કરિયાવર

ઝરમર વરસાદ વરસે છે. નર્મદા ઊંચા જીવે બેઠી છે. ભલે આખું આભ ઉલેચાય. હમણાં દડડ દડીને કોરુંધાકોર થઈ જશે. જાણે વરસાદ પડ્યો જ ક્યાં છે?

હમણાં દીકરા પ્રદીપની જાન આવશે. સાંજે છ વાગે તો આવી જવાનાં હતાં. સહેજ ચિંતાથી રૂમની બહાર આવી. વરંડામાં બે પળ ઊભી રહી. પિલર પકડીને સહેજ ઊંચા થઈ ચાર રસ્તા સુધી નજર કરી. એકાદ-બે સ્કૂટર સિવાય કંઈ ન દેખાયું. વેવઈના ગામમાં વટ પડે એટલે એસ.ટી.ને બદલે લકઝરીમાં જાન મોકલી છે. વરરાજો પણ સતીશભાઈની ટાટા સિયેરામાં વટબંધ ગયો છે. નર્મદા થાકીને બેસવા જતી હતી ત્યાં વરસાદનાં ફોરાં ઝીલવાનું મન થયું. ગાલ પર બેચાર ફોરાં ઝીલ્યાં ને ખુશ થઈ ગઈ, પણ ઘડીકમાં એનો આનંદ ઓસરી ગયો. પાછલી, વીતેલી વાત યાદ આવી ગઈ.

વેવઈનું ઘર મોટું એટલે એ નચાડે તેમ નાચવું પડે, બાકી ચોમાસામાં કોણ પ્રસંગ ઉકેલે? પણ ચમનભાઈ કહે, ઓમ નેની નેની વાતમ મમત મેલી ધ્યો ભાભી, આટલો મોટો મોણહ આપડા હુધી ચ્યોંથી? એક તો છોકરાનો બાપ નઈ. ઘર ગહઈ જેલું. અને પરદીપેય ઓમ આથડ્યા કર છ તે લાઈને વળગાડશે. લાગ આવયે તો ધંધામાં ભાગ કરશ્યે.

અને વખત છ ન ઘરજમઈ કર તોય શ્યુ ખોટું? અન ગવારોય ગોંહડી ભરીન આલશ્યે. એટલે સગાઈથી માંડી લગ્ન સુધી નર્મદાએ બધી વાતે હાજી હા જ કરી છે.

નર્મદાના બાપા કહેવાય ભગત પણ મિલકત ખાસ્સી ભેગી કરી હતી. સવારે ઊઠીને આંગળીના વેઢા ગણતાં બબડતા હોયઃ નથા મગનના છંહ થ્યા. રમતુડાના હજાર. મારો દિયોર ટેબા કરે જોંય છ. નેનડ આલી ્યે તો હારુ, નકર બોંધીન મારવો પશ્યે. ગામમાં સહુ કહેતાં, આતુ ભગતે છોડીઓ ભોર ભરીન ભેગી કરી છ પણ મારું હારુ પરસંગ ધુમાડાબંધ કર્યા સ. મોટી દીકરીઓને પરણાવતી વખતેઃ હારું છ, બેહી જઈએ તાણ, ઘર લગાર ઘહઈ જ્યુ છ પણ છોકરું ભણેલું છ તે રાગે આઈ જશ્યે, રૂપ જોઈન ક્યુ કરવાનું? મોંયલા ગુણ જોવા પડ. તન શી ખબર પડ બોતડી? તું તાર ડોબોં દોઈ ખા, એમ મેનાને કહી એક પછી એક દીકરીઓ પરણાવી દીધી. મેનાને હંમેશાં થતુંઃ ઊંધભોડિયા મૂવા છોડીઓન કુવામ હડશેલી મેલી. એટલે નર્મદાની વાતો આવવા માંડી ત્યારે મેનાએ ચોખ્ખું સંભળાવી દીધેલું, આ તો મારો હૈયાનો હાર છ, ઈન તોં કહું તો જ. મન પૂછ્યા વના ગોળ ખઈ આયા છો તો મારા જેવી ભૂંડી કોઈ નહીં. એટલે મોંકણજ ગામના પરેશની વાત આવી ત્યારે મેનાએ કહેલું, ઈમ શ્યુ ભાળી જ્યા છો? હારો પવન આવ તો ઊડી જાય એવું ફોરું છોકરું છ. ઇં કણ તો નઈં જ. તો સુદીપ ઇન્ડસ્ટ્રીઝવાળા હરગોવનભાઈએ વાત મૂકી ત્યારે, પૈશ્યો ભાળી ન મોઈ જ્યા છો. વેપારી લાઇન, વેપારી લાઈન કરી ન મારી ફુલેકા જેવી છોડીન એ પાડાખાડામ નહીં આલવી. મેનાના આ સતત નન્નાને કારણે એક વર્ષ તો વાત આવવી બંધ થઈ ગઈ. બધે ચર્ચાવા માંડ્યું કે, ઘરમ બઈનું ચલણ છ, ભગતનું હવ નહીં હેંડતું. છેવટે આતુ ભગત કંટાળ્યા અને આજુબાજુનાં ગામ, મહેસાણા અને અમદાવાદ મૂકીને જબલપુર બીડીની પેઢીમાં નામું લખતા કમલેશને શોધી કાઢ્યો.

સાંજે ઘેર આવીને જાણ કરીઃ તમારા આશરે બેહી રહે તો છોડી મોટો ઓટો થશે તોય મેળ નઈ પડ. ખદલપુર રૂપીઓ આલી આયો છું. છોકરી જોવો હોય તો આ ફોટામ જોઈ લ્યો, કહીને ખિસ્સામાંથી ફોટો કાઢ્યો. મેનાએ ફોટો હાથમાં લઈ, ફોટામ તો બધું હારું દેખાય, મૂઢામૂઢ જોઈએ તાણ જ કહેવાય.

– ચૂપ બેશ્યં મૂઢામૂઢવાળી. હમ કોંય ના થાય. હઉ હારું થશ્યે. બટા નબ્દી, મીં જોઈ-વિચારીને જ કર્યું છે. લગારેય વોંધો નઈં આવ. ચંત્યા ના કરતી, કહી ચલમ પેટાવી.

જાન આવી. મેના અને મોટું ટોળું સામૈયું કરવા ચાલ્યું. ગાણાં-ગાળોની રમઝટ સામસામી ચાલી. વરરાજા પોંખાયા ના પોંખાયા ત્યાં તો નર્મદાની બહેનપણીઓ આવીને ગુસપુસ કરવા માંડી: જબ્બર પહેલવાન છ. મૂશ્યો રાજકપૂર જેવી છ. હોઠ અસ્સલ જાડા છ. મૂઓ બચીઓ કરશ્યે તાણ નબ્દીન ટેસડો પડી જશ્યે. લગાર કાળો છ પણ રંગીત ઝબ્ભા મ હારો શોભ છ. નર્મદાનાં ફોઈએ બહાર જોયું ને એમનો ચહેરો કાળો મેશ થઈ ગયો. આંસુ દડ દડ પડવા લાગ્યાં. ડૂસકું આવી ગયું: મૂવો નરધનિયો આતિયો, શી ખબર ચ્યોંથી હોધી લાયો? આખો મલક મેલીન છોડીન પરદેશમ નોખી. હાહલા જેવી છોડી ન મૂવા ઝરખ જેવા હંગાથે. મોટી બાએ કહ્યું, બશ હમ બુન, થવાનું હતું એ થઈ જ્યુ. ભગવાન હઉ હારોં વોનોં કરશ્યે. મેનાએ પણ સમાધાન કરતી હોય તેમ, એ જોણી લેવું ક દખ ન દખ નઈં હેંડ્યું આવ, હખેય મળવાનું જ સ, જો તારું કરમ કઠું નઈ હોય તો.

બધાંના ચણભણાટ વચ્ચે નર્મદાનાં લગન થઈ ગયાં. આણું કરીને પિયર આવેલી નર્મદાને અઠવાડિયામાં જમાઈ તેડવા આવ્યા. નર્મદાને જબલપુર કેવી રીતે ફાવશે એની વાતો થવા માંડી. ફોઈએ તરત કહ્યું, નબ્દીન તો એક ફૂલ ઊતરશ્યે અને બીજું ચડશ્યે. હમ તો જમઈ મૅનેજર થઈ જ્યા છે. મોટો દૈત બંગલો છ. રૂપાળી મોટર છ. અન પાછો ચાકર છ. બુન તો હેંચકા પર હેંકશ્યે. એય ન મજો મજો. જમઈએ મારા ભઈ હાવ નોખી દીધા જેવા નહીં, એમ છેલ્લે ધીમેથી મોટી બાના કાનમાં કહ્યું. ફોઈએ સ્વીકાર્યું એટલે બધાંનું સમાધાન થયું. જબલપુર પહોંચતાં જ લીલાલહેર. કમલેશ આગળપાછળ ફર્યા કરે. નર્મદાની જોડે એકેએક વાતમાં હાજી હા.

હુતો હુતી એકલાં હતાં તોય ઘરઘાટી અને રસોઇયો રાખ્યો હતો. ઘરની નીચે જ પેઢી એટલે પેઢીનો નોકર પણ હાજર. સવારે ગરમાગરમ નાસ્તો ઉપર આવી જાય. ઘડી ઘડી કમલેશ પણ આંટા મારી જાય. નવરાં બેઠાં આખો દિવસ ઊંઘવાનું અને રેડિયો સાંભળવાનો. મુસલમાનનો મહોલ્લો એટલે બધાં બારીબારણાં પર પર્દા લગાડેલા. ઠકરાણાંની જેમ નર્મદાએ એકલાં બહાર નહીં નીકળવાનું. પિયરિયાંને યાદ કરી કરીને ખાલી વેળા વિતાવતી. કમલેશ દર રવિવારે મિત્રોને ભેગા કરી પાર્ટી કરતો. નર્મદાને થતું: મૂવા ઘરખોયા છે. પાણીની જેમ પૈસા વાપરે છે. બે પૈસા બચાયા હોય તો ઓપ્ટી વખતે કોમ લાગ. કંપનીની જીપમાં અઠવાડિયે બે વાર ફિલ્મ તો ખરી જ.

ત્રણ-ચાર મહિના પછી એક સવારે કમલેશે નર્મદાને કહ્યું, આજે તારા બાપાને કાગળ લખી દઈએ. સમાચાર તો આપવા જોઈએ ને? શું લખવું છે તારી બાને? પહેલી ડિલિવરી પિયરમાં જ થાય એ વાત સાચી, પરંતુ મને એકલાને ન ફાવે. અને શહેર જેવી સગવડ ત્યાં ગામડે ના મળે. વળી, તારા અને નાન્કા માટે માલિશવાળી બાઈ રાખી લીધી છે એ ય જણાવી દઈએ.

– મૂવાને લાજ-શરમેય નહીં. ખાલી સમાચાર આલી દ્યો એક પત્યું. અન જિયાણા વખતે ત્યોં રહે એ ય લખો.

પ્રદીપના જન્મ પછી નર્મદાના બાપાએ વધામણીની મીઠાઈ, પ્રદીપ માટે કંદોરો અને નર્મદા માટે સાડીઓ મોકલી. જિયાણું બને એટલું જલ્દી કરવું છે એવા સમાચાર પણ મોકલ્યા.

પ્રદીપ હજુ ભાંખોડિયાં ભરતો હતો ને કમલેશે રમકડાંનો ઢગલો કરી દીધો. એના પહેલા જન્મદિવસે તો આડો આંક વાળી દીધો. આખા મહોલ્લાને આમંત્રણ આપ્યું. આખું મકાન શણગાર્યું. ડિશ ભરાઈ જાય એટલી આઇટમો રાખી. નર્મદાને આ બધું ગમ્યું પણ પ્રદીપને ભેટમાં આવેલી વસ્તુઓ જોતાં વિચાર આવ્યો, એક કલ્લો ભરાય એટલી જ ભેટ્યો આઈ. ઓમનો ધડો તૂટી જ્યો છે તે આખુ ગોમ નુતર્યું છે, તાણ એ તો હઉ ખઈન રાજી થનારું. વહેવારમ હાવ બુઠ્ઠોં સ. અન ઓમનય કશી ગતાગમ નહીં. ઓમ બેફામ વાપરીએ તો રાજાના ખજોંનાય ખૂટી જોંય. પાછું કહેવાય તો નઈં. જબરા ટીસીવાળા. તરત હંભળાવ, તારા બાપના ત્યોંથી લાઈ છ?

નર્મદાને પણ હવે ખ્યાલ આવતો ગયો કે સાવ સળંગ કોઠાનો માણસ છે. સહેજ સહેજમાં ગુસ્સે થઈ જાય. બોલવા બેસે તો માપ નઈં. માબાપ વિશે ગમે તેમ બોલે એના કરતાં – અને મને ખસેય નથી કહેતા. ત્યારે આપણેય ક્યાં ચાંદ લેવો છે, એમ મન મનાવતી.

પેઢીની કોઈ વાત કમલેશ નર્મદાને કરે નહીં. પણ પેઢીના બીજા માણસો પાસેથી ખબર પડી કે કમલેશને જમા-ઉધારની એન્ટ્રી સિવાય વેંત ભોંય પણ સૂઝતી નથી. એટલે જ ડગલે ને પગલે ઘેલાં કાઢે છે. પેઢીના શેઠ પણ કાયમ કહે છે, આને એક ઇન્દ્રીનું જ્ઞાન છે. શેઠ કુટુંબમાં દૂરના સગા થાય એટલે કમલેશને નભાવતા. પણ હવે યુનિવર્સિટીના બી.કૉમ. ભણેલા છોકરા મળવા માંડ્યા એટલે જૂના સ્ટાફને છૂટો કરવા માંડ્યો. ચાલ્યું ત્યાં સુધી કમલેશને ચલાવ્યો. પણ નવી નામાપદ્ધતિ આવડે નહીં એટલે બીજું તો શું કામ સોંપે? દલાલો સાથે પાંદડાંના સોદા આવડે નહીં. ત્યારે કંઈ કુટુંબના છોકરાને વાસીદાં થોડાં વળાવાય? છેવટે સારી એવી રકમ આપી કમલેશને અમદાવાદ મોકલ્યો. શેઠને એમ કે ક્યાંક નાનુંમોટું કામ મળશે અને બેઠી વ્યાજની આવક જેટલા પૈસા તો એમણે આપ્યા હતા.

અમદાવાદ આવીને ક્યાં રહેવું એ પ્રશ્ન હતો. નર્મદાના બાપા હોંશે હોંશે રાખે. પણ નર્મદાને ખાતરી હતી કે આ ઠોડુજી એટલે નહીં માને. છેવટે એનાં દૂરનાં ફઈબાને મળ્યો. પૈસા હતા એટલે ફઈબાનેય વહાલાં લાગ્યાં. ઘણા સમયથી ખાલી પડેલું એમનું જૂનું મકાન ભાડે આપ્યું. રહેતાં રહેતાં નાનો એવો ફ્લૅટ ખરીદીશું એવી હૈયાધારણ આપી. અર્ધા પૈસા શહેરની એક પેઢીમાં મુકાવ્યા. બાકીના શેરમાં રોકવા એમની પાસે રાખ્યા.

અહીં આવીને કમલેશનો સ્વભાવ સાવ બદલાઈ ગયો. જબલપુર જે પાણીની જેમ પૈસા વાપરતો એ હવે પાઈ પાઈનો હિસાબ માગવા માંડ્યો. નોકરીનો ક્યાંય મેળ ન પડ્યો. નવરો બેઠો શાકભાજી, દૂધ અને બીજા પરચૂરણ ખર્ચાઓના જમા-ઉધાર માંડ્યા કરતો. સવારે ઊઠીને હુકમો છોડતો: દૂધ સો ગ્રામથી વધારે નથી વાપરવાનું. સવારની ચાના કૂચા ગરણામાં રાખી મૂક, બપોરે એ જ કૂચા વાપરવાના. રોજેરોજ દાળભાત ના કરો તો ના ચાલે? શાક અઠવાડિયામાં બે વાર કરો તો ઘણું. અમે તો રોટલો ને છાશથી દા’ડા કાઢ્યા છે. એ તો બધા દા’ડા સરખા ના હોય. આવી સૂચનાઓ સાંભળતાં નર્મદાને લગ્નનો દિવસ યાદ આવી જતો. છેલ્લે તો બાપા અમદાવાદ આવ્યા ત્યારે કહેતા, બુન મન અસ્ત્રી હત્યાનું પાપ લાગશ્યે. આ તો બાપ કહેવાય ક કહઈ? આ ગોંડાન મુ ના ઓળશી હક્યો અન તન હડસેલુ મેલ્યું. ચીયા ભવમ છૂટ્યે, કહેતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

જબલપુરથી આવેલા પૈસા વધારે વ્યાજના લોભમાં જે પેઢીમાં મૂક્યા હતા તે કાચી પડી. વ્યાજના હપ્તા આવતા બંધ થયા. મૂડી માગી તો, ‘એય હમણાં નહીં મળે, રહેતાં રહેતાં આપીશું, બાકી થાય તે કરી લ્યો’, એવો જવાબ મળ્યો. કશું લખાણ નહીં કરેલું એટલે કોર્ટમાં તો જવાય નહીં અને આ તો પાછા બે નંબરના પૈસા. શેરમાં રોકેલા પૈસા પણ મંદી આવતાં ફસાઈ ગયા.

બધેથી આવક બંધ થતાં નર્મદાએ ફઈબાનું ઘરકામ અને સિલાઈકામ શરૂ કર્યું. કમલેશને ગ્રાહકો આવે એય ન ખમાય. ભાવની કચકચ તો ઠીક પણ ગ્રાહકોને સંભળાવેઃ બપોરે કેમ આવ્યા, સવારના પહોરમાં કેમ આવ્યા? એક સામટાંકપડાં લઈને આવો છો તે અમારેય જીવ હોય કે નહીં?

એક દિવસ વહેલી સવારમાં એક બહેન એમનાં કપડાં લેવા આવ્યાં. ઘર બંધ જોઈ સીધાં ફઈબાના ઘેર પહોંચ્યાં. નર્મદા પોતું કરતી હતી, કમલેશ છાપું વાંચતો હતો. આવતાંની સાથે બહેન શરૂ થઈ ગયાં, કેમ બહેન, કેટલા વાયદા કરશો? આ ચોથો ધક્કો થયો. ના સીવવાનાં હોય તો ના પાડી દો. અમને એમ કે કોઈને રોજી મળે. નર્મદા જવાબ આપે એ પહેલાં કમલેશ તાડૂક્યો, કેમ તમને જિંદગી લખી આપી છે? અમારાં તારણહાર છો? જાવ નથી સીવવાનાં, કહેતાં લાલચોળ ચહેરો, નાકનાં ફૂલેલાં ફોયણાં, કપાળે પરસેવો, આખું શરીર માતાજી આવ્યાં હોય એમ ધ્રૂજે. નર્મદા હાથમાં પોતા સાથે જ ઊભી થઈ. તમને હાથ જોડું – કરતાં રડી પડી, બહેન સાંજે ચોક્કસ. આપણું માણસ છે શું કરીએ? કહીને ઝડપથી પોતું ફેરવવા લાગી. કમલેશ ઊભો થઈને ઘેર ગયો. ભૂખ સખત લાગી હતી. નર્મદાની રાહ જોતાં થાંભલાને અઢેલીને બેઠો. થોડી વારમાં ઊંઘ આવી ગઈ. ફઈબાને ત્યાંથી બેત્રણ તપેલી લઈને ઘરમાં પ્રવેશતાં જ નર્મદાની નજર પડી. તપેલી નીચે મૂકીને ઓટલા પર બેઠી. ક્યાંય સુધી કમલેશને તાકીને જોઈ રહી. તપેલીનો સહેજ ખડખડાટ થતાં કમલેશ સફળો જાગી ગયો. આવી ગઈ? કહેતાં મોં પર હાથ ફેરવતાં ઊભો થયો. અકરાંતિયાની જેમ જમતાં એને નર્મદા પીરસતી ગઈ. દાળની તપેલીમાં ચમચો ખખડતાં, રહેવા દે હવે એટલા તારા માટે… કહીને હાથ ધોયા. થોડી વારમાં જ કમલેશનાં નસકોરાં અને નર્મદાના સંચાનો અવાજ બપોરની શાંતિમાં એકધારા સંભળાતાં રહ્યાં.

કશે જ ન ફાવતાં કમલેશને છેવટે ઘેર ઘેર જઈ ઇલેક્ટ્રિકનાં બિલ ઉઘરાવી ઑફિસે પહોંચાડવાનું કામ મળ્યું. આખું વર્ષ રોટલા તોડવાના અને પગપાળા ફરવાનું. શરીર ઘસાતું ગયું. આખી રાત હૂ ઠૂ જાય જ નહીં. ડૉક્ટરે ટી. બી. કહ્યો. નર્મદા મનમાં મૂવો ટીબલો, કહે પણ સેવા ખડે પગે કરી. કમલેશ બહુ ના જીવ્યો.

પ્રદીપેય બાપનું રૂંવાડે રૂંવાડું ચોર્યું હ’તું. ભણતરમાં ઠારકો ના ઠાર્યો. ભણ્યો નહીં ને નોકરી મોટી ગવર્નરની જોઈએ. નર્મદા કહેતી, મૂવો હમૂડદો ઈના બાપ જેવો તરછટ છ. મિકેનિક મગસ ખરું. ઈન સાઇકલ હોચ કરત આવડ. ટી.વી, ફ્રીજ હોચ કર અને કુલર પણ અસ્સલ બનાવ. પણ હાડકોં આખોં. ડોંડો નમ જ નઇન. બશ કપડોં ન ઈના મસાલા જેટલા પૈશ્યા મળ એટલ ઘણું. બાચી આખો દહાડો ઘોરવાનું. અન હોંજે પટીયોં પાડી, બુટ પહેરીન નેકળવાનું તે મોડા આબ્બાનું. પાછા શ્યુ રળીન આયા હોય તે બારણું ઉઘેડતોં વાર લાગ તો બુતાર, સાંભળતી નથી અંઈ ક્યારના ઊભા છીએ તે? ઘરનું એક કામ ન કરે. બસ આખો દિવસ હુકમ છોડ્યા કરવાના.

હવે નર્મદાની કેડો કામ કરતી નથી. ટટ્ટાર ઊભી પણ ના રહી શકે. પિયર જાય ત્યારે બાપા દૂરથી એને આવતી જોઈ કહે, લ્યો આ ભાજેલી આઈ. મેના તરત જવાબ આપતી, આપડેય તાણ કરિયાવરમ ઈન દુઃખ વિના શ્યુ આલ્યું તું? ઈનું ઘર તો નઈં ચલાઈ આલતા ન!

આખા ગોંડાન જિંદગી નભાયો. હમ ઈના છોકરાન. નર્મદા પહોંચતાં સંવાદ અટકે, આઈ બુન, હારુ છ ન? એમ બંને એકસાથે બોલે.

નર્મદાના મનમાં ઘમસાણ મચ્યું. મગજની નસ ફાટી જશે એમ લાગ્યું. આંખો દુઃખી આવી. કેડમાં મોટો સણકો આવ્યો. બેઠી થવા જાય અને પડી જવાય. લાડો મારો આવ્યો, લાડીને લઈને આવ્યો-નું ગીત સંભળાયું. નર્મદા બોલીઃ જોન આઈ; મારો વરરાજો આયો. લક્ઝરીમાં સોમોન માતોય નંઈ હોય. એટલે તો રૂમ ચોખ્ખો કરી રાશ્યો સ. કેડોના કટકા થઈ જતા હતા તોય એ ઊભી થઈ. અલ્યા હેંડો મારો દીચરો આયો. ઉઘાડા પગે દોડી. આંસુ ઊમટી આવ્યાં. પગથિયાં ઊતરીને જેવી જવા ગઈ કે પગ પાછો પડ્યો. વળતી અંદર જતી રહી. બાજુવાળાં ભાવનાબહેનને કહ્યું, વહુન પહેલી મન પગે લાગવા મોકલજો.

સવારે વહેલી ઊઠીને તૈયાર થઈ ગઈ. સોસાયટીમાં બધે કહેવડાવી દીધું: સવારે અગિયાર વાગે બચકો છોડવાનો છે, ખાસ આવજો. રસોડાના બારણા આગળ; અંદરના ભાગમાં ગોઠવાઈ ગઈ. અપશકન ના થાય એમ બોલી સહેજ વધારે અંદર ખસી. બધાં આવી ગયાં. પહેલાં ગુસપુસ, પછી કલબલાટ અને છેલ્લે ઘાંટાઘાંટ.

પચા તોલા હોનું, બાપ જન્મારામ હોંભળ્યું નથી, એકવી જોડ, એકત્રી જોડ હમજ્યોં પણ આ તો એકાવન જોડ, પચા ન ઉપર એક! મારું બેટું વેવાઈએ માપ નહીં રાખ્યું. પાછું પચ્ચી ભારે હાડીઓ. ઈમય હલકી-ભારે નઈં. બધી દહ હજાર ઉપર. અન ઉપરિયોંમ શેટ, મોતીનો શેટ, જડતરનો શેટ. હીરાનો શેટેય છે. અલી હોંભળ્યું છ હીરો તો પચ ઇન પચ. નબ્દીન બધુંય પચશ્યે. બારોતિયાની બરેલી; હમ હખ આવશી. હખ આવ તો આવ. બાકી બઈન તો હું ભલી ન મારો હંચો ભલો. પુરતનાં વાસણો સ્પેશ્યલ બૉમ્બે ઑર્ડર આપીને મંગાવ્યાં છે. સાસુનો, ફઈનો, નણંદનો બધાંયના સાલ્લા ભારેમાંના છે. પણ નર્મદાબહેનને આવો ચળકાટવાળો ના શોભે. માથે રે’ નહીં. સાંભળ્યું છે મોટા ઘરની છે પણ વિવેકી છે. એ તો બરાબર પણ પ્રદીપ ઘરજમાઈ થશે તો નર્મદા તો એકલી ને એકલી. શીખનો કોથળોય મારી બઈ રેશમી કાપડમાં બાંધ્યો છે, તો અંદર તો શુનું શુંયે હશે? અંદર બેઠેલી નર્મદા આ બધું સાંભળી ઘડીક મલકે, ઘડીક ભવાં ખેંચાય, લાંબી થઈ કોણ બોલ્યું તે જોવા મળે અને કેડમાં સણકોઆવતાં પાછી બેસી જાય. એક પછી એક બધાં વિખેરાયાં. નર્મદા ડ્રોઇંગરૂમમાં આવી. સંગીતા બેટા, વહુ બેટા લગાર પોણી આલજો ન! નર્મદાનાં નણંદ બોલ્યાં, ભાભી, પહેલે દહાડે જ? ચ્યમ ઈના ધણીની ઘણી સેવા કરી છ.

નર્મદાને ઊંઘ આવતી ન હતી. કોઈ જાગતું નથી – બધાં સૂતાંની ખાતરી કરીને કરિયાવરવાળા રૂમમાં આવી. સાડીનો બચકો છોડ્યો. લાલ પાનેતર વીંટાળી જોયું. ધોળા વાળના ઠોયા અને ધોળો દૂધ જેવો કરચલીવાળો ચહેરો ચમકી ઊઠ્યો. એક પછી એક સાડી ઉથલાવવા માંડી. વાસણો ફેરવી ફેરવીને જોયાં. એક ચમચીય વેવાઈએ બાકી નથી રાખી. બળ્યું સોનામોંય હદ વાળી છે. મારા દીકરાન રજેય નઈ લાબ્બી પડ. મારા વાલાએ હમ મારું હોંભળ્યું. ચેવું દીવા જેવું થઈ જ્યું? બધી વસ્તુઓ લે, જુએ અને મૂકે. થાકી ગઈ ત્યાં સુધી આમતેમ ઉથલાવ્યા કર્યું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં ભાન ના રહ્યું. કેડમાં સણકો ઊઠી આવ્યો. માંડ માંડ ઊભી થઈને સિલાઈ મશીનની ખુરશીમાં બેઠી. ક્યારે ઊંઘ આવી એની ખબર ના રહી.

સવારે ઊઠીને પ્રદીપે એને રૂમમાં ના જોઈ એટલે હાંફળો- ફાંફળો આગળના રૂમમાં આવ્યો. સંચા પર નાખેલું નર્મદાનું માથું સહેજ ઊંચું થયું, પગ ધીમેથી પેડલ પર મૂક્યા, હાથ મશીન પર આવ્યો, સંચાની સોય ઊંચી-નીચી થવા લાગી. નર્મદાએ પ્રદીપ સામે જોયું ને ઝડપભેર સંચો ચલાવવા માંડીઃ આજે તો ભલે કેડ્યોના કટકા થઈ જતા. બટા, બટા, બટા, મારા પ્રદીપ, કરતાં એના પગ અટક્યા. અને પરસેવે રેબઝેબ થઈ ગઈ.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.