વરઘોડો

છેલ્લી ઘડીએ ફૅમિલી સાથે નીકળવું અશક્ય બન્યું ને અહીં ઊતર્યો ત્યારેખાસું મોડું થઈ ગયું હતું. પરમારસાહેબના ઘરનો રસ્તો કઈ તરફ હશે – ના વિચારે હૂં ઊભો રહ્યો.

છૂટાછવાયા પાનમસાલાના ત્રણ-ચાર ગલ્લા વચ્ચેએક ચાની લારી ધણધણી રહી હતી. એની ફરતે ટોળું બેઠું હતું. મેં એમની પાસે જઈને પરમારસાહેબના ઘરનો રસ્તો પૂછ્યો. ‘કુણ? હીરોભઈન્!’ કહેતો એકાદ જણ, ‘ઓમ સીધે સીધા હેંડ્યા જોંવ… પેલું ભૂંગળું વાગે ઈયાં જઈન્ ઊભા રે’જો.’

મેં માથાના વાળ સહેજ સરખા કર્યા ને હાથરૂમાલથી ચહેરો સાફ કર્યો. ઝાંખાપાંખા અજવાળામાં ઢંકાયેલા ગામ પરથી નજર હટાવતો હું દૂરથી દેખાતી રોશની તરફ ચાલતો થયો.

ઝળાંઝળાં થતા મહોલ્લાના નાકાથી લઈને આખે આખો મહોલ્લો રંગબેરંગી, લાઇટ-સિરિજથી લબઝબ થઈ રહ્યો હતો. વિશાળ મંડપ છાયો હતો. જાતભાતના ડેકોરેશનથી મહોલ્લો અતિ સુંદર લાગી રહ્યો હતો. મારા કાન લાઉડ-સ્પીકરમાંથી રેલાતાં ફિલ્મીગીતોમાં અટવાય એ પહેલાં હું મહેમાનોથી ખીચોખીચ મંડપ નીચે આવી ઊભો.

‘આવો… આવો… સોલંકીભાઈ.’ કહેતા પરમારસાહેબ મહેમાનો વચ્ચેથી ઊભા થઈને સામે આવ્યા. એમના ચહેરા પર છલકાતી ખુશી જોતો હું ખુશ થઈ ગયો. એક હાથ મારા હાથમાં જ રાખીને એમણે બીજા હાથે, ‘બેસો…’નો ઇશારો કર્યો ને પછી, ‘અહીં પાણી આપો, ભાઈ…’ કહેતાં ફૅમિલી સાથે ના આવતા બદલ થોડુંક ઠપકો આપવા જેવું હસતે ચહેરે બોલીને એ પાછા બીજા મહેમાનો વચ્ચે જઈ ઊભા.

છેલ્લા એક મહિનાથી પરમારસાહેબ એમના બાબાના લગ્નની તૈયારીમાં હતા. રંગરોગાન, ડેકોરેશન, બૅન્ડવાજાં, જમણવાર, કપડાં-લતાંથી લઈને, લગ્નકાર્ડ છપાવવા સુધીનાં કામની યાદી બનાવવા એ રિરેસના સમયે, ‘સોલંકી, આવો તો…’ કહીને ચૅમ્બરમાં બેઠા બેઠા જ મને બોલાવી લેતા. પછી બબ્બે વખત ચાના ઑર્ડર આપતા ને રિસેસ પૂરી કરીને સ્ટાફ પાછો આવી જતો ત્યાં સુધી બધું ચર્યાયા કરતું…

મારી નજર પરમારસાહેબના મહોલ્લામાં ફરવા માંડી. આખો મહોલ્લો વ્યવસ્થિત હતો. ક્યાંય કશી ગંદકી કે કશું અસ્તવ્યસ્ત નહોતું. હું ખુશખુશાલ ચહેરે બધું જોતો રહ્યો. મકાન તો એમનું શહેરમાંય હતું પણ એમની ઇચ્છા ગાાં જ અવસર કાઢવાની હતી.

શરૂ શરૂમાં પરમારસાહેબ મારી જોડે ઑફિસકામ સિવા ઝાઝું બોલતા નહીં પણ પચી ધીમે ધીમે એ નવરા પડતા કે તરત જ મને યાદ કરતાં. હું એમની સામે ઊભો રહું ને એ ‘બેસો… બેસો…’ કહીને મારી સાથે વાતે વળગી જતા. અન્ય સ્ટાફ સાથે પણ એમનો ભાવ એવો જ રહેતો. તેમ છતાં મારા પ્રત્યેની એમની લાગણી મને સ્પર્શી જતી હોય એવું મને હમણાંથી લાગવા માંડ્યું હતું કદાચ!

ફૅમિલી સાથે નીકળવાના મૂડમાં છેલ્લે જ્હૉન વર્ગીસ સાથે કશી વાત ના થઈ શકેલી. મને જ્હૉન મારા પહેલાં આવી ગયો હશે એવું થયેલું પણ એ હજુ આવ્યો નહોતો.

ખાસી વારે મહેમાનોથી નવરાશ લઈને પરમારસાહેબ મારી પાસે આવી બેઠા. હું એમની સામે જોઈ રહ્યો. એમનો રુઆબ કંઈ ઑર લાગતો હતો. એમણે મારી પાસે ખુરશી ખેંચી, ‘કાર્ડ તો દરેકને મળી ગયાં ને!’ જેવું બોલ્યા. ‘હા, સાહેબ… ટેબલે ટેબલે ફરીને કાર્ડ…’ હું બોલવા ગયો પણ એમણે ઠંડું વહેંચી રહેલા છોકરાને આ તરફ આવવા બૂમ પાડી ને હું અટકી ગયો. પછી ‘એ લોકો સ્પેશ્યલ વાહન કરીને મોડાય આવશે ખરા.’ બોલીને મેં ઠુંડું પીવા માંડ્યું. ના આવી શકે એવા મોટા ભાગના સ્ટાફનો ચાંદલો મારા કોટના ખિસ્સામાંના કવરમાં હતો. મેં સહેજ બહાર નીકળેલા કવરને જાળવીને અંદર દબાવ્યું. મારી આસપાસ બેઠેલા વી.આઈ.પી. સાથે મારો પરિચય કરાવવા પરમારસાહેબ મારા ખભે મૂકેલો હાથ જરીક દબાવતા ઊભા થયા. હું મહેમાનો સાથે ઔપચારિકતામાં પડ્યો ને એ બીજી તરફ વળ્યા.

મારી આસપાસ પરમારસાહેબનાં વખાણ થઈ રહ્યાં હતાં. હું એ બધામાં ઝળાંઝળાં થવા માંડ્યો ને એક બાજુના લીમડા નીચે બાંધેલી થોડી પર મારી નજર ગઈ. હું જાણે કે પહેલી વાર જ ઘોડીને જોતો હોઉં એમ તાકી રહ્યો.

મારી આસપાસ હવે વી.આઈ.પી. વાતો છલકાવા લાગી હતી. ‘અરે… કાભાઈની ક્યાં વાત કરો છો? એમ. પી. સાહેબ પધારે એવા સંબંધો છે હીરાભાઈને!’ મને પરમારસાહેબની મોટી ઓળખાણો — સંબંધો વિશે મનોમન હરખ થવા માંડ્યો. હું મારી જાતને પરમારસાહેબના નજીકના માણસ તરીકે સરખાવતો રહ્યો. પછી પગ ઉપર પગ ચડાવીને ખુરશીમાં ટટ્ટાર થઈ બેઠો.

મંડપ નીચે ફૂલોના હારતોરા મઘમઘી રહ્યા હતા. અહીં આવતો દરેક મહેમાન સૂટેડ-બૂટેડ અને સેંટથી મહેકતો હતો. મેં મારા સૂટ પર નજર નાખી જોઈ પછી એક તરફ થઈ ગયેલી ટાઈ સરખી કરી.

પેલી તરફના રસોડેથી સરસ મજાની સોડમ આવી રહી હતી. વચ્ચે સમય લઈને પરમારસાહેબ મારી પાસે આવી ગયેલા. કહેલું, ‘સ્પેશ્યલ રસોઇયા બોલાવ્યા છે.’ મને થયું, ‘આ બધું તો આપણે સામસામે બેસીને નક્કી કરેલું, પછી હું જાણતો જ ના હોઉં એવું કેમ કરતા હસે પરમારસાહેબ!’ પણ એમના ચહેરા પર છવાયેલી ખુશી જ એવી હતી કે હુંયે પછી એમની વાતોમાં પોરસાતો રહ્યો — મને પોરસાવું ગમવા લાગ્યું.

હજુ જમણવાર શરૂ થયો નહોતો ને જાનનો વરઘોડો નીકળવાને ખાસી વાર હતી. એકાદ આંટો મહોલ્લા બહાર મારી આવવાના વિચારે હું બહાર નીકળ્યો. બહારગામના લોકો આ તરફ જોતા ટોળું થઈને ઊભા હતા. કેટલાક ચહેરા પરમારસાહેબની જાહોજલાલીથી પ્રભાવિત હતા તો કેટલાક… ‘હોય એ તો! ગામમાં કંઈ બધા સરખા હોય છે?’ મને પરમારસાહેબ વિશે સાંભળેલું યાદ આવી ગયું. ‘ગરીબી વેઠીને આગળ આવ્યા હતા. આખા સેન્ટરમાં ફર્સ્ટ નંબરે હતા. પછી આગળ આવે જ ને!’

મને સિગારેટ પીવાની ઇચ્છા થઈ. હું સામેના ગલ્લે જઈ ઊભો. મને ગલ્લાવાળાના હાવભાવ ગમ્યા નહીં. બાજુમાં ઊભેલા યુવાનો અંદર અંદર કશીક ગુસપુસ કરતા હતા. મને કશું સમજાયું નહીં. બધાની નજર મહોલ્લા પર હતી. મને ગલ્લા પાસે ઊભા રહેવું યોગ્ય લાગ્યું નહીં. હું સિગારેટના કસ ખેંચતો મહોલ્લામાં વળ્યો. મહોલ્લામાં દોડાદોડ થતી લાગી. ‘શું હશે?’ કરતો હું ઝડપથી ત્યાં પહોંચ્યો.

‘એક બાજુ રહો… રસ્તો કરો…’

મારી પાછળ કોઈ બૂમો પાડતું હતું. મેં પાછળ જોયું. પાછળ વ્હાઇટ ફ્રન્ટી અને ૅમ્બેસડર આવતી જોઈ હું એક બાજુ ખસી ગયો. પરમારસાહેબ દોડતા હોય એમ સામે આવ્યા. વી.આઈ.પી. સૌ ઊભા થઈ ગયા. ‘કાભાઈસાહેબ આવ્યા… મિનિસ્ટરસાહેબ આવ્યા… પધારો સાહેબ… પધારો સાહેબ…’ કરતાં કોઈએ ફૂલહાર પહેરાવ્યા ને કોઈએ ફૂલોની પાંદરીઓ તોડીને મોંઘેરા મહેમાન પર વરસાવી. મને થયું, ‘આવા સમયે સ્ટાફ હાજર હોત તો કેવું સારું!’ પછી, હું ઝડપથી ટોળા વચ્ચે રસ્તો કરતો પરમારસાહેબના પડખે થઈ ગયો. પરમારસાહેબે મને રુઆબથી કાભાઈસાહેબ સાથે હાથ મિલાવી આપ્યા. હું મનોમન ધનધન્ય થઈ ગયો. ‘એ હોત તો આપણો તો રોલો જ પડી જાત, એની આગળ!’ બબડતાં મને મારો આસિસ્ટન્ટ જ્હૉન વર્ગીસ યાદ આવી ગયો. હું આમતેમ જોવા લાગ્યો. કદાચ એ આવીને ક્યાંક આટલામાં ઊભો હોય તો અહીં બોલાવી લઉં. પણ એ ક્યાંય દેખાણો નહીં. મને એના પર સહેજ ગુસ્સા જેવું થયું. ‘વહેલો આવવાનું કહ્યું હતું ને હજુ કેમ ન આવ્યો?’ હું મનોમન બબડતો રહ્યો ને મારી બાજુમાંથી પરમારસાહેબ નીકળ્યા. ‘હવે ફટાફટ જમણવાર શરૂ કરી દઈએ. પછી શાંતિથી જાનનો વરઘોડો કાઢીએ. તમે અહીં વી.આઈ.પી. જોડે બેસો અને શક્ય તેટલા હેલ્પફુલ…’ બોલતા પરમારસાહેબનું ધ્યાન મહોલ્લાના નાકે કેમ ગયું હશે? —નો વિચાર કરું એ પહેલાં ઘોડીની હણહણાટી મને ઘેરી વળી. ‘ઘોડીયે છે ને! અલમસ્ત ને રુઆબદાર…’

મને પરમારસાહેબનો બાબલો ઘોડી પલાણતો દેખાણો જાણે, મનમાં થયું, ‘આવા પ્રસંગે પાછળ ના પડવું જોઈએ. મને ઘોડીની લગામ પકડીને આગળ આગળ ચાલવાની ઇચ્છા થઈ આવી પમ એ તો ઘોડી સાથે આવેલા માણસનું કામ છે. મારી નજર ઘોડીની પીઠ પર આસબાબ ગોઠવતા માણશ પર પડી. પછી, વરઘોડાની આગળ આગળ રુઆબથી ચાલવું તો પડશે જ… પાછળ રહેવામાં મજા નહીં. ભલે પરમારસાહેબ એમના મહેમાનો સાથે મહાલતા આવે; પણ આપણે તો આગળ જ…’ હું મનોમન વિચારતો રહ્યો.

આગતા-સ્વાગતાનો માહો પુરજોશમાં શરૂ થઈ ગયો હતો. રસોડાની સોડમ હવે બૂફેમાં આવી ભરાણી હતી. જબરા ઉત્સાહ અને તરવરાટથી ફરતા પરમારસાહેબ દરેક મહેમાનને શાંતિથી જમવા માટે ભાવપૂર્વક કહી રહ્યા હતા અને મહેમાનો જોડે ઊભા રહીને હરખથી વિડિયો-શૂટિંગ કરાવી રહ્યા હતા.

ખાસી વાર ચાલેલા બૂફે પછી કૅવન્ડર્સથી લઈને ઇમ્પોર્ટેડ સિગારેટના ધુમાડા અને પાનમસાલાની રંગત જામી ગઈ. અત્તરનાં પૂમડાં કાનની અંદર-બહાર થતાં રહ્યાં. મંગળગીતો વચ્ચે તોરણ વધાવવાથી તે શ્રીગણેશ સુધીની વિધિ થતી ગઈ. કૅમેરાવાળા નવો રોલ ભરવા માંડ્યા અને વિડિયોવાળા ખડેપગે થઈ ગયા. હું આમતેમ બધે જોતો રહ્યો. ‘પરમારસાહેબ દેમ દેખાતા નથી?’—નો સવાલ થયો. મારી નજર મહોલ્લાના નાકે ગઈ. ત્યાં ખાસું ટોળું નાકું રોડીને ઊભેલું જણાયું. એ બધાની વચ્ચે પરમારસાહેબ અને મહોલ્લાવાળા ઊભા હતા. હું ઝડપથી એ બાજુ ગયો.

‘ના ચાલે, હીરાભાઈ… અહીં ગૉમમાં તો ગૉમના રિવાજ મુજબ રે’વું…’ કોઈ આગેવાન લાગતો માણસ પરમારસાહેબને કહી રહ્યો હતો. મને પરમારસાહેબના ચહેરા પર કશું વીંટળાતું જતું લાગ્યું.

‘અરે પણ… તમે બધા કેવા માણસ છો? એકવીસમી સદી છે ભાઈ આ તો… એ બધું હવે ના ચાલે.’ મને પરમારસાહેબના બોલવામાં કશું સ્પષ્ટ થયું નહીં. એમની આગળ ખડું થયેલું ટોળું ઊંચું-નીચું થતું લાગ્યું. કોઈએ ‘હો… હા…’ કરી, કોઈએ મંડપના પ્રવેશદ્વારને ધક્કો મારવા જેવું કર્યું. હું દોડ્યો. પરમારસાહેબને આ તરફ ખેંચતાં, ‘શું છે આ બધું સર!’ જેવા ભાવ સાથે હું એમને તાકી રહ્યો. એ ખરેખર કશુંક અનુભવતા ગૂંગળાઈ રહ્યા હતા.

‘નકામી જીદ છોડો, સાહેબ… વાતનું વતેસર થઈ જાહેં… આંહીં કૂને — ચેટચેટલાંને હમજાવશો?’ પેલા આગેવાનની સાથે બીજા બે-ત્રણ જોડાયા. ‘હજીકણ આ ગૉમમાં આવું નથી થ્યું… તમે પે’લ કરશો તો અવળું થાહેં…’

‘હું પોલીસ બોલાવું છું. પછી જોઉં છું તમે કેવા…’ પરમારસાહેબનો ચહેરો હવે બરાબરનો તપી ગયેલો લાગ્યો. હુંયે ઘડીક ઊંચો-નીચો થઈ ગયો. મને હવે બધું સમજાવા લાગ્યું હતું. મારી આંખો આગળ મારો મહોલ્લો અને મારો વરઘોડો જાણે કે હાલકડોલક થવા માંડ્યો…

*

‘બંધ કરો મેવડા રમાડવાનું… મારા બેટા ફાટી જ્યા સી ’લ્યા આ તો…’

દારૂમાં ચક્ચૂર દાનસંગજીનો અવાજ મારા કાનના પડદે તાજો થઈને ટકરાવા લાગ્યો જાણે!

ખભે કરેલી તલવારની મૂઠ પર મારા હાથી પક્કડ વધી ગયેલી. મને મ્યાનમાં પડેલી તલવાર ખેંચી કાઢવાનં એ વખત થઈ આવેલું; પણ હું કશું કરી શકેલો નહીં ને ચોરા વચ્ચે મારા વરઘોડામાં મેવડાના વેશમાં રમતા તૂરી ભાઈઓ બંધ થઈ ગયેલા.

*

જબરદસ્ત ગાંઠ પડી ગઈ હતી. કોઈ ચસ કે મસ થવા તૈયાર નહોતું. પરમારસાહેબ હવે ખરાખરી પર આવી ગયા હતા. એ ઝડપથી ટોળું ચીરતા, ‘જોઉં છું, તમે શું કરી લેશો તે…’ બોલતા બહાર નીકળ્યા. મિનિસ્ટર કાભાઈએ એમનો મોબાઈલ ફોન કાને ધર્યો. પણ ‘હલ્લો… હલ્લો…’ શરૂ થાય એ પહેલાં તો બહારનું ટોળું અંદર ધસી આવ્યું હતું. મંડપ નીચે વરઘોડો તૈયાર થવામાં હતો. જાન ઉંબરો ઓળંગીને બહાર નીકળવામાં હતી ને ઘોડી બે પગે અધ્ધર થતી હણહણી ઊઠી.

‘મારો… મારો… તોડો… ફોડો… ભાગો… બે બાજુનાં નાકાં રોકો ’લ્યા… હળગાઈ મારો…’ની બૂમો વચ્ચે પરમારસાહેબ ઘેરાઈ ગયા. એ કશું કરે એ પહેલાં એક પથ્થર સણણણ… કરતો કાભાઈની સ્ટાર્ટ થયેલી ગાડી પર આવી પડ્યો. પરમારસાહેબ દોડ્યા. ‘પ્લીઝ સર… કશું થશે તો હું તમને નહીં બચાવી શકું. પોલીસ આવતાં વાર લાગશે. તમે પ્લીઝ… પાછલા રસ્તેથી….’ એ જાણે કે ગળગળા થઈને બોલી રહ્યા હતા. ચોફેર ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. મને મહોલ્લા વચ્ચે આવી પડતા પથ્થરો ઊંચકી ઊંચકીને સામેવાળા પર ફેંકવાનું ખુન્નસ થઈ આવ્યું. પણ મહોલ્લો હવે બરાબરનો ઘેરાઈ ગયો હતો. મચી રહેલા રમખાણ વચ્ચે સળગતા કાકડા દેખાણા ને ક્યારનીય હણહણતી ઘોડી ભડકી.

‘તમેય ભઈ… ગૉમની રજા તો લેવી પડેન્!’ જેવું પરમારસાહેબની સામે બોલતાં ઘોડીવાળાએ એક હાથે, ઘડી પહેલાં ગોઠવેલ અસબાબ ફેંકી, કૂદકો મારીને ઘોડી પાછલે રસ્તેથી મારી મૂકી.

‘એ જાય… એ જાય… લે, લેતી જા… તારી તો…’ કરતું વીફરેલું ટોળું થોડી પાછળ થોડેક સુધી ગયું ને પછી ખુશખુશાલ થતું પાછું વળી ગયું.

બધું રફેદફે થઈ ગયું હતું. વી.આઈ.પી. અડધાખરા ભાગી ગયા હતા ને અડધાખરા થરથર ધ્રૂજતા હતા. ઘડી પહેલાં સજ્જ થઈ ઊભેલા કૅમેરા-વિડિયોવાળાય ક્યાંય દેખાયા નહોતા. મેં મારા આસિસ્ટન્ટ જ્હૉન વર્ગીસ અને સ્ટાફને જોવા ફાંફાં માર્યાં. નાકામાં તૈયાર કરેલું પ્રવેશદ્વાર અને લાઉડ-સ્પીટર ભોંયભેંગાં થઈ પડ્યાં હતાં. શણગારેલો મંડપ રમણભમણ થઈ ગયો હતો. એના લીરેલીરા હવામાં ઝોલા ખાઈ રહ્યા હતા.

મારી આસપાસ મચી ગયેલા તોફાન વચ્ચે પરમારસાહેબને શોધતો હું ઊભો રહ્યો. પણ આ શું? આ ટોળું અને આ ધક્કામુક્કી… હું ઝડપથી એ બાજુ ગયો. પરમારસાહેબના બાબાને માથેથી ફેંટો છૂટી ગયો હતો. બે-ચાર જણા એને પકડીને અંદર લઈ જવા મથી રહ્યા હતા. પણ ઉંબર ઓળંગીને ખુલ્લામાં આવવાનું કરતો એ ‘છોડો મને…’ બોલતો હાથમાં પકડેલી તલવારનું મ્યાન હટાવી રહ્યો હતો.

(‘જલારામદીપ’ – દીપોત્સવી વિશેષાંક – ઑક્ટોબર ૨૦૦૧)

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.