો કાંમે વળ્યો ને થાચીને હૂઈ જ્યો. પણ નશો કાઢવાની કૂંચી જડી જઈ છે. પંચાત છોડું તો બધું છૂટે.’ પણ પંચાત છોડવાનું પાલવે?

મંછા જાણતી હતી કે નાતના આગેવાન તરીકે એનો ધણી પચીસ ગામમાં પુછાય છે. એથી એના ઘરનો એક મોભો છે. પંચાત છોડીને ભજનમંડળી સંભાળવાથી એ મોભો ટકવાનો નહોતો.

પણ કોણે કહ્યું કે મંડળીના પરમુખ થતાંની સાથે નાતના બિછાનામાંથી ઊઠી જવું પડે? એક મ્યાનમાં બે તલવાર ન રહે – દલો વિચારી ચૂક્યો હતો. ‘બેમાં સૅલું ચીયું?’

‘સૅલું તો ચુકાદા આલી દેવાનું. બધાંની વચ્ચે બેઠા હોઈએ તેથી જખ મારીને સખણા રહેવું પડે. જ્યારે ભક્તિ તો દિલમાં દીવો કરવાનું કપરું કામ. ખૂબ કાઠું.’

આ વિમાસણ શરૂ થઈ એવામાં દલાના વાસમાં એક ઘટના બની. સાટાપેટાના કજિયામાં ગોબર સવાના છોકરાએ એની બહેન મણિને સાસરેથી બોલાવી લીધી. બાપા માંદા છે એવું કારણ આપેલું. પછી મણિને અહીં રોકી રાખી. બચાવમાં કહેવા માંડ્યું કે આ બધું તો દલાકાકાની સલાહ મુજબ કર્યું છે. હવે પંચ ભેગું થશે ને ફારગતીઓ અપાશે. મણિ રડે છે. પણ એનું કોણ સાંભળે. લોક જીવ બાળે છે. પણ જે કંઈ થયું છે એમાં દલા બંડનો ટેકો છે, એમ માનીને ચૂપ છે.

મંછાએ પણ માની લીધેલું કે સાટાપેટાનો સવાલ છે તો કદાચ એમણે મણિને અહીં રોકી રાખવા સલાહ આપી હોય. તેથી એણે જરા સાચવીને વાત ઉપાડી: ‘છોડી હાહરેથી આંય આયી છે તાણની હરખું ખાતીય નથી.’ થોડી વાર રહી બોલી: ‘બળ્યું તમે શું કાંમ ઈને તેડી લાવવા એ નાગોળોને ફૂંગરાવ્યા?’

દલો પત્નીની આ ગેરસમજ પર મૂઢ થઈને બેસી રહ્યો. હજી તો સલાહ આગળ સાંભળવાની હતી: ‘આપણ શું કાંમ કોઈના નેંહાકા લીજીએ?’

દલો ઝાડ તૂટી પડે તેમ એકાએક બાખડ્યો: ‘ચિયા નેંનળિયાએ કીધું કે એ પંચાયતમાં હું મૂઓ’તો? મેં આજ લગી એક જ ફારગતી કરાઈ છે, ને પસ્તાંણો છું. પેલાને દાધારંગો જાંણીને જુદો પાડેલો એ પરમ દાડો રાંયણના થડને અઢેલીને રડતો ‘તો. ઈને જોતાં જ મારો જીવ કકળી ઊઠેલો. ઈનાથી જેને જુદી પાડેલી એ તો ગયા અઠવાડિયે જ બસસ્ટૅન્ડે લાળા પાડી ગયેલી… દિયોર મોટા શઉકાર થઈને બૈરાંને મારઝૂડ કરે એ ડાયા ને બૈરાંથી વિખૂટા પડતાં વલોપાત કરે એ ગાંડા!’

મંછાએ મણિને જતાં-આવતાં સાનમાં સમજાવી દીધું કે તને અહીં રોકી રાખવામાં તારા દલાકાકાનો હાથ નથી. પછી તો લાગ મળતાં મણિ એના ભાણિયાને તેડીને દલાને મળવા આવી પહોંચી. પણ વાત શરૂ કરે એ પહેલાં જ રડી પડી. મણિના સાટામાં જે કન્યા વહોરી છે એ નથી ગમતી એના આ ભવાડા છે! મણિનો ભોગ લેવો છે! એને છૂટી કરી દેવામાં આવશે તો પંચના દેખતાં જીભ કચડીને મરી જશે.

ધન છે તારી હેંમતને દીકરી! – દલો મનોમન બોલે છે. પછી અંદરનો સમસમાટ દબાવી રાખીને ધીરેથી દિલાસો આપે છે. ‘તું તારે કાળજું ટાઢું રાખીને થોડા દાડા ખેંચી કાઢ. તારાં પિયરિયાંની હાંન ઠેકાણે નઈં આવે તો હું તને તારે હાહરે મેલી જઈશ. જોઉં છું મને કુણ રોકવા આવે છે?’

વાત વાયરો લઈ ગયો કે શું થયું રામ જાણે. ગોબર સવાના ઘરમાં ફફડાટ થઈ ગયો. દલાની સામે પડવાની તાકાત નહોતી તેથી ગાળો દઈ દઈને નાનાંમોટાંએ ઊભરો ઠાલવવા માંડ્યો. ભગાની સાથે ભણતા મણિના નાના ભાઈએ ‘દલો લંડ દારૂડિયો છે એમ કહીને ભગાના હાથનો માર ખાધો.

દલાએ ભગાને ઠપકો આપ્યો: એણે મને દારૂડિયો કીધો ઈમાં તેં હાથ ઉપાડ્યો ગાંડા?

‘પણ એમાં ખોટેખોટું?’

દલો કહેવા તો ગયો કે એણે ખોટું નથી કહ્યું પણ મંછા સાથે નજર મળતાં એ અટકી ગયો. શું છોકરાને સાચો પાડવાની પોતાની જવાબદારી નથી?

અને દલો બીજે દિવસ છડેચોક મણિને એના સાસરે મૂકી આવ્યો. કરે હવે પંચ ભેગું. દલાથી ડરનારા બધા ડાહ્યા થઈ ગયા. સાચ અને સગપણ હોય તો પંચ ઝખ મારે છે. મંછા પૂછી બેઠી: ‘તો તમે અવેથી કદી પંચાતમાં જવાના જ નઈં?’

‘જેવી કરતારની મરજી.’ – કહેતાં દલો કામે વળગે છે.

ઢળતી સાંજે જીપ આવે છે. ચાલુ પંચે એ લોકો દલાને તેડવા આવ્યા છે. ના પાડવી કેવી રીતે? ખેતરમાં કશું કામ નહોતું. ‘જઈ આવો આટલો ફેરો!’ મંછા ભલામણ કરે છે. ‘મારે મંદિરની પછીતે કામ છે’ – કહેતાં દલો મહેમાનોને બેઠેલા મૂકી ઊભો થાય છે. મોટા ઉપાડે તેડવા આવેલાઓનાં મોં પડી જાય છે. શબવાહિનીમાં બેસતા હોય એમ જીપમાં ચઢે છે. દલો ‘આવજો’ કહેવાને બદલે રાંમરાંમ’ કહે છે.

પત્ની આગળ સાચા પડવાનું હોય એમ દલો મંદિર બાજુ પગ ઉપાડે છે. ગામની ભાગોળે ભગો એના ભેરુઓ સાથે ક્રિકેટ રમતો હતો. એ તરફ ધ્યાન આપવાને બદલે દલો પછીતના રોપાઓની ટોચે ફૂટેલા અંકુર જોઈ રહ્યો. નક્કી આ ઝાડવાં પાંગરશે. હાક મારી છોકરાઓને બોલાવ્યા… ‘એક એક ડોલ ભરી લાવો પછી ચોગ્ગા ને છગ્ગા મારો!’

કૂતરાંએ કરેલી ગંદકી દલાએ જાતે દૂર કરી. હવાડે જઈ હાથપગ ધોયા. ઝાડવાંને પાણી પાઈ પરવારેલા છોકરાઓને પૂછ્યું: ‘અલ્યા નેહાળમાંથી કોઈ ચાકનો કટકો ચોરી લાયું વોય તો મને આલાં. મારે નોટિસ લખવી છે.

ચૉક ન મળ્યો પણ નળિયાનું ઠીકરું મળ્યું. ‘ચૂનો કરેલી દીવાલને રાતા અક્ષર પડશે. લખો તમતમારે!’

ભગાએ બાપાને કદી લખતા જોયા નહોતા. જોડણીની ભૂલ કરશે તો પોતે સુધારી આપશે. દલાએ લખ્યું: ‘ગંદકી કરવાથી ગરીબી જતી નથી. બહારના ઉકરડાનો પડછાયો આપણી અંદર પડે છે!’

ભગો નવાઈ પામ્યો. એકેય ભૂલ નહોતી! કોઈ સંત મહાત્મા પાસેથી બાપા સાંભળી લાવ્યા હશે. આ એમની હૈયાઉકલત હશે એવું માનવા પ્રેરાયો નહીં.

ભગાના ભાઈબંધે સૂચન કર્યું: ‘તમે સહી કેમ કરી નહીં? સહી કરીને હોદ્દો લખ્યા વિના નોટિસ અધૂરી ગણાય.’

દલાએ નામ લખીને નીચે હોદ્દો લખ્યો: પ્રમુખ, ભજનમંડળી… સહી કરીને તાકી રહ્યો. થયું કે ભગવાનની રજા લઈને આ પગલું ભર્યું હોત તો સારું. એટલી ચૂક રહી ગઈ.

સૂર્ય આથમવામાં હતો. થોડી વાર પછી આરતી થશે. ભગવાનનાં કમાડ બંધ હતાં છતાં દલાએ અરજ ગુજારી. બલરામ ભલે બેશુમાર પીતા રહે. પોતે હવે મોરલી મનોહર ગિરધારીનો ટેકેદાર થશે. રોજ ભક્તિ માગશે. અંદરની શક્તિ માગશે.

બોલવાનું ઝાઝું હતું નહીં તેથી ભોંયતળિયે બે વાર મસ્તક અડાડી કસોટી ન કરવા પ્રભુને આજીજી કરી. ઊભા થઈ પૂજારીને દક્ષિણા આપવા ગજવામાં હાથ નાખ્યો. પાકીટ ભેગી ચલમ ખેંચાઈ આવી. નીચે પડી, તૂટી ગઈ. પૂજારી બોલ્યા વિના રહી ન શકયા: ‘દલાભાઈ, તમારે તો આજે એક છોડતાં બે છૂટ્યાં!’

‘જેવી અંતરજામીની મરજી!’ – કહેતાં દલો ઘેર ચાલ્યો. એ પહેલાં પછીતની નોટિસના શબ્દો ગામમાં પહોંચી ગયા હતા. ભગાએ જાહેર કરી દીધું હતું કે મારો બાપો મંડળીમાં જોડાયા તેથી હવે પંચમાં નહીં જાય.

જે કંઈ થયું એનો દલાને મન ઝાઝો મહિમા નહોતો. જો હૈયું ભગવાનની ભક્તિથી છલકાય નહીં તો પંચના આગેવાન અને મંડળીના પ્રમુખમાં ફેર શો? ખાલી વાસણ બધે સરખું જ ખખડે.

[‘મંદિરની પછીતે’]

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.