વટ

દાના મહેતરનો બોલ ગણેશ મહેતરને રૂંવે રૂંવે વ્યાપી ગયો. આખી જિંદગીમાં આવું મહેણું એણે કોઈનું ખાધું ન હતું, પરંતુ દાનાનો બોલ એવો હતો કે, ગણેશને સહ્યે જ છૂટકો.

મહેતરવાસમાં બે પાડિયાં હતાંઃ એક દાના મહેતરનું પાડિયું, ને બીજું ગણેશ મહેતરનું. વળી એ બે ભાગ બીજા નામથી પણ ઓળખાતાઃ વીરા બાપાવાળા અને જેશંગ મોટાવાળા. અને એ નામ ગામની પાટીદાર વસ્તીની બે પાટીઓ ઉપરથી મહેતરોએ પાડ્યું હતું. ગામની પાટીદારની સો ઘરની વસ્તી મૂળે તો એક જ બાપની પ્રજા હતી પરંતુ બે ભાઈઓનો એ વસ્તાર, એના મૂળ પુરુષ વીરાભાઈ અને જેશંગભાઈ ઉપરથી વીરા બાપાવાળા અને જેશંગ મોટાવાળાના નામે ઓળખાતો. અને એ જ નામ મહેતરની બે પાર્ટીઓએ પણ સ્વીકારી લીધું હતું. દાના મહેતરનો ભાગ વીરા બાપાવાળાના કુટુંબવાળા પાટીદારોનો મહેતર ગણાતો, અને ગણેશ મહેતરનો ભાગ જેશંગ મોટાવાળાનો વણકર ગણાતો.

પાટીદારોનાં એ બંને કુટુંબ એક હોવા છતાં, વીરા બાપાવાળા મોટા ભાઈની પ્રજા હતી એટલે પોતાને જેશંગ મોટાના ભાગ કરતાં ઊંચ ગણતી હતી. વળી ખાધેપીધે પણ એ ભાગ વધારે લીલો હતો, એટલે એમની એ મોટાઈનું અહમ્ ગામમાં પોષાતું પણ ખરું.

અને જેમ પાટીદારોમાં મોટાઈની હૂંસાતૂંસી હતી તેમ મહેતરવાસમાં પણ હતી. દાના મહેતરનો ભાગ પોતાને વીરા બાપાનો હોવાથી મોટો માનતો હતો, જ્યારે બીજી બાજુ ગણેશ મહેતરનો ભાગ કમાણીમાં આગળ હતો એટલે એમની નાતમાં એ આગળ પડતો ગણાતો હતો. છતાં એમની મોટાઈ ગામમાં તો દાના મહેતરવાળા ચાલવા દેતા નહિ.

આ ખેંચતાણ, પહેલાં તો કણ જાણે એટલી હે હોય તો, બાકી છેલ્લાં દસ વર્ષથી આ બે ભાગમાં જૂના આગેવાન મરી જતાં, દાના ગણેશના વખતમાં વધતી જતી હતી.

એ દશ વર્ષના ગાળાની વાતમાંથી જ દાનાએ ગણેશને બોલ માર્યો હતો.

વાત જોવા જાય તો આજના માણસોને તો કંઈ અસર જ ન થાય પરંતુ ગઈ કાલનાં આ માનવીઓના ઘાણને બ્રહ્માની ભઠ્ઠીમાંથી પકવી બહાર કાઢ્યા પછી સહેજ વધુ પડતું પાણી પવાઈ ગયું હતું; જેથી વધારે પાણીવાળાં એ માનવી સહેજ પણ ટકોરો ખમી શકતાં નહિ.

સામાન્ય રીતે પાટીદારના જે ભાગમાં લગ્નમરણ પ્રસંગે જમણવાર હોય ત્યારે એના ભાગના મહેતરવાસને જમણનો લહાવો મળતો. પરંતુ જ્યારે એવો કોઈ પ્રસંગ જાસાંતાસાંથી ઊજવાય ત્યારે ગામની અઢારે વરણને જમવાનું મળતું.

એવો એક મરણનો પ્રસંગ વીરા બાપાના ભાગમાં ઊજવાયો હતો. બધા મહેતર જમીને વાસની વચ્ચે લીમડાના ઓટલા ઉપર બેસીને હુક્કાઓ પીતા હતા. અલકમલકની વાતો ચાલતી હતી. તેમાંથી પોતાના પટેલોની વાત નીકળી.

અને દાનાના લોહીમાં અભિમાન ઊછળી આવ્યુંઃ ‘ગણેશ મહેતર! અલ્યા, કીધું’તું ને તારો ભાગ ગમે તેટલી મોટા મોટી વાતો કરો, પણ અમારા પટલને ઘેરઆ હોતા તમે ત્રણ વખત જમ્યા. અને દસ વરસમાં બતાવ એકેય વખત જો અમે તારા પટેલને ઘેર મોં ગળ્યું કર્યું હોય તો!’

ગણેશ મહેતરના પેટમાં ગયેલી ધુમાડી વિચારના વમળમાં ન વમળમાં અંદર જ અટવાઈ ગઈ. ગણેશથી કાંઈ સામો જવાબ અપાય તેમ હતો જ નહિ. એના પટેલોમાં – જેશંગ મોટાવાળામાં સાચે જ છેલ્લાં દસ વર્ષમાં એક પણ પ્રસંગ સમગ્ર ગામ જમ્યાનો બન્યો ન હતો. એને કારી ઘા લાગ્યોઃ મારા પટલને ઘેર આવો પ્રસંગ ન થયો ત્યારે મારે મહેણું સાંભળવું પડ્યું ને?

પણ એનો ઘા તે વખતે ખમી લઈને ગણેશ મહેતરે મનમાં ગાંઠ વાળી. એ રાત્રે તો ગણેશને ત્યારે જ ઊંઘ આવી કે, જ્યારે એના મને એમ નક્કી કરી નાખ્યુંઃ ‘હવે કોઈ એવો પ્રસંગ આવે તો મારા પટલને પાછા ન પડવા દઉં, ગામ કરાવું ત્યારે જ જંપું!’

*

પ્રભુની માયા, તે દોઢ જ મહિનો એ વાતને વીત્યો અને જેશંગ મોટાના કુટુંબમાંથી પંચોતેર વર્ષના વસ્તા પટેલ દેવ થયા; પરંતુ સ્થિતિ એવી કે ગામ તો શું પણ કુટુંબેય ન જમાડી શકે! એ તો ગયા, પણ એમના એકના એક દીકરા મોહનને મોટો ધ્રાસકો પડ્યોઃ ‘બાપ ગયાના આઘાત કરતાંય મોટો ધ્રાસકો પડ્યો, અને તે બારમું શી રીતે કરાશે તેનો!’

બપોરે એમને અગ્નિદાહ દઈને આવ્યા પછી ટાઢો પહોર થતાં મોહન બળદ લઈને ખેતર જવા તૈયાર થયો. ખડકીની બહાર માથે બાપના સૂતકનું ઓઢીને એ નીકળ્યો ત્યાં સામે ગણેશ મહેતર મળ્યો. એના પગ થંભી ગયા. ગળગળો થઈ જતાં એણે વસ્તા પટેલના મોતનો શોક દર્શાવ્યો.

અને સજળ આંખે ગણેશ મહેતરે કહ્યુંઃ ‘મોહન મોટા! હું તમને બે વાનાં કહેવા આવતો’તો.’

‘શાં?’

ગણેશ મહેતરે પગ ઉપાડતાં કહ્યુંઃ ‘એમ અધવચાળે રસ્તામાં શું કહું? ચાલો ને, હુંય તમારી જોડે ખેતરમાં જ આવું છું. ત્યાં વાત પણ મોકળાશથી થશે.’

મોહનને કલ્પના પણ નહોતી આવતી કે આ મહેતરને વળી મને બે વાનાં શાં કહેવાં હશે! ડચકારો કરીને, બળદનું પૂંછડું ઝાલીને મોહને બળદને ઝડપમાં ચલાવ્યો. એણે પણ પગ જોરમાં ઉપાડ્યો.

ગણેશના પગમાં તો વેગ માતો જ ન હતો! ખેતર તળાવની પાળ ઉપર હતું. એમાં પેસી ઝાંપલી બંધ કરતાં ગણેશે શરૂઆત કરીઃ ‘મોટા! આ વખતે નીચું ઘાલી જવાનું નથી, હોં કે!’

મોહનને હજુ વાતની ગંધ આવી ન હતી. એણે પૂછ્યુંઃ ‘અરે ગણેશ મહેતર! આજ ગાંડો થયો છે કે શું?’

એ પ્રશ્નને ગળી જતાં ગણેશ બોલ્યોઃ ‘વસ્તા બાપા ખાઈપીને અને ઘરની વાડીનો વેલો ખીલેલો જોઈને ગયા છે. તમારેય ભગવાનના આલ્યા ત્રણ દીકરા છે. સિત્તેર કરતાંય વધારે ઉંમરના થઈને બાપા ગયા છે. જેશંગ મોટાના કટમ પ્રમાણે એમની પાછળ ગામ કર્યા વગર ન ચાલે!’

ઓચિંતો માથામાં કોઈ ડાંગ મારે ને માણસ તમ્મર ખાઈને નીચે ગબડી પડે, તેમ મોહનના મગજે વિચારની તમ્મર ચડી ગઈ. ઘડીક તો જવાબ આપવાની સૂઝ પણ જતી રહી.

ગણેશ મહેતરે ઉમેર્યુંઃ ‘શું કીધું, મોટા? આ વખત બાપા પાછળ ગામ ના થાય તો જંશેગ મોટાના કટમનું નાક જાય!’

મોહન સ્વસ્થ થતાં બોલ્યોઃ ‘ગણેશ મહેતર! કંઈ ફટકી તો નથી ગ્યું ને?’

માથા ઉપર બે-ત્રણ ટપલી મારી, મગજ સાબધું છે તેની ખાતરી આપતાં ગણેશે કહ્યુંઃ ‘મગજ તો, મોટા! સાબૂત છે. પણ ક્યારે ફાટી જાય એ શું કહેવાય?’

‘એટલે?’

ગણેશ મહેતરે વાત વધુ ન લોચાવતાં દાના મહેતર સાથેનો પ્રસંગ કહી સંભળાવ્યો.

મોહને એ સાંભળી રહેતાં કહ્યુંઃ ‘એ તો ખરું, પણ મારું ગજું…’

વચ્ચે ગણેશ મહેતર બોલ્યોઃ ‘એ મારું અજાણ્યું ઓછું છે, મોટા?’

‘તો?’

‘એની તમારે ફકર ના રાખવી!’

‘એટલે?’

‘એકથી પાંચ હજાર સુધી, જેટલા જોઈશે તેટલા એકી કલમે હું ગણી આપીશ!’

મહેતરની આંખો સામે મોહન ઘડીભર તાકી રહ્યો.

ગણેશે કહ્યુંઃ ‘તે મોટા! પાછા લેવાની દાનત હોય એને ભરમાણી માતા પૂછે!’

મોહનના મને મોતી પરોવ્યાંઃ ‘બારોબાર પારકે પૈસે જશ લેવાનો લહાવો આવ્યો કે શું?’

વળી મન પાછું પડ્યુંઃ ‘મહેતરના પૈસા લઈને બાપ પાછળ ગામ કરું? સાત પેઢીની લાજ જાય કે બીજું?’

મોહનને મૂંગો રહેલો જોઈ ગણેશ મહેતરને જંપ ન વળ્યો. એ બોલ્યોઃ ‘જુઓ, મોટા! તમે ના કે’શો તે હું માનવાનો નથી. એક વખત તમારા બેઉ ભાગને ભેગા કરો. કાગળિયું કરાવો. કેટલો આંકડો થશે તે મને કે’જો.’ અને સહેજ થંભી એણે કહ્યુંઃ ‘વાતનું પેટમાંથી પાણી હાલવા દઉં તો બે બાપનો કે’જો.’

મોહને બોલવા મોં ઉઘાડ્યુંઃ ‘પણ… પણ…’

‘મોટા!’ તમારા રુદિયામાં એ મારા રુદિયામાં. જેશંગ મોટાના કટમનું નાક કપાય તેવું હું ના કરું. મહેતરના પૈસા લઈને કર્યું એમ જણાય ત્યારે કટમની અડખ (ઉપનામ) પડી જાય, એ મારી જાણ બા’ર નથી.’

મોહનના મોંમાં પણ પાણી આવ્યું.

ગણેશ મહેતર આગળ બોલ્યોઃ ‘તમતમારે કે’શો ત્યારે આ ખેતરમાં દૂધાં ઠાલવી જઈશ.’

તે વખતે બાબાશાહી રૂપિયા મોટી મોટી દૂધીને સૂકવી નાખી, તમાંથી ગર્ભ કાઢી નાખી, એના ખોખામાં ભરવામાં આવતાઃ દૂધીની કોથળીઓ!

વસ્તા બાપા પાછળ આખું ગામ! મોહનનું પાટીદારિયા લોહી જાગી ઊઠ્યું. ગણેશ મહેતર ગામના શેઠ-શાહુકાર કરતાં વધારે લીલો હતો, એમ વાતો તો થતી જ. એટલે મોહનને એવું કહેવું હસવા જેવું ન જ લાગ્યું. અને ઉપરથી એટલી મોટી રકમ આવ્યા પછી, પાછી લેવાની દાનત ન હતી કે વાતની ગંધ પણ બહાર આવવા દેવાની વાત ન હતી.

મોહનના અભિમાનના કેડિયાની કસો પૂરેપૂરી ફાટી ગઈ. એણે કહ્યુંઃ ‘ગણેશ મહેતર! જોજો હોં, પાછું મારે મરવા વખત ન આવે!’

ગણેશ પાછો ભગત હતો. બારણે કાયમ તુલસીનો છોડ રાખતો. એ તુલસીને યાદ કરતાં એ બોલ્યોઃ ‘અરે, મારા બાપ! તમે એ શું બોલ્યા! તમારા પહેલાં મારે મરવું પડે.’ અને સહેજ રહીને એણે ઉમેર્યુંઃ ‘તુલસીના સમ જો એમાં મીનમેખ થાય તો!’

તૃપ્તિનો ઓડકાર આવે તેમ મોહનને ઘચરકું આવ્યું.

કંઈ વાત રહી ગયેલી યાદ આવી હોય તેમ ગણેશ મહેતરે પાછું કહ્યુંઃ ‘ભૂલ્યો પાછો હું તો. અરે! આખું કોળું શાકમાં જતું રે’તું’તું ને!’

‘શું?’ મોહનને હવે ચટપટી શરૂ થઈ ગઈ હતી.

‘જુઓ, વીરા બાપાવાળાના કટમ પ્રમાણે આપણે લાડવા નથી કરવા…’

‘ત્યારે?’ મોહને પૂછ્યું.

‘કંસાર અને ઉપર ઘી!’

મોહનના બાપનું એમાં શું જવાનું હતું? એને તો ઊલટો વધુ જુસ્સો આવ્યો. એણે કહ્યુંઃ ‘તમારો એવો વિચાર હશે તો એમ.’

‘પણ એક શરત!’ ગણેશ મહેતરે મોહનની સામે તીક્ષ્ણ દૃષ્ટિ કરતાં કહ્યુંઃ

મોહનને થયુંઃ મારો બેટો કંઈ પાછો ખસે છે કે શું? અને એ ભાવથી સહેજ ઊંચા થતાં એણે પૂછ્યુંઃ ‘શી શરત?’

ટટાર થતાં ગણેશ મહેતરે કહ્યુંઃ ‘એમાં પા ટકો અણીપૂણી ના થવી જોઈએ.’ અને ઊંડો શ્વાસ લઈને એણે મનનો ભાવ જણાવ્યોઃ ‘અને બધા મહેતર જમવા બેસીએ ત્યારે ઘીની વાઢી લેઈને પીરસવા તમારે આવવાનું. દાનાના બાજમાં હું ના કહું ત્યાં સુધી ઘી પીરસ્યા જ કરવું.’ ને ભાર દઈને એ બોલ્યોઃ ‘ભોંયે રેલો જાય તોય પાછું વળીને જોવાનું જ નહિ. હું ઇશારો કરું ત્યારે જ વાઢી વાળી લેવી.’

વસ્તા પટેલને દેવ થયાં પાંચ દહાડા થયા અને આજ છઠ્ઠનું પરભાત હતું ત્યાં ધૂળા રાતે પાટીદારના બેઉ ભાગમાં સાદ પાડ્યો. આ સાદ ગામ કરવાનું હોય ત્યારે જ પડતો. તે દહાડે બેઉ ભાગના ભાયાતો ભેગા થતા. નાતની કૂલઝપટ દીકરીઓને બારસની ચિઠ્ઠીઓ લખાતી. સરસામાન લાવવાની યાદી તૈયાર થતી.

એ સાદ સાંભળતાં દરેકને ધરતી ફાટી કે શું, એવો અચંબો થયો. વસ્તા પટેલ પાછળ કુટુંબ મોં ગળ્યું કરશે કે કેમ એની જ્યાં શંકા હતી ત્યાં ગામનો સાદ!

જે હોય તે ધૂળા રાતને તોડી ખાયઃ ‘અલ્યા, તેં ભાંગબાંગ તો નથી પીધી ને?’

એકબે ઠાવકા આગેવાન મોહનને ઘેર જઈ, એને ખાનગીમાં પૂછી ખાતરી પણ કરી આવ્યા. નગારા ઉપર દાંડી પિટાય તેમ છાતી ઉપર હાથ ઠોકીને મોહન દરેકને ખાતરી આપતોઃ ‘એ સારુ તે બાપા, ખાધાપીધા વગર ભેગું કરતા ગયા છે. મરતી વખતે કહેતા ગયા છે કે મારી પાછળ કસર ના રહે!’

વહાણનું સુકાન ફરે તેમ દરેકના વિચાર ફર્યા.

આધેડ કહેતાઃ ‘વસ્તાએ ખરી કરી. આખી જિંદગી રોટલો ને મરચું ખાધું; કને ટકો છે એ મરતાં સુધી જાણવા ન દીધું; અને મારો બેટો બધાંને બનાવી ગયો!’

જુવાનિયા હસવા લાગ્યાઃ ‘શું દાઈડ માણસનો જીવ છે! જાતે ખાધું નહિ, પીધું નહિ, ને મર્યા પછી વાપરવા ભેગું કર કર કર્યું!’

બૈરાં કહેતાંઃ ‘આનું નામ તે જીવી જાણ્યું. પોતે ખાયપીએ તેમાં શું વળ્યું? પણ કટમનાં, ગામનાં છોકરાંને મોઢે, ગરીબગરબાંને મોઢે અને કૂતરાંને મોઢે જાય ત્યારે એનું નામ પેદા કર્યું કહેવાય!’

નાતના ડેલામાં જોતજોતામાં માણસ ચિકાર થઈ ગયું. કોઈ વખત નહોતું ભરાયું તેટલું માણસ આવ્યું. દરેકના કુતૂહલનો પાર ન હતો. અંદર સમાવેશ થાય એવો ન રહ્યો એટલે મોહને ધૂળા રાતને બૂમ પાડતાં કહ્યુંઃ ‘જા અલ્યા, ઘેરથી આથર લેઈ આવ. બહાર પથરાય એટલે બધાંને નિરાંતે બેસતાં ફાવે.’

મોહનને જાણે આજ દરેક પહેલવહેલા જોતા હોય તેમ તાકી તાકીને જોયા કરતા હતા.

આવા પ્રસંગનો બધો કારભાર કરતા છગન પારેખે સરસામાનની યાદી કરવા હાથમાં કાગળ ને કલમ લીધાં.

મોહન એમની પાસે જઈને બેસતાં બોલ્યોઃ ‘પારેખકાકા! લાડુ સમજીને પાછું ચિતરામણ ના કરતા!’

‘ત્યારે?’

‘કંસાર ને છૂટું ઘી કરવાનું છે!’

‘હેં!’ ત્યાં બેઠેલા મોટા ભાગના માણસોનાં મોં ફાટી ગયાં.

વીરા બાપાના કુટુંબના ખંધા આગેવાનોએ મનમાં ને મનમાં હાથના પહોંચા કરડ્યાઃ ‘મારો બેટો વસ્તો! જતાં જતાં ખરું આપણા કટંબનું નાક કાપવાનો ઘાટ ઘડતો ગયો!’

થોડાંની આંખમાં લક્ષ્મીની કરકર આવી હોય તેમ એકાદ-બે જણ બોલી ઊઠ્યાઃ ‘મોહન! અલ્યા કહે તો ખરો, બાપા કેટલાક ભોંયમાં ભંડારતા ગયા છે?’

મોહન મૂછમાં હસીને કહેતોઃ ‘તમેય શું કાકા, મશ્કરી કરો છો? એમને એમનું થઈ રહે એટલે બસ!’

વસ્તા પટેલ ઉપર જાણે પૂરેપૂરી રીસ ચડી હોય તેમ છગન પારેખ અને બીજા પાંચ આગેવાન દાંત પીસીને યાદી તૈયાર કરવા લાગ્યા. જાણે એમના અંતરમાં વેરવૃત્તિ ન ઘૂંટાતી હોય! ‘આમેય મારો બેટો આપણને બનાવી ગયો, ત્યારે જે ચપટી મૂઠી સંઘર્યું હોય તે સાફ જ કરી મૂકો!’

યાદી મોહનના હાથમાં આપતાં છગન પારેખ બોલ્યાઃ ‘બહુ બહુ તો ત્રણથી સાડાત્રણમાં પતી જશે!’

મોહને યાદી ઉપર આંખ ફેરવતાં કહ્યુંઃ ‘ચાર હજાર થાય તોય કરવા બેઠા પછી કંઈ મોં ધોવા જવાય છે?’

બધા દાંત કચકચાવીને વિદાય થયા.

બપોરના બાર વાગ્યાથી જમણવાર માટે જે પંગતો પડ્યે જતી હતી, તે સાંજના સાડાચાર વાગ્યે ગામના મહેતરોનો વારો આવ્યો. ગણેશ મહેતર એના મનનો ઉમંગ બહાર જણાવા દીધા વગર વર્તન કરતો હતોઃ બધાંની વ્યવસ્થિત પંગત ગોઠવવાની, કોઈ રહી ગયું હોય તો સંભારવાની, માંદું હોય અને ન આવ્યું હોય તો એને માટે ભાણું લઈ જવાની; કંઈ કહેતા કંઈ કહેવત ન આવે તેની જવાબદારી ગણેશની હતી, કારણ કે એના પટેલને ઘેર અવસર હતો.

બધાંને પંગતમાં બેસાડી દીધાં, પોતાની યોજના પ્રમાણે દાના મહેતરને પોતાની સાથે પહેલો બેસાડ્યો.

પીરસવાનું શરૂ થયું.

ઘી પીરસવાનો વારો આવતાં મોહન પિત્તળની વાઢી લઈને આવ્યો.

‘ના, ના,’ મહેતર કહેતા જાય ને છતાં મોહન દરેકને આગ્રહ કરીને ઘી પીરસે છે. કોઈ કોઈ ‘બસ, બસ,’ કહેતાં બાજ ઉપર આડા હાથ દેતા છતાં ઘીની ધાર અટકતી નહિ.

દૂરથી દાના મહેતર વચ્ચે બોલી ઊઠતા હતા કે ‘નાહક ઘી શું કામ બગાડો છો?’

એમ કરતાં કરતાં, ગણેશ મહેતર જે ઘડીની આતુરતાપૂર્વક કેટલાય દિલસથી રાહ જોતો હતો તે પણ આવી પહોંચી. એની આંખે અધીરાઈથી મોહનને હેલાળો મારી આપ્યો.

મોહનને તો કહેવાનું જ શું હતું? એણે તો ભખ ભખ કરતી આખી વાઢી જ ઊંધી વાળે તેમ ઘી ધડધડાવ્યું.

‘બસ! બસ!’ કરતાં દાના મહેતરે આડા હાથ ધર્યા.

પણ ઘીની ધાર અટકે ત્યારે તો ગણેશ મહેતરની મહેચ્છા ધૂળમાં જ મળે સ્તો!

બાજમાંથી છેવટ ઘી રેલાઈ ભોંયે વહેલા લાગ્યું. દાનો મહેતર પોકારી ઊઠ્યોઃ ‘બસ, બાપા બસ! ઘી ભોંયે રેલાઈ હેંડ્યું, ખમા કરો હવે!’

ગણેશ મહેતરની પળ ભરાઈ ચૂકી. દાનાના વાંસામાં ઠોંસો મારતાં મારતાં એણે કહ્યુંઃ ‘ખા! ખા હવે પૂંછડા નીચે ઢેખાળો મૂકી ખવાય તેટલું! અમારા પટલ કંઈ તમારા પટલ જેવા ભિખારી નથી કે લાડવા વાળે!’

(માનતા, ૧૯૪૭)

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.