શામળશાનો વિવાહ

પ્રિય વાચક! જરા ધીમેથી ઉપરનું નામ વાંચી સાક્ષરતાની સીડીએ ચડી, મહાકાવ્યની આશા રાખતો હો, કવિરત્ન નરસિંહના પુત્રનો ઇતિહાસ સાંભળવા તલસતો હો, ભક્તિનો સ્વાદ ચાખી ઈશ્વરનું નામ સાંભળવા તને ઉલ્લાસ થતો હોય–તો મારો લેખ વાંચવો બંધ કરી દે. મારે સાક્ષરમાં ગણાવું નથી–ગરીબ બિચારા શબ્દોનું સત્યાનાશ વાળવું નથી; કવિ થઈ રવિ ન પહોંચે તેવા અંધારામાં જવું નથી; ભક્ત થઈ, સ્વર્ગે જઈ તેત્રીસ કોટિ દેવતાઓને જોઈ, અહોનિશ નમસ્કાર કરી ટાંટિયા તોડવા નથી. મારે તો એક સાદી વાત કહેવી છે. વાત ભલે સાદી હોય, પણ શ્રેષ્ઠતામાં ઊતરે એમ નથી. શું નરસિંહ મહેતાના પુત્રે પુણ્ય કરેલાં અને મારા શામળશાએ ગુનેગારી? નહીં જ. આ તો પ્રજાસત્તાના દિવસો છે. ગરીબ ભિખારી ઉમરાવના સરખો છે. દારૂ પી લથડતા મજૂરોની વિચારશક્તિ પરથી ગ્લૅડસ્ટન જેવાની લાયકાત નક્કી થાય છે, તો શા સારુ મારા શામળશા નરસિંહ મહેતાના દીકરા સમાન નહીં?

ગયા મહા મહિનામાં હું મુંબઈથી અમદાવાદ જતો હતો. શું કામ તે કહેવામાં સાર નથી. ગાડીમાં મારી સાથે એક મારો જૂનો મિત્ર બેઠો હતો. ક્યાંય સુધી તો અમે ટોળટપ્પાં માર્યાં–પાન ચાવ્યાં–જૂનીનવી સંભારી હસ્યા. મારો મિત્ર રૂની દલાલી કરતો હતો, એટલે લેબાસમાં કંઈ ઊતરે એવો નહોતો. ધીમે ધીમે આગગાડી એક સ્ટેશન પાસે આવવા લાગી, એટલે મારા મિત્રમાં જાદુઈ ફેરફાર થવા માંડ્યો. બગલાની પાંખ જેવું પહોળી કોરનું અમદાવાદી ધોતિયું, કડકડતો કસવાળો અંગરખો, કસબી કોરનો દુપટ્ટો અને લાલ કસૂંબી પાઘડી ધીમે ધીમે નીકળ્યાં અને ગાંડાભાઈના શરીર પર ચડવા માંડ્યાં.

‘કેમ ગાંડાભાઈ! સાપ કાંચળી ઉતારે તેમ તમે પણ–’

‘હા ભાઈ! આ ગામના શેઠ શામળશાનાં લગ્ન છે. તેનો હું આડતિયો એટલે કંઈ છૂટકો છે? ચાલો તમે પણ.’

‘કોણ હું!’ અચંબાથી મેં પૂછ્યું: ‘હું તો તમારા શેઠને ઓળખતો યે નથી. તેમનું નામ જ આજે સાંભળ્યું.’

‘તેમાં વાંધો નહીં. શેઠે તો બધાને કહ્યું છે કે મિત્રમંડળ સહિત આવજો. ચાલો તો ખરા, જરા મોજ આવશે. અમદાવાદમાં એટલું બધું શું કામ છે?’

‘ના રે! કામ તો કાંઈ નથી; પણ નકામાં પારકે ઘેર–’

‘અરે પારકું શું અને પોતાનું શું, ભલા માણસ? ક્યાં લાંબી વાત છે? આજે સાંજનાં ગોધાં લગન છે. લગન જોઈને સવારે જજો.’

‘ગોધાં લગન’ શું હશે તેના વિચારમાં હું હતો એટલામાં સ્ટેશન આવ્યું અને ગાંડાભાઈને તેડવા માણસો આવ્યા.

‘રણછોડભાઈ! ના, મારા સમ! અમારા શેઠને ખોટું લાગશે.’ ગાંડાભાઈએ કહ્યું. આખરે મેં પણ હા કહી અને વગર નોતરે શામળશાના લગ્નનો લહાવો લેવા ઊતર્યો.

પોટલાં ઉતાર્યાં અને અમે સ્ટેશનથી બહાર નીકળ્યા. ‘આ ગાલ્લી તમારે હારુ હોંકે–’ કહી તેડવા આવનાર માણસે એક નાનું, ઉઘાડું ગાડું દેખાડ્યું. તેમાં ચાર જણ તો બેઠેલા હતા. અમે બે તેમજ ગાડીવાળો કયે ખૂણે બેસીશું એ મને વિચાર થયો. આખરે અમે સાત જણ ગમે તેમ સિંચાયા. ગાડીવાળાએ હાથમાં પરોણી લઈ, બળદિયાનું પૂંછડું આમળી ‘તારો પાળતો મરે’ની શુભાશિષથી ગાડું હંકાર્યું. સંકડાઈને બેઠા એ તો ઠીક પણ અવારનવાર રસ્તાની અવનવી ખૂબીઓ આવતાં અમે એકમેકના ખોળામાં જઈ પડતા અને નાક પર સરી પડતી પાઘડીઓ મહામુશ્કેલીએ સીધી કરતા.

આખરે મહેમાનોને ઉતારવાની વાડી આવી. અમારી ‘ગાલ્લી’ ઊભી રહી. અમને ત્યાં ઉતારી ગાડીવાળો ચાલ્યો ગયો અને અમને તેડવા આવનાર તો ક્યારનો અંતર્ધાન થઈ ગયો હતો, એટલે બબ્બે પોટલાં હાથમાં લઈ ચારે બાજુએ આવકાર દેનારની વાટ જોતા, કઈ દિશામાં જવું તેનું નિરાકરણ કરવાની શક્તિ વગર અમે ઊભા. અવારનવાર વાડીમાંથી કોઈ અબોટિયું પહેરી, તો કોઈ પાઘડી પહેરી, જતું-આવતું; પણ કોઈ ઓળખીતું નીકળ્યું જ નહીં. 

‘ગાંડાભાઈ, આમ તપ ક્યાં સુધી કરવું છે? મારા તો હાથ રહી ગયા. ચાલો તો ખરા અંદર.’

‘હા, ચાલો.’ કહી મને નોતરી આણી, માનભંગ થયેલા ગાંડાભાઈ અને હું વાડીમાં પેઠા. વાડીમાં પેસતાં નીચેના ખંડમાં એક હીંચકા પર છ-સાત ગૃહસ્થો હા-હા-હી-હી કરતા બેઠા હતા અને ગાયનો ગાતા હતા. ચારપાંચ જણ ભોંય પર પથારી પાથરી બપોરની નિદ્રાને માટે તૈયારી કરી રહ્યા હતા. ત્યાં અમે પોટલાં મૂક્યાં અને કોઈક નવરો ખૂણો ખોળવા માંડ્યો. બાજુની નાની ઓરડીમાં પાંચ જણાનો સામાન પડ્યો હતો. ઉપર માળ પર વીશેક ગૃહસ્થો–કોઈ ગપ્પાં મારતા તો કોઈ ઝોકાં ખાતા–પડ્યા હતા. વાડીમાં જાણે કિલ્લાં ઊભરાતાં હોય તેમ લાગતું. એક માણસ સૂએ એટલી પણ જગ્યા મળવી કઠણ લાગી.

આખરે અમે પાછા નીચેની ઓરડીમાં આવ્યા. અમે આમતેમ ફરતા, પણ કોઈને પૂછવાની પરવા નહોતી.

‘ગાંડાભાઈ! અહીંયાં તો બધા જ મારા જેવા ભાડૂતી લાગે છે.’

‘હા ભાઈ!’ ગાંડાભાઈ બિચારા શું બોલે?

‘ત્યારે એક કામ કરીએ. આ ઓરડીમાં જ ધામા નાખીએ. બધા જ ભાડૂતી છે, એટલે કોઈ પૂછનાર નથી.’ કહી મેં એકની પથારી, બીજાની ટ્રંક, ત્રીજાની ઝોયણી ઊંચકી એક ખૂણામાં નાંખ્યાં અને જગ્યા કરી. ચપોચપ બહાર બેઠેલા ગૃહસ્થો આવ્યા અને અમારી હિંમત જોઈ, અમને વધારે હકદાર ધારી, રસ્તો કરી આપ્યો. પછી મેં અને ગાંડાભાઈએ મસલત કરી અને પેટની પરોણાગત માટે પણ આ જ કાયદો લગાડવો શરૂ કર્યો. એક જણને પકડ્યો, થોડે દૂર રસોઈની તજવીજ હતી ત્યાં તેને લઈ જવા કહ્યું. સામે કૂવા પર નાહ્યા અને જમવા બેઠા.

પચીશ જમી ગયેલાની જગ્યા પર, ઉંકડા-ઉંકડા, સારો મજાનો ટાઢો ભાત, શી વસ્તુ છે તે ન સમજાય એવી આછી પાણી જેવી દાળ, માથાના વાળ ઊભા થાય એવું તીખું શાક અને ગંધાતા ઘીથી લચપચતો લાડુ ખાઈ અમે પરવાર્યા. પછી ગાંડાભાઈ મને શેઠ પાસે લઈ ગયા.

શામળશા જાડા, વૃદ્ધ, કાળા અને ગોળમટોળ ગૃહસ્થ હતા. પરસેવો અને પીઠીના મિશ્રણથી જાણે વાર્નિશ દીધું હોય એવા લાગતા. ઘરેણાંના ગાંસડા ઠાલવી એમની ડોક, હાથ અને કાન શણગારવામાં આવ્યાં હતાં. તેમના મોં પર સુખ દેખાતું હતું, કારણ કે હાથમાં આરસી લઈ તે મૂછો તપાસતા હતા. હમણાં જ હજામ એમની મૂછોને કલપ લગાવી ગયો હતો.

‘ઓહો! કોણ ગાંડો! – આવની ભાઈ. તારી જ ખોટ હતી.’

‘ના જી! એમ તે હોય. હું તો ખરોસ્તો, આ મારા મિત્ર રણછોડભાઈ.’

‘પધારો પધારો! સારા માણસો છે ક્યાં દુનિયામાં? આ વખતે તો પ્રભુની મહેર છે. ગઈ વખત હું પરણ્યો–આ કીલાની માને–ત્યારે તો બાર જણ પણ નહોતા. એ તો જીવ્યા કરતાં જોયું ભલું.’ જેમ ડૉક્ટર મરી ગયેલા દર્દીની વાત કરે તેવી બેદરકારીથી જૂની સ્ત્રીને સંભારતા શેઠ બોલ્યા.

‘ખરી વાત છે, શેઠસાહેબ! લગ્ન સાંજનાં છે?’

‘અરે આ સમરથ જોશીને કહીને થાક્યો. દર વખતે આમ ને આમ વાર તે કેટલી?’

સમરથ જોશી ઘરડા ઘુવડ જેવા દૂર બેઠા બેઠા દક્ષિણા ગણતા હતા તેમણે ઊંચું જોયું. ‘શેઠ! એ તે કંઈ મારા હાથમાં છે? તોપણ, હવે ફરી વખત જોઈ લઈશ–આ વખતે ભૂલ થઈ તે થઈ.’

‘કેમ રે સમરથ! આ પાંચમી વહુ તો આણીએ છીએ. હજુ કેટલી બાકી છે?’

‘હવે યજમાન રાજા, એમ બોલીએ નહીં. લલાટે લખ્યા લેખ તે કંઈ મિથ્યા થાય?’ જરા હસતાં સમરથ જોષી બોલ્યા.

એટલામાં બહાર સૂરતથી મંગાવેલું ‘બૅન્ડ’ આવ્યું અને અમે કલાકને માટે રજા લીધી.

‘ગાંડાભાઈ! શેઠને કેટલાં થયાં?’

‘પચાસ કે ઉપર એકબે–કંઈ વધુ નથી. એમના બાપ સાઠ વર્ષે ઘોડે ચડ્યા હતા.’

હજુ શામળશાએ બાપની બરોબરી કરી નહોતી, તો સવાઈ તો ક્યાંથી જ કરે? પણ હાલની સ્ત્રીને, ન કરે નારાયણ અને કંઈ થાય તો બાપદાદાની આબરૂના રક્ષણાર્થે સવાઈ કર્યા વિના આ શેઠ રહે એમ લાગતું નહોતું.

‘વહુની શી ઉંમર છે?’ મેં પૂછ્યું.

‘હશે પાંચછ વર્ષની. અહીંયાંના દેસાઈની છોકરી છે. કુટુંબ ઘણું ખાનદાન ને આગળ પડતું છે.’

‘એમ!’ કહી હું ચૂપ રહ્યો. વાડીએ આવી અમે કપડાં બદલ્યાં. હું પણ જરા દોપટ્ટો-બોપટ્ટો અડાવી શેઠના માનમાં શણગારાયો અને પાછા અમે હવેલીએ ગયા. ત્યાં વરઘોડાની ધામધૂમ ચાલી રહી હતી. કોઈ નાટકકંપનીની હરાજીમાં ખરીદેલા, કટાઈ ગયેલી જરીના પહેરવેશમાં શોભતા વાજાંવાળાઓ ગમે તે બહાને વધારેમાં વધારે કાન ફોડે એવો ઘોંઘાટ પેદા કરી, પોતાની હોશિયારી દેખાડતા હતા. બીજી તરફ સ્વદેશી ‘બૅન્ડ’ હતું. આઠદશ તાંસાવાળા તાનમાં વગાડતા હતા. બે હીજડા ત્રણ શરણાઈના તીણા અવાજે ફાવે તે તાલમાં નાચતા હતા. લોકોની ઠઠ તે તરફ વધારે જોઈ મને લાગ્યું કે આપણો સ્વદેશપ્રેમ હજુ ચુસ્ત છે–આપણું જ સંગીત આપણને ગમે છે.

એટલામાં એક પાસે ઊભેલો ગૃહસ્થ બોલ્યો: ‘શાબાશ! શેઠે ઠીક કર્યું. ચાળીશ ગાઉથી તો હીજડા બોલાવ્યા છે. શાબાશ!’ શેઠની હવેલી આગળ નાના સરખા ચોગાનમાં આવી સૂરપૂર્ણ હવામાં દરેક ઘર આગળથી નીકળતી, બદબો મારતી ગંગા–જમનાઓ આગળ પડોશીના ઓટલા પર અમે બેઠા.

શેઠ કંઈ ક્રિયા કરતા હોય એમ લાગ્યું, કારણ કે બ્રાહ્મણોના થોડી થોડી વારે ‘હો–હા–હા’ના અવાજો આવતા હતા. ધર્મ પ્રમાણે શેઠ લગ્ન કરવા લાયક થઈ ચૂક્યા એવી ખાતરી થાય તેટલા માટે પૈસા મળ્યા એટલે ક્રિયા પૂરી થઈ જણાઈ. થોડાઘણા પુરુષો હતા તે બહાર નીકળ્યા અને વરરાજાના ઘોડાને બોલાવ્યો.

ઘોડો મહામહેનતે ખોળી કાઢ્યો હોય એમ લાગતું. સિકંદરના ‘બ્યુસેફેલસ’ કે નેપોલિયનના જગજાહેર ધોળા ઘોડાને લાયકાતમાં શરમાવે એવો આ હતો. ડોન ક્વિક્ઝોટના ‘રોઝીનાન્ત’થી પણ એ ચડતો લાગ્યો. તેને આંખ એક હતી અને જીર્ણતાને લીધે લબડતા હોઠોમાંથી સતત લાળ ટપકતી. તેની ખાંધે સાજ અને પગે ઘૂઘરીઓ હતાં; પણ ‘આ પળે મરું કે બીજી પળે મરું’ એવો ઇરાદો તેની કાઠી અને તેની ઊભા રહેવાની ઢબ પરથી દેખાઈ આવતો. થોડીઘણી માખીઓ પણ બિચારાને પજવતી; છતાં દૃઢતાથી–શાંતિથી–સ્થિરતાથી શામળશા જેવાનો ભાર વહેવાના ગર્વમાં જાણે એક પૂરી દેખાતી આંખ મીંચી તે ઊભો.

શેઠ આવ્યા. મોંમાં પાનનો ડૂચો, આંખમાં કાજળના બિલાડા, ભૂગોળની ભવ્યતાવાળું પણ જરીનાં જામા–પાઘડીમાં ઝગમગતું શરીર, મોઢા પર ખૂંપ અને હાથમાં નાળિયેર! શું સૌંદર્ય! શી છટા! પરદેશીઓને કહીએ કે આવો અને જુઓ–છે તમારે ત્યાં આવો કલાનો આદર્શ?! ગમે તેવા પણ અમે શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ!

શેઠ ઓટલાની કોર પર ઊભા – ઘોડાને ઓટલાની કોર પાસે આણ્યો, પણ કાં તો શેઠનું સ્વરૂપ જોઈ કંઈ કાળકા-માતાના સ્મરણથી ઘોડો ચમક્યો હોય–કે કાં તો જાનવરની લગ્નની પવિત્ર ભાવનાની દૃષ્ટિથી શેઠના કૃત્યને ઠપકો આપી, સુધારાનો હિમાયતી થયો હોય–કે કાં તો સંન્યસ્ત-અવસ્થામાં આવી રહ્યો હોઈ શેઠને પણ તેમ સૂચવતો હોય: ગમે તે કારણ હોય, પણ જ્યાં શેઠ ઓટલા પરથી પગ ઊંચકે કે ઘોડો ફૂં કરે, ડોકી હલાવે કે ખાંધ ખંખેરે. શેઠ તો બિચારા જ્યારે-જ્યારે પરણવા જતા ત્યારે જ ફક્ત ઘોડે બેસવાનો મહાવરો રાખતા હોવાથી ઘોડાની આ દગલબાજીથી બીને, તરત પગ પાછો ખેંચતા. શેઠે એક વાર–બે વાર–સાત વાર મહાન ભગીરથ પ્રયત્ન આ ઘોડાને પલાણવા કર્યા, પણ હતા ત્યાંના ત્યાં! આખરે બે જણે અશ્વરાજને મોં આગળથી ઝાલ્યો, બે જણ પૂંછડાની તપાસ રાખવા પીઠ પાછળ ઊભા રહ્યા અને શેઠને કહ્યું, ‘ચાલો શેઠ! હવે ફિકર નથી.’

લોકો બધા એકીટશે જોઈ રહ્યા. અર્જુને મત્સ્ય વીંધ્યું ત્યારે પણ આટલી એકાગ્રતા દ્રુપદના રાજદરબારમાં નહીં દેખાઈ હોય. બેફિકર થવાનાં વચનોથી શેઠે હિંમતને બે હાથે પકડી. અરે હા! પણ… પણ બંને હાથમાં તો નાળિયેર હતું–શેઠે પગ ઉઠાવ્યો–હંમેશ કરતાં વધારે–અને મૂક્યો અશ્વરાજની વૃદ્ધ પીઠે; પણ જાત ઘોડાની અને તેમાં પુરાણો, પછી પૂછવું શું? તરત ફરી ગયો–મોઢું શેઠ તરફ કર્યું–કાન ઊંચા કર્યા. શેઠ ગભરાયા–જીવ બ્રહ્માંડની લગોલગ જઈ પહોંચ્યો–પાછળ હઠ્યા–હાથ જોડી જીવ બચાવવા નાળિયેર જતું કર્યું–પાછળ હઠતાં એકદમ પાઘડી ભીંતમાં અથડાઈ–ખસી આગળ આવી–પડી ગઈ.

વરરાજા તાજનષ્ટ થયા. લોકોમાં હાહાકાર કે પછી હ–હ–હકાર વ્યાપ્યો. શેઠે ઊંચું જોયું–દયાર્દ્રતાથી લોકો તરફ જોયું. તિરસ્કારથી ઘોડા તરફ જોયું–ગૌરવથી કીચડમાં પડેલી પાઘડી સામું જોયું–ઠપકામાં, મિજાજમાં આકાશ તરફ–ઈશ્વર સામું જોયું. કોણ જાણે શું દેખાયું, પણ એકદમ હોઠ ખેંચાયા અને આખી મેદનીમાં પહોંચે એવો સૂર તેમના ગળામાંથી નીકળ્યો:

‘એં–એં–એં.’

લોકો બધા વીંટાઈ વળ્યા. ઘણાખરાએ મોઢે રૂમાલ કે ખેસ દીધો. મને લાગ્યું કે તે શરમમાં હોવું જોઈએ. શેઠ કેમ રડ્યા તે કોઈ સમજ્યું નહીં. શેઠે રડતે રાગે કહ્યું કે ‘કીલાની બા સાંભરી’. પછી મહામહેનતે શેઠને ઠીક કર્યા ને ચાર મજબૂત સાજનિયાઓએ ઊંચકી અશ્વરાજ પર બેસાડ્યા. મને ઘોડાને દ્વેષબુદ્ધિ થઈ હોય એમ લાગ્યું. તેની આંખો ઘડપણના પાખંડથી ભરેલી લાગી.

શેઠને ઘરડે ખભે, નીકળતાં-નીકળતાં, વળી એક તલવાર મૂકી. રખે ઘોડા પરથી પડી જાય કે મ્યાનમાંથી નીકળી તલવાર વાગે–કે હાથમાંથી નાળિયેર સરી જાય, એવી અનેક ફિકરમાં વરરાજા કેમે કરીને બેઠા. આખરે બૅન્ડના અવાજથી અને હીજડાના નૃત્યથી, તાલબદ્ધ થઈ વરઘોડો નીકળ્યો.

આખરે અમે વેવાઈને ઘેર આવ્યા. વેવાઈનું ઘર જરા નીચાણમાં હતું એટલે ત્યાં જતાં પહેલાં ઢોળાવ ઊતરવાનો હતો. તાંસાવાળા તાનમાં, હીજડાઓ ગાનમાં અને સાજનિયાઓ ગુલતાનમાં ઢોળાવ ઊતર્યા; ઊતર્યા અને પાછા ફર્યા. ઉપર ઢોળાવ શરૂ થાય ત્યાં કોઈ પર્વત પર ફિરસ્તો ઊભો હોય તેમ – શેઠ અને એમનો ઘોડો ઠમકીને ઊભા હતા. ઘોડો બળવો કરવાની તૈયારી કરતો હોય તેમ, જાણે તેના મનમાં તે કરવાનો સર્વાનુમતે ઠરાવ થયો હોય તેમ, નિશ્ચલતાથી એક જ પગ ઢોળાવ પર મૂકી – દુનિયાને દબાવતો, શેઠને ગભરાવતો, ઊભો હતો. અરે ઘોડા! જમાનાની અસર તારા પર પણ!

બેચાર જણ દોડી ગયા અને ઘોડાને પકડી ખેંચવા માંડ્યો, પણ તે વળી એકનો બે થાય! શેઠ કહે કે ઊતરી પડું. લોકો કહે, વળી એમ તે ઉતરાય? બેત્રણ જણે લગામ ઝાલી અને એકે પાછળથી બેત્રણ સપાટા ઘોડાને અડાવી દીધા. ઘોડો હિંમત હાર્યો, બળવો કરવાનો ઇરાદો છોડ્યો. ત્યાગવૃત્તિથી – માર ન સહન થવાથી તેણે ગતિ સ્વીકારી, ડગલાં લીધાં એક, બે, ત્રણ. ઉપર શેઠ ગભરાયા–ઢોળાવને લીધે ઘોડાની ડોક પર નમ્યા. ઘોડાના આગલા પગ ધ્રૂજ્યા–તેણે જોખમદારી છોડી–તેના આગલા બે પગ મરડાયા, વળ્યા અને ગુરુત્વાકર્ષણના પ્રભાવે તે સર્યો, નીચે અમે ઊભા હતા ત્યાં એ અને ડોકે વળગેલા શેઠ એમ ઝપાટાબંધ ઊતર્યા–આખરે નીચે અટક્યા.

સ્વાર્થી સાજનિયાઓ જોઈ રહ્યા–મદદે દોડતાં પહેલાં આ દૃશ્ય ફરી નહીં જોવા મળે એવા વિચારે તેને હૃદયમાં ઉતાર્યું. આખરે શેઠને ઊંચક્યા અને હવે વેવાઈનું ઘર આવ્યું હતું એટલે પગે જ તે ત્યાં પહોંચ્યા.

વરરાજા પોંખાયા–વેવાણો રિસાઈ–અને આપણા પુરાણા શિરસ્તાઓ મુજબ વરરાજા ચોરીમાં પધારાયા. નાનું સરખું, પાનેતરમાં વીંટાળેલું ઢીમચું હોય તેવી કન્યાને તેના મામા ઊંચકી લાવ્યા અને ચોરી સામે બેસાડી. શ્લોક પર શ્લોક ભણાવા માંડ્યા; દૂર જ્યાં હું ઊભો હતો ત્યાં સમરથ જોષી તપેલામાં જોઈ ઘડી ગણતા હતા અને ગમે તે શ્લોકની લીટીઓ ભેગી કરી શેઠને ‘સાવધાન’ કરતા હતા.

મને જોષીની સ્થિતિ વિચિત્ર લાગી. તેમની આંખોમાં કંઈ જુદું જ તેજ હતું–અને તેમની જીભ જરા લથડાતી. મને લાગ્યું કે જોષી બુવાએ ‘વિજયા’ની આરાધના કરી હતી. દૂર એક લીલા પાણીનો ભરેલો હોય એવો લોટો જોઈ ખાતરી થઈ. પ્રસંગની મહત્તાના માનમાં અને મહાદેવને પ્રસન્ન કરવાના સ્તુત્ય હેતુથી, જોષીજી ચકચૂર થયા હતા. મેં પાણીથી ભરેલા તપેલામાં–જે તરફ જોષી એકીનજરે જોઈ રહ્યા હતા તે તરફ–જોયું. પાણી પર કંઈ નહોતું. જોષી જોતા હતા ખરા–પણ ઘડી માંડી જ નહોતી. ભાંગની ધૂનમાં કાલ્પનિક ઘડીઓ જ ગણતા. આખરે જોષીએ થાળી લીધી, વગાડી – વાજાં વગાડ્યાં–શામળશા સજોડ થયા–તેમની હોંશ પૂરી પડી.

થોડી વારે જગ્યા થઈ એટલે હું ચોરી પાસે ગયો. કન્યા ઊંઘી ગઈ હતી અને તેની મા તેને ખોળામાં લઈ બેઠી હતી. સપ્તપદી, અમારા શાસ્ત્રના કહેવાતા અમર કોલ, જેની મહત્તા પર અમારા લગ્નની પવિત્રતાના બુરજો ચણાયા છે તેનો વારો આવ્યો. મને ધાર્મિક લાગણીઓએ પુનિત કર્યો. હું તો આઠ વર્ષે પરણ્યો હતો અને ઘરવાળી હજુ તેની તે જ હતી; એટલે તે વખતની મારી શી લાગણીઓ હતી તે મને યાદ નહોતી; મને આજે અનુભવ થયો. પાટલા નીચે હાથ મૂકી–ટેકવી, શેઠ ઊઠ્યા. કન્યા કેમે કરી જાગી જ નહીં. આખરે તેની મા ઊઠી, હાથમાં દીકરીને લીધી અને શેઠની સાથે ચોરીની આસપાસ ફરી. આખરે પવિત્ર સપ્તપદી પૂરી થઈ.

લખવાનું હજુ બહુ છે, પણ સ્થળનો અભાવ છે. હું બહાર નીકળ્યો તો જાણે ભીલડીઓ, નશામાં ગાળો ભાંડતી હોય તેમ, લૂગડાં કે અવાજ કે ચાળા કે શબ્દોની મર્યાદા અને છટા રાખ્યા વિના–દરરોજ વેંત આઘું ઓઢી, ડાહી ઠકરાણી ગણાવા ધીમે ધીમે બોલતી સ્ત્રીઓ ગાઈ રહી હતી. બહુ જોવાની હવે મારામાં અભિલાષા રહી નહોતી. અમે વાડીએ ગયા અને રાતની ગાડીનો વખત થયો એટલે મેં ગાંડાભાઈની રજા લીધી, ‘હવે તો હું જઈશ જ.’

‘પણ, રણછોડભાઈ! શેઠને મળીને જાઓ. નહીં તો તેમને ખોટું લાગશે. કાલે મને વઢશે.’

‘ઠીક, ભાઈ!’ કહી હું પાછો વેવાઈને ત્યાં આવ્યો. શેઠની ભાળ પૂછી તો મને જણાવવામાં આવ્યું કે માતાના ઓરડામાં વરકન્યા પૂજા કરે છે. લોકો જમણની ખટપટમાં હતા એટલે ઘર સૂનું લાગતું. હું દેખાડેલા ઓરડા તરફ ગયો અને ત્યાં જઈ જોયું અને ઊભો.

ભીંતને રંગી, માતા કરી, તેની પૂજા કરવા અને ભટનું તરભાણું ભરવા, ચોખા અને ઘઉંના ઢગલા મારેલા હતા. સામે શેઠ અને નવાં શેઠાણી–અત્યારે જાગતાં હતાં–બેઠાં હતાં, ગોર કંઈ લેવા બહાર ગયા હોય એમ દેખાયું.

હું અંદર પેસવા જતો હતો અને ઠમક્યો–મર્યાદાનો બાધ આવ્યો. શેઠ સંવનન (Wooing) કરતા હતા–ધીમે ધીમે છ વર્ષની કોડીલી કન્યાનો ઘૂમટો તાણતા હતા. પેલી અંદરથી ‘ખીખી’ કરી હસતી હતી. હું જોઈ રહ્યો. કોણ કહે છે કે આપણે ત્યાં સંવનન નથી?

હું તો ચિત્રવત્ થઈ ઊભો–જોયાં જ કર્યું. શેઠે ઘૂમટો કાઢ્યો ને તેમની ઝીણી, ઘરડી આંખે કટાક્ષ માર્યું. શેઠ ધીમે રહી શેઠાણીની હડપચીને અડકવા ગયા. તેણે કહ્યું: ‘ના–હી,’ અને જરા આઘી ખસી ગઈ. શેઠ જરા પાસે ગયા–શેઠાણીએ ધમકી દીધી. ‘બાને બોલાવીશ.’ શેઠ હિંમત હાર્યા નહીં–‘હવે બેશની.’ કહી હાથ લંબાવ્યો. શેઠાણીને ગલીપચી કરી. શેઠાણીનો તીણો ઘાંટો ગાજી ઊઠ્યો:

‘ઓ બા! બા! આ ડોસો મને મારે છે!’

શું કહું? મેં – રણછોડે રણ છોડ્યું: હું મૂંગે મોંએ નાઠો. જતાં જતાં બૈરાંઓનો બેસી ગયેલો પણ દૂર સંભળાતો સ્વર આવ્યો:

‘એ વર નહીં પરણે, નહીં પરણે–
અમે જીત્યાં રે જીત્યાં.’

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.