આભાસની ગલીમાં

‘કલ કિરાયા દેના હોગા!… વરના સમજે! વરના મકાન સે નિકાલ દિયા જાયગા.’

‘જુઓ ભાઈ! બીજી બધી વાત ઠીક છે પણ આજે પાંચ મહિના થયા દવાનું બિલ તમે ચૂકવ્યું નથી! દિલગીર છું કે એ હવે નભાવી શકું તેમ નથી! કાલે પૈસા જોઈએ.’

‘અમારું બીલ આપી દેજો! કાલે દાણો મોકલવો બંધ થાશે…! ઘીનું બિલ ક્યાં ચૂકવ્યું છે? હવે ઢીલ નહીં ચાલે.’

રતિલાલ મૂંઝાયો! ગળા પર દબાણ આવ્યું હોય એમ એણે ખખરી ખાધી… અને પછી ઊંચે જોયું તો કોઈ એની સામે હસી રહ્યું હતું! હેં! એ હાસ્ય શું એની આ જાતની મૂંઝવણને લીધે હતું?

ઉપરના ઉપરાઉપરી સવાલોના હથોડા એના દિમાગને કોઈ જુદી જ દુનિયામાં લઈ જતા હતા! એનું મનોબળ આ સાંભળવાની ના પાડી શક્યું નહીં! એણે માથું ધુણાવ્યું; ‘કોઈ પણ રીતે મારે એમાંથી માર્ગ કાઢવો પડશે!… પણ કેવી રીતે? મારે પૈસા ક્યાંથી લાવવા? પદ્માની બંગડીઓ તો ક્યારનીય વેચી નાખી.’

બંગડીઓએ જ સુવાવડની કિંમત ચૂકતી દીધી હતી! અને હવે શું બાકી હતું? પદ્માને તો એણે ઘણીયે વાર આઘાત પહોંચાડી દીધો હતો!… પણ તે વિના એ શું કરી શકવાનો હતો? પદ્માનું હૈયું. પદ્માની ઊર્મિઓ — કોમળ અને જાગી ઊઠે એવાં છે, એ કલ્પના એણે ઘણો સમય સેવી હતી; કદાચ સેવવાની ભ્રમણા સાથે દોસ્તી બાંધી ચૂક્યો હતો!… પણ હવે એ ભ્રમણાને અને એ કલ્પનાના સુખને ભોગવવા માટે આપવા પડતા દામની એની પાસે ત્રેવડ કે જોગવાઈ નહોતી!… અને એથી જ રતિલાલે યોગ્ય ધાર્યું કે પદ્માના દાગીનાથી આ આર્થિક આફત દૂર રાખી શકાશે. પણ એ બધું ક્યાં સુધી ચાલે? પહેલી કોકિલા જન્મી… પણ એ આખોય દિવસ રડ્યા કરતી! ચાર વર્ષની થઈ ત્યાં સુધી એણે માંદલી જ રહેવાનું પસંદ કર્યું હતું. વચ્ચે પદ્માની કસુવાવડ થઈ ગઈ! રતિલાલે એના એક ક્રાંતિકારી દોસ્તની વાતોને જીવનમાં ઉતારવા માટે ‘સંતતિનિયમન’ના પ્રયોગ સાથે પ્રેમ કરવા માંડ્યો… પણ એમાં એને એવું લાગ્યું કે પદ્માની તંદુરસ્તીને ચિંતા બક્ષાતી હતી!… અને એકાદ વર્ષ પછી એને સાફ દેખાયું કે પદ્માનું જીવનપદ્મ પહેલાં જેટલું પ્રસન્ન નહોતું — બલકે કંગાલિયતની કાળી છાયા એને આવરતી હતી! કોઈક માનસિક વેદનાની વૈતરણીમાં વહેતાં પાણીનાં ચક્કરણાં પોતે ફસાયેલો હોય એમ એને લાગ્યું.

અને પછી વખતનો કાંટો ઘણાંય ચક્કરો, આંટાઓ ફરી ચૂક્યો અને તેમ છતાંય રતિલાલના જીવનમાં જીવનનાં રસ અને રતિની રચના રતીભાર પણ દેખાયાં નહીં!

મુંબઈના પરાની એક નાનકડી ઓરડીમાં રહી કારકુનપદમાં જ પડી રહેવાથી જીવનનો કંઈ ઉદ્ધાર નથી થવાનો, એવા ખ્યાલે રતિલાલને કોઈ દિવસ પણ ઘેર્યો નહોતો. હા, શેઠ કોઈ વાર પગાર તો જરૂર વધારસે, એવી તેણે ઘણી વાર સેવેલી ઊંડી ઊંડી ઇચ્છાને મૂર્ત સ્વરૂપે જોવાની મહેનત કરી હતી!… પણ શેઠનો વ્યાપાર, શેઠનો મુનીમ, શેઠના બીજા નોકરો વગેરેએ રતિલાલના પગારમાં વધારો થવો જોઈએ કે નહીં એ વિશે વિચારવાની કદીયે તકલીફ લીધી નહોતી.

અને પછી એક દિવસ જન્મ્યો અશોક! જન્મવાની સાથે જ આ અશોક મહારાજા અશોકના નામથી બદનક્ષી કરવા તત્પર થયો હતો! તેનું શરીર, તેનાં હાડકાં અને તેનું બંધારણ જ રતિલાલની વિચારસૃષ્ટિનું રૂપ હતું અને એથી જ પિતા પર વેર લેવા અવતરેલા પુત્ર પેઠે એણે જીવનની શરૂઆત બાળકોને દરરોજના લાગુ પડતા વિચિત્ર રોગોની પરંપરાથી કરી બતાવી હતી!

આવા સંજોગોમાં મોડી રાતે રતિલાલ ઘેર આવતો અને આવતાંની સાથે જ એને કોઈક બાળકનું કાં તો અશોકનું કે કાં તો કોકિલાનું — કાવ્યરૂપ કરુણ રુદન સુણાતું. અને એ રુદનની વચ્ચે વચ્ચે, જાણે કોઈ કલાકારને પ્રેરણા આપવા માટે કોઈ ‘સ્પર્શ’ જરૂરી હોય તેમ પદ્મા ખાંસી ખાધા કરતી. સાધારણ ખોરાક પણ હવે પદ્માને પચતો નહોતો એટલે ખાંસી ખાઈ તેણે ક્ષયને પોતાના હૃદયના મહેમાન તરીકે બેસાડી દેવાના શ્રીગણેશ ક્યારનાય માંડી દીધા હતા!

રતિલાલ મોડી રાતે ઘેર આવી બિલ ચૂકવવાની અશક્તિને લીધે ગયે મહિને જ બંધ થયેલા વીજળીના દીવા તરફ નજર કરી નિઃશ્વાસ નાખતો અને પછી ઘાસલેટનું ‘લાલટેન’ સળગાવી રાતે રાંધ્યું હોય તો તે અને નહીં તો સવારનું ઢાંકી રાખેલું થોડુંક ‘ભોજન’ આરોગી લેતો!… અને દરમ્યાન એ ઓરડીની ગંદી હોવી જોઈએ માટે જ ગંદી નહીં; પણ ગંદીથીયે વધુ ગંદી, સંજોગોએ વેર લેવાનું કાવતરું રચ્યું હોય એઠલી ગંદી ચોકડીમાં પડેલી એંઠવાડના પાણી અને કચરા પર મચ્છરોનું બળવાન સૈન્ય છાવણી નાખતું!… એકાદ- બે ઉંદરનું ને તેના વિશાળ કુટુંબનું પણ આ ચોકડી, ખાળ-મોરી ઠીક પોષણ કરતાં અને અવારનવાર નહીં પણ ઘણી વાર રતિલાલનો આભાર માનવા માટે આ ઉંદરો અને તેનાં બીબીબચ્ચાં એની સામે આવીને પોતાની ‘ભલી લાગણીઓ’ ફેંકી જતાં!

રતિલાલને એ બધું રોજિંદું થઈ ગયું હતું! પણ આખરે એ બધું અસહ્ય હોવું જોઈએ, એમ રતિલાલના દિલે પુકાર્યું — અને એટલા માટે જ આમાંથી માર્ગ શોધવા એણે વિચાર કરવા માંડ્યો… પણ વિચાર? જેમ જેમ તે વધુ વિચાર કરવા લાગ્યો તેમ તેમ એને વધુ મૂંઝવણ દેખાવા લાગી. વિચારોએ એને ઘેરી લીધો!… એની હાર થવા લાગી! વિચારોમાં ફસાઈ જવાથી રતિલાલે ધાર્યું કે વિચાર કરવા છોડી દેવા!… પણ વિચાર એને છોડતા જ નહોતા! ત્યારે હવે શું કરવું?

(૨)

…અને એ નોકરીએથી છૂટીને બહાર પડ્યો! આજે ઓગણત્રીસમી તારીખ હતી!… આવતી કાલે ત્રીસમી એટલે મહિનાની છેલ્લી તારીખ થશે!… શેઠને પગારમાં કંઈક વધારો કરી આપવાની વિનંતી કરવા જેવું એવો મનસૂબો એણે કરી લીધો!

પણ આવતી કાલે શેઠ પાસે રૂબરૂ જવું કે ચિઠ્ઠી મોકલવી કે પછી પોતાની અત્યારની હાલતનું બ્યાન કરતો લાંબો પત્ર પાઠવવો. એની ગડમથલમાંથી એ બહાર આવે તે પહેલાં તો પાંચ વાગવા આવ્યા હતા!… અને બરાબર સવા પાંચ વાગ્યે મુનીમે એને બોલાવીને કંઈક કહ્યું:

‘જુઓ, મિ. રતિલાલ! આજકાલ ટાઇમ બહુ ખરાબ છે. વેપારધંધામાં કંઈ ખાસ કસ રહ્યો નથી એટલે… ધોંડીઆ! પેલો ટાઇપ કરેલો કાગળ…’ વચ્ચે જ પિત્તળની ફ્રેમવાળાં ચશ્માંમાંથી આંખો ઊંચી કરીને મુનીમે પેઢીના પટાવાળાને બોલાવ્યો અને પછી આગળ ચલાવ્યું. ‘પેલો ટાઇપ કરેલો કાગળ મિ. રતિલાલના નામનો છે, તે ટાઇપિસ્ટ પાસેથી લઈ આવ જોઉં!’

ધોંડુ તે ‘કાગળ’ લઈ આવ્યો ત્યાં સુધી રતિલાલના હૃદયે ધબક્યા કર્યું… મુનીમે એ કાગળ પર સહી કરી તે વખતે રતિલાલના હૃદયના ધબકારા વધુ જોરથી થવા માંડ્યા!… અને પછી એ કાગળ રતિલાલને આપ્યો અને ‘પીઓન બુક’માં એ કાગળ મળ્યો છે, એવી તેની સહી લીધી ત્યાર પછી હૃદયના ધબકારાની ગતિમાં વધારો થયો!

અને પછી જ્યારે રતિલાલે એ કાગળ વાંચ્યો ત્યારો ‘નો…ટિ…સ!’

તમને… છૂ…ટા… ક…ર…વા…માં… આ…વે…છે!’ એવા શબ્દોની હારમાળા માંડ માંડ પૂરી થતાંની સાથે જ રતિલાલને પોતાને માથે કોઈ પહાડ તૂટી પડ્યો હોય એમ લાગ્યું!… કંપાઉન્ડમાં ગણગણતી માખીઓ શિકાર કરવા માગતા કૂતરાની જીભને એણે જુદી જ કલ્પી લીધી!… ગોડાઉન તરફ નજર કરી! એક મોટી બિલાડીએ એક ઉંદર પર તરાપ મારી હતી! અને એક મજદૂરે ચોખાની ગૂણીને પોતાની પીઠ પરથી ઉતારીને જંગી કાંટામાં ધુ…મમમમમ. અવાજ સાથે ફેંકી!… એને કંઈ સમજાયું નહીં… મુનીમ પર ફરતો પંખો છટકી જશે અને તે તેની પર જ આવી તૂટશે, એમ લાગ્યું!

રતિલાલે ‘નોટિસ’ને ખિસ્સામાં મૂકી… હંમેશ કરતાં એ આજે નોકરીએથી વહેલો છૂટતો હતો!… એના ક્રાંતિકારી દોસ્તો એની પાસે ‘બેકારી’ની વાતો કરતા; એ બધું એને અત્યારે જરા યાદ આવ્યું નહીં. કોણ જાણે શાથી એણે પોતાના સાંધાવાળા, જાડા સોલવાળાં સ્લીપર પહેરીને નાનકડો, ખૂબ ઘસાઈ ગયેલો દાદરો ઊતરી જવાનું યોગ્ય ધાર્યું! ત્યારે સામે જ ગટર આગળ કોઈએ બારીમાંથી વાસીદું વાળીને તેનો કચરો ફેંક્યો!… એમાં સ્ત્રીના માથાના વાળ હતા! એક મોટું ગૂંચળું સફેદ વાળનું હતું… અને એક હતું કાળા વાળનું! પણ કાળા વાળ ઘણા ઓછા હતા! ‘બાયડીઓએ માથું હોળ્યું હશે!’ સાથે કાચની સુંદર બરણી ભાંગી ગઈ હતી. તેના કાચના ટુકડા પણ હતા અને બાકીના કચરામાં કટાઈ ગયેલી ઘડિયાળના યંત્રની જૂની કમાન અને બેત્રણ કટાયેલા ખીલા અને એકાદ સ્ક્રૂ પણ કોઈનીયે અનુકંપાને આકર્ષવાની પરવાહ કર્યા વિના પડ્યાં હતાં!

રતિલાલે એના પર ખાસ ધ્યાન ન આપ્યું. એ તો ચાલ્યો!… ધૂળવાળો કચરો એના મોં આગળ આવ્યો — અથડાયો! એણે દરકાર ન કરી, પણ એથી એને બેત્રણ જબરજસ્ત છીંક આવી. એણે છીંક ખાઈ લેવાનું સાહસ પણ કર્યું!… કરી લીધું! એ બીજું શું કરે? છીંક ખાધા સિવાય છૂટકો નહોતો!

(૩)

જિંદગીમાં પહેલી જ વાર નોટિસના આઘાતને રતિલાલે દૂર રાખવાનો પ્રયાસ કર્યો. આઘાતોથી ટેવાઈ ગયેલા એના હૈયાએ આ નોટિસથી અને હવે આવી પડનારી બેકારીથી ઊભી થનારી કપરી પરિસ્થિતિના વિચારને બહુ ઝાઝી વાર હૃદયને હેરાન કરવાની છૂટ ન આપી. અને એથી આ આઘાત પણ અપમાનિત થઈ દૂર ખસી ગયો.

રતિલાલને જિંદગીમાં આ ક્ષણ કંઈક જુદી જ જણાઈ! ઘડી પહેલાં જ એણે છીંક ખાધી હતી… ઘડી પહેલાં જ એણે કચરામાં વૃદ્ધ અને જુવાન સ્ત્રીના પડેલાં વાળનાં ગૂંચળાંને ગટરમાં પડેલાં જોયાં હતાં!… ઘડી પહેલાં જ એણે ઉંદર અને બિલાડીનું દૃશ્ય નિહાળ્યું હતું!… એ બધું એને યાદ તો આવ્યું અને એની મનોભૂમિ થોડીક પળોમાં બદલાઈ ગઈ!

એ ચાલ્યો! આગળ અને આગળ! …ક્યાં? …એનું તો એને પોતાને ભાન નહોતું. પણ અત્યારે એ વાસ્તવિકતાથી દૂર સરી જવાનું વધુ પસંદ કરતો હતો; એમ એનો દિમાગ એની વર્તણૂક દ્વારા છતું થતું હતું!

થોડુંક ચાલ્યો હશે ત્યાં તો પાસેની ગલીને નાકે આવેલી એક ઈરાનીની મુસ્લિમ હોટેલના ખૂણામાં રેડિયો-ગ્રામોફોન સૂરો કાઢતું હતુંઃ

‘હાં રે સૈયાં! લગી તેરી નજરિયાં!
તેરી કાતિલ કટારિયાં!
તેરી રંગીન પિચકારિયાં!
હાં રે સૈંયાં!
દર્દે દિલ મિટાતે હૈં હમ ગમ ખા કર
શબે વસ્લ કાટતે હૈં હમ શરાબે અશ્ક પી કર!
હાં રે સૈંયાં લગી તેરી નજરિયાં!
હાં રે!…’

રતિલાલે રતિતાલને પૂછ્યું, ‘કેમ કંઈ સમજે છે? ‘દર્દે દિલ મિટાતે હૈં હમ ગમ ખા કર!’… હવે શું કરવું?’

‘કંઈ ફિકર નહીં!… તુંયે તારું દર્દ ભુલાવી દેને!’

‘હા!… ચાલ ભાઈ રતિલાલ, તૈયાર થઈ જા!… ભુલાવી દે એ બધું!’

અને ત્યાં તો લંગડો બત્તીવાળો જૂના જમાનાની, પાસેની સાંકડી ગલીને નાકે આવેલી ગૅસની બત્તીમાં તેલ પૂરી ગયો… હર્ષમાં આવેલા સામેના ટાવરની ઘડિયાળે રાતના સાત વાગ્યાના ટકોરા બજાવવા પહેલાંનું થોડુંક પ્રાસ્તાવિક સંગીત છેડ્યું!

પણ વળી પાછી એ નોટિસ! …એની પદ્માની પીડા!… અશોકનો આર્તનાદ! …કોકિલાની કારમી કિકિયારી…! અને તે પછી મકાનવાળાની ઘર ખાલી કરવાની ધમકી! …દાણાવાળા અને ડૉક્ટરની પણ તેમના પૈસા ચૂકવી દેવાની તાકીદો!… આ બધું એની નજર સામેથી ઝડપથી પસાર થઈ ગયું… પણ પેલી નજાકતભરી રેકર્ડનું ગીત તેના મગજમાંથી ખસતું ન હતું.

દર્દે દિલ મિટાતે હૈં હમ ગમ ખા કર!

એ ચાલવા લાગ્યો! — વધુ ગતિથી! — વેગથી! આજની રાતની રોશનીમાં એણે ગમે તે રીતે ગુલાબી રંગ શોધી કાઢ્યો!… દુનિયા બધી ગુલાબી છે! બસ! બધેય આરામ! — ચેન! …એશ છે! ‘ચાલો, આપણેયે એ ગુલાબી રોશનીમાં ગાયબ થઈ જઈએ!’

‘પણ આ કયો રસ્તો આવ્યો? આ કઈ ગલી આવી?’ રતિલાલે ઘણી વાર એના દોસ્તોને મુખેથી સાંભળ્યું હતું કે આ રસ્તા પર તો બદમાશી રમતી હોય છે!… આ રસ્તા પર ગુનો ઘૂમતો હોય છે!… આ રસ્તા પર ખૂબસૂરતીના મહોરની શમાઓ જલતી હોય છે!… આ શમાની આસપાસ કેટલાય પરવાનાઓ થોડીક પળો માટે જલીને પાછા ‘હોશ’માં (શુદ્ધિમાં) આવતા થોડાક પૈસાથી પરવાના મેળવી લઈ લે છે! અને આ રસ્તા પર જ પાનની પિચકારીઓ, પગના ઠેકા, તબલાંના તાલ અને મેંદીથી રંગેલી પાનીઓ અને ઝાંઝરના ઝણકારાના સૂર રાસ લેતા હોય છે!

બીજાઓને જે રીતે એવો સાર ગમે છે તે રીતે રતિલાલને એ જિંદગીનો સાદ ગમ્યો! તેણે એ સાદ સાંભળ્યો!… આવકાર્યોયે ખરો! પદ્માને, નાનકડા અશોકને અને કોકિલાને ભૂલી જઈને.

આ રસ્તા પરથી સંભળાયેલા સાદને આવકારતાંની સાથે જ એણે ઊંચે જોયું!… જલદ રોશની નીચે બેઠેલી એ ઓરતને એણે જોઈ. ‘પફ-પાઉડર’ અને ‘લિપસ્ટિક’થી અને મેલી પણ સુંદર દેખાતી ખૂબ જ જરિયાન લેસના મોટા પટ્ટાવાળી સાડીથી એણે રાતના ઠસ્સાને બહેલાવ્યો હતો. આંખોમાં કાળી મેશ કરતાં રાતના ગુલાબી નશાના સુરમાને આંજીને એણે ખૂબસૂરતી પર ઓપ ચઢાવ્યો હતોઃ આમ એણે એના જોબનની શમા જલતી રાખી હતી!

રતિલાલે એનાં નયન જોયાં!… અને તેને પેલું ગીત ફરી યાદ આવ્યુંઃ ‘હાં રે સૈયાં લગી તેરી નજરિયાં!… કાતિલ નજરિયાં!’

આહ! એ કાતિલ નઝરિયાંથી શા માટે કપાઈ ન મરવું? શા માટે ઘાયલ ન થવું?… કેટલી મઝા આવે?’ રતિલાલે પહેલી જ વાર વેદિયાગીરીને વિદાય આપી!

બધું મનોબળ એકઠું કરીને, ગમે તેમ કરીને રતિલાલે પેલી બારીમાં બેઠેલી ઓરતને બરાબર જોઈ લીધી. અને આંખના પલકારામાં એણે એ ઓરતના ઘરના દાદરાને પકડી લીધો!

પાનની પિચકારીઓથી ભરેલા જૂના દાદરનાં પગથિયાંના ખૂણાઓ, દાદરના ઉપલા પગથિયાંના કઠેડા પર ઊભેલી એક સ્ત્રી અને તેની અદા, અને ત્યાં પથરાઈ રહેલી ‘બીર’ અને એવા બીજા શરાબની ‘ખુશબૂ’એ રતિલાલને ‘આવકાર’ આપ્યો! પણ પેલી સ્ત્રી ક્યાં હતી?… દાદર ચઢીને ઉપર આવ્યો ત્યાં તો આયા જેવી એક અણઘડ અને કદરૂપી સ્ત્રીએ-ઘાટણે એને કહ્યું, ‘આઇયે શેઠ!… યહાં આઇયે!’

એ અંદર ગયો!… એ જ તે સ્ત્રી હતી! એ જ તે ઓરત હતી! સામે એક પલંગ વધુ પડતા શણગારથી — ગંદી રીતે શોભતો હતો! વચ્ચે એક ટિપાઈ અને તેની આસપાસ બેચાર ખુરશીઓ પડી હતી. ખૂણામાં જૂના જમાનાનું ‘ચૂડીવાળું’ ગ્રામોફોન પડ્યું હતું! પલંગ જે દીવાલની અડોઅડ હતો તે દીવાલ પર પુરુષની લાગણીઓને ઉશ્કેરે એવાં ચિત્રો હતાં. જાપાની સ્ત્રી સ્નાન કરતી હતી. એક નગ્ન સ્ત્રી એક બગલાની પાંખમાં પોતાની નગ્નતા છુપાવવા મથતી હતી!… રતિલાલે એ બધું જોયું અને પછી પેલી ઓરતના ચહેરા તરફ નજર ફેંકી.

‘આઇયે શેઠજી!’ ઓરતે હંમેશનું આવકારવાક્ય ફેંક્યું.

રતિલાલે પોતાની આંખો ‘ઠીક’ કરી. દિલ પણ ‘ઠીક’ કરવા પ્રયત્ન કર્યો! એ ઓરત જવાન હતી કે જવાની એને છોડી જવાની ધમકી આપતી હતી. એટલા માટે જ એણે કસકસીને બાંધેલું યૌવન નાસી જવા થોડુંક બહાર ડોકિયું કરી રહ્યું હતું! રતિલાલે આંખોને અટકાવી તોયે તે ત્યાં ઠરી. ધ્રૂજતે હૈયે એ ખુરશી પર બેઠો, પેલી સ્ત્રીએ પાછળથી આવી ગળે હાથ નાખ્યો — અને પછી છણકો કરી એની સામે આવી ઊભી રહી.

‘ક્યા સોચતે હો? આરામ સે બયઠો ના!’

રતિલાલે વિચાર્યું કે આ ઓરત બીજી ઓરતો કરતાં કેટલી ‘મીઠી’ અને ‘માયાળુ’ છે? કેટલી સલૂકાઈવાળી છે!… કેટલી ‘સભ્ય’ છે?… એણે પુસ્તકોમાં વાંચ્યું હતું કે આવી સ્ત્રીઓ — વેશ્યાઓ ઘણીય બદમાશ નીચ અને લુચ્ચી હોય છે! પણ એ વાતને એનો અત્યારનો અનુભવ જૂઠી ઠેરવતો હતો.

…એણે ગજવું તપાસી જોયું; પાકીટ બહાર કાઢીને નહીં. પણ મનને ખિસ્સામાં મોકલીને!

રતિલાલને તેના જીવનમાં પહેલી જ વાર કોઈક ‘શેઠજી!’ ‘માલિક’ તરીકે સંબોધી રહ્યું હતું – પણ એ તો કેટલું દંભભર્યું, કેટલું પોકળ, કેટલું છીછરું અને લાગણીવિહોણું હતું?… પણ એ તો બધા લેખકો માટે જ!… રતિલાલના હૃદયને તો એમાં ‘સચ્ચાઈ દેખાઈ. પછી ભલે એ ઓરતનો ઇરાદો જુદો જ હોય!’

‘કહાં કી રહનેવાલી?’ રતિલાલે હિંમત કરી પૂછ્યું.

‘સાબ! કશ્મીરકી?’

‘…તો યહાં કયસે આઈ?’

‘જનાબ!…પેશા…’

‘હાં; યે પેશા તુમને કિસ લિયે શુરૂ કિયા?’

‘જનાબ! મેરે પાસ બડેબડે લોગ આ ચૂકે હય. મંયને બડીબડી શરાફત કી બાતેં સૂની હય… લેકિન…! જાને દો…!! મેં જાનતી હૂં ખૂબખૂબ!… યે સબ હય પેટ કે લિયે!’

‘લેકિન… તું… તુમ દૂસરા ધંધા ભી કર સકતી હો.’

‘જનાબ! એક વખ્ત જો યો રાહ પર આ ગઈ તો મંય દૂસરે રાહ પર કભી નહીં જા સકતી! મૈંને ખૂબ સોચા હય! બહુત કુચ્છ સમઝા હૈ… બાતેં બનાને જિતના વો આસાન નહીં હય! ખયર! જાને દો!’

રતિલાલે આ ઓરતની જિંદગી પ્રત્યેની એક જાતની નિર્મોહિતા, એક પ્રકારની લાગણીવિહોણી દોસ્તી અને જિંદગી પર દયા કે તરસ ન ખાવાની એક જાતની ઘેલી ઉદારતા જોઈ — બરાબર જોઈ!

એના શરીરે પરસેવો વળ્યો હતો!… એનું મોં લાલ-લાલ થઈ ગયું હતું!

‘જનાબ!’ પંખાને સ્વિચ મળવાની ગતિ આવી.

અને રતિલાલ વિચારમાં પડી ગયો — ખૂબ ખૂબ! ઊંડા ઊંડા! …જીવનના અટપટા પ્રશ્નો વિશે વિચાર કરવાનું એને આવે સમયે કેમ સૂઝ્યું હશે? ઘણીયે વાર એ કપરી અને કટોકટની પરિસ્થિતિમાંથી પસાર થતો ત્યારે એને કંઈ સૂઝતું નહીં. પણ આજે આવા સંજોગોમાં પેઢી પરથી નોટિસ લઈ, બેકારીની ‘ટિકિટ’ લઈ આઘાતને સોંઘો કરી નાખીને, નિઃશ્વાસો નાખ્યા વિના એ આ ગલીમાં આવી પહોંચ્યો હતો અને આ ઘરનો દાદર ચઢી ગયો હતો!… જ્યાં એણે નફરત કલ્પી હતી, જ્યાં એણે નીચતા કલ્પી હતી ત્યાંથી એને કંઈક જુદું જ જડી આવ્યું!

*

જ્યારે એ ઓરતે પોતાની ચોલીને ફરી વાર પહેરવા માંડી ત્યારે તેણે રતિલાલને પૂછ્યુંઃ

‘શેઠજી! આપકી બીબી હય?’

‘હાં, થી…!’

‘વતન ગઈ હય ક્યા?’

‘નહીં?’

‘તબ?’

‘મર ગઈ!… વહ મર ગઈ!’

‘ક્યા વહ મર ગઈ? જનાબ! બડી બૂરી બાત!’ એના ચહેરા પર શોક દેખાયો! — દુઃખ દેખાયું!…

જરા વાર રહી એ ઓરતે ફરી પૂછ્યુંઃ ‘વહ ખૂબસૂરત હોગી, જનાબ?’

‘હાં, વહ ખૂબસૂરત થી!’

રતિલાલે નોકરી છોડવાની નોટિસથી નિઃશ્વાસ નહોતો નાખ્યો — અહીં આવતાં પહેલાં પદ્માનું દુઃખ, કોકિલાના કરુણ રુદન-પડઘા, અશોકના અસંખ્ય દુઃખપૂર્ણ બૂમબરાડા એને સ્પર્શી શક્યા નહોતાં!… પણ જલદ રોશની નીચે બેસનારી રૂપની બજારમાં જોબનની હાટડી માંડનારી આ સ્ત્રીના, એની બીબીના મૃત્યુની વાત સાંભળીને છોડેલા એક ઊંડા નિઃશ્વાસથી એને હૃદયમાં કંઈક થયું. એને થયું કે આવી સ્ત્રીઓને પણ કોઈક લાગણીથી આઘાત પહોંચે છે ખરો!

એ અચાનક ઊભો થયો!

‘ક્યું શેઠજી?’

એણે દરવાજા તરફ પગલાં માંડ્યાં.

‘ફિર જરૂર આના–’ કહી રતિલાલ તરફ એ ઓરતે એક મીઠું સ્મિત રવાના કર્યું.

એ ગયો!… એની પાછળની બત્તીની રોશની ફરી નાચી ઊઠી!… એ ઓરતે ‘પફ-પાઉડર-લિપસ્ટિક’નાં ચુંબન કરીને ફરી બારી પાસેની ઊંચી ખુરશીમાં ઝુકાવી દીધું!

(૪)

રતિલાલને ખબર નહોતી કે એના પગ એને કેટલે દૂર લઈ આવ્યા હતા! જે રસ્તાને તેણે અને તેણે વાંચેલાં બીજાં પુસ્તકોએ ‘નીચ’ અને ‘કમીનો’ ધારી લીધો હતો. એ જ રસ્તા પરથી એને કંઈક જડી આવ્યું!… એને ત્યાંથી એક ‘જીવન’ જડી આવ્યું! જાણે એને ખરેખર કોઈક કીમતી વસ્તુ મળી આવી હોય ને એવી સાચી ભાવના કે પછી ભ્રમણા સેવતો એ આગળ ને આગળ ચાલતો હતો.

‘તું ત્યાં શા માટે ગયો હતો?’ રસ્તા પરના રતિલાલને અંદરના રતિલાલે પૂછ્યું.

‘કાં, એમાં શું થયું?’

‘પણ નાહક પૈસા બગાડ્યા!’

‘એથી મને ફાયદો થયો! રોજરોજનાં દુઃખ મારાથી સહન નથી થતાં! પદ્માને હું જરૂર ચાહું છું. અશોક… કોકિલા શું મારાં સંતાનો નથી? ત્યાં તો મને વધુ દુઃખ થાય છે!’

‘તું કાયર છો! જીવનની વાસ્તવિકતાનો સામનો કરવાની તારામાં તાકાત નથી… એટલે…’

‘ભલે એ કાયરતાને લીધે હું ત્યાં ગયો!… ભલે એ કાયરતા મારા દિલમાં વસી! એવી કાયરતા અમર રહો!… એ કાયરતાએ મને જીવતો રાખ્યો. નહીંતર હું આવતી કાલનાં અખબારોની ખબરમાં એક સરસ બનાવ તરીકે રજૂ થાત… ‘બેકારીને લીધે, કૌટુંબિક કંગાલિયતને લીધે એક યુવાને પીધેલું ઝેર!’ આવાં ‘હેડિંગ’ હેઠળ દુનિયા બધી મારા આપઘાતના ખબર વાંચત!’

‘પણ આવો નાહકનો પોકળ આભાસ, એવી છેતરપિંડી, આવી સંતાકૂકડીની રમત ક્યાં સુધી?’

‘જ્યાં સુધી શાંતિ અને સુખ ન મળે ત્યાં સુધી મારા જેવાઓ માટે આ જ છે… તું તો વેદિયો છે! બંધ કર તારો નીતિ-અનીતિનો લવારો!’

એ ખૂબ દૂર નીકળી આવ્યો હતો… પછી ટ્રામમાંયે બેસી ચૂક્યો હતો! ટ્રેનમાંથી ઊતરીને પોતાના ઘરની ઓસરીમાં જ્યારે તે આવી પહોંચ્યો ત્યારે અંધારા ખૂણામાંથી કૂતરાઓ ભસતા ભસતા તેની સામે આવ્યા!

તેણે પોતાના ઘરનું કમાડ ખખડાવ્યું. અંદરથી કંઈ જવાબ જડ્યો નહીં.

એણે જોરથી ધક્કો માર્યો! બારણું ઊગડી ગયું! એક ખાટલા પર તેની સ્ત્રી પ્રાણવિહીન દેહ સાથે નિશ્ચેતન પડી રહી! પાસેની ચોકડીમાં સવારનો એંઠવાડ એમનો એમ પડ્યો હતો! બે ઉંદરોએ પોતાનું રાત્રિભોજન શરૂ કર્યું હતું!

પદ્માના ચેતનવિહીન દેહની પાસે જ અશોક સૂતો હતો… પણ થોડી જ પળો વીતી નહીં હોય ત્યાં તો કોકિલા જાગી ઊઠી! એણે એનું કારમું રુદન શરૂ કર્યું… અશોકે એમાં સાદ પુરાવ્યો!

રતિલાલે બારણું ખોલી નાખ્યું. ‘જરા હવા તો આવવા દો!’ એ બબડ્યો!

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.