બ્લાઇન્ડ વર્મ

નિખિલ ગયો. કવર આનંદના હાથમાં રહ્યું. આનંદે એને સ્પષ્ટ સંભળાવી દેવું જોઈતું હતું કે એ કવર પોતે શ્રીમતી અ.ને નહીં પહોંચાડી શકે. પણ એવું કાંઈ કહેવાનું એને સૂઝ્યું નહીં. નિખિલ આવતી કાલે જ પરદેશ જવા ઊપડી જવાનો હતો. ફરી કદીય પાછો આવવાનો નહોતો. આનંદનો એ ઘણો જૂનો મિત્ર. દેશ છોડીને કાયમ માટે જતો હતો. આનંદ ઘણા વિચારોમાં ગૂંચવાઈ ગયો હતો. કવર એની પાસે રહ્યું. એને શ્રીમતી અ.ને ‘હાથોહાથ’ પહોંચાડવાનું હતું. શ્રીમતી અ. એકલી હોય એવો મોકો મેળવીને એ કવર એને સોંપી દેવાનું હતું.

આનંદે ફરી એક વાર ચારેપાસથી એને ફેરવી જોયું. બરાબર ચિપકાવેલું હતું. ઉપર ગણીને જ જાણે ત્રણ શબ્દો લખ્યા હતાઃ શ્રીમતી અ., અમદાવાદ.

આનંદે કવર ટેબલ ઉપર મૂક્યું. પેપરવેઇટ નીચે દબાવ્યું. ‘મૂર્ખ માણસ છે,’ આનંદ બબડ્યોઃ ‘કદાચ આ પ્રકરણને લીધે જ ભારત છોડતો હશે.’

આનંદ સવારની ક્રિયાઓમાં રોકાયો. એને આ કવર સંબંધી અનેક પ્રકારના વિચારો આવ્યા જ કરતા હતા. નવેક વાગે જ્યારે એ ટેબલ આગળ ચા પીવા બેઠો, ત્યારે પેપરવેઇટ નીચેના એ કવર તરફ તાકીને રહ્યો. કવરને ત્યાંથી કાઢીને ટોપલીમાં નાખી દેવાનું એને મન થયું. જાય જહન્નમમાં… કાગળમાં રોદણાની બે વાતો હશે… અથવા પોતે ભારત છોડે છે પણ એને કદીય નહીં ભૂલે એવી લાંબી લાંબી વાતો હશે… કે પછી જતાં જતાં પોતે એને મળવા કેમ ન આવી શક્યો એના વિગતે ખુલાસા હશે. એણે કવર હાથમાં લીધું. એના ઉપર હાથ પસવાર્યો. કવર સુંવાળું અને ઘાટીલું હતું. એણે ફરી પાછું એને ટેબલ ઉપર મૂક્યું અને ચા પીવા માંડી.

આનંદ ઑફિસે ગયો ત્યારે કવરની વાસના છૂટી ગઈ.

પણ સાંજે ઘેર આવીને એણે બારણું ખોલ્યું ત્યારે એની નજર પહેલી પેલા કવર પર પડી. એક ગરોળી પેટ દબાવીને એના ઉપર પડી હતી. થોડે દૂર ઊભા રહીને એ જોઈ રહ્યોઃ કેવું વરવું દૃશ્ય! આમેય ગરોળી જોતાં એને ચીતરી ચડતી હતી. ‘Blind Worm’ એ બબડ્યો. સહેજ નજીક જઈને એણે થોડો ખખડાટ કર્યો. ગરોળીએ શાંતિથી મળોત્સર્ગ કર્યો અને ત્યાંથી સરકી ગઈ. આનંદે કવર ઉપાડ્યું. સહેજ ત્રાંસું કરી આંગળીથી ટકોરો કર્યો અને ગરોળીનો મળ દૂર કર્યો. કાગળ ઉપર એક ડાઘ રહી ગયો. ‘આ ગધેડાએ મને કેવું કામ સોંપ્યું છે! સુવ્વરનો બચ્ચો ખરડાયો. અને હવે ઉપાધિમાં નાખે છે મને. કાગળના ટુકડેટુકડા કરીને ફેંકી દઈશ. દૂતીકર્મ કરવાનું કામ મારું નથી…’ અને છતાં આનંદે કાગળના ટુકડેટુકડા ન કર્યા, ઊલટું, નિખિલે સોંપેલા કામનું શું કરવું એનો ગંભીરપણે વિચાર કરવા લાગ્યો. નિખિલના ચારિત્ર્યમાં ડાઘ હતા, છતાંય એ એનો મિત્ર હતો. પોતે સારો આર્ટિસ્ટ બન્યો એ કદાચ નિખિલને લીધે જ. પોતાના ઉશર જેવા જીવનમાં નિખિલ ઘણી વાર, ઘણીયે વાર મીઠી વીરડી બન્યો હતો. નિખિલે સોંપેલું આ છેલ્લું કામ પોતાના સ્વભાવમાં નહોતું. છતાં એ નિખિલનું હતું. કદાચ પોતે ધારે છે એના કરતાં ગંભીર બાબત પણ એમાં હોય.

એક વિચાર એના મનમાં ઝબક્યો. કવર તોડવું અને કોઈ ખાસ બાબત હોય તો શ્રીમતી અ.ને એ આપવું.

શ્રીમતી અ.ને એક વાર એણે જોઈ હતી. સોસાયટીઓ વચ્ચે જતા મુખ્ય માર્ગ ઉપરની એક હોટલમાં આનંદ અને નિખિલ બેઠા હતા. નિખિલની નજર સહસા રસ્તા ઉપર ઝલાઈ ગઈ. એ ઊઠીને બહાર ગયો. એક સ્ત્રી સાથે એ લળીલળીને વાત કરવા લાગ્યો. આનંદને લાગ્યું કે શ્રીમતી અ. જ હોવી જોઈએ. સ્ત્રીઓ ભાગ્યે જ સુંદર હોય છે. આ સહેજ દૂરથી જોતાં એમનામાં સુંદરતાની ખૂબ આભા પ્રગટતી હોય છે. શ્રીમતી અ.માં આવી કોઈક આભા પ્રગટતી હોય એવું આનંદને જણાયું હતું. રસ્તા ઉપર ઊભા ઊભા જ નિખિલે આનંદને બહાર આવવા ઇશારો કર્યો હતો. પણ આનંદ ઊભો થયો નહોતો. શ્રીમતી અ. ને આ પછી આનંદે ક્યારેય જોઈ નહોતી. નિખિલ શ્રીમતી અ.ની વાત કરતો ત્યારે આનંદ જાણી જોઈને વાતને આડા વાટે ચઢાવી દેતો. શ્રીમતી અ.નું દેહસૌષ્ઠવ સારું હતું. આજ એને લાગ્યું કે એ દિવસે શ્રીમતી અ. સાથે થોડો પરિચય કેળવી લીધો હોત તો કદાચ અત્યારે થતી હતી એ મૂંઝવણ ન થાત.

રાત્રે કામ લઈને એ ટેબલ આગળ બેઠો. કામમાં જીવ પરોવી શકાતો નહોતો. નિખિલ આજે સાંજે પ્લેનમાં ઊપડી ગયો હશે. પોતે એરપોર્ટ ઉપર ન ગયો એ ઠીક ન થયું. નિખિલે પોતાના માટે ઘણું કર્યું હતું. પોતે આર્ટ માસ્તરનું સર્ટિફિકેટ મેળવી શકે એ માટે એણે પોતાને નોકરી ન કરવા દીધી. છેલ્લા વર્ષનો બધો જ આર્થિક બોજ એણે ઉપાડી લીધો. રંગો, કેન્વાસ, કાગળ, આર્ટ ઉપરનાં કીમતી પુસ્તકો, વિશ્વવિખ્યાત કલાકારોના ચિત્રસંપુટો; કેટલું બધું પોતાના માટે ખડક્યે જતો હતો! પોતે ચિત્રકામમાં પરોવાયો હોય ત્યારે મનગમતી કૉફી બનાવી દેવાનું ચૂકતો નહીં. અને આજે પોતે એરપૉર્ટ ઉપર પણ ન ગયો. આનું કારણ પોતાની જાણ બહાર નહોતું. નિખિલના ચારિત્ર્યનો ડાઘ પોતે સહી શકતો નહોતો. નિખિલને એણે કદી પોતાની બરાબરીનો ગણ્યો નહોતો. નિખિલની બૌદ્ધિક કથા માટે ઊંડે ઊંડે પોતાને કદીય માન નહોતું. એણે હંમેશાં એને નીચો જ ગણ્યો હતો. પોતાના આવા વર્તન માટે આજ પહેલી વાર દિલના કોઈ અગોચર ખૂણામાંથી દુઃખની લાગણી ઊપસી આવી. અને ત્યારે પોતે સહી ન શકે એવું કામ કરવાનું સામે આવીને ઊભું હતું.

એણે ટેબલ ઉપરથી કવર હાથમાં લીધું. ફરીથી એક વાર ઉપરનું લખાણ વાંચ્યું. શ્રીમતી અ., અમદાવાદ. શ્રીમતી અ. એને યાદ આવી ગઈ. કોઈ પરિચય વિના જ. રસ્તા ઉપર ઊભેલી અને નિખિલ સાથે મલકાઈ મલકાઈને વાત કરતી. એના શરીરમાંથી સુંદરતાની આભા જરૂર પ્રગટતી હતી. ફરીથી એક વાર એને થયુંઃ ‘એ દિવસે એનો પરિચય કરી લીધો હોત તો કંઈ ખોટું નહોતું. પછી તો એકાદ-બે વાર વધુ મળી શકાયું હોત અને નિખિલનો કાગળ કયે સમયે અને કેવી રીતે આપવો એ વાત આપોઆપ ઊકલી ગઈ હોત!

આનંદની નજર દીવાલ ઉપર પડી. એક લીલા રંગનું જીવડું ભીંત ઉપર સ્થિર હતું અને એકાદ ફૂટ દૂર એક ગરોળી ધીરે ધીરે આગળ વધી રહી હતી. આનંદ જોઈ રહ્યો. ગરોળીના તીણા નહોરવાળા પગ કોઈ વિચિત્ર ગતિએ પોતાના શરીરને આગળ ધકેલી રહ્યા હતા. જીવડું પળ બે પળમાં ગરોળીના પેટમાં ભરખાઈ જવાનું એ આનંદ જાણતો હતો. પણ જીવડાને બચાવવા એણે કોઈ પ્રયાસ કર્યો નહીં. એ જોઈ રહ્યો. ગરોળી જીવડાને ભરખી જાય કે જીવડું ત્યાંથી હઠી જાય એવી કોઈ અપેક્ષા એના મનમાં જાગી નહિ. એ બેસી રહ્યો. કદાચ એક જીવડું હતું. એક ગરોળી હતી. બંને દીવાલ પર હતાં, એટલું જ એ જાણતો હતો. એમની સ્થિતિ-ગતિ વિશે એના મનમાં કોઈ વિચારો નહોતા.

હજુ એ દીવાલ સામે જોઈ રહ્યો હતો. દીવાલ ઉપર શ્રીમતી અ.નો ચહેરો ઊપસી રહ્યો હતો. એ ચહેરો ખોટો હતો. કારણ કે યાદ રહી જાય એવી રીતે એણે શ્રીમતી અ.નો ચહેરો નિહાળ્યો નહોતો. શ્રીમતી અ.નો ચહેરો ખરેખર સુંદર હતો કે કેમ એની એને ખબર નહોતી. ઝાંખી સ્મૃતિમાંથી શ્રીમતી અ.નો ચહેરો સુંદર ઊઠ્યો હતો. દીવાલ ઉપરથી આનંદની નજર પરબીડિયા ઉપર ગઈ. શ્રીમતી અ., અમદાવાદ. દીવાલ ઉપર ફટાકો સંભળાયો. પેલી ગરોળીએ જીવડાને મુખમાં પકડી લીધું હતું. ક્રૂર મુખમાંથી છટકવા જીવડું ઉધામા કરી રહ્યું હતું. ગરોળીના ડાચાની પછડાટ ભીંત ઉપર વારંવાર સંભળાતી હતી. આનંદ જીવડાને મુક્ત કરવા ઇચ્છતો હતો. પણ એ ઊભો થઈ શકતો નહોતો. કોઈક ભીંસમાં હતું. એણે પોતાની સામે જોયું, પોતાના બાહુમાંથી છટકવા કોઈ પ્રયાસ કરી રહ્યું નહોતું. શ્રીમતી અ. દૂર કોઈક સોસાયટીમાં હતી. આમ તો, શ્રીમતી અ.ને પતિ છે. બે બાળકો છે. બપોરના સમયે પતિ શેરબજારમાં હોય. બાળકો સ્કૂલમાં હોય. કદાચ શ્રીમતી અ. મકાનમાં એકલી જ હોય… આવા સમયે કવર સહેલાઈથી આપી શકાય. કૉલબેલનું બટન દબાય. દ્વાર ઊઘડે. શ્રીમતી અ. દ્વારમાં ઊભી હોય… આનંદે ફરી એક વાર પરબીડિયા તરફ નજર કરી. શ્રીમતી અ., અમદાવાદ. ભીંત પર ગરોળીના ડાચાની પછડાટો ઓછી થતી ગઈ હતી. કારણ કે જીવડાનો તરફડાટ ઓછો થઈ ગયો હતો. પ્રતિકાર ઘટતો જતો હતો. આનંદે જીવડાને બચાવવા વિચાર્યું, પણ હવે એમ કરવાથી ફાયદો નહોતો. આનંદે આ વહેલું વિચારવું જોઈતું હતું. એ બીજા કશાકમાં એટલો બધો ખોવાઈ ગયો હતો? નિખિલમાં? પરબીડિયામાં? શ્રીમતી અ.માં…? હા, કદાચ શ્રીમતી અ.માં જ. શ્રીમતી અ. રસ્તા ઉપર ઊભી હતી. નિખિલ સાથે મલકાઈ મલકાઈને વાત કરતી હતી. આકાર મઝાનો હતો. કોઈ અપરિણીત કન્યા કરતાં એ વધારે આકર્ષક લાગતી હતી. કેટલાંક વર્ષો સુધી એનામાં સૌંદર્ય ઘૂંટાયા કર્યું હતું. એ કોઈની પત્ની હતી. પણ ગૃહિણીની કોઈ ગંભીરતા એનામાંથી પ્રગટતી નહોતી.

એણે કવર ઉપાડ્યું. મૂક્યું. જીવડું કે ગરોળી કોઈ નહોતાં. જીવડાને ઉપાડીને ગરોળી ક્યાંક ચાલી ગઈ હશે.

ખંડમાં પંખો ફરતો હતો, છતાં તેની હવા ઝાઝી અડતી નહોતી. આનંદ ઊભો થયો. બારી આગળ આવ્યો, ખંડમાં ઉકળાટ હતો. બારી આગળ ઘણી રાહત થઈ. સામે અડધા આકાશમાં કોઈ કોઈ ભાગમાં તારા ચમકતા નહોતા. કદાચ ક્ષિતિજને પેલે પાર વાદળ જમા થવા લાગ્યાં હતાં. એકાદ વીજળી થઈ. પહાડથીય મોટાં એવાં બે વાદળ ઝડપથી ચઢી રહ્યાં હતાં. બારી બહારથી ઠંડકનો થોડો સ્પર્શ થઈ ગયો. વાદળ ઝડપથી આકાશમાં ચઢી રહ્યાં હતાં. સિતારા ઢંકાતા જતા હતા. થોડી વારમાં પવન શરૂ થશે એમ લાગ્યું. કદાચ જોરદાર પવન શરૂ થાય. કદાચ વરસાદ પણ તૂટી પડે. આનંદ ક્યાં સુધી બારી આગળ ઊભો રહ્યો એનો પોતાને ખ્યાલ ન રહ્યો. વીજળી થયા કરી. વાદળ ક્યાં સુધી ચઢ્યાં એનો એને ખ્યાલ ન રહ્યો. કદાચ પવનના જોશથી વેરણછેરણ થયાં હશે કે તણાઈ ગયાં હશે. પણ ક્ષિતિજ પારની વીજળી તો થયા કરતી હતી.

એ ટેબલ આગળ આવ્યો. એક ફાઇલ ઉપર પેલું કવર પડ્યું હતું. એણે ઉપાડ્યું. એક વિચાર આવી ગયો. કવરના સાંધા બારીકાઈથી જોયા. બરાબર ચીપકાવેલા હતા. ‘ખોલવાની શી જરૂર છે?’ એ મનોરથ બોલ્યો ‘અંદર જે હોય તે શ્રીમતી અ. ને પહોંચતું કરી નાખવું. એણે આવતી કાલે પહેરવાના કોટના ખિસ્સામાં એ મૂક્યું. જાણે ભૂલી જવાનો હોય!

ધારેલું કામ પૂરું કર્યા વગર જ એ સૂઈ ગયો. નિખિલ અત્યારે પ્લેનમાં ઊડતો હશે. કદાચ એ કેટલી ઊંચાઈએ ઊડે છે. કયા પ્રદેશ ઉપરથી ઊડી રહ્યો છે. કેટલું ટેમ્પરેચર છે એવી ઘોષણાઓ સાંભળતો હશે. શ્રીમતી અ.ને એની ખબર સુધ્ધાં નહીં હોય… સામટા કેટલાય દિવસોથી એને નિખિલનો ખ્યાલ સુધ્ધાં પણ નહીં હોય. નિખિલનું કવર એ પોતાની હાજરીમાં વાંચશે પણ નહીં. હાથમાં આવતાં જ એને ક્યાંક મૂકી દેશે. પોતાના સ્વાગતના શિષ્ટાચારમાં રોકાશે. પતિના આવી પહોંચવાની એને બીક નહીં હોય. કારણ કે પોતે નિખિલ નથી. આનંદ છે. પતિ આવી પહોંચે તો… એ પોતાની શી ઓળખાણ આપશે? આનંદ અકળાયો. પોતે શ્રીમતી અ.ને ત્યાં રોકાશે નહીં. એક ટપાલીની માફક પોતે શ્રીમતી અ.ને ઝડપથી કવર આપીને ચાલતો થઈ જશે. કોઈક પડોશીઓ આ બધું જોશે. એમની નજર પોતાના ઉપર જડાયેલી રહેશે ત્યાં સુધી પોતે જમીન ઉપર નજર ભરાવેલી રાખીને નાસ્યા કરશે – ચોરની માફક, ગુનેગારની માફક… લંપટની માફક…

એ ઊભો થયો. એણે કોટના ખિસ્સામાંથી કવર કાઢી લીધું. બોલ્યો, ‘આની કાંઈ ઉતાવળ નથી. જોયું જશે. અપાશે તો આપીશું, નહીંતર ફાડીને ફેંકી દઈશું.’ એણે કવર કબાટમાં મૂકી દીધું.

સૂઈ ગયો. થોડોક સમય પાસાં ઘસ્યાં. શ્રીમતી અ.ની આકૃતિ દેખાયા કરી અને ઊંઘી ગયો.

ત્યાર પછી ઘણા દિવસ સુધી એણે કવરને કબાટ બહાર કાઢ્યું નહીં.

એક દિવસ ઘણો સમય એ બગીચામાં બેસી રહ્યો. પછી કૉફી હાઉસમાં ગયો. ત્યાંથી નીકળી રસ્તા ઉપર ટહેલ્યો. થિયેટર આગળ આવ્યો. ફિલ્મ જોઈ અને ઘેર જઈને પેલું કવર કાઢીને કોટના ખિસ્સામાં મૂક્યું. આવતી કાલે એ કવર શ્રીમતી અ.ને પહોંચાડવું હતું.

જ્યારે એ સોસાયટી તરફ નીકળ્યો ત્યારે એનો ઉત્સાહ કંઈક મંદ પડ્યો હતો. શ્રીમતી અ.ને મળવું હતું. પણ કશીક છાની અકળામણ થતી હતી. સોસાયટીમાં પ્રવેશ કર્યો ત્યારે એણે એક પછી એક દરેક મકાનમાં – પૉર્ચમાં કે રવેશમાં કે પછી મકાનના દ્વારમાં કે બારીની ગ્રીલ પાછળ એને જોઈ રહેવા માટે જ ઊભેલા માનવીઓ જોયાં. એને તો ખાતરી થઈ ગઈ હતી જ કે માનવીઓ એને શ્રીમતી અ.ને ત્યાં ઘૂસી જતો જોવા માટે જ ઊભા રહ્યા છે. એ બધાંની નજર એને શારી રહી હતી. આનંદ ઝડપથી પોતાની ડોક ડાબા જમણી ફેરવ્યા કરતો હતો. હા, બધા માનવીઓ એને જ નિહાળી રહ્યા હતા. અને એકબીજાની સામે નજર કરતા હતા. આખી સોસાયટી જાણતી હતી કે પોતે શ્રીમતી અ.ને ઘેર જાય છે.

શ્રીમતી અ.નું ઘર આવ્યું. અગાઉ નિખિલે આપેલી નિશાનીઓના આધારે એને ખબર હતી. એ શ્રીમતી અ.નું જ ઘર હતું. એણે નજર ઘર સામે માંડી નહીં. જમીનથી એકાદ ફૂટ ઊંચે સુધી મકાનની આગળનો ભાગ થોડો દેખાયો ન દેખાયો. માત્ર એ મકાન આગળ જ કોઈ ઊભું હોવાનો અણસર જણાયો નહીં. એ ઘરની આસપાસ ખૂબ જ શાંતિ હતી. શ્રીમતી અ. ઘરમાં એકલી હશે. એનો પતિ શેરબજારમાં હશે. બાળકો સ્કૂલમાં હશે…

એ સોસાયટી પાર કરી ગયો. ચોરની માફક, ગુનેગારની માફક… લંપટની માફક. સોસાયટીના માનવીઓની નજરો હજુ એની બોચી ઉપર ભોંકાતી હતી. જૂન મહિનાનો ધોમ હતો. પરસેવેથી એ રેબઝેબ થઈ ગયો હતો. પેલું કવર એના બુશકોટના છાતી ઉપરના ખિસ્સામાં હતું. એની એક બાજુ એના પરસેવાથી પૂરી ભીંજાઈ ગઈ હતી. ગરોળીના મળનો ડાઘ ભીંજાઈને થોડો પ્રસરવા લાગ્યો હતો અને એની છાપ એના બુશકોટના ખિસ્સાની અંદરની બાજુએ સહેજ પડી ચૂકી હતી.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.