ખબર પડતી ગઈ એમ એમ માણસો આવે ગયાં અને ઘરમાં થોડી વાર રોકકળ તો થોડી વાર બીક લાગે એવી શાંતિ વ્યાપી રહી. સવિતાને તો લગભગ લૂગડાંનું પણ ભાન નહોતું. એ તો બાજુના ઓરડામાં ભીંતને અઢેલી બૈરાંથી વીંટળાઈને બેસી રહેતી. એની અને ચંપકલાલની આંખો સામસામે મળતી નહોતી. ત્રીજા દિવસે સવારે ચંપકલાલે જોયું કે નાનાં બે છોકરાં ઊઠ્યાં નહોતાં. એમને નિશાળ હતી. નવડાવી-ધોવડાવી તૈયાર કરવાનાં હતાં. ઘરમાં અને રસોડામાં વસ્તુઓ જેમતેમ રઝળતી હતી.
એમણે અડધું મોં ઢાંકેલી સવિતા પાસે જઈ કહ્યું, ‘ડોશીને તેડાવી લઈશું? સવિતા કંઈ સમજ્યા વગર તાકી રહી.
આ રસોડું અને છોકરા સંભાળનાર કોઈ તો જોઈશે ને!’
આઠ વાગ્યે એમનો દૂરનો ભત્રીજો પરેશ સ્કૂટરને કીક મારીને ઊપડ્યો. અમરાઈવાડીનો પુલ ઊતરીને જમણી બાજુ એક સાંકડી ચાલીમાં પેઠો અને એક ઘર, આગળ ખાટલામાં પાટલૂનને ઈસ્ત્રી ભાંગે નહીં એમ સાચવીને બેઠો. સ્કૂટરની ચાવી હાથમાં રમાડતાં, ‘ના, ચા નથી પીવો. નથી ભાવતો, એવું કર્યો ગયો. દરમિયાન અંદરથી અવાજો સંભળાય ગયા, ‘તે ના’વાનું ચાલશે. ત્યાં ટાઈમ મલે નાહી લેવાશે.’
‘લ્યો, આ મારાં જૂનાં પર ઘાલો પગમાં એ ના જડે તો અત્યારે પૈડ રહેવા દેવી હતી ને! હટ કરજો, ત્યાં પેલાં બચ્ચારાં –’ અને દસેક મિનિટમાં જ ડોશી સાડલાની સોડમાં પોટલું સંતાડીને નીકળ્યાં તે એમને પાછળ બેસાડી મારમાર કરતો પરિયો ખાડાટેકરા જોયા વગર સ્કૂટર ઉછાળતો, વચ્ચે એકાદ-બે વાર, જો જો હોં માજી, પકડીને બેસજો’ કહેતો લઈ આવ્યો.
પેલા ઘરમાંથી નીકળ્યાં હતાં એમ જડોશી સાલ્લાને ચારે બાજુથી શરીરને દાબી પોટલું સંભાળતાં કોઈનું ધ્યાન ન જાય એમ હળવેથી પગના અંગૂઠા ઉપર ચાલતાં પાછલા બારણેથી રસોડામાં પેસી ગયાં. થોડી વાર પોટલું ક્યાં મૂકવું એ સૂક્યું નહીં એટલે આમતેમ જોતાં ઊભાં રહ્યાં. પછી અનાજનાં બે પીપ દેખાયાં એની પાછળ નાખી દઈ પ્લેટફોર્મ તરફ વળ્યાં. બે દિવસનાં વાસણ, કપ-રકાબી, ચા-ખાંડના ડબ્બા બધું જેમતેમ પડ્યું હતું તે સરખું કરી નાખ્યું, પ્લેટફોર્મ ધોઈ નાખ્યું અને રસોઈ માટે દાળ-ચોખા શોધવા લાગ્યાં તે જડ્યાં નહીં એટલે ધીમેથી સવિતા પાસે ગયાં.
સવિતા ખૂણામાં ભીંતને અઢેલીને બેઠી હતી. મોં આખું ઢાંકેલું હતું. એક પગ ઊભો હતો અને એના ઢીંચણે માથું ટેકવેલું હતું. સામે ત્રણ-ચાર જુવાન, રૂપાળાં બૈરાં બેઠેલાં હતાં. દાળ-ચોખાનું પૂછવા ગયાં હતાં પણ ડોશી ત્યાં પેલાં બૈરાંથી થોડેક છેટે બેસી ગયાં. બેરાં બોલ્યા વગર નીચું માથું રાખી બેઠાં હતાં. એકનો હાથ સવિતાનો. હાથ ઉપર મુકાયેલો હતો. થોડી થોડી વારે સહુ રૂમાલથી ધીમે રહી આંખો લૂછી લેતાં હતાં. દાળમાં આદું નાખવું – આ લોકો ગળપણ કેટલું ખાતાં હશે – આવું વિચારતાં ડોશી થોડી વાર પલાંઠી મારીને ટટ્ટાર બેસી રહ્યાં પછી એકદમ ખૂબ ઊંચા અવાજે બોલી પડ્યાં, ‘રડવાનું નથી સવિતા. ગયેલો કંઈ પાછો આવવાનો છે?
શબ્દો સહાનુભૂતિના હતા પણ કંઈક ગુસ્સાથી, ધમકી આપતા હોય એ રીતે બોલાયેલા હતા. પેલી સ્ત્રીઓ ચમકી ગઈ. એમણે એકબીજા સામે જોયું અને પાછું નીચું જોઈ ગઈ. એટલામાં વળી બીજાં ચાર-પાંચ બૈરાં આવ્યો એટલે ઊઠીને ડોશીએ ખાંખાંખોળા કરી દાળ, ચોખા, ગોળ, આટો બધું શોધી કાઢ્યું. ગેસની સગડી નીચે મૂકી અને પલાંઠી મારીને એકાગ્રતાથી રસોઈ બનાવવા માંડ્યાં. એમનું શરીર ઘણી ર્તિથી ફરતું હતું. રોટલી તૈયાર થાય ત્યારે એક હાથે સાણસીથી તવી ઉતારી લઈ બીજા હાથે સગડીમાં શેકીને દડો બનાવી દેતાં. કોઈ ભાવ વગરની ખાલી આંખો આટો, સગડી, આગ – એ બધાંને તાકી રહેતી.
રસોઈ થઈ ત્યાં છોકરાં નીશાળેથી આવી ગયાં. વાદળી ફ્રોકવાળી બેબી અને સફેદ પહેરણ-વાદળી ચડ્ડીવાળો બાબો જોઈને ડોશીએ કહ્યું, ‘ચાલો, તમે બે જમી લો.’ છોકરાંને રસોડામાં બેઠેલો આ આકાર જોઈને બીક લાગી તે દફતર પછાડીને નાઠાં. આથી ડોશીને સહેજ હસવું આવ્યું અને આજુબાજુ કોઈ હતું નહીં છતાં થોડાક મોટા અવાજે બોલ્યાં, મારાથી બીવ છે.’ પછી તો કોલેજમાં ભણતી છોકરાની એક દૂરની માસીએ એમનાં કપડાં બદલાવ્યાં અને પાસે બેસી જમાડ્યાં. ડોશીએ બે વાર પૂછવું. ‘તું કોલેજ કરે છેલી? પણ પેલીએ સાંભળ્યું હોય એમ લાગ્યું નહીં.
બપોરે બધાં જમી લે પછી પોતાની થાળી પીરસી ડોશી રસોડું સાફ કરી નાખતાં. કોઈ જમવાનું કહે, ‘જમી લેવું હતું ને? – એવો આગ્રહ કરે એ જરૂરી નહોતું. પ્લેટફોર્મ, ભોંયતળિયું ઘસી ઘસીને ધોયા પછી રસોડા વચ્ચે, પંખાની બરાબર નીચે, સામે થાળી અને પાણીનો લોટો મૂકી બેસતાં અને ધીમે ધીમે બારીકાઈથી ભરત ભરવાની કે ગૂંથવાની ક્રિયા કરતાં હોય એમ જમતાં. સામે અથાણાં અને મુરબ્બાની બરણીઓ રાખતાં અને પાપડ, કચુંબર કંઈ ખૂટે નહીં એની પૂરતી તકેદારી રાખતાં. ક્યારેક રસોડામાંથી પસાર થતું કોઈ માણસ આ જોઈ રહેતું. એનો પગ પણ થોડીક ક્ષણ થંભી જતો. બીજા ઓરડામાં કોઈ અવાજ નીચે કર્યા વગર કહેતું, ‘આ ડોશી તો જો!’ પણ એ બધાં તરફ એમનું ધ્યાન જતું નહીં. એ ટટ્ટાર બેસીને ધીમેથી ખુબ ચાવી ચાવીને ખાધે જતાં અને જડબાં મજબૂત રીતે હાલ્ય જતાં. વચ્ચે વચ્ચે પાણીનો ઘૂંટડો ભરતાં અને બારી બહાર તાકી રહેતાં. બહાર નાનો બગીચો હતો એમાં એક નાળિયેરી દેખાતી. એનાથી આગળ ભૂરા આકાશનો ખેતરના કટકા જેટલો ભાગ દેખાતો. ક્યારેક એકાદ પંખી દૂરદૂર પસાર થતું દેખાતું ત્યારે હાથમાં કોળિયો થંભી જતો એટલું જ. પછી જડબું જોરથી એનું કામ કરવા લાગતું.
પાછળ ઘરમાં જે ચાલતું હતું એના ધીમા પડઘા એમને સંભળાતા. ગાડીઓના દરવાજા ઊઘડતા અને બંધ થતા. ક્યારેક મોટામોટા માણસો આવતા અને દોડાદોડી થઈ જતી. શેઠ આવ્યા’ એવી ગુસપુસ થતી. સહુ ચંપકલાલની પાસે આવીને બેસતું. ડાહી ડાહી વાતો થતી, છાપામાં ફોટો જોયો.’ ‘બધાં છાપાંએ લીધું છે, એવા શબ્દો સંભળાતા. ક્યારેક કોઈ માણસના રડવાથી ઘર ભરાઈ જતું. એ વ્યકિતને છાની રાખવાનો પ્રયત્ન થતો અને પાછળ સ્પષ્ટતા થતી – ‘એનો ભાઈબંધ છે. નિશાળમાં સાથે ભણતા. સમાચાર મળ્યા તે બિચારો છેક રાધનપુરથી આવ્યો છે. આવા વખતે રસોડામાંથી બહુ સાચવીને નીકળી ડોશી બારણા પાસે બેસી જતાં અને આંસુથી ખરડાયેલા ચહેરાઓ સામે વારાફરતી તાકયાં કરતાં. એમની આંખોના કોઈ ખૂણામાં ભીનાશ આવતી નહીં. સહુ શાંત હોય ત્યાં ક્યારેક ઊંચા અવાજે બોલાઈ જતું, ‘ભાઈબંધ એટલે દુઃખ તો થાય જ ને! કૃષ્ણ-સુદામાની જોડી હતી, ત્યારે ચંપકલાલ ચિડાઈને એમની સામે જોતા. શું ભૂલ થઈ તે ડોશીને સમજાતું નહીં છતાં પાછા પગે રસોડામાં પેસી જતા.
સવારે સહુથી વહેલાં જાગી બાથરૂમમાં ઝટઝટ બે લોટા પાણી દેહ ઉપર રેડી લૂગડાં ધોઈ નાખતાં અને બગીચાના એક ખૂણામાં પપૈયાનાં બે ઝાડ વચ્ચે દોરી બાંધી. હતી ત્યાં કોઈની નજર ન જાય એવી જગ્યાએ સૂકવી દેતાં. પછી બે કપ ચા લાલલાલ રગડા જેવી બનાવી પાછળના ઓટલે બેસતાં અને આકાશમાં અજવાળું થાય તે જોતાં જોતાં રકાબીમાં કાઢીને પી લેતાં. ઘરમાં એકએક માણસ ઊઠે એમ પથારી વાળી લેવી, નાહવા માટે ઊનું પાણી કરવું, ‘તમે દાતણ કર્યું? એમ પૂછી પૂછીને ચા બનાવી આપવી, છોકરાંને નવડાવી તૈયાર કરી નિશાળે મોકલવાં – આ બધુ પતે એટલે બપોરની રસોઈ બનાવવા મંડી પડતાં. બપોરે પોતે જમી લે પછી કંઈ સૂઝે નહીં એટલે રસોડાના બારણા પાસે બેસી રહેતાં – સવિતા કે ચંપકલાલ કંઈ કહે છે? પછી જુએ છે કે સહુ જંપી ગયું છે, અવરજવર નથી, બારણાં-બારી બંધ થઈ ગયાં છે અને ટેલિફોન પણ આવતા નથી એટલે માથા સુધી સાડલો ખેંચીને રસોડા વચ્ચે જ લાંબા થઈ જતાં. એમાં કંઈ અવાજ થાય અને આંખ ઊઘડી જાય તો માટલા પાસે હાથમાં પાણીનો પ્યાલો લઈને સવિતા કે ચંપકલાલ લાલ આંખે એમની સામે તાકી રહ્યાં હોય. એકદમ શરીર સંકોરી લઈને એ બહાર નીકળી જતાં અને ઓટલા ઉપર ઊભાં ઊભાં તડકા સામે તાકી રહેતાં.
બપોર પછી અવરજવર વધારે રહેતી ત્યારે કોઈ વાર બધાં બૈરાંની પાછળ રસોડાના બારણા પાસે જ એ બેસતાં અને ભગવાનનું નામ લેવું.’ ‘એણે આપ્યો હતો અને એણે લઈ લીધો.’ એવી વાતો સાંભળીને એ રાજી થતાં અને માથું હલાવતાં. એમાં ક્યારેક ગાયના પૂંછડે પાણી’ ચાણોદ-કરનાળી આવા શબ્દો આવે તે સાંભળીને એ એકદમ ઊભાં થઈ જતાં અને પાછળ ઓટલે જઈને બેસતાં કે બેબીને પકડી એના માથામાં ઘસી ઘસીને તેલ નાખવા મંડી પડતાં. તેલ નાખતાં નાખતાં બેબી સાથે વાતો કરતાં ‘તારી માસ્તરાણીનું નામ શું? તારે ભણવામાં જનનીની જોડ સખી નહીં મળે આવે?
રાત્રે બધાં સૂઈ જાય પછી રસોડામાં શેતરંજી નાખી ડાબા હાથ પર માથું રાખી ટૂંટિયું વાળીને પડે એવી ઊંઘ તો આવી જતી પણ પછી એ ઘરના અંધારામાં પીપડાં પાછળ સંતાડેલી પોટલીમાંથી નીકળીને ફરસ ઉપર બે નીકો બનાવતા રેલા એમની આંખો સુધી આવતા. તડકામાં ધૂળ આંખમાં વાગતી અને છાજિયાં લેવાતાં, લીમડાની છેક ઉપરની ડાળે લાશો તરતી, ફાટી ગયેલી આંખોમાંથી લોહી ટપકતું, આખી રાત આંગણું ભરીને ડાઘુઓ ઊભા પગે બેસી રહેતા અને મસાણ તરફથી આવતો પવન બારીએ માથાં પછાડ્યા કરતો.
સવારે આમાંનું કંઈ રહેતું નહીં અને ડોશી રગડા જેવી દોઢ કપ ચા લઈને ઓટલા ઉપર બેસતાં.
ચૌદમા દિવસે સવારે છેલ્લાં સગાં-સંબંધી પણ ગયાં. સવિતા માથું ધોઈને નહી, ચંપકલાલે એની પાસેથી ચાવી માગીને કબાટ ઉઘાડ્યું અને એમાંથી કંઈક કાગળિયાં કાઢીને ચરમાં ચડાવી વાંચવા બેઠા. સવિતા એમના પગ પાસે બેઠી અને એક એક વાળ છુટો થયો ત્યાં સુધી કાંસકો ફેરવ્ય ગઈ. છોકરાં નિશાળેથી આવ્યાં ત્યારે સવિતાએ કોરા વાળનો અંબોડો વાળી એમને છાતી સાથે દાળ્યાં એટલે ડોશીની નજર પેલાં પીપડાં પાછળનું પોટલું શોધવા લાગી.
ત્યાં ઘર આગળ એક સ્કૂટર આવીને ઊભું રહ્યું. એના ઉપરથી ઊતરી જુવાનિયાએ ઝડપથી માથામાં કાંસકો ફેરવ્યો. તેણે સવિતાએ વાત કરી – ઇસનપુરથી આવું છું. ફલાણા. એની ભાભીને હતી તે રાત્રે દોઢ વાગે દવાખાને દાખલ કરી હતી. ડોશી અહીં છે? ‘સુવાવડ’ શબ્દ શરમથી અડધો ગળી ગયો. ઘરમાં થોડીક વાતો થઈ. પેલા જુવાનિયાને અડધો કપ ચા મળી તે એણે પગ ઉપર પગ ચડાવીને ટેસથી પીધી. ત્યાં તો સાડલા નીચે પોટલું દબાવી ડોશી નીકળ્યાં અને બે બાજું જેશીક્રશ્ન, જેશીક્રશ્ન કરતાં સ્કૂટરની સીટ ઉપર જઈને બેઠાં.
ચંપકલાલ ત્યારે ઓટલા ઉપર બેઠા હતા. માથે મુંડન કરાવેલું હતું અને ખભે ખેસ હતો, આંખો થાકેલી અને ચહેરો ફિક્કો હતો. એ ધારીને ડોશીને જોઈ રહ્યા. પછી, એ ફિક્કા ચહેરા ઉપર રમૂજ ઊભરાઈ આવી અને એમણે પાસે ઊભેલી સવિતાને કહ્યું, ‘લ્યો, ડોશીને તો બીજી વિઝિટ આવી?
પછી એ સોસાયટીના તૂટેલા રસ્તા ઉપર ગાંડા આખલાની જેમ પાછલા પગ ઉછાળતા જતા સ્કૂટરની સીટને ચોંટી રહેલા પેલા પોટલા જેવા આકારને જોઈ રહ્યા.