આંતરસેવો

રમ્યાની સ્કૂલરિક્સાને વળાવી લતા ઘરમાં આવી. ટિપાઈ ઉપર નજર પડતાં જ એ બોલી પડી, ‘લો, આજેય વૉટરબૅગ રહી ગઈ.’

પાલવથી ચહેરો લૂછતાં એ સોફા ઉપર બેસી પડી. ‘આ છોકરી કેટલી ભુલકણી છે? બા હતાં ત્યારે તો…’ બબડતાં એને યાદ આવ્યું. સવારે દુકાને જતી વખતે વિનોદે એને બાનો એટલે કે લતાનાં સાસુ તારાબહેનનો કબાટ ખાલી કરવાનું કહ્યું હતું. આવતી કાલે તારાબહેનની બીજી માસિક પુણ્યતિથિ છે. શહેરમાં સત્કર્મ નામનું ટ્રસ્ટ છે. ટ્રસ્ટના લોકો નહીં વપરાતાં, પરંતુ પ્રમાણમાં ચાલે એવાં કપડાં ઉઘરાવે છે અને ઝૂંપડપટ્ટીઓમાં જઈને દરેકને જરૂરિયાત પ્રમાણે આપે છે. ‘વિનોદ બપોરે જમવા આવે એ પહેલાં આટલું કામ પતાવી લઉં.’ એમ વિચારી લતા ઊઠીને સાસુમાના ઓરડામાં આવી.

ઓરડામાં પેસતાં એણે જોયું. સીસમના કબાટમાં લગાડેલા અરીસે એક ચકલી ચાંચ મારી મારીને પોતાના હરીફને હંફાવવામાં પોતાને જ થકવી રહી હતી. ચકલો હીંચકાના ખાલી પડેલા કડે બેઠો બેઠો આ જોતો હતો. લતાએ કબાટની ચાવી લેવા બાજુની દીવાલની ખીંટી જોઈ. ચાવી ન હતી. તારાબહેનને ઘણી વાર લતાને ચાવી સોંપવા કહેલું પણ એ કહેતી, ‘તમે રાખો ને મારે જોઈશે, ત્યારે માગી લઈશ.’

‘તારે તો ક્યાં કંઈ જરૂર પડે છે?’ સાસુમાના અવાજમાં ઓછું આવ્યાનો ભાવ ઊપસી આવતો.

‘ક્યાં મૂકી હશે? આમ તો અહીં ખીંટીએ જ બા રાખતાં. છેલ્લે દવાખાને જતી વખતે બાએ કપડાંની થેલી તૈયાર કરી હતી. કદાચ એ વખતે કબાટ બંધ કરી ઠાવકી મૂકી હશે. રેઢા ઘરમાં સાવ હાથવગી ચાવી ન રાખે બા.’ લતાએ કબાટ ઉપર પડેલી નાની સૂટકેશ ઉતારીને જોયું તો એમાં માતાજીની ચૂંદડીઓ અને લાલજીના વાઘા હતા.

લેસ, તૂઈ, ઝવેરા, સતારા અને મોતીના ભરતકામમાં લતાની નજર તારાબહેનની આંગળીઓનો કસબ પંપાળતી રહી. એને યાદ આવ્યું, કદાચ મંદિરના પૂજાપાના ખાનામાં ચાવી હશે.

લતા ઓરડાના ખૂણે આથમણી દિશામાં મૂકેલા લાકડાના મંદિર પાસે ગઈ. લાલજીના વાઘા રજોટાયેલા હતા. રમ્યાએ ભગવાનને દૂધ ધરાવ્યું હતું, પણ તુલસીપત્ર ન હતું.

અબીલ ગુલાલના ડબ્બામાં ચાવી હતી. ચાવી લઈ લતા કબાટ પાસે આવી. બેલ્જિયમ, ગ્લાસમાં એનું પ્રતિબિંબ ઝિલાયું. હાથમાં ચાવીના ઝૂડા સામે ઊભેલી લતા. આજે પોતે જ ઊભા કરેલા ગોલ્ડન મિડલને ક્રોસ કરીને આ તરફના સીમાડે આવીને ઊભેલી લતા.

પોતાનું અંગત સામ્રાજ્ય અકબંધ રાખવા એણે સાસુમાના અધિકારક્ષેત્રની સરહદ વગર બોલે નક્કી કરી નાખી હતી. આજ સુધી ઉંબરે ઓળંગી આ તરફ પગ મૂક્યો ન હતો.

પિતા ગુજરી ગયા પછી વિનોદ વતનની દુકાન સમેટી માને શહેરમાં લઈ આવેલો.

માસિયો સરાવ્યાની રાત્રે વિનોદે પોતાનો નિર્ણય લતાને જણાવ્યો હતો. લતાને ખાસ કંઈ કહેવાનું ન હતું. એ લગ્ન પૂર્વે પણ જાણતી જ હતી કે વિનોદ એકનો એક દીકરો છે.

બીજે દિવસે સવારે લતાએ સાસુ પાસે સાથે ચાલવાનો પ્રસ્તાવ મૂક્યો એટલું જ નહીં, ભારપૂર્વક કહેલું કે, ‘જો તમે સાથે નહીં આવે તો હું પણ શહેરમાં નહીં જાઉં.’

તારાબહેન લતાને વળગીને નાની બાળકીની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલાં. એમનાં હીબકાંમાં વૈધવ્યનો વલોપાત તો હતો જ, પણ આવી ગુણિયલ પુત્રવધૂ પામ્યાની ધન્યતા પણ હતી, પરંતુ એક ક્ષણે સાસુને ધીરજ આપતી લતાને ફડક પેઠી કે જો આ લાગણીઓનું પૂર એને અણગમતી દિશામાં તાણી જશે તો? જો પોતે સાવધ નહીં રહે તો પછી આવા પ્રવાહ સામે એનું કાંઈ ચાલશે નહીં, એણે નક્કી કર્યું કે ન તો લચપચતી રોટલી પીરસવી કે ન સાવ કોરી, બે રોટલી ઘસીને ખાખરોટેલી ચોપડવી. ન બહુ નજીક અને ન બહુ દૂર. ગોલ્ડન મિડલ. આજે બે સરહદો વચ્ચેનો એ ઝોન અળપાઈ રહ્યો છે અને બંને સરહદો એકમેકમાં ભળી રહી છે.

લતાના હાથમાં જાણે જોજનનું અંતર કાપીને તાળા સુધી પહોંચ્યા. ખટાક્ અવાજ સાથે તાળામાં ચાવી ફરી અને કબાટ ખૂલ્યો. ખૂલતાંની સાથે જ ઉપરના ઠસોઠસ ભરેલા ખાનામાંથી ધબ્બ કરતું કાંઈક પગ પાસે પડ્યું. હબકીને લતા ખસી ગઈ. થોડી વારે સહેજ નીચા નમીને જોયું તો પોટલી જેવું હતું. ઊંડો શ્વાસ લઈ એ સીધી થઈ. એણે એક નજર કબાટમાં છેક ઉપરથી નીચે સુધી નાખી. તારાબહેનના અંગત જીવનના જુદાં જુદાં પ્રકરણો આ ખાનાંઓમાં થપ્પીઓ બની ગોઠવાઈ ગયાં હતાં. લતાને થયું, આ થંભી ગયેલા સમયને ખસેડવા જતાં તારાબહેનના હોવાની પ્રતીતિ રજ બનીને ચોંટી પડશે તો?

આજે નહીં તો કાલે, જેનો સામનો કરવાનો છે એ ક્ષણને કેટલી હદે ઠેલી શકાશે? લતાએ એકદમ નિર્ણય કરી જ લીધો અને કબાટ ખાલી કરવા માંડ્યો.

ઉપરના ખાનાની વસ્તુઓને અંકોડીનો ટેબલક્લૉથે ચારેય બાજુથી ખોસીને ઢાંકી દીધી હતી. આ બધું તારાબહેનનું ભરત-ગૂંથણ હતું. અહીં લતાની વડસાસુનો પણ ભાતીગળ ભૂતકાળ એક સોયામાં તો ક્યાંક બે સોયામાં પરોવાયેલો હતો. એક ગાંઠ ખેંચો કે એક ટાંકો ઉકેલો અને એ સાથે જ ખેંચાઈ આવે તારાબહેનનાં આણાં, ફેરીઆણાં અને ઝિયાણાંનાં સંભારણાં. લતાના કાનમાં ગુંજી ઊઠ્યો તારાબહેનનો તકિયાકલામ. ‘મારે તો દીકરી ગણો તોય તું અને વહુ ગણોય તોય તું. આ બધું તારું જ છે.’ પરંતુ સાસુમાની હાજરીમાં લતાએ આ બધું ભરતગૂંથણ ઉખાળીને જોવા જેટલોય રસ દેખાડ્યો ન હતો. આજે ગડીઓ ઉકેલાતી જાય અને હીરના દોરની જાણે નવી નવી ભાત ગૂંથાતી આવે છે.

એક વાર રમ્યાએ તારાબહેનના કબાટમાં નાનકડી રેશમી રજાઈ જોઈ જિદ્દ કરેલી.

પણ ‘એ તો તારા પપ્પાના બાળપણની યાદગીરી છે.’ કહી તારાબહેને દેખાય નહીં એમ ઊંડી ઉતારી દીધેલી. રમ્યા તો એ રજાઈને ભૂલી પણ ગઈ. પરંતુ લતાને સતત ડંખતું રહ્યું કે ‘દીકરી દીકરી’. ઝંખતાં સાસુ પણ અંદરથી તો દીકરાની જ રાહ જોતાં હતાં.

અત્યારે એ ગુલાબી રેશમી રજાઈ ખોલતાં એમાં મોટું કથ્થઈ ધાબું દેખાયું. બાળોતિયાંની અવાવરુ ગંધ શ્વાસમાં ભળતાંની સાથે લતા તારાબહેનની મમતાના ખૂણે ખૂણે ફરી વળી.

બેડરૂમની દીવાલ હોય કે પરદા કે પછી પલંગની ચાદર, લતાને આછા રંગો જ ગમે. તારાબહેન નારાયણ સરોવરની જાત્રાએ ગયેલાં ત્યારે અજરખ પ્રિન્ટની ચાદરો અને ઓશીકાનાં ગલેફ લઈ આવેલાં ત્યારે કહેલું, ‘આ તું કહેતી હતી ને કે રમ્યા પલંગ બહુ ખૂંદે છે. તો લે, આ ઘેરા રંગની ચાદરો તમારા માટે લઈ આવી.’

‘હમણાં રાખો તમારા કબાટમાં પછી વાપરીશું.’ લતાનું એ ‘પછી’ ક્યારેય ન આવ્યું.

જૂના ધોતિયામાં વીંટળાયેલા લતાને છાબમાં ચઢાવેલા રેશમી સેલા બદલાયેલી ફૅશનથી નિરાશ અને ફરી આવનારી ફૅશનની આશામાં લતાની રાહ જોતાં હતાં. રોલપ્રેસ કરાવેલી કડકડતી કૉટન સાડીઓ પહેરવાની હિંમત કદાચ હવે લતા કરી શકશે. ટીવીમાં ન્યૂઝરીડરોની નિતનવી હૅન્ડલૂમ સાડીઓ જોઈ તારાબહેન સૂચવતાં ‘લતા, તું આવી બૉર્ડરવાળી સાડીઓ પહેરેને તો બટકી ન લાગે’ એ વખતે તો ‘એ તો બધી કલાકમાં ડૂચો થઈ જાય.’ કહી લતા વાતને ઓળીટોળી નાખતી. પણ મનમાં તો થતું કે તારાબહેન જેવું સરસ સિમિટ્રિકલ ફિગર હોય ને તો પોતે સિન્થેટિકનું તો મસોતું પણ ન કરે.

ફિનાઇલની ગોળી ખાનામાંથી દડી ને લતાનું ધ્યાન કાશ્મીરી શાલ તરફ ખેંચાયું.

લગ્ન પછી ફરવા ગયેલાં ત્યારે વિનોદે શ્રીનગરથી તારાબહેન માટે ખાસ ખરીદેલી. લતાને થયું, આ કોઈકને આપવી હોય તો કામ આવે એવી છે, પરંતુ ફરી ગડી વચ્ચે ફિનાઇલની ગોળી ગોઠવતાં એને લાગ્યું કે આ શાલમાં એકલાં તારાબહેનની યાદગીરી જ ક્યાં છે!

એણે શાલ પાછી મૂકી દીધી!

નીચેનું ખાનું કોઈ સંગ્રહાલય જ દીસતું હતું. ખાનાના ડાબા ખૂણે બ્લૅક ઍન્ડ વ્હાઇટથી માંડીને રંગીન ફોટોગ્રાફ્સના આલબમની નીચે એક માઉન્ટ કરેલો મોટો ફોટો ફ્રેમિંગની રાહ જોતો હતો. લતાએ એને બહાર કાઢ્યો. સફેદ ધોતી, ઝભ્ભો, બંડી અને ટોપી પહેરીને બેઠેલા પતિની પછવાડે ખુરશીની પીઠનો ખૂણો પકડીને ઊભેલાં તારાબહેન. બ્લૅક ઍન્ડ વ્હાઇટમાં પાડેલા ફોટાને થોડોક રંગીન ટચ આપવામાં આવ્યો હતો. રૂપેરી જરી મોતી અને સતારા ભરેલી ઘેરા રંગની સાડીમાં તારાબહેન જાજરમાન લાગતાં હતાં. લતાના હોઠ સહેજ મલકી ઊઠ્યા. સાડીનો પાલવ એવી રીતે ગોઠવાયો હતો કે બ્લાઉઝની કટોરીમાં કરેલું ભરતકામ ઢંકાઈ ના જાય! સાડીની બૉર્ડર જેવું ભરત કળશ આકારના ગળાની સ્ટૅન્ડ પટ્ટી અને સહેજ ખૂલતી ટૂંકી બાય ઉપર હતું. એક વાર એક મહિલા મૅગેઝિનમાં સાડી અને બ્લાઉઝની નવી નવી ફૅશનના ફોટોગ્રાફ્સ જોતાં તારાબહેને કહેલું, ‘લો જુઓ, આ અમારા જમાનાની ફૅશન પાછી આવી.’ એ સાડી — બ્લાઉઝક્યાં ગયાં? લતાને પ્રશ્ન થયો.

આલબમની જોડાજોડ ‘ગરબા, રંગોળી અને વાનગીની ચોપાનિયાં જેવી ચોપડીઓ સાથે એકાદ ફાઇનલ અને પૉર્ટફોલિયા જેવું હતું. ફાઇલમાં વિનોદની સ્કૂલની માર્કશીટ્સ, પ્રમાણપત્રો અને શહેરની હૉસ્ટેલમાંથી લખેલા પત્રો હતા. ઊંડા ઊતરી જવાની બીકે લતા પહેલા પગથિયેથી જ પાછી વળી ગઈ. ફાઇલ બંધ કરી પૉર્ટફોલિયો ઉઘાડ્યો. વતનના ઘરના દસ્તાવેજ સાથે એક ડાયરી હતી. ડાયરીમાં આગળ સગાંવહાલાંનાં સરનામાં અને ફોનનંબર હતા અને પાછળ વિનોદના લગ્નનો હિસાબ હતો. લતાને આજે સમજાયું કે સાસુએ દીકરો પરણાવીને સોનાનું ઘરેણું નહીં, પહેરવાની બાધા શા માટે લીધી હશે!

રાવલગાંવ સ્વીટ્સના પતરાના ડબ્બામાં તારાબહેનના પાંચીકૂકા સાથે અંબાજીના કોરા કંકુની શીશી પડેલી હતી. કાચની અને પ્લાસ્ટિકની રંગીન બંગડીઓ, કાળી હૅરપિન અને ચીપિયા. અંબોડાની જાળી અને બન, જામનગરનો સુરમો ને સળી. લતાને થયું, મેકઅપ બદલાતાં મન ઉપર જે જામઠાં પડે છે એ કેમ તરત કળાતાં નહીં હોય?

ખાનાના જમણા ખૂણે બાટાના બૂટનું એક ખોખું સહેજ ઊંડું મૂકેલું હતું. શું હશે?

તારાબહેનનું કંઈ ખાસ અંગત? ખચકાટ અને ઉત્સુકતા સાથે લતાએ ખોખું ખોલ્યું.

રંગીન બ્લાઉઝની થપ્પી હતી. આ રીતે? લતાએ એક બ્લાઉઝ ઉખાળ્યું. એ બ્લાઉઝ હતું,

છતાં ન હતું. એની બાંયો ખભામાંથી કાપીને ઓટી લીધી હતી. ગળું પણ આગળપાછળ નીચું ઉતારવા માટે કાપ્યું હતું. આ તો બ્રેસિયર હતી. હોમ મેઇડ. એ ઝીણી ઝીણી પટ્ટીઓમાં નાનકડા ગામમાં કરિયાણાનો ધંધો કરતા પતિની સીમિત આવકમાં ઘર-વહેવાર ચલાવતી ગૃહિણીની કોઠાસૂઝને મહેનત પણ ઓટાયેલી હતી. વતન અને શહેરમાં દીકરા માટે ઘરના પાયામાં શું શું નહીં ટિપાયું હોય!

લતા વિમાસતી રહી, શું કરવું? કોને આપવું? શું આપવું? કબાટમાં ગોઠવાયેલી વસ્તુ જાણે આજીવન આમ જ ગોઠવવા બંધાયેલી હતી. કોણ જાણે તારાબહેન કઈ ઘડીએ આવી ચઢે! લતાએ કાંઈક જુદું તારવવાનું માંડી વાળ્યું અને ફટાફટ પાછું ગોઠવવા માંડ્યું.

છેલ્લે ઊભા થતાં એની નજર કબાટ નીચે અડધી સરકી ગયેલી પોટલી પર પડી. પોટલી ખોલતી ખોલતી એ પલંગ પર બેઠી.

રૂપેરી જરી, મોતી અને સતારા ભરેલા રીંગણી રંગના રેશમી સાડી-બ્લાઉઝ હતા.

લતા જે શોધતી હતી એ. સાડીનો પાલવ જમણે ખભે ગોઠવતી એ કબાટ પાસે ગઈ.

બેલ્જિયમ ગ્લાસમાં એનું પ્રતિબિંબ ઝિ લાયું. એ રેશમી પાલવના સ્પર્શે, એની હથેળીઓમાં તારાબહેનનો અંતિમ દિવસનો તરફડાટ સળવળી ઊઠ્યો.

તારાબહેનને હાર્ટઍટેક આવ્યો હતો. જીવનમાં જેણે ક્યારેય ઇન્જેક્શન પણ લીધું ન હતું. એ તારાબહેને ઑક્સિજનની નળી અને ગ્લુકોઝસલાઇન વેઠી લીધાં હતાં, પરંતુ બીજા દિવસે દવાની સાઇડ ઇફેક્ટના કારણે ઝાડા-પેશાબ ઉપર કંટ્રોલ રહ્યો ન હતો.

પહેલી વાર બગડી ગયેલાં કપડાં બદલાવીને ધોવા જતી લતાનો હાથ પકડી એ કરગરી ઊઠેલાં, ‘જો મારે એક દીકરી હોત તો તને આ પાપમાં…’

તારાબહેનના માથે હાથ ફેરવતાં લતાએ કહેલું, ‘કેમ, હું તમારી દીકરી નથી?’ જવાબ સાંભળવા છતાં તારાબહેનની આંખોમાંથી લાચારી ભૂંસાઈ ન હતી. એ આંખો યાદ આવતાં લતાએ તારાબહેનની સાડીથી મોં ઢાંકી દીધું.

થોડી વારે સ્વસ્થ થઈ એણે બ્લાઉઝઉખેળીને જોયું, રૂપેરી ભરત ભરેલી કટોરીઓ છલકાતી હતી. લતાએ ધીરેથી બાંયમાં હાથ નાખ્યો. સહેજ ફિટ હતી અને થયું અંદર આંતરસેવા તો હશે. એક સેવો ખોલી નાખીશ તો… બાંયમાં હાથ નાંખે નાંખે એ સ્ટોરરૂમમાં

ગઈ. સોયદોરો લીધો અને સોફા પર બેસી બ્લાઉઝનો આંતરસેવો ઉકેલવા માંડી.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.