શ્વાસનળીમાં ટ્રેન

બધી તૈયારી થઈ ગઈ હતી. સામાન ધીરે ધીરે બહારના કમરાના એક ખૂણામાં મુકાઈ રહ્યો હતો. સુષીના બાપુજીએ કહ્યું હતું કે છેલ્લી વાર નજર ફેરવી લેજો, કંઈ ભુલાઈ જતું ન હોય. પણ કોઈએ નજર ફેરવી નહોતી. એમ તો હજી વખત હતો. બાપુજીની છાપ આમ પણ ઉતાવળાની હતી. ક્યાંયે જવું હોય તો એમના ચહેરા પર દિવસો પહેલાં મૂંઝવણની રેખાઓ ઊપસી આવે ને ચિંતા કર્યા કરે. આ વખતે પ્રવાસ લાંબો હતો અને લગ્ન જેવો પ્રસંગ હતો એટલે ચિંતાનાં કારણો મળી ગયાં હતાં. હજી સુષી નહાઈ નહોતી. એણે વાળનો ઢીલો અંબોડો બાંધી લીધો હતો. ઊડી ગયેલા રંગવાળી ઝાંખી સાડી પહેરી હતી અને છેડો ખોસી લીધો હતો. એના કાન પાસેથી પસીનાની એક લકીર ખેંચાઈ રહી હતી. કપાળમાં ચાંદલો નહોતો ને ચહેરો વધારે શ્યામ લાગતો હતો. નાક પાસેનો તલ જોઈ શકાતો નહોતો, કારણ કે સુષી ઝડપથી ફરફર કરતી હતી અને એક કમરામાંથી બીજા કમરામાં આવજા કરતી હતી. તું ક્યારે નાહીશ, સુષી? એની બાએ પૂછ્યું. સુષીએ ચપટી વગાડી. બધું આવી ગયું? બાપુજીનો અવાજ બહારના કમરામાંથી અંદર આવ્યો.

એ કપડાંવાળી ખુરસી પર પગ ચડાવીને બેઠો હતો. અને એકદમ ખ્યાલ આવ્યો કે એ ઘણી વારથી આમ ને આમ બેઠો છે, કશું જ વિચાર્યા વિના, કશું જ બોલ્યા વિના. માત્ર ગૉગલ્સની દાંડી પકડીને મોંમાં દબાવ્યા કરી છે કે પાછળ હાથ રાખીને આંગળીના અંકોડા ભીડી રાખ્યા છે. એના પગ પાસે એક કવર પડ્યું હતું. ઉપર કોઈકનું નામ હતું. પછી સરનામું ન મળ્યું હોવાથી કવર પોસ્ટ થઈ શક્યું નહોતું. અંદરથી કંકોતરી કાઢીને વાંચવા માંડી. ચિ. સુષમા, બી. એ.… આ કંકોતરીનો ડ્રાફ્ટ એણે જ કર્યો હતો. સુષમાનાં બા-બાપુજીનો આગ્રહ હતો કે એણે સાથે આવવું જ પડશે. પણ એણે ના પાડી હતી. બધાંને આશ્ચર્ય થયું હતું. સુષમાનાં લગ્નમાં નહીં આવે? એણે વધારે સખ્તાઈથી ના પાડી હતી. પછી થયું હતું કે આટલી સખ્તાઈની જરૂર નહોતી. પછી કારણો આપવા માંડ્યાં હતાં. બાપુજી એની ટિકિટ પણ લઈ આવ્યા, પણ એણે બે દિવસ પહેલાં જ કેન્સલ કરાવી દીધી હતી. સુષી એકદમ નજીકથી પસાર થઈ ને એની ફરકતી સાડી ખુરસીમાં અટકતી અટકતી રહી ગઈ. એને થયું કે કશુંક અપેક્ષાકૃત બનતું અટકી ગયું.

સુષી એક મોટો બિસ્તરો અંદર લઈ આવી. બે હાથે વચ્ચેનું કડું પકડીને ચાલતાં ફાવતું નહોતું તોપણ ચાલતી હતી. બિસ્તરો મૂકીને સહેજ સીધી વળી. એનું સફેદ પેટ દેખાઈ ગયું. ખુરસી પર જરા નીચે ઢળી જઈને એણે બિસ્તરા પર આંખ માંડી. સુષી બિસ્તરો છોડવા લાગી. થોડી વાર પહેલાં જ મહામહેનતે બિસ્તરો બંધાયો હતો. સુષી એની એકદમ સામે બેઠી હતી. પાછળ કબાટમાં મોટો અરીસો જડેલો હતો. એને આ ક્ષણે આખી સુષી દેખાઈ રહી હતી. એ પટ્ટો છોડવા મહેનત કરતી હતી. શા માટે ખોલે છે? એણે પૂછ્યું. કમરામાં કોઈ નહોતું. બહારના કમરામાં ઊભીને બાપુજી એક તાળામાં ચાવી ફેરવી રહ્યા હતા. એમનો અવાજ સંભળાયો, મેં નહોતું કહ્યું કે તાળામાં તેલ પૂરજો? સુષીએ ઊંધી હથેળીથી કપાળ પરના વાળ ખેસવ્યા ને કહ્યું: રસ્તામાં પહેરવાની સાડી બિસ્તરામાં રહી ગઈ છે. એને થયું કે એ સુષીને લડી નાખે, પહેલાં લડતો તેમ. એટલી ખબર ન હોય? હવે જવાના સમયે… પણ કશું જ બોલ્યા વિના એ સુષીની મહેનત જોઈ રહ્યો. સુષીએ અંદરથી પીળાં ફૂલવાળી સાડી ખેંચી કાઢી. આ સાડી પહેરીશ? સુષીએ ઊંચું જોયા વિના, બિસ્તરાનો પટ્ટો ખેંચતાં હા પાડી.

એને અહીં આવ્યે એકાદ કલાક થયો હશે. પણ કોઈની સાથે કંઈ જ વાતચીત નહોતી થઈ. કદાચ બધા આવનારી મુસાફરીની તૈયારીમાં એટલાં વ્યસ્ત હતાં કે વાતચીતની કોઈ શક્યતા જ નહોતી. પાણી ભર્યું? બાપુજીનો અવાજ સંભળાયો. સુષીનાં બા પાછળના ખૂણામાં ઊંધા વળીને સાડી પહેરતાં હોય એવો અવાજ આવતો હતો. મને તો ચિંતા થાય છે કે ત્રણ દિવસની મુસાફરીમાં આની બૂમાબૂમ કેમ સહન કરી શકીશ? બાએ કહ્યું. કોઈને સંબોધાયા વિના વાતો થતી હતી. એને થયું કે આ રીતે બેસી રહેવાને બદલે કામકાજમાં મદદ કરવી જોઈએ. પણ ઊભા થવાતું નહોતું. કદાચ તો કશું જ કામ બાકી નહોતું અને જે બાકી હતું તેમાં એ કશી જ મદદ કરી શકે તેમ નહોતો. એમ તો ગઈ કાલ રાત્રે ત્રણ વાગ્યા સુધી એ અહીં હતો. બધી તૈયારીમાં મદદ કરાવી હતી. આવી ધમાલ છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી હતી. સતત કામ છતાં કશુંયે ન થયું હોવાની લાગણી. કંકોતરી લખવાનું લાંબું ચાલ્યું. નામ યાદ આવતાં જાય તેમ તેમ લખાતી જાય. અંગ્રેજીમાં સરનામાં કરવાં પડે તેવી બધી જ કંકોતરી એણે લખી હતી. બાપુજીનો આગ્રહ હતો. તારા અક્ષર ને સ્પેલિંગ સારાં છે. લિસ્ટમાં એનું પોતાનું નામ આવ્યું ત્યારે એ અટકી ગયો હતો. સુષી સામે જોયું હતું. સુષી એ વખતે એક કવર પર ટિકિટ લગાવી રહી હતી. કોઈ જ રસ્તો બાકી ન રહ્યો હોય એમ એણે પોતાનું નામ કવર પર લખ્યું. એમાં કંકોતરી નાખીને સુષીને બતાવ્યું. સુષીએ વાંચ્યું, સમજી ને હસી. પણ તારા નામની આગળ ‘શ્રીમાન’ છે એ તો છેકી નાખ, એણે કહ્યું હતું. ત્યારે એને લાગ્યું હતું કે એ સુષી પાસે બીજી જ કોઈ પ્રતિક્રિયાની આશા રાખતો હતો, પણ તેના વિશે સ્પષ્ટ પણ નહોતો. એટલું ખરું કે પોતાના નામ પર સુષીનાં લગ્નની કંકોતરી લખી લીધા પછી એ એક વાત અંગે તો ચોક્કસ થઈ ગયો હતો કે સુષી હવે ખરેખર પરણી જવાની હતી.

એણે સુષીને જોઈ. એ પગના નખ કાપતી હતી. એને સુષી પર ખીજ ચડી. ‘અત્યારે તને નખ કાપવાનું સૂઝે છે, સુષી?’ સુષીએ નખ કાપતાં કહ્યું, ‘તને શેની ઉતાવળ આવી છે? બાપુજી ઉતાવળ કરે છે તે બસ નથી? પણ તું જલદી કર. તારા લીધે જ મોડું થશે.’ એ હસી. ‘મારે લીધે તો જવાનું છે, અને મારે લીધે જ…’ પછી એ આગળ ન બોલી. નીચું જોઈને પોતાનું કામ કરવા લાગી.

એ કમરાની વચ્ચે બેઠો હતો. ચારે બાજુ કેટલીયે વસ્તુઓ વીખરાયેલી પડી હતી. ઘરની બધી જ વસ્તુઓ અને વ્યક્તિઓ જાણે એની આસપાસ ગોળ ગોળ ફરવા લાગી હતી. માત્ર એ જ સ્થિર હતો. ઘરમાં કોઈ નહોતું. બા પડોશીને પાછળ સંભાળ રાખવાનું કહેવા ગયાં હતાં. બાપુજી કોઈકને ફોન કરવા શેરીના નાકે આવેલી દુકાને ગયા હતા. સુષી હતી. ઘણુંબધું બોલી શકાય એવી ક્ષણો હતી, પણ એ કશું જ બોલ્યો નહીં. સુષીએ નખ કાપવાનું છોડીને વાળ છોડી નાખ્યા ને ઓળવા માંડવા. ઉપર ફરતા પંખાને કારણે ફાવતું નહોતું. અરીસામાંથી એના સામે જોઈને સુષીએ કહ્યું: ‘ફૅન બંધ કર ને…’ એને થયું કે એ ના પાડી દે. પહેલાં સુષીને કહેતો ન બંધ કરવાનું તો એ ન કરતી. તને શું છે? મને ફૅનની હવા ગમે છે, એ કહેતી. પણ મને શરદી થઈ છે. સુષી ઊભી થતી, પણ સ્પીડ વધારી આવતી. બા એને ગુસ્સાથી કહેતાં, ‘આ શું સુષી?’ પણ સુષી માટે એ કદાચ કશું જ નહોતું. કદાચ ઘણુંબધું હતું. પંખાની હવાના વિસ્તારથી દૂર ખસીને એ કહેતો, તારો દિવસ પણ આવશે… એ દિવસ આવ્યો હતો. સુષીએ પંખો બંધ કરી દેવાનું કહ્યું હતું. અરીસામાંથી જોતાં સુષીએ કહ્યું, ‘જલદી કર.’ એણે રેગ્યુલેટર પર હાથ મૂક્યો ને થોડો | વિચાર કરીને પંખો ઝડપથી બંધ કરી દીધો. પંખો ધીરે ધીરે બંધ થતો ગયો ને કમરામાં બાકી રહેલો એકમાત્ર અવાજ પણ વિરમી ગયો. એ ગૉગલ્સ પહેરીને બેસી રહ્યો. સુષીએ ટુવાલ લીધો અને બાથરૂમમાં ચાલી ગઈ…

હવે કોઈ ન રહ્યું. બંને કમરા ખાલી હતા. થોડા સમય પછી આ ઘરમાં સ્થાયી થનારો આ વર્તમાન હતો. સુષી ચાલી જશે પછી કમરા ખાલી રહેવાના હતા. બધી જ વસ્તુઓ, સ્થિતિઓ અને સમય એ જ રહેવાનાં હોવા છતાં પણ સંદર્ભ બદલી જવાનો હતો. એ અહીં આવશે. દરરોજ આવશે. આ જ ખુરસી પર, આ જ પંખાની નીચે બેસશે. બધી વસ્તુઓ અત્યારે પડી છે તેમ જ ગોઠવાયેલી હશે. માત્ર જવા વખતે વાળ ઓળવા માટે એ દાંતિયો ઉપાડશે ત્યારે એમાં હંમેશ રહી જતા સુષીના વાળ નહીં હોય…

ત્રણ દિવસની મુસાફરી છે, છતાં પણ આ લોકોને.. બાપુજી ફોન કરીને આવી ગયા હતા. ‘સુષી ક્યાં છે?’ એમણે પૂછ્યું. ‘નાહવા ગઈ છે.’ ‘હવે ગઈ? અત્યારે? ક્યારે તૈયાર થશે?’ સુષી વિશેની તમામ જવાબદારી જાણે એની હોય એમ બાપુજીએ કહ્યું. પહેલાં પણ કહેતા, ‘સુષી તારું માનશે. તું એને સમજાવજે.’ સુષી એનું માનશે એ વાત બા-બાપુજી સુધી પહોંચી ગઈ હતી. ‘તારા વિના એક ડગલું પણ નહીં ભરે. હું એને ઓળખું ને!’ બા કહેતાં. વાત સાચી હતી. ‘સાડી કેવી લાગી’-થી માંડીને ‘કેવી લાગું છું?’ સુધીના તમામ પ્રશ્નોના જવાબ આ ખુરસી પર બેસીને એને આપવા પડતા. એ હા જ કહેતો. ‘તને બધું સારું લાગે છે, સુષી.’ એ કશું બોલતી નહીં. માત્ર જીભ બતાવતી. એ તારી વાત માનશેવાળી પરિસ્થિતિ સુષીની સગાઈ સુધી પહોંચી આવી. ‘મદ્રાસમાં રહે છે. વકીલ છે. આવો છોકરો નહીં મળે.’ આ જ કમરામાં ચક્કર મારતાં મારતાં બાપુજીએ કહ્યું હતું, ‘પણ એ માનતી જ નથી.’ થોડી વારે એકાએક યાદ આવ્યું હોય તેમ પત્નીને કહ્યું હતું, ‘આપણે એમ કરીએ, આને કહીએ. બીજા કોઈનું સુષી નહીં માને. આનું માનશે…’ ને સુષીએ માન્યું હતું. દલીલ કર્યા વિના માન્યું હતું. ‘તને ગમે છે?’ વકીલનો ફોટો બતાવતાં સુષીએ એને પૂછ્યું હતું. હા, એણે હા પાડી દીધી હતી. અને સુષી માની ગઈ હતી. સુષીનો પણ ફોટો મોકલવાનો હતો. જૂના ફોટા એની બાને ગમ્યા નહીં. નવો પડાવી આવ. જલદી આપી દે એમ કહેજે. ‘સુષીએ પૂછ્યું હતું,’ ફોટામાં કઈ સાડી પહેરું?’ એ અભિપ્રાય આપી શકે તેમ નહોતો. તારા થનારા પતિને કઈ સાડી ગમશે એની મને શું ખબર? સુષીનું મોઢું પડી ગયું હતું. એ તૈયાર થતી નહોતી. બાએ આવીને પૂછ્યું હતું, ‘શું થયું વળી?’ સુષી કંઈ બોલી નહીં. પણ એણે જલદીથી કહ્યું હતું, ‘કંઈ નહીં. મારું માનતી નથી.’ ‘હું કહું છું તે સાડી પહેરતી નથી.’ ‘તું કઈ સાડી કહે છે?’ એણે એક સાડીનું નામ દઈ દીધું હતું. સુષી હસી પડી હતી અને એનું માનીને સાડી પહેરી હતી. પછી સુડિયોમાં એને સારી લાગે તે રીતે પોઝ આપ્યો હતો. ‘આમ ઊભું ને?’

તેં એને જલદી તૈયાર થવાનું ન કહ્યું? બાપુજીએ હવે એને ધમકાવ્યો. હમણાં જ આવશે.’ એનાથી અજાણતાં જ સુષીનો બચાવ થઈ ગયો. ‘ત્યાં સુધીમાં હું ઘોડાગાડી કરી આવું.’ બાપુજી બહાર ગયા. ખાલી ઘર ફરીથી એના માથે આવીને ત્રાટક્યું. એ બેસી રહ્યો. થોડા જ સમય પછી સુષી અહીંથી ચાલી જવાની હતી. આ ક્ષણોની એણે કેટલાય વખતથી કલ્પના કરી હતી. સુષી એકબે દિવસ માટે બહાર જાય તોપણ ઘર ભેંકાર લાગતું. બા સાથે વાત કરીને એ પણ ચાલ્યો જતો. જલદી ઊઠી જતો. બા બેસવાનું કહેતાં તો કહેતો, ‘માથું દુઃખે છે.’ પછી એ પોતાની ઓરડીમાં ચાલ્યો આવતો. રાતના અંધકારમાં ખુલ્લી બારીના સળિયામાંથી દૂર દેખાતા આકાશ સામે તાકી રાખતો ને સુષીના ચાલ્યા જવાના વિચારો કર્યા કરતો. એણે હંમેશાં સુષીના ગેરહાજરીના જ વિચારો કર્યા છે. ને એ ક્ષણ મોડી આવે એવું જ ઇચ્છ્યું છે. છતાં પણ વિચારમાત્રથી એ ઉદાસ થઈ જતો ને પછી એક હદ સુધી પહોંચી આવેલું વિચારવું છોડી દેતો. સુષીને ક્યારેય કહેતો નહીં.

એણે નક્કી કરી આપેલી સાડી પહેરેલી સુષમાનાં વકીલ સાથે સગપણ થઈ ગયાં હતાં. તાર લઈને બાપુજી ઑફિસમાં જ આવ્યા હતા. ‘સાંજે વહેલો આવજે.’ એ નહોતો ગયો. મોડે સુધી ઑફિસમાં જ બેસી રહ્યો હતો. કશીક અપેક્ષામાં. કોઈ એની પાસે આવે. એ જે સમયમાંથી પસાર થઈ રહ્યો હતો તેને સમજે, પણ કોઈ નહોતું આવ્યું. માત્ર ચાલ્યા ગયેલા ક્લાર્કોની ખાલી ખુરસીઓ એને તાકતી ઊભી હતી. એ સુષીને ખુશાલી વ્યક્ત કરવા આવેલા લોકોની વચ્ચે જોવા નહોતો માગતો. રાત્રે ઓરડી પર ગયો ત્યાં સુષી આવી. એને સવારે જ જોઈ હતી. પણ અત્યારે બદલી ગયેલી લાગતી હતી. ‘ઘરે કેમ ન આવ્યો?’ ‘બસ, ન આવ્યો.’ ‘પણ મેં કહેવરાવ્યું હતું’, સુષીએ કહ્યું. ‘તું જે કહેવરાવે તે બધું જ મારે કરવાનું હોય જ, સુષી?’ હસીને એણે કહ્યું. એ આવીને બેસી ગઈ. ‘અભિનંદન નહીં આપે?’ સુષીએ પૂછ્યું. ‘તું કહે તો આપું.’ એ કંઈ બોલી નહીં. નીચું જોઈને બેસી રહી. ‘તેં કંઈ કહ્યું નહીં, સુષી?’ એણે ઊંચું જોયું. ‘મને ખબર છે તું મારું કહ્યું નહીં માને.’ સુષીના અવાજની ભીનાશ એને ક્યાંય સુધી સ્પર્શી ગઈ. ને બંને બેસી રહ્યાં. ‘ચાલ, ઘેર… બા જમવાની રાહ જોઈને બેઠી છે.’ બંને ઘેર ગયાં હતાં. એ દિવસે પુષ્કળ ઉકળાટ હતો છતાં પણ એને કે સુષીને પંખો યાદ નહોતો આવ્યો. દાંતિયામાંથી વાળ કાઢીને એણે બાને કહ્યું હતું, ‘બા… હવે સુષીને કહેજો કે દાંતિયામાંથી વાળ કાઢવાની ટેવ પાડે. આ ઘરમાં ચાલ્યું, પેલા ઘરમાં નહીં ચાલે.’

આ ઘર ઉપરાંત નવું એક ઘર ઉમેરાઈ ગયું હતું. સુષીનું હસવું, સુષીનું બોલવું, સુષીનું ચાલવું ને સુષીનું વિચારવું સુધ્ધાં પેલા ઘરના સંદર્ભમાં બનવા લાગ્યાં. એ ઊભો રહેતો, બેસી રહેતો, આવતો, જતો. દૂરથી જોઈ રાખતો. સુષી પૂછતી તેના જવાબ આપતો. રાત્રે આકાશનો અંધકાર એની બારીના સળિયા પકડીને આંખો પર સતત તોળાયેલો રહેતો.

સુષી તૈયારી થઈ ગઈ હતી. ઘોડાગાડી આવી ગઈ હતી. એ પણ ખુરસી પર ઊભો થયો. ગૉગલ્સ પહેરી લીધાં. ઓરડાના દબાયેલા પ્રકાશમાં ગૉગલ્સ પહેરવાથી વિચિત્ર લાગતું હતું. બાપુજી ઉતાવળ કરાવતા કરાવતા બધો જ સામાન ઘોડાગાડીમાં મૂકી રહ્યા હતા. સુષીએ સૂકવવા મૂકેલો ટુવાલ વળગણી પર લટકતો હતો અને ભીનો હતો, છતાં પણ ટપકતો નહોતો. સુષી ઘરમાંથી બહાર આવી ગઈ. એ ઉદાસ લાગતી હતી. આ ઘર છોડીને જતી હતી. પંદર દિવસ પછી લગ્ન હતાં અને જે સુષી અહીંથી જતી હતી તે સુષી અહીં પાછી ફરવાની નહોતી.

ટ્રેનના ડબ્બામાં બધી જ વસ્તુઓ મુકાવી દીધી. એક બૅગ મૂકતાં મૂકતાં એ સુષી સાથે ભટકાઈ પડ્યો. પછી ભટકાઈ પડવાની માફી માગતો હોય એવો એનો ચહેરો થઈ ગયો હતો. આગળ કશુંક પણ બને તે પહેલાં એ ડબ્બામાંથી નીચે ઊતરી આવ્યો. સુષી પેલી બાજુની બારી પાસેની જગ્યા પર બહાર જોતી બેસી રહી. એ પ્લૅટફૉર્મ પર ઊભો ઊભો સુષીનાં બા-બાપુજી સાથે વાતો કરતો રહ્યો. આવ્યો હોત તો? અમારી જવાબદારી કેટલી ઓછી થઈ જાત? સુષીને કેવું લાગશે… એનાં લગ્નમાં તું નહીં હોય તે… ચાવી સાચવજે. પહોંચતાં તાર કરીશું. તારા માટે શું લઈ આવીએ? અમે મહિનાદિવસમાં પાછાં આવી જશું…

ટ્રેન ઊપડવાનો સમય થઈ ગયો હતો. સુષી પેલી બારીમાં જ બેઠી હતી. સુષી આ બાજુ આવ… આને આવજે નહીં કહે? સુષીનાં બાએ કહ્યું અને તેમનો સ્વર ભરાઈ આવ્યો. વિચિત્ર છોકરી છે, બાપુજીએ કહ્યું ને ટિકિટ બરાબર મુકાઈ છે કે નહીં તે તપાસવા લાગ્યા. સમય થઈ ગયો હોવા છતાં પણ ટ્રેન ઊપડતી નહોતી. એ ઇચ્છતો હતો કે ટ્રેન જલદી જાય. કશુંક જલદી પૂરું થઈ જાય. એની જાણે કે રાહ જોતો હતો પણ ટ્રેન ઊપડતી નહોતી. એણે હાથ ભીંસીને ટ્રેનની બારીના સળિયાને પકડી રાખ્યો. ત્યાં જ વ્હિસલ થઈ ને ટ્રેન ધીરે ધીરે ખસવા લાગી. એનો હાથ સળિયા પરથી લપસીને છટકી ગયો. એણે ગૉગલ્સ પહેરેલી આંખે બા-બાપુજીને હાથ હલાવતાં જોયાં. માત્ર સુષીનો ચહેરો દેખાયો નહીં. ટ્રેન પણ દૂર નીકળી ગઈ ને દેખાતી બંધ થઈ, છતાં એ એ જ જગ્યાએ ઊભો રહ્યો. એને લાગ્યું કે જેમાં સુષી બેઠી હતી તે ટ્રેન હજી ગઈ નથી. એ ટ્રેન એની શ્વાસનળીમાં અટકી ગઈ છે અને સમય થઈ ગયો હોવા છતાં પણ ખસતી નથી…

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.