સુવર્ણકન્યા

મેં ઊભા રહીને સામે જોયું તો પશ્ચિમ દિશામાં સૂર્ય ક્યાંક દૂર દૂર ચાલ્યો ગયો હતો. ક્ષિતિજ કોક સ્ત્રીની પાંપણોના આકારમાં છલકાઈ ઊઠીને ઝાંખી ઝાંખી બનવા માંડી. અવકાશ પોતાના માંસલ સ્નાયુઓને વારેવારે ફુલાવી અંધારાને ખંખેરવા લાગતાં ધરતીએ ઊંડો શ્વાસ ખેંચીને પડખું બદલી લીધું હોય એવું ભાસી ઊઠ્યું. આઘે સુધી વિસ્તરેલી કટાયેલા પતરા જેવી ઉજ્જડતા કાળી ભૂખરાશ છાંટવા માંડે એ પહેલાં કેરડાનાં ઝાંખરાં અજાણ જનાવરનાં હાડપિંજર થઈ ચીતરાવા લાગ્યાં. સામે અસ્તવ્યસ્ત, મરેલ મગર જેવો લાંબો પંથ પડ્યો હતો. મેં પાછળ મુખ ફેરવેલું તો અંધારું કોઈ ભીંત બનીને ઊભું હતું. હું ક્યાંથી આવું છું એનું નિશાનમાત્ર જડેલું નહીં. એ અપરિચિત પ્રદેશ હોવા છતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. રસ્તામાં રેત આછીપાતળી ઘણી છવાયેલી. પાછી એ કાબરચીતરું રૂપ ઓઢીને પડેલી હોવાથી પગલાંથી ચંપાતી ત્યારે ઊંચા માટિયાળા ભાગ પરથી ખરતી ખરતી ખોખરું હાસ્ય ફેંકી બેસતી હતી. હું આસપાસ આંખો ફેલાવી લેતો તો નિસ્તબ્ધતા સિવાય કોઈ દેખાતું ન હતું. વૃક્ષોએ કદાચ બીજું કોઈક સ્થળ પસંદ કરી લીધું હશે, નહીં તો એમની પર્ણવિહીન રચનાય ચોક્કસ ક્યાંક સ્પષ્ટ થવી જોઈતી હતી.

અજાણ સ્થળ પર ચાલવાનું હોય એટલે સાવચેતી રાખવી સારી. થોડુંક ચાલીને હું ઊભો રહેતો. અંધારું ખાસ્સે જામી ચૂક્યું હતું. પાછું એ ઢગલાઓમાં ઊંચું થઈ થઈને ભયપ્રેરક બનતું, ત્યારે આકાશ તરફ મીટ માંડી લેતો. ચડી ચૂકેલી ધૂળની ધૂંધળાશ વચ્ચે કોઈ તારકઝૂમખું ઝાંખુંપાંખું કોકનું મુખમંડલ બનીને ઝબકી ઊઠતું. રાહત અનુભવાતી, ચરણ ઉતાવળાં થઈને આગળ ધપવા માંડતાં. ઘડીક એ નિર્જન ભૂમિ વહાલી લાગી આવતી. પછી અકળામણ. સારું કર્યું કે એ વેળા પવન ન હતો. જો પવન જોસીલો વાતો હોત તો એના વિચિત્ર અવાજોથી ધરણી ધ્રુજતી હોય, પરંતુ પવનનું હલનચલન ન હોવાથી ચૂપચાપ પડેલી રેત ઉપર મારાં પગલાં ચુપકીદીથી મંડાતાં જતાં હતાં. વચ્ચે વચ્ચે થોડુંક ઊભો રહેતો. ચારે દિશાઓ અંધ. ઘડીભર એમ થઈ આવતું કે હું કોઈ સ્થળ ઉપર ઊભો રહ્યો છું કે જળ ઉપર. મૂંઝવણ થતી ખરી નીચે ઠંડક ભારોભાર હતી, વળી રેત પણ ખસી જતી હોય એવું લાગતું. ઊનો સ્પર્શ પણ થતો. હવા ન હોવા છતાં હવા આવીને વળગી પંડતી એવું અનુભવાતું. શરીરને રોમાંચ વ્યાપતો. મારી આવરદા બાળકનું ખોળિયું ધારણ કરીને બેસી જતી. કદી અંધારું જળોની જેમ શ્વાસમાં અમળાઈ આવી આંખોમાં પાંપણો મધ્યમાં બાઝી પડતું, કોઈ અવાવર કૂવામાં ઊંડે ઊતરતા જતા ઘડા જેવી મારી દશા હતી. રસ્તામાં આથડતાં કાંટાળાં જાળાં વળગી પડ઼તાં ત્યારે આખી કાયા પર બળતરા ફરી વળતી અને હાડહાડમાંથી થાક ઊછળી પડીને મારાં બે ચરણોને અટકાવી દેવા મથતો.

ક્યાંય કાળું ચકલુંય ફરકતું ન હતું. ચારેપાથી ધરતી અંધારાનાં શીંગડાં વીંઝતી મારવા ધસતી હોય એવું લાગતું. પાછું ક્યાંક થોરની વાડો ખખડી ગયેલી દેખા દેતી તો ક્યાંક ખોખરી કેરકંથારની કાંટ્ય. અને ક્યાંક બે-ચાર આકડા અફીણિયા વાંદરાની જેમ ધૂણી રહેતા. બાકી કાળી રિક્તતાએ તો ન વાતા વાયરાની જોડે દોસ્તી બાંધી લીધી હતી. ચાલતાં ચાલતાં હું ઊંડા શ્વાસ લેતો ત્યારે ભોંયકાચબાની જેમ નિઃસ્તબ્ધ ઠરેલી ઊબડખાબડ જમીન ઊંચકાઈ હલી ઊઠતી. ઝાંખપને ભેંકાર ખોતરવા માંડતો. ઘડીક આગળ જવાની જગ્યા ખોવાઈ જતી તો પાછો હું છછૂંદરની જેમ ફરી ફરીને કશુંક સૂંઘી લઈને સીધા રસ્તાને પકડી લેતો. ખરું કહું આઘેથી આવતી કશીક મહેક અકારણ ખેંચી રહેતી હતી. મારી નાભિમાં ભરાઈ બેઠેલ રહી રહીને ધીરા જલતા કપૂરનું ભાન થઈ આવતું ખરું. આમ તો હું શ્વેત વસ્ત્રોમાં સજજ હતો પણ ઘાટા તમિસને લીધે નિર્વસ્ત્રપણું રુંવાંટેરુંવાટા સાથે ખુલ્લું બની ગયાનો દેખાવ ઊઘડી આવતો એટલે ચક્કર ચડી બેસતા. શિર પકડી રહેવાનું મન થતું. પગ થંભી જતા ત્યારે ધૂળ સાથે દર્ભ-જવાસાનાં જડથો વચ્ચે ઘેરાઈ ગયાનું દર્દ સખત રીતે ઊપડી આવતું હતું. પાછો જેમતેમ કરીને અનેક ગૂંચવાડાઓમાંથી નીકળીને વેગીલો બનતો. થોડુંક ચાલ્યા બાદ આગળ નહિ વધવાનો સંકેત ચંપાતાં અટકી પડાતું. સામે અંધકાર ત્રિપુરરૂપે ઊભેલો હોય. સાથે આખી વેરાનતા તો કાળા રીંછમાં ચક્રાવા માંડતી, છતાં છાતીગરો બનીને ચાલવાનું મેં રાખ્યું હતું.

બહુ બહુ ચાલ્યો હશું. મારો રઝળપાટ ઘણો થયો હશે. અનેક દિવસોથી ચાલતો રહ્યો હોઉં એવું લાગેલું. ક્યાં જઈ રહ્યો હતો એ મારાથી કળી શકાયું ન હતું. કોક આઘેથી.. ઊંડે ઊંડેથી ખેંચી રહ્યું હોય એવું સહજ ભાસી ઊઠતું, તેથી આગળ વધવાનો મને કંટાળો આવતો ન હતો. કાળી-ડિબાંગ રાત જામી હતી. અંધારુંય જોહુકમી બતાવીને અવરોધો ઊભા કર્યા કરતું હતું. જમીન પણ આગળ વધવા ન દે એવાં કૃત્યો રચતી ઉબડખાબડ રીતભાત જાળવ્યા પછી એક-બે ગુલાંટો ખવડાવી દેતી. રેત પાછળથી મારા ઉપર ઠેકડો મારી બેસતી એ જુદું. ક્યાંક રેતના ચડાવ આવતા. ચડતાં પગ અંદર ખૂંપી જતા છતાં સમજીને આગળ વધ્યા કરતો હતો. પાછું તિમિર ચામાચીડિયાની જેમ વર્તુળબંધ ઘૂમરાઈને મારા ચક્ષુઓને વાગી બેસતું. લૂખાં ઝાંખરાં વચ્ચે દેહ ઘેરાઈ રહેતો એટલે મને થતું કે લાવ પાછો વળી જાઉં? પાછળની જામી ગયેલી દિશાને ભેદી શકાય એમ ન હતી. હું જે વાટેથી આવ્યો હતો તે દિશાની નિશાની મળવી મુશ્કેલ. કદાચ બેહોશી વહોરવી પડે, તેથી આગળ આગળ એટલે જવાય ત્યાં સુધી ચાલતા રહેવામાં સુખાકારી માની આંખો બંધ કરીને ય જવાય એટલું ઝડપથી ચાલવાનું આરંભેલું. બરછટતા સામે મળતી. બળજબરી વાપરી બેસતી, પણ હુંય એનાથી ગાંજ્યો જાઉં એમ ન હતો. હાથે-પગે ઉઝરડા પડ્યા હોવા છતાં બધું સહન કરીને બે ચરણોને ઝડપી બનાવતો હતો. ઘણું ઘણું ઈંડયા બાદ સામેના અંધારાએ પોતાનું રૂપ બદલવા માંડ્યું, એ અજાણ વગડાઉ સૃષ્ટિ મારી સમક્ષ જાણે ગુલાલથી રજોટાવા લાગી. આમ શીદ થયું એની સમજણ પડેલી નહીં, પછી ખ્યાલ આવેલો. પૂંઠળ મોં ફેરવેલું તો મોડી રાતનો ચંદ્ર પૂર્વક્ષિતિજમાંથી બહાર નીકળી રહ્યો હતો. કોઈ અલબેલો ઘોડેસવાર આવતો જોઈ લ્યો! હુંય બે ઘડી એ ચંદ્રમાને તાકી રહી ચાલવા માંડ્યો. એક છીછરા ખાડાવાળા રસ્તામાં ઊતરી પગ પૂરવંત કરેલા છતાં રસ્તો કેમેય કપાતો ન હતો. કેટલી બધી ધુળ ને વળી વચમાં કાંટાળાં જાળાં પાર કરવાં પડ્યાં. એક ઊંડું કોતરવાળું નેળિયું આવ્યું, એમાં દાખલ થવું ન હતું છતાં એમાં ખેંચાઈ જવાયેલું. રસ્તામાં બે બાજુ માટીની ભેખડોને ચાંદ અડકી ચૂક્યો હતો. એ સુખડવંતી શોભી ઊઠેલી કોતરોના ઊંડાણમાં બેઠેલું અંધારું ફોરમવાળું બની જઈને આગળ આગળ દોડવા લાગ્યું હતું. જો વચ્ચે પાછા અજવાળાનો સહારો ન મળ્યો હોત તો હેરાન પરેશાન થઈ દુર્ગધાયો હોત. ખરેખર પેલા નેળિયાને તો હું શેરડીના રસની જેમ પીવા માંડેલો. મારાં રોમરોમ ચાંદનીમાં છંટાઈ ઊઠ્યાં હતાં, પાછો એ નેળિયાનો દેહ પણ ઉજમાળો. રેત પણ સોનેરી વસ્ત્ર પહેરીને ચળકવા લાગી હતી. ચાલતાં ચાલતાં ચંદન શ્વાસ લેવાતા હોય એવો ભાસ થતો. એ વેળા, મને થઈ આવતું કે આ રસ્તો મારો પરિચિત હોય, અને એ જરૂર મારી મનગમતી જગ્યાએ લઈ જઈને પહોંચાડશે. ભલેને એ ઊંડો ઊંડો થતો જાય. એની નીરવતા મને ઘણી પ્રેમાળ લાગેલી. ભેંકાર પણ રસભર્યો. જડ ભેખડો કોકની કોમળ કોમળ હથેળીઓનું દર્શન કરાવવા માંડી હતી. મને કોક સાંભરેલું. પૂર્વરા સળવળેલો, અને એ રસ્તાનું નેળિયું પૂરું થતાં થતાં તો પેલો ચંદ્ર ગલગોટો બનીને મારી સન્મુખ, સાવ સમીપ આવીને હસવા માંડ્યો. સામે ચાંદની ભારેપગે બેઠી હતી. આસપાસનું ચોગાન સ્વચ્છ. વચ્ચે કોઈ વૃક્ષ સૂનમૂન નિષ્પર્ટ ઊભું હતું. બાકી ધૂળ ધીરે ધીરે અતલસમાં ફેરવાયા કરતી હતી. હું ત્યાં ઊભો રહ્યો. ભયબય જેવું કંઈ નહીં. ચંદ્ર થોડોક અધ્ધર ચડ્યો એટલે સકલ સજીવન થવા માંડ્યું. એ કોક ગામનું ગોદરું હતું, ત્યાં કોઈનો મેળાપ કે અણસારોય મળેલો નહીં. સામે કેટલાંક છાપરાં સ્પષ્ટ થયાં. ત્યાં મેં મારો ધૂળભરેલો દેહ ખંખેરેલો. તાજગી આવીને મારા પહેરણને વળગી પડી હતી. હળવો મીઠો વાયરો જાણે ભેટી પડ્યો હોય એવું લાગેલું. ક્યાંક તમરું ઉતાવળું થતાં જ સર્વત્ર વ્યાપેલી ભૂતાવળ કટાક તૂટી લહેરાવા માંડી.

ઘણાં વરસો પછી મારા ગામમાં પ્રવેશતો હોઉં એવી લાગણી ઊભરાઈ આવી. ભાગોળ-તોરણની કોઈ નિશાની જડેલી નહીં. ગામમાં જતાં વચમાં પડેલું એક રો ડું અડફેટે ચડતાં હું પડું પડું થઈ ગયેલો. આખી ભાગોળ ખડખડ હસી ઊઠી, ને ઘર ઘર પર ચોટેલી ચાંદની ડહોળાઈ ગઈ હતી. આખું ગામ નષ્ટ, મૃત:પ્રાય થયેલું હતું. કોઈ જીવતું જાગતું બેઠું નહીં હોય, બસ, ચારેબાજુ અજવાળું ઓઢી દેખાવડી અવાચકતા ઊંઘતી હતી. ફરી જો તમારું કલબલી ઊઠે તોયે શાંતિ. ક્યાંકથી રાઈ જેટલોય રવ ઊઘડી ઊઠે તો ભલું, સઘળું સ્વપ્નવતું હતું. સામેનાં છાપરાંઓએ જીર્ણપણે છાંટી દેતાં મને ન કળાય એવી ગૂંગળામણ ઊપડેલી, રુવાંટે રુવાંટે થતી કળતર સાથે ઘર ઘર જોવા માંડ્યો, કોઈની બારી તૂટેલી તો કોઈનું બારણું, વળી કોઈનું ઢળતું બાજું વેરણછેરણ થયેલું દેખા દેતું. પછી તોય ધસી પડી નીચે ભોંય સાથે ચોંટી હતી. ભીંતો ઉપરથી કેટલાય માટીના પોડા-પોપડા ઊખડી પડેલા. થાંભલીઓ રોડા-નળિયાંના ઢગલાઓ ઉપર ઢળી હતી. હાથીની સૂંઢ સમા ઘર પરના દોરિયાઓ ઉધઈ ખાતા હતા. આંગણાના રહ્યાસહ્યા લીંપણ ઉપર ખેપટ ચડી બેઠેલી. ક્યાંક સમ ખાવા એકાદ ઘર આખું બચેલું હોય, બાકી બધાં ધરાશાયી બન્યાં હતાં. રસ્તો પણ કચરાવાળો. આલોપાલો – ધુળ-છાણ-રોડા-ફોડા-છોતરાં જ્યાંત્યાં વેરાયાં હતાં. ખરેખર આખા ગામને યમદેવે ખભે ઉપાડી લીધું હતું. કોના કયા પાપે આ થયું હશે? દુષ્કાળ એ વળી આવો ભયંકર. હશે કોઈક હડકાયા વંટોળિયાનું કામ. સૂમસામ રાત્રિની સાથે ઘસડાતી બરછડતા વજના ઘા જેવી લાગવા માંડી હતી. જો વ્યોમમાં ખીલેલો ચાંદો ના હોત તો રાત બિહામણી લાગી આવત એ ચોક્કસ હતું. શ્વાસમાં અંધારું લેવાતું હતું તો આંખો દ્વારા અજવાળું પીવાતું જતું હતું. અંદર ચાલ્યા પછી ગામના પહેલા ફળિયાના અવશેષ વળાંકે હું ઊભો રહ્યો. ડાબી-જમણી બાજુએ વારાફરતી નિહાળ્યા જ કરેલું તો ઊંડે ઊંડેથી વિચિત્રતા સિવાય કશું મળેલું નહીં, ફક્ત ચંદ્રનો પ્રકાશ વેરાયો હતો. મેં પાછા પગ ઉપાડેલા. ત્રણ ચીલા મળે એવો એક ચોક આવ્યો, ત્યાં માટીનો બનાવેલો ચોતરો હતો. એના વચમાં કોઈ ઝાડ લૂંટારૂપમાં ઊભું હતું. એ જોઈને મને મારા જીવોભા સાંભરેલા. દોડી જઈને પેલા ચોતરા ઉપર વરખડાના થડને અઢેલી થોડુંક બેઠો. થાકબાક ઓગળી જતાં મારા સાથે કોઈએ હાથ અડાડ્યો હોય એવું લાગ્યું. તરત ઊંચે જોયું તો આકાશમાં સ્વચ્છ ચંદ્ર દીપી રહ્યો હતો. કેટલું બધું એનું અજવાળિયું નીતરતું હતું. મને ત્યાં જ ચોતરા ઉપર બેસી રહેવાનું ગમી ઊઠેલું, પરંતુ પાછળ ઘર-પછીતના જાળિયામાંથી કોક તાકી તો નથી રહ્યું! ઊભો થયો, ને એ તરફ પગ ઉપાડ્યા. આથમણા ફળિયાનું એ પહેલું ઘર. એનું મુખ પણ આથમણું હતું. લાવ, હળવે હળવે એ છાપરાની પછીતે પહોંચી જાળિયામાં મોટું નાખી તપાસું. જો કોક અંદર હશે તો સારો એવો વિસામો થશે અને એકાદ રાત્રિ.. મેં બે હાથ જાળિયું પકડ્યું નથી ને આખેઆખો ભીતર ઊતરી પડ્યો. માંહ્ય તૂટેલા ખાટલા હતા. કોઠીઓ વચ્ચે બેઠેલો સૂનકાર ચાંદનીને નિરાંતે ચગળતો હતો. અદ્ધર મોભ ભાંગી ગયેલો, ડામચિયો પાયા વગરનો પડ્યો હતો. એકાદ ગોદડું મરેલા વંદા જેવું દેખાઈ આવેલું. અંદરનું નિષ્ક્રાણ તૂટેલુંફૂટેલું રાચરચીલું દેખ્યું ના જવાથી તરત મેં જાળિયાને છોડી દીધેલું. અને એ છાપરાને વટાવી દેવા તત્પર બન્યો, જો બીજું કોઈ મનગમતું મળે તો… મેં ઉતાવળને બહેકાવી મારેલી. ક્યાંકથી કોઈ અદીઠા ઘરની સૌરભ ધીરે ધીરે આવી રહી હતી. મારે જલદી જલદી એ ઘરને શોધી સ્પર્શી લેવું હતું. સઘળે ચંદ્રનું સ્વસ્થ તેજ પ્રસર્યું હતું. ઘણું રખડ્યા પછી આડાંઅવળાં કેટલાંક નષ્ટ છાપરાંઓના ચડઊતર વાંકાચૂકાં ઓટલાઓને અડતોઅડતો બે છાપરાંઓ વચ્ચેના એક લાંબા ચાંદનીભર્યા પાતળા ખાંચામાં હોંશભેર સીધો ચાલવા માંડ્યો. થોડુંક હેંડડ્યા બાદ સામે ઉગમણા બારણે ઊભેલા ઘરને નજરમાં પકડવા જતો હતો એની સાથે એના આંગણાની લીંપેલ પાળીમાં રોપેલ થાંભલી પકડીને કોક અજાણ બાઈ પોતાનું સુડોલ મુખ ખુલ્લું મૂકીને નિષ્પક રસ્તા બાજુ નીરખી રહી હતી. એ રૂપરૂપનો અંબાર જોતાં હું થંભી ગયો. ઉઘાડાં કમાડ આગળ ચંદ્ર-અજવાળામાં ભાતીગળ કોરાકટ ગવન સાથે દીપશિખાની જેમ ઝગતી એ સુવર્ણકન્યા સાથે લગભગ હું સંબંધાવા લાગ્યો. એ તો હાલ્યાચાલ્યા વગર મૌન ઊભી રહી હતી. હાથે કંકણ, કર્ણો લોળિયાં અને કંઠે સોનાની હાંસડી આખી છાતીને ઉઠાવ આપતી હતી. મોટી રમણીય આંખો દ્વારા સ્નિગ્ધ ચહેરા ઉપર છવાતા આસો માસનું માદક નિસર્ગ બાઝી પડતાં જ મેં ઉમળકાથી બૂમ પાડી હતીઃ

‘સુરતા…’

આખું ગામ સમરસ બની ગયું અને ખૂણેખાંચરે પ્રસરેલી નિર્જનતા ઉપર લીલોતરી છલકાઈ ઊઠી. ઘર ઘર બધાં સજીવ, ક્યાંક મીઠો કોલાહલ છૂટો મૂકી હળવા થવા લાગ્યાં હતાં. પેલો ચાંદો માખણનો પિંડ બની સરકી આવીને મારા હોઠ ઉપર બેસી જતાં એ કન્યાને ભેટી લેવાની લાલસામાં લગભગ ખીલેલા કેસૂડા સમો થઈને વિવશ દોડ્યો તો સુરતા કુમકુમની સોરમ ઉડાડતી ઘરમાં પેસી ગઈ હતી. મારો પૂર્વસંબંધ તાજો થવાથી એ ઘરના વાળેલા સ્વચ્છ આંગણાને ઉપાડી મેં ધીમેશથી લોહીમાં પલાળી-રમાડી લીધું હતું. પાળી ઉપર કૂંડામાં ઊભેલી તુલસી મારી રગરગમાં સુગંધાવા માંડી. લીંપેલી પરસાળ ઉપર છાયેલો કિનખાબ ઊડી આવીને મારી ચામડી ઉપર છવાઈ જાય એ પહેલાં હું વરરાજા બની ગયો હતો. શણગારેલા ટોડલાની સાથે લટકાવેલાં લીલાં આમ્રપર્ણોવાળા મુલાયમ તોરણને અડક્યા બાદ મેં ઉંબરા ઉપર દષ્ટિ નાખી તો કંકુપગલાંની ચંચલ પાંખમાળા ઊડતી ઘરમાં જતી હતી. બારસાખે મને વધાવેલો. મોભ ઊંચેથી પડતાં સોનેરી ચાંદરણાં લીંપણની કળીઓમાં ભેગાં રમતાં રમતાં ગાતાં હતાં. સુરતાના ભાતીગળ ગવનની તંદુરસ્તી ચક્ષુઓમાં ગળચટું હવામાન સર્જતાં ખૂણેખૂણામાંથી સુમધુર સંગીત ધીરે ધીરે ગુંજવા માંડેલું ને મારા લોહીનો લય કોકની સાથે રમવા તલપાપડ થતો હોય એવું લાગ્યું હતું. હું ઘર વચમાં આવી સ્થિર ઊભો રહ્યો. ચોક ચોખ્ખો. એમાં ભરેલી કોરી માટલી કાંઠે બેઠેલો લોટો, ચૂલા પર તવી, બેળે ઘીની વાડી, વાડી ઉપર તાંબાની પાટુડી, જોડે કથરોટ, ઉખેણું, સાણસી, ચીપિયો, ભૂંગળી, સૌ સુધબુધ પડ્યાં હતાં. પાણિયારા ઉપર ઉભેલી ઊતરડ લક્ષ્મીદેવીના સ્વરૂપમાં દેખાઈ આવી. નજીક ગોખ હતો. એમાં બહુચરમાની છબી સમક્ષ ઘીનો દીવો શાંત બળતો હતો. એનું તેજ પાસેના તામ્રકુંભ પર છલકાતું જોતાં મારા કોષેકોષનો કસબ ઝગમગવા માંડેલો. એની નિર્મળ જ્યોતિમાં કોકની આકૃતિ ગોઠવાઈ. મેં બીજી વાર બૂમ મારી. ‘સુરતા.’ એની તરંગાવલિમાં ઘરનું રુવાંટેરુવાંટું નર્તવા લાગેલું પણ સુરતા બોલેલી નહીં. ફક્ત એના ઝાંઝરના ઠમકા સિવાય કશુંય સંભળાયેલું નહીં. ફક્ત સંતાઈ ગઈ હતી. કમાડો પૂંઠળ નિહાળી લીધું. ઘરખૂણા બરાબર તપાસી જોયા તોયે એ જડી ન હતી. મને ફરી પાછો એકલતાએ ઘેરી લીધો, છતાં એટલું ચોક્કસ થતું કે એના એક દર્શનમાત્રના આછા લસરકાથી સર્વ સંતાપો વિરામની ક્ષણોમાં પહોંચી જતા દેહના અણુ અણુ વચ્ચે કશીક ન કળાય એવી રમણા અને શમણાની લીલા રચાતી જતી હતી. ઘર પણ પોતીકું લાગતું હતું. ઊંચેથી નાનાં મોટાં અનેક ચાંદરણાં લીંપણ ઉપર પડતાં હોવાથી જાણે ઘરની સુંવાળી અંગડાઈ પર ચંદ્રમાં છૂંદણાં ટાંકતો ન હોય! મોભ પરથી એક સાંકળ કોકનો કેશરાશિ થઈને લબડતી હતી. મારું ચિત્ત ઓરડાની ઉંબર જેહ ઓળંગતાં ફરીથી મેં પાછળ નજર નાખીને શોધી લીધું તો સામે ખીંટીએ વરેડી, સૂપડું વળગ્યાં હતાં, બાજુમાં આડિયું, તો નીચે ખાંડણિયો, સાંબેલાની નીચે ઑસ ઊભો થાક ઉતારતો હતો. દહીં વલોવવાની ગોળી..? જરૂર અંદર ઊંધી પાડી હશે. છસાત વસ્ત્રોથી છાયેલ વળગણીના વાંસની સામે જ ભીંતે અભરાઈ ઉપર ઊટકેલી તાજી પાંચ પિત્તળની થાળીઓ મુખરિત થતી થતી એકાદ થાળી તો મારા આગળ પથરાઈ જવા ઉત્કંઠ બની ગઈ હોય એવું લાગ્યું. વળી મારો હાથ ઓરડાની કુંભીએ ચોટેલા ચાડાને અડકતાં જ ઉપર બેઠેલું કોડિયું એક ચાંદરણાના તેજમાં ચમકી ઊર્યું. સાથે સાથે પેલા ચૂલા આગળથી રોટલા ટીપવાના રણકાર ઊછળી આવ્યા. છાબડીમાં ઊતરેલો તાજોતમ રોટલો દૃષ્ટિગોચર થતાં કોકનું હેત મારા અવયવોમાં લહેર્યું જાણે સુરતા સમીપ બેસીને મને ખાવા આપતી હતી. ધીરા મીઠા સંવાદોની ભીનાશમાં તરબતર થતો હું ઓરડામાં ગયો. અંદર ઝાંખું ઝાંખું અજવાળું વલવલતું હતું. આસો મહિનાના દહાડા રોપવાનો મહિમા સર્જાયેલો. સઘળી દેહભંગિમાઓ ધન્ય ધન્ય બની ગઈ હતી. પ્રાણથીયે ઊડે કોકનો અભિસાર ઊઘડેલો. ચોક્કસ સુરતાની સારંગીનો એ પ્રતાપ હોય. ઓરડો આછી આછી હળવાશથી ઉમળકાભેર. પણ હેતાળ-મળતાવડી સુરતા ક્યાં? હું સ્થિર. અવાચક કેટલીય ક્ષણો સ્થિર ઊભો રહીને આંખોને આસપાસ ફેરવ્યા જ કરેલી, છતાં એનું ચિહ્ન સોંપડેલું નહીં. ઓરડાના દરેક ભાગને સાવચેતીથી અડધા ફંફોસી જોયા, ખરા પ્રેમથી એને શોધતો રહ્યો. છેલ્લે મજૂસને પણ ઉઘાડી માંહ્ય તાકેલું. એમાં માંડણીમાંથી ચાંદીના સિક્કા જેવાં ચાંદરણાં ભાળી મજૂસને એકદમ વાખી દીધું. ખખડતા રૂપિયાઓનો ધ્વનિ સંભળાઈ આવતાં ફરીથી મજૂસ ખોલી નાખેલું તો અંદરથી બર્બરતાએ જોસથી ઝાપટ મારી હતી. હું ઊછળીને એક ભાંગેલા ખાટલા સાથે અથડાયો. થોડું વાગવાથી તમ્મર ચડેલા. પાસે દાભડાની ચટ્ટાઈ હતી. એના ઉપર ભીની ભેખડની જેમ બેસી પડ્યો. આમ જાણે કેટલીય રાત્રિઓ બેઠો હોઉં એવું લાગ્યું. પછી આરામ લેવા વિચાર કરતાં ફરી ફરી સુરતાને શોધી જોઈ વ્યર્થતા સિવાય કશું સાંપડેલું નહીં. થાકીને આડો થતાં બાજુમાં કોકના શ્વાસઉચ્છવાસ અનુભવતાં મને અચરજ વ્યાપેલું. ભલે સુરતા દેખાતી નથી, એના સ્પર્શ મને મળવાપાત્ર નથી છતાં મારું મગજ મુગ્ધ મુગ્ધ.. વળી હૈયું સુંવાળપથી લીંપાઈ ગયું હતું. હું પરમસુખની પળો આનંદવા માંડ્યો હતો. ઊંચેથી ટપકતાં ચંદ્રનાં ચાંદરણાં કોઈ મંદિરમાંની અનેક ઝાલરોના રૂપમાં બજ્યા કરતાં હતાં. ઘડીભર સ્વર્ગ તટે ઊંઘતો હોઉં એવું લાગેલું. આમ હું કેટલોક સમય પડી રહ્યો, પછી પડખું બદલેલું. મારો જમણો હાથ ઓરડાના ભોંયતળિયાની સાથે મસળાતાં કોકની છાતી ઊપસી આવી. શું સરતા મારી જોડાજોડ? તરત બેઠો થઈ ગયેલો. કોઈ ત્યાં હતું જ નહીં. બેઠા બેઠા એ જમીનને નીરખ્યા કરી. ઊંઘ આવતી ન હતી, કે મારાથી ઊંઘતું પણ ન હતું. હું કેટલાય દિવસોથી આમ અપલક બેસી રહ્યો હોઉં એવું લાગેલું. કોઈક વાર ભરીભાદરી કોક સ્ત્રી ઊપસી આવતી. હરખમાં સ્પર્શવા જતો તો ચાંદી-સોનાનાં અલંકારોથી મઢાયેલું એનું હાડપિંજર હાથમાં ઝિલાઈ જતું. નાસિકાએ નથણી હોય. કાને લોળિયાં, કંઠે હાંસડી જાણે ચોથ ચંદ્રનો વળાંક, હાથે કંકણ, કેડે કટીમેખલા અને પગમાં ઝાંઝરનો ભાર. આમ ઘડીક શણગાર ભરેલી કોક જાતવાન બાઈ દેખાય પણ જો એની જોડે આડા થવા જઈએ તો ખડબચડું હાડખોખું. એ ચટ્ટાઈની ચારેકોર તો અંધારું ચોંટ્યું હતું. મારા શ્વાસ પણ મને સંભળાતા બંધ થઈ ગયા. હું ઊભો થઈને ઓરડામાંથી નીકળી જવા ઝાવાં માર્યા. ઘર ખાલી ખાલી ખખડી ઊઠેલું. અવાવરતાએ પીછો પકડેલો ખરો. આમતેમ વેરાયેલી તૂટેલી-ફૂટેલી ઘરવખરીએ ઉડાડેલી બેસુમાર ખેપટમાંથી નીકળતાં નીકળતાં ઘણો સમય વીતી ગયો. મરેલા કાચબા જેવા ઉંબરને જેમ તેમ ઓળંગીને હું આંગણે આવી ઊભો. બહાર રેત ચુપચાપ પડી હતી. રાત પણ એ જ સમયને પકડી વાગોળતી હતી. આકાશમાં ચંદ્ર, જ્યાં હતો ત્યાં જ સ્થિર ઊભો ઊભો પોતાનું અજવાળું ધરતી તરફ પાથરી રહ્યો હતો, આખરે મેં મારા દેહ તરફ તાક્યું. તો ચામડી કરચલિયોવાળી લઘરવઘર બની ગઈ હતી, એ મારાથી સમજાયું ન હતું. બહારથી સૂકાં પર્ણો ઊડી આવીને વાવમાં પડતાં હતાં. ધૂળ પણ ધસી આવતી હતી. વાયરો ફૂંકાતો હતો. હું જોમ ભેગું કરી કરીને એને મેળવવા ઘણો પ્રયત્ન કરી રહ્યો. આ વનકન્યાને પકડી શકાશે નહીં.

હું એકધારો દોડતો પગથિયાં ચડ્યા કરતો હતો. હાથ-પગના સ્નાયુઓ થાકી ગયા. હાંફ માતો ન હતો. ઘણાં વરસોથી જાણે એની પાછળ પડેલો હું બધાં પગથિયાં ચડી જઈ આખરે વાવ-કાંઠાનું છેલ્લું પગથિયું પકડતાં લોથપોથ પ્રવેશદ્વારે પછડાઈ પડ્યો. ત્યાં જ ઘોડો હણહણવા માંડ્યો.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.