હનુમાન લવકુશ મિલન

પૂર્વે અજોધા નગરી ને રાજા રામનું રાજ. રાણી સતી સીતા. એક સમે મે’લના ગોખે બેઠાં છે ને નીચેથી જોષીડો જાય. રાણીએ સાદ દીધો, ‘જોષીડા, જોષીડા, જો મારી હથવાળી ને જોષ વરત.’ જોષીડે એક વાર ઊંચું જોયું ને મોં આડું લઈ લીધું.

‘રાણી રાણી, તને જોયે’ તો હાથીએ ચલાવ, જોયેં તો થોડો ચલાવ, તને જોયેં તો ગામપાર કરાવ, દેશપાર કરાવ; જોયેં તો જલાદ બોલાવી ફાંસીના દાયડે ઝલાવ. પણ હું ના આવું.

ત્યારે સીતારાણી પૂછે છે કે, ‘કેમ?’ ત્યારે જોષી કહે છે કે, ‘હું જોષી સામદરિક શાસ્ત્ર મારા મોંએ, મારા ગુરુ સૂવે નૈં, આખો દિ’ જલપાન કરે. ફળનો આહાર કરે અને રાતે સામદરિક શાસ્ત્રના પાઠ ભણાવે. મેંયે નીમ લીધું — દિ’ આખો વનવગડો રખડું. ગુરુને કાજે પાકાં મીઠાં ફળ વીણું, માટીને ઘડે જળ ભરું ને ગુરુનું દીધું ખાઉં-પીઉં ને રાતે સામદરિક શાસ્ત્રની પોથી ભણું. એમ બાર વરસ લગી પાઠ પડ્યા ને જોષી થયો તે રાણી તારું મોં મને કયે છ કે તારું ભાયગ રૂડું નથી.’

ત્યારે સીતારાણીએ કહ્યું કે, ‘જોષીડા, જોષીડા, કુળને કાજે દીકરો રહેશે કે?’

જોષી કયે, ‘રહેશે.’

સીતા કયે, ‘સમરથાઈ કેટલી રહેશે?’

જોષી કયે, ‘બાપ સમાણી.’

તો સીતારાણી તો ફૂલી ના સમાણી. પછી કયે, ‘મારા ભાયગનું કો’.’ જોષીએ તો આંગળીએ વેઢા માંડ્યા. સાતે ગ્રહને સમર્યા ને પછી કહ્યું, ‘રાણી, રાણી, તારું ભાગ રૂડું હતું પણ તેં તલસીમાને દુભવ્યાં છે. તેં પાંચ દીવા કીધા. એક દીવો મે’લને ટોડલે મેલ્યો. બીજો દીવો મે’લના ઉંબરે મેલ્યો. ત્રીજો દીવો કૂવાને ગોખલે મેલ્યો, ચોથો દીવો પીપળને થડિયે મેલ્યો, ને પાંચમો ગામને દેરે મેલ્યો, પણ તલસીમા ભુલાણાં તે રાત આખી અંધારિયામાં આથડ્યાં ને દુભાણાં.’

રાણી સીતા મૂંઝાણી, ‘જોષીડા, જોષીડા, ભ્રામણ છે તે તું જ મારો તારણિયો. દોષ કીધા તો પ્રાછતેય કે’તો જા.’

જોષીડો કયે, ‘રાણી, તમે તલસીમાનું વરત લો. એક મસવાડાનાં બે પખવાડાં, એમાં એક અજવાળિયું, એક અંધારિયું. એમાં અજવાળિયું લઈએ ને અંધારિયું મે’લી દઈએ. એમ સોળ અજવાળિયાં લઈએ. ધાનનો દાણો પેટે ના ગળીએ. વાળ કોરા કરીએ ને સાંજ પડે તલસીમાનો દીવો મેલી પ્રાછત કરી, નમન કરી, પતરાળે બેસીએ. બેસતાં પરથમ ત્રણ ભૂખ્યાંને જમાડીએ ને પછી રાત ગાયનું દૂધ ને ઝાડથી ગરેલાં ફળ ખાઈએ.’

સીતાએ વરત કરવાનું માથે લીધું ને પછી જોષીડાને કહ્યું, ‘જોષીડા, ભાયગમાં બીજું કાંક ચીતર્યું હોય તે બોલી દે.’

જોષીડો કયે કે, ‘રાણી, બીજું તો શું ચીતર્યું હોય પણ ભોંયે કાંટા-કાંકરા છે, ચોપા’ જાળાં-ઝાંખરાં છે; કોઠા-બાવળાં ને આવળાંનાં ઝાડવાં છે ને વચ્ચે બે પારણાં ઝૂલતાં ચીતર્યાં છે.’

પછી સીતા સાદ કરતી રહીને જોષીડો ચાલ્યો ગયો. સીતાએ પરધાનને તેડ્યા.

પરધાન કયે, — ‘કયો.’

સીતાએ જોષીડાની સમસા કીધી — ‘ભોંયે કાંટા-કાંકરા છે. ચોપા’ જાળાં-ઝાંખરાં છે; કોઠાં-બાવળાં તે આવળાનાં ઝાડવાં છે ને વચ્ચે બે પારણાં ઝૂલતાં છે; એનો અરથ શો?’

ચતુર પરધાન ઉતર કળી ગયો. — ‘કોઠાં-બાવળાં ને આવળાનાં જાડવાં ગામમાં ન હોય; ચોપા જાળાં-ઝાંખરાં ગામમાં નહોય; ભોંયે કાંટા-કાંકરા ગામમાં નહોય કાં પાદરે હોય. કાં તો વનમાં હોય. પણ પાદરે હોય તો ભેળી નદી ચીતરી હોય; માટે વન.’

સીતા કયે, ‘હવે પારણાંની સમસા ઉકેલો.’

ચતુર પરધાન હાર્યો. કયે, ‘એ મારું કામ નૈં.’

બાજુમાં પાંજરે પોપટ બેઠેલો, બેઠો બેઠો પેરુ કાતરે ને વાત સાંભળે.

તે ડોક ઊંચી કરી કયે, ‘એ મારું કામ. સામદરિક વિદ્યાનું પરમાણ છે કે આવી એંધાણ અસ્ત્રીને કપાળે જડે. સોભાગવંતી નારના ચાંદલાની જમણી પા’ જડે. એ એંધાણે પારણું એટલે ઓધાન — જો રાતું પારણું હોય તો દીકરો ને રંગ વિનાનુ સાવ કોરુંધપાટ હોય તો દીકરી.’ રાણી સીતાએ ચતુર પરધાનને કહ્યું, ‘પરખાણું?’

પરધાન કયે કે — ‘પરખાણું. આ એંધાણવાળી બાઈને વનમાં ઓધાન રહેશે ને ઓધાને દીકરો અવતરશે, નીકર દીકરી અવતરશે, રાતે પારણે દીકરો ને રંગ વનાનું સાવ કોરુંધાગોડ હોય તો દીકરી.’

પરધાન તો ચાલ્યો ગયો ને રાણીએ જોષીડાને બોલે બોલ તોલ્યા. રાત પડી ને દિ’ થાતામાં સૂરજદાદા નીકળતાવેંતમાં જ વાત વીસરાણી… વરત ભુલાણું.

અંધારિયું જાતાં ચાંદો બેઠો પણ સીતા તો વાળમાં તેલ-ફુલેલ ચોળે છે. તણ ધાન ને તેર પકવાનને ભાણે બેસે છે. ભાણે બેઠાં પરથમ સનાન કરી, નીતરતે લૂગડે પારવતીની, ચામુંડાની, કાળકાની, અંબાભવાનીની, વડુચીની સ્તુતિ આદરે છે પણ તલસીમા યાદ આવતાં નથી. ભૂખ્યા લોકો સદાવરતમાં જાય છે. સીતારાણીને બારણે ઢૂંકતા નથી ને શેરી-સદાવરતમાં શોધવાનું સતીને યાદ આવતું નથી. દૂધ નિત પીએ છે પણ ધોળી, કાળી, કાબરી ગાયનું. ફળ નિત ખાય છે પણ રામની વાડીમાંથી માળીડો તોડી લાવ્યો હોય તે. અંધારિયે ને અજવાળિયે નિતે સાંજરે દીવા કરે છે. દીવો મે’લને ટોડલે મેલે, દીવો મે’લને ઉંબરે મેલે, દીવો કૂવાને ગોખે મેલે, દીવો પીપળને થડિયે ને ગામને દેરે મેલે પણ તલસીમાને ક્યારે મેલવાનું ચૂકે ને તલસીમા પાંદડે પાંદડે દુભાય.

એક વાર ચતુર પરધાન ને રાજા રામ ગામનાં સખદખ જોવા નીસર્યા. પરધાન અને રામ લવારને ત્યાં ગયા, સુથારને ત્યાં ગયા, મણિયારાને ત્યાં ગયા. કુંભારને ત્યાં ગયા, દોશીડાને ઘેર ગયા. ખેડૂતને ઘેર ગયા, સરવેને કયું સખી છો ને?

લવાર કે’ કે — ‘સખી છૈયે.’ સુથાર કે’ કે — ‘સખી છૈયે.’ મણિયારા કે’ કે — ‘બાપ, સખી છૈયે.’ કુંભાર કે’ કે — ‘કિરપા છે તે સખી છૈયે.’ દોશી કે’ કે — ‘દખ નથી.’ ત્યાં તલસીમાએ ગુણકાનું રૂપ લીધું ને ઘર વસાવ્યું. પરધાનને કયે કે, ‘રાજાજીને મારે ત્યાં પધારાવો.’

પરધાન કયે કે ‘ના. અસ્તરીની જાતમાં તું ભૂંડામાં ભૂંડી ગણાય. પહેલાં તારું સત બતાવ.’

ગુણકા કયે કે — ‘સત કોણે બતાડ્યું છે?’

પરધાન કયે કે — ‘રાણી સીતાએ.’

ગુણકા કયે કે — ‘એ સત નહોય, અસ્તરીચરિત.’

પરધાન કયે કે — ‘એ સતના પારખાં લેવાં હોય તો આજ એના જમણા હાથનો ચૂડલો માગજો.’

પરધાને રાજા રામને વાત કરી. રામ રાતે મેડીએ ગયા. સતી સીતા ઘૂમટો તાણીને બેઠાં’તાં.

રામે કયું, ‘હેવાતણ છો તો સોભાગીની રખ્ખા કરો છો?’

સતી કયે કે, ‘હા’.

રામ કયે કે, ‘તમારા ચૂડલાની જોડ બતાવો.’

સીતા બે હાથ ધરીને કયે કે — ‘લો, જુઓ.’ જુએ તો ડાબે હાથે ચૂડલો મઢ્યો છે, હાથીડાના અસલી દાંતની સુગંધી આપે છે ને ઉપર જડેલી રૂપાની ઘૂઘરી રણકે છે. પણ જમણો હાથ સાવ અડવો. સીતા મૂંઝાણાં. સીતા સનાન કરે, ભોજન કરે, રામને પડખામાં લ્યે, નીંદરે ચડે પણ ચૂડલો હાથમાંથી બહાર ન કાઢે ને ચાંદલો કપાળેથી ભૂંસી ના નાખે. વાળ હોળતાં — ગૂંથતાં — અંબોડો લેતાં સેંથીનું કંકુ આઘુંપાછું થાય એટલે રોજ સનાન કરી, વાળ ઓળી, સેંથીમાં કંકુ પૂરીને તાજી લાલચટ્ટક બનાલી દ્યે ને આજ આ જમણો હાથ અડવો કેમ પડ્યો?

સીતા કયે કે, ‘ઊભા’ર્યો, પટારે શોધું.’

પટારે દીધું — ના મળે. દાબડાઓ ખોલ્યા — પણ ના મળે.

સીતા મૂંઝાણાં. રામ મૂંઝાણા. રામ સીતાને પારખે પણ ગુણકા ના પારખે. એટલે રામે કયું કે, ‘હું પારખું પણ ગુણકા ના પારખે. માટે તું જા.’

સીતા કયે કે, ‘ગુણકા કોણ?’

એટલે રામે કયું કે, ‘તારા સતનાં પારખાં કાજે ચૂડલો જોવા કયું’તું તે.’

સીતા કયે કે, ‘ભૂંડું થયું. એ ગુણકાએ અસ્તરીચરિત કર્યું.’

રામ કયે કે, ‘હું બધું પારખું પણ ગુણકાને પરખાવાનું નથી. માટે તું જા.’

સીતા તો ચાલ્યાં. ચાલતાં ચાલતાં પગે ચીરા પડ્યા તે પીલુડા પાસે બેઠાં. ત્યાં એક અસ્તરી ભોજનનો થાળ લઈને આવી ને સામે મૂક્યો. ભૂખે ભાવતાં ભોજન મળ્યાં એટલે સીતાએ કોળિયા ભરવા માંડ્યા ને પૂછ્યું કે, ‘બાઈ, તમે કોણ છો? ને શા માટે મને ભોજન દ્યો છો?’

બાઈએ કયું કે, ‘હું તલસીમાનું પ્રાછત કરું છું. એક મસવાડાનાં બે પખવાડાં તેમાં એક અજવાળિયું ને એક અંધારિયું. એમાં અજવાળિયું લઈએ ને અંધારિયું મેલી દઈએ. એમ સોળ અજવાળિયાં લઈએ. ધાનનો દાણો પેટે ના મેલીએ. વાળ કોરા કરીએ ને સાંજ પડે તલસીમાને દીવો મેલી, પ્રાછત કરી, નમન કરી, પતરાળે બેસીએ. બેસતાં પરથમ ત્રણ ભૂખ્યાંને જમાડીએ ને પછી રાતી ગાયનું દૂધ ને ઝાડથી ગરેલાં ફળ ખાઈએ.’

એટલે સીતા કયે કે, ‘બાઈ, મારે પ્રાછત કરવું છે. મેં રોજ એક દીવો મે’લને ટોડલે મેલ્યો. એક કૂવાને ગોખે ને એક પીપળને થડિયે મેલ્યો. બાકી એક રયો તે ગામને દેરે મેલ્યો પણ તલસીમાને ના મેલ્યો. એ ના મેલ્યાનું પ્રાછત કરવાનું માથે લીધું ને પછી વિસારી દીધું.’

બાઈએ કયું કે, ‘ત્રણ ભૂખ્યાંને જમાડવામાં આજ છેલ્લાં તમે. હવે તલસીમાના વરતની વારતા સાંભળો.’

સીતાએ કયું કે, ‘કો’.’

બાઈએ વાત માંડી —

‘પૂરવે અજોધા નગરીમાં પોપટનું રાજ હતું. પોપટ સામદરિક વિદ્યા જાણતો હતો. એક સમે એક ગુણકા એ પોપટના ચતુર પરધાનને ત્યાં આવી. રાજા ત્યાં બેઠો’તો. પરધાન આઘોપાછો થયો એટલે ગુણકાએ કહ્યું કે, ‘તને હાચો સામદરિક જાણું પણ કયે કે હું કોણ છઉં?’ રાજાએ કહ્યું કે, ‘તું ગુણકાવેસે તલસીમા છો.’ ને ચાલતો થયો. ચતુર પરધાને આ સાંભળ્યું. એટલે આવીને પગે પડ્યો. તલસીમાએ કહ્યું કે, ‘તારી અસ્તરીને દેશવટો દે.’ પરધાન કહે કે ‘દઉં, પણ દોષ કો.’ તલસીમા કયે કે, ‘પહેલાં દે, પછી દોષ કઉં.’ પરધાને અસ્તરીને દેશવટો દીધો એટલે તલસીમાએ કીધું કે, ‘અસ્તરી વિના મન ઉદાસ રહે છે ને રાતે આંખ ગાળે છે. ભોજન ભાવતાં નથી. માટે દોષનું પ્રાછત કો’. તલસીમાએ કીધું કે, ‘એક મસવાડાનાં બે પખવાડાં. તેમાં એક અજવાળિયું ને બીજું અંધારિયું, એમાં અજવાળિયું લઈએ ને અંધારિયું મેલી દઈએ. એમ સોળ અજવાળિયાં લઈએ. ધાનનો દાણો પેટે ના મેલીએ. વાળ કોરા કરીએ ને સાંજ પડે તલસીમાને દીવો મેલી, પ્રાછત કરી, નમન કરી, પતરાળે બેસીએ. બેસતાં પરથમ ત્રણ ભૂખ્યાંને જમાડીએ ને પછી રાતી ગાયનું દૂધ ને ઝાડથી ગરેલાં ફળ ખાઈએ. આટલું તારી અસ્તરી કરે તો પ્રાછત કીધું કે’વાય.’

‘વનમાં વનદેવી જોગણવેશ રહેતી હતી. એણે ચતુર પરધાનની અસ્તરી મેનાને ઝાડ પર માળો બનાવી દીધો હતો. તેમાં તે રહેતી હતી. તલસીમાએ તેને દરશન દીધાં ને કયું કે — ‘મારું પ્રાછત કર.’ મેનાએ બહુ ભાવથી એ કીધું ને વરસ પર ચાર મસવાડાં વરત પૂરું થતાં પરધાન, પોપટ ને અ્તરી મેના ભેળાં મળ્યાં. મન ઉદાસ ના રયાં ને બેયની આંખ ગળતી મટી ગઈ. વરસો પછી રાજા પોપટ, વરધાન પોપટ ને અસ્તરી મેના રાજા રામના મહેલમાં લવાણાં. ઘણાં વરસો બંને સાથે જીવ્યાં ને અંતે સાથે મર્યાં.’

જેવી એમની મનખા પૂરી એવી તલસીમા સૌની પૂરજો ને રૂડી આશિષ દેજો.’ — બાઈએ વાત પૂરી કરી એટલે સીતા આગળ ચાલી. ચાલતાં ચાલતાં વન આવ્યું. વનમાં સાધુવેરાગીની ઝૂંપડી આવી. ઝૂંપડીના બહારના ભાગે ગાયના છાણનું લીંપણ હતું ને એમ આંગણું કર્યું હતું. આંગણાની વચ્ચે આંબો મ્હોર્યો’તો ને આંગણાને બેય છેડે તલસીમા બેસાર્યાં’તાં. સીતાએ તલસીમાને દીઠાં ને નમી પડ્યાં, ‘જે તલસીમા! દીકરીને ખમ્મા કરો. જ્યાં તારું થાનક ત્યાં મારું ઘર.’ આંબા હેઠે હરણનું ચામડું ને ઉપર સાધુવેરાગી બેઠો બેઠો એકતારા પર ભજન લલકારે. સીતા તો ગઈ ને કયે, ‘બાપજી, પાય લાગું, આજ થકી તમે મારા બાપ ને હું તમારી દીકરી. અહીંયાં રૈશ ને તમારી સેવા-ચાકરી કરીશ. માટે ના ન કે’શો.’

સાધુવેરાગી કયે, ‘દીકરી, દીકરી, શી તારી ઉંમર ને શી તારી ગતિ? એવા તે શા દુઃખના પહાડ પડ્યા કે વનમાં ભાગવું પડે છે? ભરથાર ભૂંડો મળ્યો છે કે સાસુ કભારજા છે?’

સીતા કયે કે, ‘બાપજી, એવું ના બોલશો. મુને મલ્યા છે એવા ભરથાર ને મુને મલ્યાં છે એવાં સાસુ જગતમાં થાવાં નથી. પણ મેં તલસીમાને દુભવ્યાં તે અવળદશા બેઠી છે. સમો આવ્યે તમને સરવે કૈશ.’

આમ આ તરફ સીતા રયે છે. એક દીવો વનની વાટે મેલે. એક દીવો નદીના કાંઠે મેલે. એક દીવો ઝૂંપડીની માંયલો મેલે. એક દીવો આંબાને થડિયે મેલે ને બે દીવા બે તલસીમાના થાનકે મેલે. એક મસવાડાનાં બે પખવાડાં આવે. અંધારિયે ચાંદે, રામ વન્યા સરખી નીંદ ના’વે. ખાતાં મોંમાં મોળ લળે. સપને રામને શીરામણ કરાવે પણ સખ ના વળે. રોજ વેરાગી ચંત્યા કરે. ત્યાં અજવાળિયું ઢૂંકે ને સીતારાણી વાળ કોરાકરી દ્યે. ધાન તરછોડે ને વનમાં સૂડાસમડાએ ડાળ હલાવી પાડેલાં. ચાંચ મારેલાં ફળ લાવે. સાધુ-સંન્યાસી, બાવા, અભ્યાગત, વટેમાર્ગુ ભૂખ્યા હોય તો તેડી લાવે. પેટ ટાઢાં કરે. પછી સૌને તલસીમાની વારતા કયે ને પતરાળે બેસે. ભરવાડનાં ટોળાં ધણ ચારવા આવે એમાં ગાયનાં ધણ ગોતી માંયથી રાતી ગાય ખોળી કાઢે ને એનું દૂધ પીએ. તલસીમાના ક્યારે નિત પ્રાછત કરે ને અજોધાને યાદ કરે. કોક દિ’ અભ્યાસગત વટેમાર્ગુ ના મળે, કોક દિ’ મળે તો પૂરા ત્રણ ન હોય તો સીતા નયણામુખી રયે ને એમ મસવાડા વહેતા જાય ને તલસીમાની ક્રપાએ પેટમાંનો ઓળ વધતો જાય.

અજવાળિયે, વાટે સાધુ-સંન્યાસી, બાવા, અભ્યાગત, વટેમાર્ગુ મળે, નદીને કાંઠે હોડીવાળા મળે, વનમાં ભરવાડ ને રબારી મળે, કદીક ખેતરના ખેડુ મળે, સૌને સીતા કયે કે, ‘કયે જાવ છો? અજોધા જાવ છો? ક્યાંથી આવો છો? અજોધાથી આવો છો? અજોધા સખી તો છે ને? નગરીનો રાજા સખી તો છે ને?’

ખેતરના ખેડુ કયે કે, ‘લીલાલહેર છે. સૌને લીલાલહેર છે.’ સાધુ-સંન્યાસી કયે, ‘વાં સબ અચ્છા છે.’ વટેમાર્ગુ કે’ કે, ‘બાઈ, અજોયા જેવી સખી બીજી નગરી નથી. ધન છે એના રાજાને, ધન છે એની પરજાને. એનું રાજ અમ્મર તપો ને એ રાજા જુગ જુગ જીવો.’ ને સીતા ટેરવાં જેવડો નેહાકો મેલે.

આ તરફ સીતાના દિ’ આમ વીતે છે ને પેલી તરફ રામને જપ નથી. ગલાબનાં પાણીડે અસનાન કરે છે, સો મણ રૂની તળાઈમાં પોઢે છે. ઘેર ચારણ, બારોટ, ને દશોંદી મલાવી મલાવીને વારતા માંડે છે. કસુંબા થાય છે ને ગલોફે તંબોળ લેવાય છે પણ રામને ચેન નથી. ચતુર પરધાન એ કળી ગયો. એણે ભરત ને લખમણને બોલાવ્યા. માંડીને બધી વાત કીધી, રાજાને નબળો દેખે ને વાટપાડુ અને ધાડપાડુ જાગે. દશમન રાજાનાં સેન જાગે. ને રાજનું ધનોતપનોત નીકળી જાય — પાદરે પાળિયા ઊભરાતા થાય. એટલે ચતુર પરધાને કહ્યું કે, ‘ભાયા લખમણ ને ભાયા ભરત, તમે બેય ભેરુ લાવો લેખણ ને હું અગશર પાડું છું.’ કાગળિયો ચીતરી ઉપર પરધાને મ્હોર લગાડીને બેયને કયે, ‘લ્યો રામની પવનપાવડી ને જાવ હડમાન કને. એને આ કાગળિયા વંચાવજો.’

કાગળિયો વાંચતાકને હડમન બેઠા થઈ ગયા. કછોટો ભીડ્યો ને બેય ભાઈઓને ખાંધલે લેતાકને પવનપાવડી ભેળા ઊડ્યા તે આવી પડ્યા અજોધામાં. કયે કે, ‘ભો કોનો છે? ધાડપાડુ આવો. ધાડપાડુ આવો. દશમનના સેન આવો. અગમની આગ આવો. જમડાની પીઠ્ય આવો. પણ હડમાનને રામનાં રખવાળાં છે. કહીને હડમાને છાતી ચીરી ને કીધું — ‘માંય જુઓ, માંય એકલા રામ બેઠા છે.’

— ને પછી હડમાને અજોધા નગરીની રખવાળી માથે લીધી.

પરધાન કયે કે, ‘તું રખવાળી કર પણ રામને મોંએ ચડીશ મા. તને જોશે ને દખી થશે. એમને દખી કરીશ મા.’

પરધાનનો બોલેબોલ ને હડમાનનો તોલેતોલ.

હડમાન કયે કે — ‘ભલે.’

આ તરફ હડમાનની રખવાળી ચાલે છે ને ઓ તરફ તલસીમાની કૃપા વધતી જાય છે. એમ નવ મસવાડા પૂરા થયા ને રાણી સીતાએ ચંદરમા જેવા બે દીકરા જણ્યા. નામ લવ ને કુશ. દીકરા દિ’એ ન વધે એટલા રાતે વધે છે. રાણી સતી દિ’ ને રાત સળેખડું થતી જાય છે. એમ પ્રાછત પૂરું થવાને એ મસવાડા રહ્યા. બે અજવાળિયાંમાંથી પહેલું અજવાળિયું આવ્યું ને પાર ઊતર્યું. પછી તલસીમાએ સોણામાં દશમન દીધાં ને કીધું કે, ‘તેં મારી પૂરણભાવે ભગતિ કીધી તો જા, તારા કોડ હું પૂરા કરું. કાલ સવારે સવાશેર ચોખા લેજે. એને ચૂલે ચડાવજે. પાકા થાય એટલે એના ત્રણ ભાગ કરજે. વચલા ભાગમાં ગોળ નાખજે ને આગલા-પાછલામાં ઘી નાખજે. ઘીવાળા ભાગમાંથી ગાયને દેજે, ચકલાંને દેજે, પારેવાંને દેજે. રાજા રામને ઘેર પાંજરે સામદરિક પોપટ છે તેને દેજે.’

સીતા ક્યે કે, ‘એ શેં?’

તલસીમા કયે કે, ‘વચલો ભાગ તારા બેય દીકરાને દેજે. એ ખાતાંવેંત બેયને જુવાનીનું જોર આવશે; જુવાનીની સાન ને જુવાનીનો વાન આવશે; ઘાંટો કેસરી જેવો થાશે ને પડછંદ કાયા થાશે; મૂછના દોરા ફૂટશે ને નવ મસવાડાના છોરું મટી સોળ વરસના જોધમલ ફાટફાટ કુમાર થાશે. એમને અજોધાની વાટ બતાવી કે’વું કે — ‘અજોધા જાવ ને રાજાને મળો. કો’ કે ‘અમે તારા કુંવર.’ ઘીવાળા ભાતનો ભાગ તેમને દેજે ને કે’જે કે એ ભાત રાજાને દે ને કયે કે — રાજા, રાજા, તલસીમાનું વચન છે ને તલસીમાની અવધ છે. તારો આ પોપટ સામદરિક છે. એને આ ભાત ખવાડ પછી એ જેમ કયે તેમ કર્યું.’

સીતા તો બીજે દિ’ ઊઠ્યાં ને સવાશેર ચોખા લીધા. ચૂલે માંડ્યા ને પાકા થતાં ભેળા ઉતારી એના ત્રણ ભાગ કીધા. આગલા ને પાછલા ભાગમાં ઘી મેલ્યું ને વચલા ભાગમાં ગોળ નાખ્યો. પછી ઘીવાળો ભાગ ગાયને ખવાડ્યો, ચકલાંને અને પારેવાંને ખવાડ્યો. વધ્યો એટલો બાજુએ રાખ્યો, ને પછી પારણે જઈને બેય કુંવરને કીધું કે — ‘કુંવરજી, જાગો.’ બંને કુંવર તો જાગ્યા ને માને પૂછવા લાગ્યા કે, ‘મા, મા, શીદ જગાડ્યા.’ માએ કહ્યું કે, ‘ઊઠો ને આ ભાત ખાઈ લો. તલસીમાનાં વચન છે ને તલસીમાની આણ છે.’ બેય કુંવરે ગોળવાળા ભાત ખાધા ને જોતજોતામાં છોરું મટીને કેસરિયા જવાન બનીને માને પ્રણામ કરતાક ને ઊભા. સીતાએ બેયને ઊભા કીધા, ને કહ્યું કે, ‘બેટા લવકુશ. આ ભાત લ્યો ને વનની દખણાદી વાટે જાવ. જાતાં જાતાં નદી આવશે. એને કાંઠે કાંઠે ઉગમણી કોર જાવ. વચમાં વન આવશે. ત્યાં વનદેવી રયે છે. એનો જોગણનો વેશ છે ને લીમડા હેઠ ઝૂંપડી છે. રાતે અંતરધાન બની વનની રખવાળી કરે છે ને દિ’એ જોગણ બનીને ધ્યાન ધરે છે. એ વનની દેવીને કે’જો કે ‘તલસીમાની આણ છે. તલસીમાનાં એંધાણ છે. ચતુર પરધાનની મેનાના નગરની વાત બતાડો.’ એટલે એ વાટ કહેશે, એ વાટે જતાં બીજી એક નદી આવશે. એને કાંઠે ઘાટ આવશે. એમાં, પહેલો ઘાટ છોડો, બીજો ઘાટ છોડો ને ત્રીજે ઘાટે અજોધા નગરી. નગરીનો કિલ્લો ને કિલ્લાનાં કમાડ સોનાનાં ને નગરી બહાર માણસ ન મળે ને મુડદાં ના બળે એ એંધાણે જજો. જઈને રાજા રામનો મહેલ પૂછજો ને રામને કે’જો કે ‘તલસીમાની આણ છે, આ ભાત લ્યે ને તારા સામદરિક પોપટને ખવાડ. પછી એ જેમ ક્યે એમ કર્ય. અમે તારા કુંવર છૈએ.’

લવકુશ તો માને પગે લાગીને ચાલ્યા જાય છે. ઝાડ હેઠે બપોરાં ખાય છે, નદી-તળાવ ને વાવ-કૂવાનાં પાણી પીએ છે; વણેલાં ખેતરની ભોંય પરથી ધાનના દાણા એકઠા કરે છે; કંદમૂળ લાવે છે ને ફળ લાવે છે, લાકડે-લાકડું ઘસી અગ્નિ પ્રગટાવે છે; અગ્નિદેવને નમન કરે છે ને ધાન ચડાવે છે, રાતે નદીને ઘાટે, તળાવની પાળે, વડલાના થડિયે, ધરમશાળાએ, ગામને ચોરે કે પછી ગામપટેલને ડેલે વાસો કરે છે ને એમ અજોધા ઢૂંકડું આવતું રે’ છે. સૂરજ ઊગે છે ને ચંદર આથમે છે. ચંદર ઊગે છે ને સૂરજ આથમે છે. ચંદર ધીરે ધીરે બટુકડો બટુકડો થતાં સાવ બુઝાઈ ગયો ને એમ અંધારિયું ગયું ને અજવાળિયું બેઠું. અજવાળિયે જોગણનું વન આવ્યું. વનની જોગણે વાટ ચીંધી.

અજવાળિયે સીતાના પ્રાછતની અવધ બેઠી. સાધુવેરાગીને ચિંતા પેઠી. સીતાને તણ સોણલાં આવે છે. એક સોણલે લવકુશ બિરાજે છે, તો બીજે સોણલે – રામ ને તીજે તલસીમા બિરાજે છે. એની ચંકવરણી કાયા કરમાણી છે. મરઘાનેણીનાં નેણ ઊંડાં ઊતર્યાં છે. બીંબાફળાં અધર ફિક્કાં થયાં છે. ગાલે ખંજનની જગાએ ખાડા થયા છે. સઘળે રાતાં-પીળાં જુએ છે ને ચકળવકળ ઘૂમે છે ત્યાં તલસીમા આકરાં થયાં. વનમાં ગાયો ચરવા ભરવાડ આવતા નથી. વનની વાટે ઘાસઘાસ થઈ ગયાં. વાટ ભૂંસાણી. વાટપંથી સાધુ-સંન્યાસી. બાવા-અભ્યાગતે આવણાં છાંડ્યાં. દિ’ આખો સીતા તાકતી બેઠી રયે પણ કોઈ આવે નૈં. પતરાળે બેસે નૈં. રાંધ્યાં ધાન રઝળે. લાવ્યાં ફળ સડે. એક દિ’ એક ભરવાડ આવ્યો. સાથે રાતી ગાયનાં ટોળેટોળાં લાવ્યો. ગાયોને દૂધની સેડ્યો ફૂટવા માંડી. ભરવાડ સીતાને કયે કે, ‘પી બૉન, પી, મારી ગાયોને તુંને દીઠાંવેંત પોરહાં ચડ્યાં છે તે દૂધ માતું નથી.’ પણ સળેખડી સીતા કયે કે, ‘ના રે ભઈ, મારે તલસીમાનો પ્રાછતવિધિ છે.’ બીજે દિ’ બે વટેમાર્ગુ આવ્યા. સીતાએ એમને ભાવતાં ભોજન દીધાં. વળી પાછો પેલો ભરવાડ આવ્યો. સીતાએ એનું પેટ ઠાર્યું ને પછી વનમાં ફળ ઢૂંઢવા નીકળી. જુએ તો વનને ઝાડે ઝાડે કોઠાં ને રાયણાં, આંબા ને પીલુડાં, અંકોલાં ને સીતાફળાં ઝૂમે છે; પણ વાયરો વાતો નથી. પંખીડાં ઊડતાં નથી ને ફળ ગરતાં નથી. ભરવાડ કયે કે, ‘કાલ ગાયો લાયો’તો. આજ ભેંસો લાયો છું. લ્યે આ દૂધ પી.’ સીતા કયે, ‘ના રે ભાઈ, મારે તલસીમાનું વરત છે.’ ને સીતા નયણામુખી બેસાઈ રઈ. વળી દન ઊગ્યો ને સીતા વનમાં ફળ વીણવા ચાલી. ડાળે ડાળે ને ઝાડે ઝાડે મજાનાં ફળની લૂમેલૂમ. પણ વાયરો વાયો ને ફળ હેઠે ગર્યાં ને સીતા જુએ તો સડેલાં ને માંય કીડા પડેલા. બે સાધુ-સંન્યાસી આવ્યા. એમને નમન કરી ભાવે ભોજન કરાવ્યાં. ને પાછો પેલો ભરવાડ આવ્યો. સીતાએ એનું પતરાળું માંડ્યું. ભરવાડે હરખનો ઓડકાર ખાધો ને કીધું કે, ‘બાઈ, તારે તલસીમાનું વરત છે એટલે આજ ફરી ગાયોનું ધણ લાયો છું. આજ મારું દૂધ પી.’ સીતા તો ગાયના ચાશણ કને આવી. જુએ છે તો કોઈ ગાય ધોળી છે, તો કોઈ કાળી છે, કોક કાબરી છે પણ એકે ગાય રાતી નથી. સીતા કયે કે, ‘ના રૈ ભૈ, રાતી ગાય વન્યા બીજી મારે ખપે નૈ.’ વળી દંન ઊગ્યો ને પંખી બોલ્યાં; વાયરા ડોલ્યા ને સરસ ને મજેનાં પાકાં ફળ ગર્યાં. ભરવાડ આવ્યો ને રાતીમાતી ગાયોનાં ટોળકાંનાં ટોળકાં લાવ્યો. પણ બે ભાણાં ભર્યાં પડ્યાં છે ને કોઈ ખાનારું આવતું નથી. સીતા તલસીમાને સમરે છે — ‘જે તલસીમા, તું રાખે તેમ રૈએ.’ રામને સમરે ને બેય દીકરાઓની ચંત્યા કરે. તલસીમા બધું નીરખે ને સતીની પુનાઈ જોઈ ત્રૂઠે. એમ કરતાં પૂનેમનો દિ’ થયો.

રામ સુકાઈને પોયણપાનના થઈ ગયા છે. આજ પૂનેમનો દિ’ છે ને ચતુર પરધાને એક તુક્કો ગોઠવ્યો છે. ડાયરો બેઠો છે; રામ બેઠા છે, ઢૂંગા — પાણી હાલે છે ને એક વહીવંચો બેઠો બેઠો ડોકું ધુંણાવે છે. પરધાન કયે કે, ‘વહીવંચાજી, આજ આવ્યા છો ને કાલ તો વે’તા થાશો; તો પછી સરસ્વતીમાનો પરસાદ અમને આજ દેતા જાવ.’ બારોટે તો પગ ભેળા લઈને ભેટ બાંધી. કસુંબે આંખો લાલઘૂમ કીધી ને વાત માંડી દીધી…

— એક રાજાને એક રાણી. રાજા તલસીમાના પરતાપને પિછાણે. નગર આખામાં પડી વજડાવ્યો ને ઘેર ઘેર તલસીમા પધરાવ્યાં. આખી પ્રજા નિત ઊઠી મોં પખાળે; સનાન કરે, તલસીમાને ક્યારે પાણી રેડી અરધ આલે; એને નમે ને પછી સઘળાં કાજ હાથમાં લ્યે, તે તલસીમાને એક વાર થયું — લાવ, રાજા-રાણીનાં પારખાં લઉં. રાજાની મેડીએ ઢોલિયો. ઢોલિયાની પાંગતે બે કળાયેલા મોરલા. તલસીમા એક રાતે પોઢેલી રાણી કને ગ્યાં ને એના જમણા હાથનો ચૂડલો ઝાલ્યો પણ એમ કરતાં ચૂડલાની કે — ‘લે મારી થાપણ.’ ઢોલિયો જરીક ચીરાડો થયો. ચૂડલો અંદર મેલ્યો ને પાછી ચીરાડ પુરાણી. તલસીમા અંતરધાન થઈ ગયાં. એક પહોર વીત્યો ને રાજાને સોણે આવ્યાં. કયે કે — ‘તારી રાણીનાં સતનાં પારખાં લે. એનો જમણા હાથનો ચૂડલો કાલ માંગી જોજે.’ રાજા પરભાતે ઊઠ્યો. ઊઠતાંભેળી રાણીને ઢંમઢોળી ને રાણીએ આંખ ખોલી એટલે પૂછ્યું, ‘રાણી, રાણી, હેવાતણ છો તો ચૂડલાની રખ્ખા કરો છો?’

રાણી કયે — ‘વારુ સ્તો.’

રાજા કયે — ‘તમારા ચૂડલાની જોડ બતાડો.’

રાણીએ તો બે હાથ ધરી દીધા. કયે કે — ‘લો જુઓ.’

જુએ તો ડાબે હાથે ચૂડલો મઢેલો છે. હાથીડાના અસલી દાંતની સુગંધ આવે છે ને ઉપર જડેલી ઘૂઘરી રણકે છે. પણ જમણો હાથ સાવ અડવો છે. રાણી મૂંઝાણાં. સનાન કરે, ભોજન કરે, રાજાને પડખે બેસે, નીંદર ચડે પણ ચૂડલા હાથથી બહાર ના કાઢે તે ચાંદલો કપાળથી ભૂંસી ના નાખે, તો આજ આમ કેમ? પટારે દીઠું. ના મળે. દાબડાઓ ખોલ્યા. ના મળે. ને એકદમ ઘૂઘરી રણકે છે. નીંદરને હિલોળે રાણી કયે છે — ‘કુણ છે?’

રાજાને બધી વીતક કીધી. રાજા ઝટ દૈને કયે કે, ‘એ તલસીમા…’

…આમ આયાંકણે વહીવંચે વાત માંડી છે ને ન્યાં, સીતા તરણે ઢાંકી વાટ ફંફોસે છે, આંખે નેજવાં ધરે છે ને લાલ-પીળાં આવતાં હોય એને ઢાંકે છે. પણ ક્યાંય કોઈ કળાતું નથી. તાજાં-મીઠાં ફળ ટપટપ ગરે છે પણ નથી પેલો ભરવાડ, કે નથી ગોધણ, કે નથી વાટખેડુનાં પગલાં. ચૌદ દિ’ના અપવાસ પેટે પડ્યા છે. સીતા ને વેરાગી બાવા બેયને આજે પંદરમો દિ’ ઊગ્યો છે ને પરોણાનાં પગલાં નથી.

એમ થતાં સાંજ ઢળી ને સૂરજ આંધળો થવા બેઠો. લવકુશે જોગણે બતાવેલી વાટે નદીકાંઠા પે’લો ઘાટ મેલ્યો, બીજો મેલ્યો ને જ્યાં ત્રીજો ઘાટ દેખાણો કે સામે સોનાનો કિલ્લો ઝળાંહળાં થાય; ઉપર રાતા સૂરજનું તેજ ઢળે, એની ચારેકોર એક આંટો દીધો, પણ ના મળે મસાણ કે ના મળે એક મડદું. લવ કુશને કયે કે, ‘આ જ અજોધા. આજ રાત ગામબા’ર નદીના ઘાટે પડ્યા રૈએ. સવારે નગરીમાં જાશું.’ પણ કુશે હઠ લીધી, ‘મારે તો રામબાપુ ભેળા આજ જ થાવું છે. અધીરપ ઉભરાણી છે. હું તો આ હાલ્યો. ચાલ, ભેળો થા.’ કચવાતે મને લવ ભેળો થયો.

વહીવંચાની વાતે આજ રામમાં રસ જાગ્યો. કયે કે — ‘હેં, પછી?’

વહીવંચે રંગ ઝીલ્યો. કયે કે —

…રાજા કયે કે, ‘એ તલસીમા. એણે આપણાં પારખાં લેવાં છે. એટલે ચૂડલો હેર્યો. તો હાલ આપણે પારખાં દૈએ. તારું સત હું પારખું પણ તલસીમા ના પારખે. માટે તું જા.’ રાણી તો હાલી…

આ તરફ રાજા રોજ ઢોલિયે પોઢે છે પણ એને સખ નથી. રોજ પડખાં ઘસે છે. રોજ ડેલ બારના ડંકા પડે ને કાંકથી અવાજ આવે, ‘લ્યે લ્યે, તારી થાપણ પાછી લ્યે, તને ભીડ પડે મેં રખોપાં કીધાં. હવે ભીડ ટળ્યે હું ના રાખું. લ્યે, લ્યે, તારી થાપણ પાછી લ્યે. તારી થાપણ પાછી લ્યે, તને ભીડ પડે મેં રખોપાં કીધાં. હવે ભીડ ટળ્યે હું ના રાખું. વળી ત્રણ દિ’ એમ ગયા ને બોલ બદલાણો. બારના ડંકા થાય ને બોલ પડે. ‘ફાટું? થાપણ લ્યે છે કે ફાટું?’ રાજા વિમાસે કે આ કૌતક કેવું?

આમ વાત જામી છે. રંગ જામ્યો છે ને બેઠેલા ડાયરા ઊઠતા નથી. દિ’ ઢળ્યો છે. સૂરજ ઢળવા પર છે પણજામેલા ડાયરા ભાંગતાં સૌ ખચકાય છે. ને વાતમાં લેરિયાં લે છે.

સૂરજને ઢળતો દીઠો ને સીતાએ પાંચ કોડિયાં લીધાં, માંય ઘી મેલ્યું ને ઘીમાં દિવેટ મેલી, દીવા પ્રગટાવ્યા એક દીવો નદીના ઘાટે મેલ્યો. એક દીવો વનની ઘાસછાયી વાટે મેલ્યો. એક દીવો ઝૂંપડીની માંયલો મેલ્યો. એક દીવો આંબાને થડિયે મેલ્યો ને જ્યાં બે દીવા તલસીમાને મેલવા જાય ત્યાં આભમાં ચાંદો ખીલ્યો. પૂનમને ચાંદો ખીલે ને અજોધાની નદી ખળભળ ખળભળ કરતીકને રેલાવા માંડે. મહેલની મેડીની બારીએથી સીતા તે જુએ ને રામને ખભે બાઝીને કયે કે ‘ઓય મા.’

અત્યારે રામ ને લવકુશ બેઠા હશે ને સખદખની વાતો… પોપટે ભાત ખાધા… નદી ખળખળે ને લવકુશ સોનાનાં કમાડ ખોલી નગરીમાં જાય…

ચાંદને દીઠો ને સીતાનો દરિયો ચૂપ ના રહ્યો. ‘તલસીમા, તારા રાખેલ રૈએ છૈએ.’ કૈને તલસીમાને દીવા ધર્યા ને જ્યાં ચાંદ પરથી નજર તલસીમાના દીવા પર પડી ત્યાં આંખે જામેલ પાણીડાં દીવે પડ્યાં — ટપક્…ટપ્પ્. ને દીવો હોલવાણો. સીતા હાં… હાં… કરે ને ફરી ટપક્… ટપ્ ને બીજો દીવો હોલવાણો. તુલસીમા કોપ્યાં.

રાજાને ખબર નથી કે રોજ રાત્રે ઢોલિયો બોલે છે ને થાપણની વાત કયે છે — ‘ફાટું? ફાટું? થાપણ લે છે કે ફાટું?’ હવે કરવું શું? તલસીમા મૂંઝાણાં. જો ફાટે તો તલસીમાની લાજ ઊઠે ને ના ફાટે ને થાપણ પાછી લ્યે તો મેલવી ક્યાં?’

વાતનો રંગ જામ્યો ને આભે અંધારાં ભેદીને ચાંદાનાં તેજ રેલાણાં. લવકુશ ચાંદાને જોઈને જલદી કરી. કિલ્લાને દરવાજે આવ્યા. દરવાજે હડમાન ઊભેલો. કયે કે, ‘હુપા હુપા હુપ. એલા છોકરાવ, કોણ છો ને રાત પડવા આરે શીદ આવ્યા છો?’

હરમન કયે કે ‘ના, હું ના જાઉં. કેવા કુંવર ને કે કેવી વાત! રાજાને કુંવર તે ક્યાંથી? ટાઢા પો’રના ના મેલો ને આવી જાવ રણમાં. વાટપાડુ છો કે ધાડપાડુ છો? દશમનની સેનાની ચાકરીમાં છો કે પછી જમડાની પોળ્યની પોઠી છો? આવી જાવ રણમાં.’

લવકુશ કયે કે, ‘અમને સીતામાએ મોકલ્યા છે.’

હડમાન કયે કે ‘ક્યાં સીતામા ને ક્યાં અજોધા ને ક્યાં તમે! સોળમે મસવાડે સોળ વરહ વળોટી મે ગ્યા એના દીકરા! માટે થાવ સાબદા!’

લવકુશ આમ ઊભા છે, સાબદા થવા કરે છે. હુડુડુડુ હડમાન ધસે છે. ‘રામનાં રખવાળાં ને રામની આણ.’ સેવક સીતામાતાનોય ને સેવક રામનોય. તોય સેવક રામનો. લવકુશ ઊભા છે. દીકરા રામનાયે ને દીકરા સીતાનાયે. તોયે દીકરા સીતાના. આણી પા’રામ બેઠા છે. ઢોલિયો ફાટે ને ચૂડલો નીકળે ને પારખાં…

પેલી પા’ સીતાની આંખથી ડળક… ડળક…

જે તલસીમા… જેવાં રામસીતાએ દીઠાં એવાં કોઈને ના દેખાડજો. જેવી એમની વાંછન ઢાળી દીધી એવી કોઈની ના ઢાળજો.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.