ઊંઘમાંથી એ ઊઠે છે ત્યારે એને એનું નામ યાદ નથી રહેતું. ગંધાતી ગોદડીના લીરાચીરામાંથી છૂટતી વાસ એને અજબ જાતની હૂંફ આપે છે અને પછી તો એને કશી વસ્તુની જરૂર નથી પડતી – નામનીય નહિ. પોતે હસ્તી ધરાવે છે એની પ્રતીતિ એને પોપચાં ખોલે છે, પટપટાવે છે કે તુરત થઈ જતાં વાર નથી લાગતી. એક જો આંખ ખોલીને પછીથી બીજું કશું કરવાનું મન નહોતું. એમને એમ અમસ્થા પડ્યા રહેવાનું વધુ ગમતું પણ કાંઈ કર્યા વગર છૂટકો નહોતો. ઘર બહાર નીકળવું એમને છાંયડેથી તડકે કાઢ્યા જેવું લાગતું. તડકો તેને ડામરની સડકની અને ડામરની સડક વતનની ભેંસની ખરબચડી ચામડી જેવી લાગતી તેથી કે. રામ હેર કટિંગ સલૂનની શોપે’ જાણે ભેંસ પર સ્વાર થઈ પહોંચી જતા!
‘હું મશીન થઈ ગયો કે શું?’
એ તિથિથી કે. રામ સૃષ્ટિની સ્થાવર-જંગમ મિલકતોને અને જડજચૈતન્ય સર્વકોઈને ઊંચાઈની પરિભાષામાં માપવા લાગ્યા. મકાનો ઊંચાં લાગે તે સમજાય, ઝૂંપડીઓ પણ તેમને ઊંચી લાગવા માંડી. પુલ ઊંચા ઊંચા લાગે તે બરાબર પણ ધીરે ધીરે ફૂટપાથ પણ ઊંચી ઊંચી જણાવા લાગી. પ્રાણીઓ અને પદાર્થો ઊંચાં દેખાવા લાગ્યાં. આંખ ખોલવાની એને આદત અસાધારણ જણાશે છતાં એવું છે એની ના તો કોઈથી નહિ ભણી શકાય.
એક વજનદાર પોપચાને કીકી પરથી ઊતરતું, ઉપાડી જોવાનું અને દરમ્યાન બીજું પોપચું ઊંચું થઈ જઈ દગો ના દે એ ક્રિયા વિરલ પરાક્રમ જેવી નથી જણાતી? કોઈથી પણ ભૂલચૂક થઈ જાય, ત્યારે એ તો ભૂલથી પણ એમ ન થવા દે.
એક આંખ નાટકની પ્રથમ ઘંટડીની જેમ ખૂલે, બધું ઝાંખું ધૂંધળું. અને એ દૃશ્ય માણ્યા પછી બીજી આંખ ખોલવાની પ્રથા એને સદી ગઈ હતી.
‘આવું કેમ કરે છે?’ એવું પથારીમાં પડ્યે પડ્યે એક વાર પોતાને પૂછેલું. એને અજાણ્યો એવો કદાચ જવાબ આવ્યો હતો કે, જાગતા જગતની સામે એક આંખ મીંચેલી રાખીને બીજી આંખને તાકતી રાખવાના લોકો ગેરસમજ થાય એવા ને એટલા અર્થો કરે છે.
‘અરથી’ જેવો શબ્દ સાંભરતાં એને પથારીમાંથી ઊભા થઈ નળે મોં ધોવાનું, કોગળા કરી કાગડાને ઉડાડવાનું અને દાતણ બાદ ઊલ ઉતારવાનું સૂઝ્યું અને એમ ને એમ ખુદનું નામ યાદ આવી ગયુંઃ રામ! કે. રામ કરતાં કેવળરામ કે રામચંદ્ર નામ હોત તો?
ગઈ રાતે જ કે. રામે શાહઆલમના મકબરાના કમાનદાર દરવાજા નીચે કાળા કપડામાં સજ્જ એવા ફકીર સાથે ચલમનો એક દમ લીધેલો અને કબીરવાણી અને સૂફી ફકીરની ભેદભરી કથાઓને ચુસ્ત ચાંદનીમાં સાકાર થતી નિહાળેલી. લાલ પથ્થરના દરવાજાથી મસ્જિદ સુધીના કાંકરાળા માર્ગે ઊભેલાં હારબંધ વૃક્ષોનાં પાંદડાંમાં નગીના મઢ્યા હોય એવો ચળકાટપૂર્ણ અવાજ કે. રામને હાલ પણ ચમકાવી ગયો.
જલદી જલદી મફલર વીંટી દાંતના સફેદ સારેગમ સૂર પર જીભને ફેલાવતા એમણે પથારી ઊફરી કરી લીધી. એમને કશું કરવાનું સૂઝતું નહોતું કેમકે એક વાર એવું બનેલું કે પુષ્કળ—કે. રામના શબ્દોમાં બ્રશના સાબુફીણ જેટલા તાપથી સૂરજ જમીન પર પુષ્કળ તૂટી પડેલો. દિવસ રજાનો હતો અને કે. રામ દુકાનને બદલે ખદબદતી સડક પર હતા. ક્યાંય છાંયાનો છાંટો પણ હોય તો એ ખોજમાં હતા. ખુલ્લા પગ અસ્ત્રાની ધાર પર આગળ વધતા હતા. ત્યાં એક જરા દૂ….૨ એક ભેંસને માર્ગ વચ્ચોવચ ઊભી રહેલી રામે દીઠી.
તડકાના લીધે નીલ રંગીન કાગળ પર કાળાધબ્બ રંગે નખશિખ ભેંસને ચિત્રવત્ છાપી હોય એવો સ્થિર પડછાયો ભાળી કે. રામ ત્યાં ગયા.
અને ત્યારે કે. રામને પહેલી વાર ખ્યાલ આવ્યો કે પોતે તો ઊંચી ભેંસના આંચળથી થોડાક જ ઊંચા હતા. ભેંશ કોઈ કાળા પથ્થરમાંથી કોતરી કાઢી હોય એમ થોડી વાર સુધી સ્થિર રહી. કે. રામને જરા હીચકારો થયો ના થયો ત્યાં તો ભેંસમાં જીવ આવ્યો, પડછાયો હાલ્યો અને એ આખાય ઓછાયાને ઊંચકીને એ ચાલતી થઈ. તંદ્રામાં બેઠેલા કે. રામે ઝબકીને જોયું તો પ્રાણીના જવાથી તે પોતાની છાયા સાથે નિર્જન માર્ગ પર એકલા રહી ગયા. જેનાથી ભાગતા હતા એ છાયાએ એક મેલી માતા કે દેવીની પેઠે કે. રામને એ દિવસથી પકડી લીધા. બળતા પગે એણે જાણે ઝળહળતા સત્યનું દર્શન કરી લીધું. પગ બળતા બંધ થઈ ગયા અને અન્યત્ર કશુંક સ્વાહા થવા માંડ્યું.
કે. રામની છાયા બરાબર ત્રણ ફૂટ હતી. ગણીને ત્રણ ફૂટ, ન ઓછી ન વધતી. પગરિક્ષાનું બસૂરું હૉર્ન ને રિક્ષાવાળાનો ઘાંટો – એ ભાઈ, જરા ‘દેખ કે ચલ’ કે. રામ ભાગ્યા પેટી સાથે વાસ ભણી. તે દિવસે તેમના મગજમાં શાળ ખાતાના અનેક સાંચા એકસાથે ખટાખટ ચાલતા રહ્યા. પાણી પીધું, ચા પીધી, ખાખી બીડીની સટ લીધી પણ સાંચા ચાલુ ને ચાલુ.
જરા મોટેથી બોલીને રહી ગયા? મનોમન કે. રામ નીચા ને નીચા થતા ચાલ્યા, કોઈ વાર તો એવો ભ્રમ થવા માંડ્યો કે પૂર્વની નીચી વસ્તુઓ પોતાના કરતાં હવે ઊંચી ઊંચી ભળાઈ. એ શ્વાસ લેતા ત્યારે પણ હબકથી વિચારી જોતા કે આજે શ્વાસ લઉં છું એ ઊંચો તો નહિ હોય, પણ શ્વાસ નાસિકા બહાર આવતો ત્યારે કે. રામને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે પોતાનો તો શ્વાસ કે નિશ્વાસ પણ ઊંચા નથી!
બે માળની બસ જોઈને એમને ચક્કર આવતા. ચક્કર ચઢતા ત્યારે લીલાલીલા રંગનાં વર્તુળો તેમની દૃષ્ટિને ઘેરી વળતાં અને એવાં રંગબેરંગી વર્તુળોની વચ્ચે સફેદ ચાક યા ખડીથી કાળા પાટિયા પર કરેલી મોટી ચોકડી કેટલીક વાર દેખાઈ જતી.
એક વેળા ખ્રિસ્તીઓના ચર્ચ આગળથી નીકળતાં કે. રામે દેવળની બહાર અચંબાથી જોયું તો એ ચોકડી ને એક બાજુ ઢળતી રાખીને કોઈક નિશાનને નિયોન લાઇટથી શણગારી મૂક્યું હતું. એ ક્રૉસ હતોપણ ક્રૉસને જોઈ કે. રામના ચિત્તમાં બે માળની લાલ લાલ બસો ગોળ ગોળ ઘૂમવા લાગી અને ફૂટપાથ પર આંખે હાથ દઈ બેસી પડ્યા. દેવળમાંથી પ્રાર્થનાના અને અનુવર્તી ઓરગનના ધ્વનિ કે. રામના કાનની લાંબી બૂટો સાથે પોપટની પાંખોની પેઠે અથડાવા લાગ્યા.
કચ કચ કચ. સંતોષકારક હેર કટિંગ સૂલનમાં કાતરોની કાબરોના એકસરખા ધીમા રવ આ સાંકડી શોપને બગીચામાં પલટી આપવાને સમર્થ હતા. કે. રામ અહીં જ નોકરી કરતા. જુવાન માલિક બહાર જાય એટલે કે. રામ ફિલ્મી ગીતો ઉપરથી ભજનોના સ્ટેશન ભણી રેડિયોના કાંટાને લઈ જતા.
અને એમ ઘરાકો ઘટવા લાગ્યા. ઘરાકી કે. રામ માનતા એમ એમની કેંચી કટિંગના કસબ કરતાં, ફિલ્મી ગીતોની ફરમાયશ પર નભતી અને વધતી એ એમના ખ્યાલોના ખેતરમાં કદી ઊગેલું નહિ.
બીજી પણ એક વિશેષતા હતી જે આખા શહેરની કોઈ શોપમાં નહોતી. ગ્રાહકો માટે તો ‘પુશ બૅક’, સુંવાળી, ગાદીદાર ખુરશીઓ બધે હોય, પણ અહીં તો એક આ કારીગર માટેય લોખંડની નાની ખુરશી હતી.
કે. રામની ઊંચાઈ કુલ મિલાવીને સલૂનની ખુરશીના હાથા લગી માંડ પહોંચે. નીચે ઊભા ઊભા એ હાથ ઊંચો કરે તો માંડ ગ્રાહકની દાઢી સુધી આવે.
એક ગ્રાહકે તો એવું કહેલું પણ ખરું, ‘કે. રામ! આજના રાજકરણીઓની જેમ સિંહાસન જેવી તમારી ખુરશી ખેસવી લઉં, તમે ભોંય ઊભા રહી હાથ લંબાવો તો ખબર પડે કે મને કેટલે આવી રહો છો.’ મજાકમાં કે. રામ ખુરશી પરથી હેઠા ઊતરી ગયા, હાથ ઊંચો કર્યો તો પેલાએ હાથને દાઢી પર ખેંચી લેતાં કહ્યું, ‘રામે મારી દાઢીમાં હાથ નાંખ્યો!’ પણ એ દિવસથી કોણ જાણે શું થયું તે કે. રામની પડતીનો ચંદ્રમા શોપનાં દર્પણોમાં પૂર્ણિમા ઊજવવા માંડ્યો!
એક ઘરાકને મૂછો પર અસ્ત્રો અડી ગયો, લોહી ધગધગ વહેવા લાગ્યું, કે. રામ ફટકડી લગાવે રાખે, પાવડરનાં ટપકાં કર્યે રાખે, પણ લોહી તો નીક પડી ગયા પછી ચોમાસામાં પાણી નીકળે તેમ ફૂટ્યે જ જાય. કે. રામ ગભરાયા. દુકાનમાં એકલા હતા, અરીસા હતા, અગરબત્તી હતી, ઘરાક હતો, થોડી ચકલીઓ હતી એટલે પાન ખાવા ગયેલા જોડીદાર કારીગરને બોલાવવા ખુરશી પરથી ઊતરવા જતા હતા ત્યાં ઊંચી થયેલી ખીલી જેવું લૂગડા સાથે કાંઈક ભરાણું અને ખુરશી સાથે કેદ કે. રામ થયા ભોંયભેગા. લોહી ફૂટેલું તોય અને અટકતું નહોતું તોય ઘરાક કે. રામની હાલત અને દેદાર જોઈ હસ્યો, ખૂબ હસ્યો. એટલું હસ્યો કે, કે. રામને આઘાતને સ્થાને આશ્ચર્ય થયું.
આ સાહેબ ત્રણ મહિનાથી હસતા બંધ થઈ ગયેલા. એમની પ્રિય પત્ની બે’ક મહિના અગાઉ ગુજરી ગયેલી એ બિના પણ એમને ગંભીર ના રાખી શકી. કે. રામ ગ્રાહકને પ્રિય એટલા માટે હતા કે પેલા એમના તરફ સમભાવ બતાવે એ પૂર્વે કે. રામ તેમની બાજુથી સહાનુભૂતિનો શુભારંભ કરી દેતા.
દાખલા તરીકે જ્યારથી પેલા ભાઈસાહેબની સ્ત્રીના કરુણ મોતના સમાચાર સાંભળ્યા ત્યારથી શોક પાળતા હોય એમ ચાલુ રેડિયો બંધ કરી આખી શોપને શોક પળાવતા! સ્ટૂલ પરનાં ફિલ્મી સામયિકો ઉઠાવી અને ગંગાવતરણના ત્રિરંગી ફોટાની પાછળ એ મૂકી દેતા.
અને એ જ ઘરાક કે. રામના પડતા ઉપર પાટુ પ્રમાણે હસતો હતો. ચામડાના પટા પર એ સ્ત્રીની જેમ જીભને દાંત પર પ્રભાતની માફક દાંતના પાછલા ભાગે ફેરવી કે. રામે હિન્દીમાં હંકાર્યું, ‘ઇસમેં હસતે કાયકો? હમ ભી કુછ સમજતા હૈ.’ આ પછી તો પેલો ઔર હસવા લાગ્યો, પેટ દબાવી કોચલું વળીને હસવા લાગ્યો. વાદળી નેપ્કિન પર સાબુનું ધોળું ફીણ તેમજ લાલ હિંગળોક જેવું લોહી ફેલાયું.
હવે કે. રામથી ના જિરવાયું. ખુરશી પાછળની માથાને ટેકાવતી દંડી પાડી નાખી અને બોલ્યા, ‘ઊઠો, દાઢી નથી કરવી, ચલે જાઓ.’
ગ્રાહકે પછી શું કર્યું, માલિકે શું કહ્યું એની ખબર નથી. કે. રામે કેવળ રામના આશરે સલૂન છોડી દઈ હારબંધ લાટીઓમાં પેટી લઈ સ્વતંત્ર ફરવા માંડ્યું.
જે દહાડે તેમણે શોપ છોડી એ દિવસે જ ઊંચી એડીના બૂટનું તેમણે ‘પરમાણું’ આપેલું અને બે દિવસમાં તૈયાર જોઈએ. એવો વટથી ઓર્ડર આપેલો.
ઘરાકનો હસવામાં કશો વાંક હતો નહિ, આવેગમાં પોતે નોકરી મેલી ચાલતા થયા એ બરાબર હતું કે નહિ અને દસ વરસની ચાલુ નોકરીના પગારની નિયમિત નિરાંત હવે પછીની જિંદગીમાં મળશે કે નહિ એવું કશું વિચારવા યા વિમાસવાની તેમની તૈયારી નહોતી. કહી શકાય કે તેમની એવી કશી ઇચ્છા જ નહોતી. એટલા માટે જ કદાચ એ રાતે નવથી બારના શોમાં ફિલ્મ જોઈ આવ્યા. પરંતુ ફિલ્મ જોઈને થિયેટર બહાર આવતાં સવારને બદલે એ એમનું નામ ભૂલી ગયા! કોઈકે કે. રામને ઓળખીતા સમજી બીજા નામે બોલાવ્યા. એ ના બોલ્યા ત્યારે પેલાએ ખરેખાત નામ પૂછ્યું ત્યારે જવાબમાં ખુદનું નામ કહેતાં વાર કરી, ખચકાયેલા.
ફિલ્મ જોતા કે. રામને કોઈકે માથા પાછળ ટપલી મારેલી. પાછું ફરી જોયું તો કોઈ લફંગા જેવો લઘુ માણસ સિસોટીઓ બોલાવતો હીહી કરતો હસતો હતો. કે. રામને મુખે ‘હિ-જ’ ગાળ જેવો શબ્દ આવેલો પણ એ ગળી ગયા. ઊંચા પરદા પર એકી આંખે ફિલ્મ જોતાં બોચી દુખવા લાગી, જે પેલાની ટપલીથી ખરેખર ચચરી ઊઠી હતી.
બીજી સવારે બીડી પેટાવી, માચીસ પેટીમાં કેટલી કાંડી રહી એનો અંદાજ લગાવતા એ લાટીમાં ગયા ત્યાં બીડીની ધૂણીમાં તેમણે સૂમસામ પડેલા લાટીના લક્કડ કાપુ પટાદાર મશીન નીચેના ચોખ્ખા ચણક ખાડામાં રાતા ગવનમાં શોભતી એક પ્રૌઢા પણ સુંદર ઔરતને દીઠી. કે. રામની આંખો જે પાંત્રીસ સાલની હતી એ એકાએક પંદર વરસની થઈ ગઈ. બાળપણમાં રમેલી કાચની લકટીઓ સરકતી સરકતી એ અંધારી ગલીમાં પડી જતી દેખાઈ.
જાહેર માર્ગ પરથી એક વરઘોડો પસાર થતો હતો. વાજાના ભૂંગળાના પાછળથી થતા ભોં ભોં અવાજો કે. રામની હસ્તીને ધક્કો મારવા માંડ્યા. એ એમનું નામ વીસરી ગયા. લબડતા લાંબા લાંબા પટ્ટા, ઊંચું કાળું મશીન, ખાડામાં પડેલા લીલા લીલા વ્હેરનો ઢગ, રાતા ગવનની જાણે ચૂંદડી, નોતરું દેતી આંખો-અચાનક કે. રામને સાંભરી આવી એમની ઓરમાન મા – જે છતા ધણીએ નાતરે નાસી નીકળેલી!
મશીન આગળની પ્રૌઢા રૂપા સ્ત્રીનો હાથ એના લાલમલાલ અધોવસ્ત્ર પર હતો અને એના પર થોડીક માખીઓ નીરવપણે ફરતી હતી.
કે. રામને થયું કે પોતે ખરેખાત માખી બની ગયો છે અને પેલા લાલમલાલ વસ્ત્ર વચ્ચે સીવેલાં આભલાંના આયનામાં અટવાઈ ગયો છે.
હજામતની પેટીમાં અસ્ત્રો છે, એ ખ્યાલથી કે. રામ ધૂજી ઊઠ્યો. છરીથી બોકડા વધેરાતા એણે એક વાર દીઠેલા. સામેની સ્ત્રીના લૂગડામાંથી લોહી વહી રહ્યું છે, પેલા ઘરાકની દાઢીનું લોહી સાંભળ્યું… એની મૃત પત્નીનું સ્મરણ સળવળ્યું.. એ જાગ્યો ને બોલ્યો:
‘જય મા!’