સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ

લાઇન ક્લિયરના ડંકાના ભ્રમે સાંધાવાળા જેઠાલાલ ગોરધન ભળકડે પથારીમાં બેઠા થઈ ગયા. ‘હરિ ઓમ્ તત્સત્-હરિ ઓમ્ તત્સત્’ બે વાર બોલી જવાયું. ગોળામાંથી લોટો ભરીને ઓસરીની કોરે ઊભા રહી મોં ધોયું અને ગમછાથી લૂછ્યું. ઓશીકે પડેલી યુનિફૉર્મની ટોપી ઝાટકીને પહેરી અને શિયાળો નહોતો તોય માથે કચકચાવીને મફલર બાંધ્યું. સાંધાવાળા જેઠાલાલ ગોરધન સેફ્ટીમાં માને છે. ઘરમાં હજી બધાં સૂતાં હતાં.

પરોઢનો અજવાસ ફળીમાં ફેલાયો હતો, ઘરમાં પ્રવેશ્યો નહોતો. બારણે લટકતા ફાનસનો ફોટો મેશથી કાળો થઈ ગયો હતો. ફળીમાં દીવાલ પાસે લીલથી કાળી પડી ગયેલી, સ્ટેશનની વૉટરહટમાંથી કાઢી નાખેલી પાણીની નાંદ અડધી દાટેલી હતી. નાંદની પડખે ભીંતમાં ખોડેલા જાડા ખીલે એક જૂનું ડબલું ટીંગાતું હતું. ખીલો પાટાને સ્લિપર સાથે જકડી રાખવા ઉપયોગમાં લેવાય છે. રેલવે પ્રોપર્ટી ઘરમાં રાખવી નહીં, એવા સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કરતા જેઠાલાલ ગોરધનને મજબૂરીવશ એ ખીલો દીવાલમાં ધરબવો પડ્યો હતો. જેઠાલાલ ગોરધન એક વાર સિગ્નલ પેટાવવા જતા હતા, ત્યારે તેમણે આ ખીલો બે પાટાના સાંધા વચ્ચે ખોસેલો જોયો હતો. કોઈએ ગાડી ઉથલાવવાનું કાવતરું કર્યું છે તેમ જાણી પહેલાં તો જેઠાલાલ ગોરધનને પરસેવો વળી ગયો હતો, પરંતુ પછી જેઠાલાલ ગોરધનને ખ્યાલ આવ્યો કે ભરવાડના છોકરાઓએ રમત-રમતમાં પાટા વચ્ચે ખીલો સલવાડી દીધો છે. આ ઘટનાનો સ્ટેશનમાસ્તરને રિપોર્ટ કરવાની એમની ફરજ છે, એવું એમણે વિચારેલું. પણ તેમ કરવા જતાં સ્ટેશનમાસ્તર એ બાબતને ટ્રેન ઉથલાવવાનું કોઈ ભાંગફોડિયાનું કાવતરું જ ઠરાવત. એટલે કે એ ઘટના સેબોટેજ ગણાઈ જાત અને સમયસૂચકતાપૂર્વક ઍક્સિડન્ટ અટકાવવા બદલ જેઠાલાલ ગોરધનને મેરિટ સર્ટિફિકેટ અથવા બહુ બહુ તો વર્ષાન્તે રૂપિયા પચીસનો કૅશ ઍવૉર્ડ અપાત. પરંતુ ઇન્કવાયરીનાં લફરાંમાં અમથું કોણ પડે – તેમ વિચારી જેઠાલાલ ગોરધને એ ઘટનાને થોડાં વર્ષો પૂર્વે સેબોટેજને બદલે ગોવાળિયાઓની રમત જ રહેવા દીધી હતી અને ચૂપચાપ ખીલો કાઢી લીધેલો અને ઘેર આવી ચૂપચાપ વંડીએ ધરબી દીધેલો.

દિશાએ જવાનું પેલું કટાયેલ, વાંકું, ઘોબાળું ડબલું જેઠાલાલ ગોરધનને અગાઉ એક જુવાન સ્ટેશનમાસ્તરની ઘરવાળીએ સપ્રેમ આપેલું. સ્ટેશનમાસ્તરની જુવાન પત્નીને ધાવણ સુકાઈ જવાથી બાળક દૂધના પાઉડર ઉપર જ નભતું હતું. દૂધના ખાલી ડબ્બાઓથી અભરાઈઓ ખીચોખીચ ભરાઈ ગઈ હતી, તેથી નાછૂટકે સ્ટેશનમાસ્તરની ઘરવાળીએ બધા સાંધાવાળાને બોલાવીને, ચહેરા પર ભવ્ય ઉદારતા ધારણ કરી એકેક ડબ્બો આપેલો.

નાંદમાંથી બેચાર લોટા ડબલામાં રેડી જેઠાલાલ ગોરધને પગમાં જોડા ઘાલતાં દિશાએ જવાની તૈયારી કરી. ચા પીધી હોય તો પેટ સાફ આવત – એવો વિચાર આવ્યો, પણ – મોડું થઈ જાશે – એવું વિચારતાં જેઠાલાલ ગોરધન ડેલી બહાર જતા જતા ઘરવાળીને સાદ દેતા ગયા, – ’એલા… ઊઠજે…ને સગડી પેટાવી ચા મેલજે… હંમણે સોંપટ્ય આવ્યો…’

ટ્રેક પડખેની કેડીએ ચડતાં જેઠાલાલ ગોરધને ટેવવશ પગાર આડે કેટલા દિવસ રહ્યા તેની ગણતરી માંડી : આજ, માળું, કઈ તારીખ થઈ… પચીસથી અઠ્ઠાવીસ રજા ભોગવી… ઓગણત્રીસમીએ ડ્યૂટી રિઝ્યુમ કરી… ઓગણત્રીસ, ત્રીસ બે દિ’ છથી અઢારની પાળી કરી… ને… આજે…? બરાબર… આજે થઈ એકત્રીસ… અને વરસ દિ’થી જે તારીખનું રટણ મનમાં ચાલતું હતું તે અચાનક હૈયે ચડ્યું… એકત્રીસ… સાત… પંચાસી… બસ…

આજ છેલ્લો દિ’…! તંયે અમથો વે’લો ઊઠ્યો ને…! – વહેલાં ઊઠવાની વાતે રાતે પથારીમાં પડ્યા પડ્યા વિચારો કર્યા હતા તે યાદ આવ્યું. ગઈ કાલની આખી દિનચર્યા ચિત્રપટ્ટી માફક જેઠાલાલ ગોરધનને કળાવા માંડી—

— રોજની જેમ ભળભાંખળે ઊઠ્યા હતા. શૌચાદિ પતાવી અંધારે જ ચા પીધી હતી. પોતે જ બનાવી લીધી હતી. ઘરવાળીને બે દિ’થી સુવાણ્ય રહેતી નથી. નાહીધોઈને ભગવાનને દીવાબત્તી કર્યા હતા. પછી બગલમાં ઝંડીઓ દબાવી, માથે બીલુટોપી પહેરી સ્ટેશનનાં પગથિયાં ચડ્યા હતા ત્યારે બરાબર છના ટકોરા થયા હતા. રાતના સાંધાવાળાને છૂટો કરી બાંકડે બેઠા હતા. સ્ટેશનમાસ્તર બહાર નીકળ્યા ત્યારે ઘાંઘાવાંઘા થઈ ઊભા થઈ ગયા હતા અને સલામ મારી હતી. લાઇન ક્લિયર અને ગાડી છૂટ્યાના ડંકા માર્યા હતા. સાંધા ફેરવ્યા હતા. ફાટક બંધ કર્યાં હતાં. સિગ્નલ પાડ્યાં હતાં. ફાટકની બહાર ઊભેલાં વાહનોના ડ્રાઇવરો સાથે લમણાઝીક કરી હતી. દસેક વાગ્યા સુધીમાં બે-ત્રેણ ટ્રેન પસાર કરી હતી. પછી બારેક વાગે બપોરા કરી સેકન્ડ ક્લાસ હૉલના બાંકડા ઉપર લાંબી નીંદર ખેંચી હતી. ત્રણથી પાંચ સુધી યાર્ડમાં બકરીઓ ચરાવી હતી. સાંજે સિગ્નલ પેટાવવા ગયા હતા. બીજી કોઈ માલગાડી નીકળી નહોતી, એમ કરતાં સાંજ પડવા આવી હતી. સાંજ પડ્યે બકરીઓ શોધીને ખીલે બાંધી હતી. પછી બકરીના દૂધ સાથે ખીચડીનું વાળુ કર્યું હતું. પછી હરજી મુકાદમે આપેલી સલેપાટમાંથી બનાવેલી ખાટલી ઉપર ગોદડાંના વીંટાનો ટેકો લઈ અધૂકડું લંબાવી, છાતી ઉપર રેડિયો રાખીને ગામનો ચોરો કાર્યક્રમમાં ભજનો સાંભળ્યાં હતાં. એમ છેલ્લાં ચાળીસ વર્ષથી વાગતા આવેલા રાત્રિના સાડા અગિયાર રાબેતા મુજબ વાગ્યા હતા. ઘરમાં સોપો પડી ગયો હતો.

સ્ટેશન સામે જ થોડે દૂર જેઠાલાલ ગોરધને જેમતેમ કરીને જાતમહેનતથી નાનું એવું ડેલીબંધ મકાન ચણી લીધું હતું. ઘણા રિટાયર્ડ થયા પછી પણ ચારપાંચ મહિના સુધી રેલવે ક્વાર્ટર ખાલી કરતા નથી, પણ જેઠાલાલ ગોરધને મહિના દિ’ અગાઉ જ રેલવે ક્વાર્ટર ખાલી કરી આપ્યું હતું. ક્વાર્ટરમાં રહેતા ત્યારે મોટો છોકરો અને એનાં વહુછોકરાંઓ અહીં રહેતાં. હવે સૌ સાથે રહે છે. મોટા છોકરાને રેલવેમાં દાખલ કરવા જેઠાલાલ ગોરધને ઘણો દાખડો કરેલો. ટી.આઈ. સાહેબને લાડવા જમાડેલા અને એ. ઓ.

એસ. સાહેબને ભેંસનું ચારેક કિલો ઘી પણ મોકલાવેલું. જેઠાલાલ ગોરધને છોકરાને આઠેક વર્ષની ઉંમરથી સાંધાવાળાનાં જુદાં જુદાં કામમાં પલોટ્યો હતો – સિગ્નલ પાડવા – ઉપાડવા, સાંધા ફેરવવા, શંટિંગ કરવું – વગેરે. લાડવા ખાનાર ટી. આઈ. સાહેબ રિટાયર્ડ થઈ ગયા અને પાંચ કિલો ઘી પચાવીને એ. ઓ. એસ. સાહેબ પ્રમોશન ટ્રાન્સફરમાં રતલામ ડિવિઝન ચાલ્યો ગયો અને જેઠાલાલ ગોરધનના છોકરાના સાંધાવાળાની નોકરીની વાત ટટળતી રહી ગઈ હતી. છોકરો અઢારમું ઊતરી ઓગણીસમાં બેઠો ત્યારે જેઠાલાલ ગોરધને, – હશે… જેવાં આપડાં નસીબ – એવું સમાધાન મનમાં ગોઠવી ગામની ઑઇલમિલમાં કામે ચઢાવી દીધો. હવે છોકરો – ઘાણાનો ઑપરેટર બની ગયો છે, અને જેઠાલાલ ગોરધનને મહિનેદા’ડે રૂપિયા પાંચસોનો ટેકો કરે છે. ગાડું રડે છે, ભલામાણસ.

જેઠાલાલ ગોરધન ભારે સંતોષી જીવ છે. છોકરાથી નાની છોડી મોણપરી દીધી છે. જમાઈ નિશાળ માસ્તર છે. દીકરી-જમાઈ આવે ત્યારે જેઠાલાલ ગોરધન ગામમાંથી રવો અને અરધો શેર ચોખ્ખું ઘી લઈ આવે અને ઘરવાળીને સૂચના આપે,… રવાનો શેરો ને પૂરિયું કરજે…ને અજમાનાં પાનનાં ભજિયાં કરવાનું ભૂલતી નહીં.

…સાડા અગિયારને ટકોરે જેઠાલાલે ખાટલી ઉપરનું પથારીનું ફીંડલું ઓસરીની કોરે પાથર્યું હતું. પછી પાણિયારે પાણી પીતાં પીતાં બારણે ટીંગાતા ફાનસના ઝાંખા અજવાળામાં ઉંબરે ઓશીકું રાખી ઘસઘસાટ ઊંઘતી ઘરવાળી સામે એક અછડતી નજર નાખી લીધી હતી. પછી લાંબો શ્વાસ મૂકી… પ્રભુ પ્રભુ… બોલતાં ઓસરીની કોરે લંબાવ્યું હતું. ખાટલામાં કે ગાદલામાં જેઠાલાલ ગોરધનને ઊંઘ આવે જ નહીં. કપાણ્યે ક્યાંક મહેમાન થઈ જાવું પડે તો સાંજે ઘરભેળા થઈ જવાનો દાખડો કરે. છતાં રોકાવું પડે તો રાત આખીનો ઉજાગરો પાકો. ગોઠે તો સ્ટેશનનો બાંકડો, કાં ઓસરીની કોર. નોકરીની શરૂઆતમાં જેઠાલાલ ગોરધન ઑફિસમાં જોડાજોડ પડી રહેતી લાકડાની બે પેટીઓ ઉપર ગોદડું નાખી શિયાળામાં રાત્રે સૂતા. પણ એક વાર નવા પરદેશી માસ્તરે ઝડકાવી બહાર કાઢેલા અને કહેલું… ‘ફૉર્થ ક્લાસ કો ઑફિસ મેં સોને કા નહીં, સમજે.’ તે દિવસથી જેઠાલાલ ગોરધન સમજી ગયેલા અને ત્રણે ઋતુમાં રાત્રે બાંકડો શોભાવતા. કોઈ દયાળુ સ્ટેશનમાસ્તર અંદર સૂવાનું કહે તોય ના પાડે,… ના, સાહેબ… આપડને માલીપા મૂંઝારો થાય… ઈ કરતાં આંય મોકળાશમાં સારા. બાંકડાની નીંદરની માયા એવી તો વળગી હતી, કે પછી સુંવાળી-પોચી પથારી જેઠાલાલ ગોરધનને સાવ વેરણ થઈ પડી હતી.

…પછી બંધ આંખે મનમાં ગાયત્રીના દસ જાપ બોલતાં છઠ્ઠા મંત્રે જેઠાલાલને આવતી કાલે નોકરીનો છેલ્લો દિવસ છે એ યાદ આવી ગયું. બાકીના ગાયત્રી જાપ ભુલાઈ ગયા…

…રેલવે આપડી અન્નદાતા અને માસ્તરુંને ઑફિસરું આપડાં મા-બાપ… નથી કોઈ દી ગાડિયું મોડી કરી કે નથી માસ્તરુંનું એકેય વેણ ઉથાપ્યું. માસ્તરું તો ઘણાય આવ્યા ને ગયા, આપડે મન સૌ સરખા… કોઈની ગાયું ચરાવિયું છે… દોહી છે… છાણવાસીદાં કર્યાં છે… પાણીય ભર્યાં છે… ને સાહેબુંનાં બાબલાંવને કાંખમાં રમાડ્યાંય છે… રાજાશાહીમાં જાની માસ્તર વટનો કટકો ને માથે ફાડિયું… મૂછે લીંબુ લટકે… પણ એણેય આપડું નામ નથી લીધું… એનાં ઘરની પથારિયુંય કરી છે… ને …ને …સાહેબને બારગામ જાવાનું થાય તંયે રાતે બાઈસાહેબ બીવે નહીં ઈ સારુ ઘરની રખેવાળી કરવાય ગયા છંઈ… – જેઠાલાલ ગોરધનને ફાનસના ઝાંખાં અજવાળા જેવું ઝાંખુંપાંખું કંઈક સ્મૃતિમાં ચડી આવ્યું હતું…

ને જેઠાલાલ ગોરધનના હોઠના ખૂણે એક છાનુંછપનું મરકલડું ક્ષણભર ફરકીને અદૃશ્ય થઈ ગયું હતું – માસ્તરનાં નછોરવાં બાઈસાહેબ કે’તાં કે… ના… જેઠો એટલે કે’વું પડે…

પરંતુ જેઠાલાલ ગોરધને પોચી પોચી સાંભરણને ધક્કો મારી, ફંટાઈ ગયેલી મૂળ વાતની ગાડીને પાટે ચડાવી હતી… સસ્પેન્ન-બસ્પેન્ન તો ઠીક… ચારજશીટનું એક કાગળિયુંય જોયું નથી આપડે… નકામી રજાઉં ભોગવી નથી… ખોટા સિક રિપોટ કર્યા નથી…

એકશીડન્ડનો એકેય લાલ લીટો આપડી ફાઇલે પડ્યો નથી… બીલુ લૂગડાં વગર કોઈ દિ’ ટેશનનાં પગથિયાં ચડ્યા નથી. આ બીલુ લૂગડાંવે આપડી લાજ રાખી દીધી…

— એમ વિચારતાં જેઠાલાલ ગોરધનથી જાડા બ્લૂ બાંડિયાની ચાળ ઊંચી થઈ – ગઈ હતી. વિચાર આગળ ચાલ્યા હતા –

…નથી આપડે યુનિયન-ફુનિયન બાજીમાં કોઈ દિ’ પડ્યા… કે નથી હડતાલુંમાં ભાગ લીધો… હા… કાળા ને લાલ… બેય ઝંડાવાળાને ફીયું દીધી છે… ઈ માફ… લાલ ઝંડાવાળો કે’તો’તો કે… કાળા ઝંડાવાળા સરકારી ચમચા છે અને ગદ્દાર છે… ને આપડું યુનિયન નાના કામદારોનું યુનિયન છે… ને એમના હક્કો માટે સરકાર સામે લડે છે… જેઠભાઈ, આ ઍડ્મિનિસ્ટ્રેશન અને કાળા વાવટાવાળાવ ક્લાસ ફૉર્થનું શોષણ કરે છે… તમને એમ નથી લાગતું કે એની સામે અવાજ ઉઠાવવો જોઈએ…? – ઈ લાલ કુરતાંવાળો વાતે વાતે સોસણ-સોસણ બોલ્યે રાખતો’તો તેમાં આપડને સૂઝનહોતી પડતી તે એને પૂછ્યું કે –

સોસણ એટલે શું…? એણે કીધું, કે – તમારા હક્ક – અધિકારનું ન આપે… તમને અજ્ઞાન રાખીને તમારા લોહી-પરસેવાના તમને મળતા હક્ક છીનવી લે તે શોષણ, સમજ્યા, જેઠાભાઈ…? પણ આપડને એની વાતમાં ઝાઝી સમજ પડી નહોતી, – પગાર ટેમસર મળી જાય છે… ને ફાટી જાય છે તંયે બીલુ લૂગડાંની જોડ્ય મળી જાય છે… પછી એમાં સોસણ ક્યાં થ્યું, કયો…? તોય એ તો માળો પૂછતો જ રહ્યો કે – તમને કાંય દુ:ખ…?

ક્વાર્ટરની કંઈ ફરિયાદ…? ઇન્ક્રિમૅન્ટનો પ્રશ્ન…? માસ્તરુંની કોઈ કનડગત…? પાણીના કોઈ વાંધા…?

…એલા, ભાય, રજા અને પાસ-પીટીઓ લઈને જાવું ક્યાં…! આપડે તો કહી દીધેલું કે… ભાય… આપડે કોઈ કરતાં કોઈ વાતે દખ નથી… હેય… ભલી આપડી નોકરી ને ભલી આપડી બકરિયું…ને ભલા આપડા માસ્તરું…

વળતી ક્ષણે જેઠાલાલ ગોરધનને ચાલી વરસની નોકરીમાં આવેલા એકેએક સ્ટેશનમાસ્તર યાદ આવી ગયા હતા… ઑફિસમાં પોતે ખાટલો ઢાળી સૂતા હોય અને ક્લાસ ફૉર્થને – ’ઑન ડ્યૂટી સૂતા છો તો રિપોર્ટ કરી દઈશ… ગાડિયુંનું ડિટેન્શન બુક કરી દઈશ…’ જેવી ધમકીઓ દઈ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતા બેસાડનારા સ્ટેશનમાસ્તરો…,

પચાસ વરસના જેઠાલાલ ગોરધનને – ’એય જેઠા, ઇધર આ… યે હમારા ટિફિન સાફ કર દે’ – જેવા હુકમ દેનારા તોછડા લવરમૂછિયા સ્ટેશનમાસ્તરો, ‘બદતમીજ ક્લાસ ફૉર્થ,… હમારે સામને બાંકડે પે બૈઠતા હૈ!’ – કહેનારા, પાસ પી.ટી.ઓ. માટે લબડધક્કે ચડાવનારા, ‘સ્ટાફ શૉર્ટેજ છે… રજા નહીં મળે’ – કહેનારા, પાવલીની મારફત માટે વેપારીઓનાં પગનાં તળિયાં ચાટનારા સ્ટેશનમાસ્તરો અને વધ્યાં-ઘટ્યાં કેરોસીન, સૂતળી, ફિનાઇલ, તંત્રના ઉચ્ચ કક્ષાનાં સૂત્રોના ભ્રષ્ટાચારના ઉત્તમ ઉદાહરણરૂપ પાવર વગરના બે-ત્રણ સેલ અથવા સાબુના બે કટકા માટે હાથોહાથની મારામારી કરનારા સ્ટેશનમાસ્તરો અને કોલસાની ચોરીઓ કરાવી મોજશોખ માણનારા ક્ષુદ્ર જંતુઓ સરખા સ્ટેશનમાસ્તરોની એક આખી ‘ઘીંઘ’ જેઠાલાલ ગોરધનની આંખો સામે ખડી થઈ ગઈ હતી. તેમાંની એકાદ વિશિષ્ટ વિભૂતિઓ ખાસ યાદ આવી જતાં જેઠાલાલથી એકલાં-એકલાંય મરકી જવાયું હતું… એક તો સાલો,… ઑફિસ વપરાશના ગોબરા ગૂંદરમાંથી સારી-સારી કણીઓ એકઠી કરી ઘરવાળાંને ડિલિવરી પછી ખવડાવતો,… ને બીજો એક સૂતળીનાં વાણથી ખાટલા ભરતાં…!

— પછી જેઠાલાલ ગોરધનને ખાટો ઓડકાર આવ્યો હતો અને ફળીમાં હા…ક…થૂ…

કરતાંક થૂંક્યા હતા. નોકરીના છેલ્લા દિવસ અગાઉની ભાંગતી રાતે જેઠાલાલ ગોરધનને માસ્તરોની જાત જ આખી હરામી લાગી હતી, માથું કાપીને ઓશીકું કરી દઈએ તોય કહેશે – વાગે છે…! નગણા અને નૂગરા, મારા હાળા!… બસ, કાલનો દિ’ નીકળી જાય એટલે ભયો ભયો…

કોણ જાણે કેમ એ પછી પેલા લાલ કુરતાવાળાની ધગધગતી વાણીનો શોષણ શબ્દ જેઠાલાલ ગોરધનના દિમાગમાં રહ્યો હતો… મારું હાળું… ઓલ્યો લાલ ઝંડાવાળો સાચું કે’તો તો… કોઈ દિ’ સામો હડફ કાઢ્યો નહીં… ત્યારે દબાવતા’તા ને…! કાંય કરતાં કાંય બોલાણું જ નહીં ને… બાકી ઓલ્યો લાલ ઝંડાવાળો તો કહેતો હતો, – બોલો, જેઠાભાઈ, બોલો… કંઈક તો બોલો…! પણ જેઠો શું બોલે… એની જીભ જ સંચોડી સીવી લીધી હતી… જાતે પોતે…!

પછી અઠ્ઠાવન વરસની જિંદગીમાં જેઠાલાલ ગોરધનના મને પહેલી વાર બળવો કર્યો –

… ભૂંડા, કોક દિ’ તો સામે હડફ ઉચ્ચારવો તો – તમે સૂવોને અમે કંઈ ગુનો કર્યો છે…? એવું એકાદ વારેય કીધું હોત…! હડતાલમાં નહીં તો આંદોલન-સરઘસમાં એકાદ વાર તો નારા પોકાર્યા હોત…! ઓલ્યો તો બચાડો કે’તો તો કે જેઠાલાલ, તમારા ગરીબ કચડાયેલા ભાયુંની તમે ગદ્દારી કરો છો… તમારે શોષણ સામે અવાજ ઉઠાવવો જોઈએ…

તમને થોડો વધુ પગાર અને બોનસ લેવાં નહીં ગમે…? તમારા એક છોકરાને રેલવેમાં નોકરી મળે એવું તમે ઇચ્છતા નથી…? બહેતર જિંદગી જીવવાની તમને ક્યારેય ઇચ્છા નથી થતી…? જાગો, જેઠાભાઈ, જાગો… ગુલામીની જંજીરો તોડી નાખો… ને… સમજવાની કોશિશ કરો કે મજદૂરને લોહી સિવાય કશું ગુમાવવાનું નથી…! – વાત એની મુદ્દાની હતી… મનને તો ગોઠતી હતી… કાવડિયાં વધુ મળે એ કોને ન ગમે…? ને છોકરાની નોકરી સાટું તો આ જાત ઘસી નાખી તોય… પણ જેનાં હૈયાં ફૂટલ, એના હાથેય ફૂટલ…

આ લોહી નો ધગ્યું તે નો જ ધગ્યું…! – જેઠાલાલ ગોરધનનું મન ઝીણું ઝીણું ડંખતું રહ્યું હતું. પછી તેમાંથી અજંપાનો એક કોંટો ફૂટ્યો હતો.

બેના ડંકા માથામાં અથડાયા હતા. જેઠાલાલ ગોરધનને ગળામાં શોષ પડ્યો હતો.

પહેલાં લઘુશંકા કરી આવ્યા અને પછી પાણી પીને પાછા પથારીમાં પડ્યા હતા, અને ફરી વિચારે ચડ્યા હતા…

…બહુ ખમી ખાધું… હવે સહન નથી કરવું… પણ તારા હાથમાં રહ્યું છેય શું…

ફક્ત એક દિવસ… માત્ર બાર કલાક…! …બાર કલાકમાં રેલવે મારું શું બગાડી લેવાની…!

જાતાં જાતાં પ્રાછત કરી લેવું છે…

એમ મનમાં બબડતાં જેઠાલાલ ગોરધને લાંબા મનોમંથન બાદ કાલે શું શું કરવું તેનું લિસ્ટ મનોમન ગોઠવ્યું હતું –

— મોડું જાગવું… નાહ્યાધોયા વગર, પાઠ-પૂજા કર્યા વગર ચા-પાણી પી લેવાં…

— સ્ટેશને મોડા જવું.

— યુનિફૉર્મના ગાભા પહેરવા નહીં. ટોપી ખિસ્સામાં બહાર લબડતી રાખવી.

— લાલ-લીલી ઝંડીઓ બગલમાં નાખી જવી નહીં.

— સ્ટેશનમાસ્તરને સલામ કરવી નહીં. બાંકડા ઉપર ઉભડક પગે બેસવું. સ્ટેશનમાસ્તર બહાર નીકળે તો ઊભા થાવું નહીં. પહેલા સાદે માસ્તર સામે હાજર થાવું નહીં… અને આખ્ખા દિવસમાં ‘હા જી… હા જી’… એક વારેય બોલવું નહીં.

— લાઇન ક્લિયર અને ડિપાર્ચરના ડંકા પાડવા નહીં.

— ગાડી છૂટ્યા પછી ટેસથી સાંધે જવું… વાંદરાપટ્ટી ફસાઈ ગઈ છે, દોરી સ્લિપ થઈ ગઈ છે, સિંગલ નથી આવતો – વગેરે બહાનાં કાઢી ગાડીને સિગ્નલ બહાર ઊભી રાખવી.

— ફાટક મોડું બંધ કરવું અને ખટારાને ગેરકાયદેસર પસાર કરવા.

— સ્ટેશનમાસ્તરનું ટિફિન ઊટકવાની ઘસીને ના પાડી દેવી.

— કાલે બકરીઓ ચરાવવાનું બંધ.

— સાંજે ડ્યૂટી ઑફ પછી – ’કામદાર એકતા ઝિ દાબાદ’ – નો નારો લગાવવો…

પછી જેઠાલાલ ગોરધનની આંખોમાં નીંદર ઘેરાણી હતી, જીવ ચરમરતો બંધ થયો હતો અને પછી ઘસઘસાટ ઊંઘી ગયા હતા.

…… દિશાએથી પાછાં ફરતાં આઉટર સિગ્નલ પાસે ઊભા રહ્યા. હજી સિગ્નલ ઠર્યો નહોતો. એમણે ઉપર ચડી સિગ્નલનો દીવો બુઝાવ્યો, લીલી-લાલ ગ્લાસ ડિસ્ક ઉપર જામેલી ધૂળ અને મેશ ગમછાથી સાફ કરી, પછી નીચે ઘણે દૂર સુધી ફેલાયેલાં ખેતર, વાડીઓ, વાડો, વૃક્ષો, મકાનોનાં છાપરાં, વાંકીચૂકી કેડીઓ, રસ્તાઓ સવારના ધૂમિલ અજવાસમાં જોઈ લીધાં. પછી સડસડાટ નીચે ઊતરી ગયા. એક હાથ સીડીના લોખંડના સળિયા ઉપર રહી ગયો. બીજા હાથે સિગ્નલના થાંભલાનો સ્પર્શ કર્યો.

પછી સડસડાટ ચાલતા થયા. રસ્તામાં બાવળનું દાતણ કાપ્યું અને તે ચાવતા-ચાવતા ઘરે આવ્યા. ઊલટી કરી દાતણ કર્યું. પછી ઘરવાળી સામે ચૂલા પાસે ઉભડક બેઠા અને ચાસણી જેવી મીઠી-કડક ચાના બે પ્યાલા રકાબીમાં રેડી સબડકા બોલાવતા ગટગટાવી ગયા. પછી ઘરવાળીને પૂછ્યું કે – બજારમાં ખાંડ બહુ મોંઘી થઈ ગઈ છે? ઘરવાળીએ ‘ના’ પાડી. તો પૂછ્યું, – તંયે ચા સાવ મોળીમૂતર જેવી કાં બનાવી…? સવારનો પહોર બગાડી નાખ્યો… જેવું કંઈક બબડતા ખંખોળિયું ખાઈ લીધું. પછી દીવો-અગરબત્તી કરી ગાયત્રીના બે જાપ જપી હાથ જોડી લીધા. પછી ઓશીકા હેઠળ દબાવેલી ટોપી ઝાપટીને માથે નાખી. યુનિફૉર્મ તો અખંડ પહેર્યો હતો. શંકર ભગવાનના ફોટા સામે હાથ જોડ્યા.

— દીવાલ ઘડિયાળમાં જોયું – પાંચ ને પંચાવન વાગ્યા હતા. પછી બગલમાં ઝંડીઓ દબાવી, જોડા પહેરી ડેલી બહાર નીકળી ગયા. બરાબર છના ટકોરે જેઠાલાલ ગોરધને સ્ટેશનના પગથિયે પગ માંડ્યો. રાતપાળીવાળા સાંધાવાળા પાસેથી સાંધાની ચાવીઓ લીધી અને એને સમયસર છૂટો કર્યો. પછી બાંકડે બેઠા.

રિલીવિંગ સ્ટેશનમાસ્તર ઑફિસ બહાર નીકળ્યા. નિરાંતવા બેઠેલા જેઠાલાલ ગોરધન હાંફળા-ફાંફળા ઊભા થયા. એક જ જોડો પહેરી શકાયો. પછી સલામ ઠપકારી.

માસ્તરે પૂછ્યું, – આવી ગયા, જેઠાલાલ. જવાબમાં જેઠાલાલ ગોરધને અતિ નમ્રતાપૂર્વક કહ્યું… હા જી… હા જી. ડાઉન છેડે છો ને?… હા જી… હા જી, સાહેબ…

ડાઉન છેડે…

થોડી વાર પછી ઑફિસની બખોલમાંથી અવાજ આવ્યો, ડાઉન સોમનાથ મેઇલની લાઇન ક્લિયર થઈ… ડંકા પાડો, જેઠાલાલ ગોરધને ક્રમબદ્ધ ત્રણ ડંકા પાડ્યા. પંદરેક મિનિટ પછી ગાડી છૂટ્યાના પાંચ ડંકા પાડી જેઠાલાલ ગોરધન બગલમાં ઝંડીઓ રાખી ઉતાવળે પગલે સાંધા તરફ ચાલતા થયા.

ફાટક બંધ કરી તાળું માર્યું. સાંધાને લૉક કરી રિલીઝકી સિગ્નલ પોસ્ટમાં ભરાવી આઉટર સિગ્નલ પાડ્યો. જુવાનીમાં એક ઝાટકે લીવર દાબી દેતા, હવે ઘડપણની થોડી અસર વરતાય છે. પછી સાંધે આવી ઊભા રહ્યા. દરમિયાન ફાટકની બન્ને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો. ભારખટારાવાળાએ બારીમાંથી ડોકું કાઢી ગાળો દીધી. બસના કંડક્ટરે

થોડા ઉતાવળિયા પેસેન્જરો સાથે સાંધા પાસે આવી ફાટક ખોલી દેવા કહ્યું. જેઠાલાલ ગોરધને જવાબ દીધો, – ગાડી છૂટી ગઈ છે, નિયમ વિરુદ્ધ ફાટક ખોલાય નહીં. પેસેન્જરોએ ફરિયાદ કરવાની ધમકી મારી, તો જેઠાલાલ ગોરધને ટાઢે કોઠે સ્ટેશનમાસ્તર પાસે જવા કહ્યું… અમારું કાંઈ હાલે નહીં… અમે ચિઠ્ઠીના ચાકર. – રેલવેખાતું સાવ રેઢિયાળ થઈ ગયું છે – એમ બોલતું ટોળું પાછું બસમાં બેસી ગયું.

પછી અગિયાર સુધીમાં માલગાડી અને એક અપ લોકલ ગાડી કાઢી. લોકલ છૂટી ત્યારે સ્ટેશનમાસ્તરે કહ્યું, જેઠાલાલ બ્રેકમાંથી આપડું ટિફિન ઉતારી લેજો. જેઠાલાલ ગોરધન બોલ્યા… હા જી… સાહેબ… હા જી… ટિફિન ભુલાય તો તો થઈ રહ્યું ને.

પછી બાર વાગ્યે જેઠાલાલ ગોરધને માસ્તરને પૂછ્યું સાહેબ, જમવા બેસવું છે ને!

સ્ટેશનમાસ્તરે હા પાડી. જેઠાલાલ ગોરધને પાણીનો લોટો-પ્યાલો ટેબલ પર રાખ્યાં, ખુરશી સરખી કરી, માખીઓ સાહેબને કનડશે એમ ધારી પંખો ચાલુ કર્યો, પછી પૂછ્યું સાહેબ, ગાડી-બાડી નો હોય તો હું જમવા જાઉં. સ્ટેશનમાસ્તરની મંજૂરી મળતાં જેઠાલાલ ગોરધન ઘર તરફ ગયા.

જમીને પાછા ફર્યા. લીમડો ઉતારી બકરીઓને નીર્યો. પછી જેઠાલાલ ગોરધને માથા નીચે ઝંડી રાખી, પગથી માથા સુધી ચાદર ઓઢી બાંકડા ઉપર ખાસ્સી લાંબી ઊંઘ ખેંચી કાઢી.

તડકો ઢળ્યે ઊઠ્યા. પાણીની ઓરડીએ હાથ-મોં ધોયાં. વિચાર્યું. આજ તો માલગાડિયું પોરો ખાઈ ગઈ. ઉબળાંસાં ખાતા સ્ટેશનમાસ્તરે જેઠાલાલને અંદર બોલાવ્યા, રેંકડીએથી એક ચા લઈ આવો, જેઠાલાલ. જેઠાલાલ ગોરધન બોલ્યા, હા… જી… સાહેબ, અબઘડી લઈ આવ્યો. સ્ટેશનમાસ્તરને કંઈક યાદ આવ્યું, – ઊભા રો, જેઠાલાલ… જેઠાલાલ ગોરધન તરત ઊભી રહી ગયા… જી… સાહેબ. આજે તમારી ડ્યૂટીનો છેલ્લો દિવસ છે, કાં, જેઠાભાઈ, સ્ટેશનમાસ્તરે હસતાં હસતાં કહ્યું. હા… જી… હા… જી, આજ છેલ્લો દિ’, – જેઠાલાલ ગોરધન આંખો ઢાળી બોલ્યા, ત્યારે તો બે ચા લેતા આવો… તમને વિદાયની ચા પિવડાવવી જોઈએ ને! – સ્ટેશનમાસ્તરે લાગણી દેખાડવાનો પ્રયાસ કર્યો. જેઠાલાલ ગોરધન ગદ્ગદિત થઈ ગયા… – હા… જી… હા… જી… ઈ સાચું… તમને દયાભાવ છે, સાહેબ,… પણ, સાહેબ, હોટલની ચા, હું નથી પીતો… હોટલની રે’વા દ્યો, સાહેબ… આપડે ઘરની ચા પીયેં… તમ જેવાની દયાથી બકરિયું દૂઝે છે… ને ચા-ખાંડેય ખૂટે એમ નથી…

અબઘડી આવ્યો, લ્યો.

પછી જેઠાલાલ ગોરધન બકરીઓ લઈ ઘરઢાળા ગયા. થોડી વારે પોતાને ઘરેથી લોટો ભરીને લવિંગવાળી ચા અને સાથે એક જૂની ને એક નવી રકાબી અને એક નવો કપ લઈ આવ્યા. નવા કપ-રકાબીમાં ચા રેડીને માસ્તરસાહેબને ટેબલ પર આપી અને પોતે નીચે બેસી તિરાડવાળી અને કાંઠો તૂટેલ રકાબી ભરીને પીધી. લોટામાં ચા વધી હતી તે આગ્રહ કરીને સ્ટેશનમાસ્તરને બીજી વાર પિવડાવી. સ્ટેશનમાસ્તરે કહ્યું, – ચા ઓહો બનાવી, જેઠાભાઈ.

જેઠાલાલ ગોરધને ધન્યતા અનુભવી અને અહોભાવપૂર્વક એમની આંખો નમી પડી.

પછી જેઠાલાલ ગોરધને ટેબલ પરથી એંઠાં રકાબી-પ્યાલા ઉઠાવી ટેબલ ઉપર પોતું કર્યું.

પછી જેઠાલાલ ગોરધને સ્ટેશનમાસ્તરનું ટિફિન શોધી કાઢ્યું. પાણીની ઓરડી ખોલી ટિફિન તથા રકાબી-પ્યાલા ઊટક્યા. ટિફિનનાં ખાનાં ઑફિસની બારીની પેઢલી ઉપર ઊંધાં ગોઠવી જેઠાલાલ ગોરધન કપ-રકાબી મૂકવા ઘરે ગયા.

જેઠાલાલ ગોરધન સ્ટેશને પાછા આવ્યા ત્યારે છના ડંકા પડતા હતા. રિલીવર સાંધાવાળો આવી ગયો હતો. પછી જેઠાલાલ ગોરધને આવેલા સાંધાવાળાને સાંધા પેડલૉકની ચાવીઓ સોંપી અને ડાઉન હોમ સિગ્નલ પડે નહીં તો પ્લંજરને હળવેથી પાટુ મારવાની જાણ કરી. પછી જેઠાલાલ ગોરધને ઝાપટીને ટોપી પહેરી. પછી ઝંડીઓ બગલમાં મારી.

પછી જેઠાલાલ ગોરધન રાબેતા મુજબ ચૂપચાપ સ્ટેશનનાં પગથિયાં ઊતરી ગયા.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.