લોહીનું ટીપું

બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખૂલ્યું નહોતું, તોય બહુ ઘેરાયેલુંય નહોતું. પૂનમની અરધી રાત હતી. ક્યારેક કાળાં વાદળાં ચંદ્રને આવરી લેતાં, ક્યારેક આંખે આંસુઓ ઊભરાય એમ ધુમ્મસ જેવાં વાદળ ચંદ્ર આડે ફરી વળી એને – દૂભવી દેતાં.

શાન્ત ચુપકીભરી અને ગંભીર એવી મેઘલી રાત હતી. તોય બેચરને ઊંઘ ન આવી – એનું એને દુઃખ ન થયું! પણ કયારેય નહિ અને આજે એ જિંદગીનો હિસાબ ગણવા બેઠો : ગણતરી કરતાં એ ઉશ્કેરાઈ ગયો. એનું મન એના કાબૂ બહાર ચાલ્યું ગયું. વિચારોએ એને ફસાવી દીધો.

અને એ કોઈથી ફસાય અથવા દબાય એવી વ્યક્તિ નહોતી – એના વ્યક્તિત્વમાં ભઠ્ઠીના અંગાર અને લોઢાની કઠણાઈ હતાં.

એ જેલમાંથી છૂટીને આવતો હતો. એની ગણતરી આગળ ચાલી :

…પછી એ પરણ્યો – એ તો જાણે ઠીક! પણ એનો બાપ કટોકટીને વખતે મરી ગયો. અને તાબડતોબ એના ઘર પર જપતી આવી. એના બાપનું કરજ એ ન જ ચૂકવી શક્યો. એનાં ખોરડાં, એની લુહારની ભઠ્ઠી જપતીમાં તણાઈ ગયાં. સત્તરમે વરસે એણે પહેલી વાર દારૂ પીધો. વીસ વરસે પહેલી જ જાણવાજોગ મોટી ધાડ પાડી અને આબાદ છટકી ગયો. અઠ્ઠાવીસ વરસે પહેલી જ વાર જેલમાં ગયો. છત્રીસમે વરસે જેઠુભાને એણે માર્યો. જેઠુભા એને પગે આળોટવા, કરગરવા લાગ્યો ત્યારે એ ગામના ધણી પર એને અનહદ તિરસ્કાર ઊપજ્યો. એનું ખૂન કરવા નીકળેલો બેચર એનું નાક કાપી પાછો ફર્યો. ત્યાર પછી લુહારનો ધંધો પાછો શરૂ કર્યો. અને ચાર વરસ નીકળી ગયાં! એનો છોકરો બારેક વરસનો થયો – છોકરીય હવે ઓઢણું પહેરવા જેવડી થઈ. એક દહાડો જૂના જોડીદારે એને કહ્યું:

બેચર, આ મોકો ફરી નહિ મળે. વાણિયાએ ચોરીનો માલ વેચાતો લીધો છે, અને તાલુકાનું થાણું ચૂકી જવા નાળને રસ્તેથી આવશે. સાથે એક ખીમો ખવાસ જ હશે.’ એણે ખૂંખારો ખાઈ ગળું સાફ કર્યું: ‘આ મોકો ચૂકવા જેવો નથી!’

પણ બેચરે ઘસીને ના પાડી દીધીઃ ‘હવે કોઈ દહાડો નહિ!’

‘બેચર!’ એના જોડીદારે કહ્યું : ‘આજે – આજે આ હાથોમાં પહેલાં હતી એવી તાકાત નથી, નહિ તો હું તને કહેવા ઊભો રહું એવો નથી! હું તારા હાથ ફક્ત માગું છું; બીજું બધું હું ગોઠવી લઈશ. મારી ગોઠવણમાં કંઈક ચૂક રહી જાય તોય હું તને છૂટો જ મેલીશ. હું – હું ફક્ત તારા હાથ જ માગું છું! આમ કરગરતાં મને શરમ તો આવે છે પણ કરું શું? તું આમેય કમાઈ ખાય છે. પણ મારી નસોમાં આવા ધંધાનું લોહી વહેતું નથી. અને મારે ઘેર ખખડતાં ખાલી હાંડલાં મારે પાછાં ભરી દેવાં છે – મારું ગમે તે થાય – મારું ગમે તે થાય, સમજ્યો?’

બેચર ચૂપ રહ્યો. ભઠ્ઠીમાં મૂકેલો લોઢાનો સળિયો આખો લાલ થઈ ગયો.

સાતેક વરસે ફરી પાછો બેચરે દારૂ પીધો. જાણે કોઈ દહાડો દારૂ પીધો જ નહોતો – ‘હેં! હેં! હા – હા – હા!’ કહેતાં એણે એના જોડીદારને ગળે હાથ નાખ્યો.

ગમે તેમ હોય – એના જોડીદારની ગોઠવણમાં કયાંક ચૂક હોય કે પછી બેચરના હાથોની તાકાતે દગો દીધો હોય. પણ એ કામ પાર પડ્યું નહિ, એટલું જ નહિ, પણ એના જોડીદારે એને છેહ દીધો.

બેચરની આંખોની ભઠ્ઠીમાં ભડકા બળવા લાગ્યા. પણ અસલ તો એયે ધાડપાડુઓની જમાતનો હતો. એ જમાતની નીતિ અને ધર્મ માન્ય રાખી એણે એના જોડીદારને ફસાવ્યો નહિ, પણ કોરટમાંથી બહાર નીકળતાં બેચરે એને સંભળાવી દીધું:

‘હું બહાર નીકળે ત્યાં સુધી ભગવાન તને જીવતો રાખે – તારો હિસાબ હું ચૂકવી દઈશ અચૂક!!’

એ આંખો જેલના દરવાજા સુધી લાલ રહી. ત્યાં દરવાજા આગળ આઠ ગાઉ ચાલીને આવેલી સ્થિર અને શાંત ઊભેલી એક વ્યક્તિને જોઈ એની આંખોના અંગારા ઠરી ગયા. એના તંગ સ્નાયુઓ શિથિલ થઈ જઈ, એના હાથ એની બાજુમાં અને માથું છાતીમાં નમી પડ્યાં. એ એની પત્ની હતી. એને એમ હતું કે એ ઠપકો દેશે અને કહેશે : ‘આખરે તમે કોઈનું માન્યું નહિ – રતન જેવા છોકરાના સોગન કયા મોઢે ખાધા હતા?’

પણ એ એમાંનું કશું બોલી નહિ અને ઠંડી આંખે જોતી રહી. બેચર મૂંઝાયો. એની પત્નીએ એવી જ ટાઢાશથી પૂછ્યું :

‘કેટલાં વરસ?’

‘સાડા પાંચ!’

કેમ કરીને કાઢશો? તમારા દેહમાં હવે એ ચીવટ ક્યાં છે? શા માટે આમ કર્યું?’

‘મારી ચિંતા મેલી દે!’ બેચરે કહ્યું, ‘અને એક વાત સાંભળ. જો, કનૈયો મોટો થયો છે અને એ આખરે મારા લોહીનું ટીપું છે. હું ગમે તેવો ચોર, ડાકુ, ધાડપાડુ છું પણ મારામાં ચોરની ઝડપ અને ધાડપાડુની ગણતરી છે. પણ કનૈયો મૂરખ છે – એનામાં થોડીઘણી તારી કુમાશ છે – સમજી? એને જાળવજે! એ છોકરો જેટલો અધૂરો એટલો ભયંકર છે – મને તારી ફિકર નથી. મારીય ફિકર નથી. એને હૈયા સરખો જાળવજે. એની નસોમાં વહેતા મારા લોહીને ટાઢું જ રાખજે! સમજી? અને –’ કહેતાં બેચર જરા ખંચકાયો, ‘અને આમ મારી સામે જોઈ ન રહે – સમજી? – સમજી? કંઈ બોલ તો ખરી?’

એની પાછળ જેલના દરવાજા બંધ થઈ ગયા, પણ પેલી ઠંડી નજર ઘણા ઘણા દિવસો સુધી એની સાથે રહી.

બે મહિને એ પાછી મળવા આવી, બેત્રણ વાર બબ્બે મહિને આવી. પછી છસાત મહિના નીકળી ગયા. અને એ આવી કે તરત જ બેચરે એનો ખભો પકડીને હલાવી.

‘કેમ આટલા મહિના કાઢી નાખ્યા? કનૈયો – કનૈયો કેમ છે?’

‘સારો છે – એને તમારી પાસે આવવું હતું એટલે –’

‘ના – ના.’ એને વચમાં અટકાવી બેચર બોલી ઊઠ્યો, ‘એને અહીં નહિ લાવતી!’

‘એટલે જ મને મોડું થયું – હું દ્વારકા જાઉં છું એવું કહીને ત્યાંથી નીકળી છું અને હવે – હવે કદાચ ન પણ આવું!’

‘નહિ આવે? કેમ?’

એની પત્ની જરા મૂંઝાઈ.

‘તું મારાથી છુપાવે છે કંઈક – કનૈયો કેમ છે? એ સૂવર શું કરે છે? ભઠ્ઠી કેમ ચાલે છે?’

‘ભઠ્ઠી ઓલવાઈ ગઈ!’

‘હેં?!’

‘હા. કનૈયાએ વેપાર શરૂ કર્યો છે!’

‘વેપાર? વેપાર? શાનો વેપાર? લુહારનો દીકરો વેપાર કરે? એ હરામખોર, ચોર, પાજી –’

‘શા માટે એને ભાંડો છો? જરા તમારી પીઠને તો ચકાસી જુઓ. તમારા કરતાં…’

બેચર ઊઠીને ઊભો થઈ ગયો. એની આંખોમાં પાછી ભઠ્ઠી સળગી ઊઠી.

હું જ ચોર અને હું જ હરામખોર છું ને? તને આજે ખબર પડી! તો શા માટે ધક્કા ખાય છે અહીં? જાને, બીજો ભાયડો શોધી લે!’

‘શું બોલ્યા?’ કહેતાં એ બેઠી ને બેઠી ટટ્ટાર થઈ ગઈ. ‘બોલો તો ખરા બીજી વખત? આ જીભે કીડા પડશે હોં!’

બેચર શરમાઈને નીચું જોઈ ગયો. ‘હું–હું…’ એનાથી વધારે બોલાયું નહિ. તું શા માટે મને ઉશ્કેરે છે?’

થોડી વાર બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહિ. એની પત્ની ઊઠીને ઊભી થઈ. ‘હું જઈશ – અને તમારા છોકરાને બરોબર જાળવીશ, સમજ્યા? પણ તમે બહાર નીકળો ત્યારે મિજાજને કાબૂમાં રાખજો! મારાથી વધારે સહેવાય તેમ નથી.’

એણે બહાર નીકળતું ડૂસકું રોક્યું તે બેચરે જોઈ લીધું. એ એમ જ બેસી રહ્યો. ઝીણી અને ઊંચી, હળવા પણ ચોક્કસ પગલે બહાર નીકળતી એને એ જોઈ રહ્યો.

વરસો વહી ગયાં. એ જેલમાંથી છૂટ્યો.

બેચરની ગણતરી પૂરી થઈ. પણ એને સંતોષ થયો નહિ – હજુ ક્યાંક કશુંક ખૂટતું હતું – એકાદ ડંખ હજી બાકી હતો! એકાદ પ્રશ્નનો જવાબ મળતો નહોતો. એની મૂંઝવણ વધવા લાગી.

એ અષાઢની મેઘલી રાત હતી. ક્યારેક ઝંઝાવાતી પવનનો ઝપાટો આવી જતો અને એની પાછળ જરા વાર શ્રમથી હાંફતા વાતાવરણમાં માદક સુસ્તી આવી જતી.

બેચર ધર્મશાળામાંથી બહાર નીકળ્યો. એ વખતે આકાશ સ્વચ્છ દેખાયું. આંબલી ઘેરું ઘેરું બોલી રહી અને દૂર ઊભરાતી નદીની વેરણ જુવાની ઘૂઘવી રહી હતી.

અહીં દસેક ગાડાં બે દિવસથી નદી રસ્તો આપે એની રાહ જોતાં પડ્યાં હતાં. પણ નદી તો હજુ બંને કાંઠે ઊભરાતી જતી હતી. આજે તો ટપાલનું ઊંટ પણ જઈ શક્યું નહોતું.

અહીં ચિત્રવિચિત્ર માણસો ધર્મશાળામાં પડ્યા હતા. એક બ્રાહ્મણ કુટુંબ, ખવાસ, સાસરે જતી એક કોડીલી વાણિયણ, ખેડૂતો, ખેપિયા અને હવે ટપાલ પણ અટકી પડી હતી.

અને નદીએ સાંજના તો માઝા મૂકી. જમણી મેરની ભેખડ કૂદી જઈ, સામેની કણબીની વાડીમાં એ પેઠી અને જુવારના વાવેતરની સૂથ વાળી નાખી.

પણ એ સાંજના એક છોડી આવી – એક કુંભારણ! બે ગાઉ પરથી જ ચાલીને આવી હતી : નદી ઓળંગવાની સૌ કરતાં એને વધારે ઉતાવળ હતી. રાત પડવા આવી ત્યારે હજીય નદીને ઊભરાતી જોઈ પીપળાના ઓટલા આગળ એ રડી પડી. બેચરે એને જોઈ. એ એની સામે જઈ ઊભો રહ્યો. શું બોલવું એની પહેલાં તો એને ગતાગમ ન રહી અને એ છોડીએ તો રડ્યા જ કર્યું.

‘શું છે આવડું બધું?’ બેચર બોલ્યો.

‘મારે પેલી પાર જાવું છે!’

‘અહં! – તે અમને બધાયને અહીં બેસી રહેવું હશે? એ તો નદી ઊતરશે ત્યારે જવાશે! તારે રડવું હોય તો છોને રડ!’

પણ એ તો રડતી જ રહી – અને કહેતી ગઈ : ‘મારે જાવું છે! નહિ – મારે જાવું છે!’

અને અંધારાં ઊતરવા લાગ્યાં હતાં. પવન ફૂંકાતો જરા હળવો પડ્યો હતો.

અણઘડ બેચર એ છોડીની સામે જોઈ રહ્યો. આવા નરમ પ્રસંગો એની અડફટમાં બહુ ઓછા આવ્યા હતા. અને એવા પ્રસંગો એની ઘરવાળી હમેશ સંભાળી લેતી. પણ આજે બેચર મૂંઝાયો. એની જીભ આડીઅવળી થઈ કંઈક હળવું બોલવા મથી રહી હતી. પણ કંઈ વળ્યું નહિ.

‘લે ઊઠ હવે – બહુ થયું!’

એ છોડી તોય ઊઠી નહિ.

‘બહેરી છે તો!’ બેચરની આદતે જોર પકડ્યું. અને એનાથી ‘કઠણ’ શબ્દો બોલાઈ ગયા. ‘ધરમશાળામાં ચાલવું છે કે નહિ? કે રાત ગાળવી છે આ ઓટલા પર? છો તો પૂરી નાદાન!’

‘ધરમશાળામાં બધા વાણિયાબામણ છે!’ છોડી ડૂસકું ખાતાં બોલી.

તે કંઈ એમના બાપે બંધાવી છે ધરમશાળા? જોઉં તો ખરો કોણ જાકારો દે છે તને! ઊઠ – ચાલવા માંડ જોઉં!

છોડી ઊઠી, અને આગળ ચાલી ત્યારે મેઘલી સાંજ કરમાતી કરમાતી રંગ વેરી રહી હતી. અને એ કરમાતાં અજવાળાંની આડે બેચરે એ છોડીના ઓળાને, નીચું માથું કરી, ધીમો ધીમો ચાલતો જોયો ત્યારે એને એક વિચાર તો આવી ગયો કે છોડી ઘાટીલી હતી! એ વિચાર આવ્યો એવો જતોય રહ્યો. પણ એની પાછળ કેટલીક યાદ એવી તો ઊલટી પડી કે બેચર મનમાં જ બોલ્યો : ‘આ — આજે થયું છે શું મને?’

ધર્મશાળાના વંડામાં પેસતાં બેચરે પૂછ્યું: ‘શું નામ તારું?’

છોડીએ ઝડપથી ફરતાં કહ્યું: ‘હલિમા.’ અને બેચરને વહેમ ગયો કે જવાબ આપતાં તે થોડું હસી હતી.

‘હલિમા – નથુ હાસમની છોકરી. ઓળખો છો મારા બાપને?’

‘ના.’ બેચર ધર્મશાળાનાં પગથિયાં ચડતો બોલ્યો. એનું મન બીજે ક્યાંક ફરતું હતું. અંદર દાખલ થઈને એણે હલિમાને એક ખૂણો બતાવતાં, બધાં સાંભળે એમ જોરથી કહ્યું : ‘લે પડી રહે અહીં… અને કોઈ લપસપ કરે તો માબાપની સંભળાવી દેજે એને!’

પોતે જરા દૂર એક થાંભલાને અઢેલી પડ્યો. બધાં ખાવામાં પડ્યાં હતાં. વાણિયાના લાલટેનના અજવાળે એણે હલિમાને ધારીને જોઈ. છોડી ફૂટડી તો હતી. માંડ સોળેક વરસની હશે! એની આંખોમાં ઝબૂકિયાં બરોબર દેખાયાં નહિ. પણ બેચરને થયું કે એ રડતી નહિ હોય ત્યારે હસતી જ દેખાતી હશે!

બેચર વિચારે ચડ્યો. હલિમા પોતાની પાસે હતું એમાંનું થોડુંક ખાઈ લઈ બહાર વાવની કૂંડીમાં હાથમોં ધોવા બહાર નીકળી. બેચરને એના વિચારો ગળી ગયા હતા. પોતાની પાસેથી પસાર થતી એણે એને જોઈ નહિ.

પાછી વળતાં હલિમાએ એને પકડ્યો. ‘તમે ખાધું, કાકા?’

કાકા? બેચર ચમકીને બેઠો થઈ ગયો. અને જેમતેમ બોલી નાખ્યું:

‘ના – મારે નથી ખાવું!’

નહિ તો હું આપું થોડુંક!’ બોલતાં હલિમા એની પાસે ઊભી રહી. બહારથી ધસી આવતા પવનને એક સપાટે હલિમાની ઓઢણી ઊડી, એનો એક છેડો બેચરના મોં પરથી ફરી ગયો.

‘હવે જા – જા!’ બેચર ખોટું હસતાં બોલ્યો, ‘ખાવાનું આપવાવાળી!’

હલિમા દોડતી ખૂણામાં નાઠી અને જતાં જતાં માથું પાછળ ફેરવી ઝીણું મીઠું હસતી ગઈ. જો અંધારું ન હોત તો બેચર જેવું હસ્યો એવા પોતાના હાસ્યથી પોતે જ ખિસિયાણો પડત! તોય એને ક્ષોભ તો થયો. અને ક્ષોભમાં ને ક્ષોભમાં માથાની પાઘડી હેઠી પાડી, એનું ઓશીકું કરી, એ લાંબો થઈ પડ્યો.

પડતાં એણે ઊંઘવાનો પ્રયત્ન નહિ કર્યો. ધર્મશાળાની બધી બત્તીઓ ઓલવાઈ. અંધારું જામી પડ્યું. તોય બેચર ઠાલી આંખે અંધારાને જોતો રહ્યો. એને બહુ નિરાંત મળી હતી. શરૂમાં એના વિચારોએ એને બહુ સંતાપ્યો નહિ. પણ એ વિચારો એને આખરે ઉશ્કેરાટની હદ સુધી લઈ ગયા. ત્યારે રાત બહુ આગળ વધી ગઈ હતી. બેચરની બેચેનીય એમ વધી પડી. એણે બેત્રણ બીડીઓ સળગાવી નાખી. એની વિશાળ છાતીમાં ગરમી ફરી વળી અને માથું ભારે થઈ ગયું.

બેચર બહાર નીકળ્યો.

એક તો એ અષાઢ મહિનો, અષાઢનો ભાર ઝીલીને ગર્ભવતી બનેલી મસ્ત ધરતી, અને હવાએ ફેંકાતાં કાળાંધોળાં વાદળોની પાછળ લપાતો-છુપાતો પૂનમનો ચંદ્ર! એ પવન, એ અંધારાં-અજવાળાં – એની નીચે એ ગર્ભકાળ ભોગવતી ધરતી વારેઘડીએ મિજાજ બદલ્યે જતી હતી! હૂંફમાં ફક્ત પડી રહેવું ગમે એવી વાતાવરણમાં ઠંડી સુસ્તી ભરી હતી!

બેચર પગથિયાંની પાળને પકડી જરા ઊભો રહ્યો. એની નજર ઠાલી ઠાલી બધે ફરી વળી. પવનની ઠંડી લહરીઓએ એની આંખો બંધ કરી દીધી.

એ માથું સુસ્તીથી ઝૂકી પડ્યું અને આંખો જરા ખૂલી ગઈ ત્યારે બેચરે જોયું કે બાજુની ફરસબંધી પર કોઈક નિરાંતે સૂતું હતું!

અને એને જાણ થઈ કે એ હલિમા હતી ત્યારે એક ક્ષણ તો એને ગભરાટ જેવું કંઈક થયું અને એણે માથું ફેરવી લીધું. પણ એ લાગણી ક્ષણજીવી હતી! એણે બીજી વખત નિશ્ચય અને સચોટતાથી એની તરફ જોયું.

પથ્થરને ઓશીકે એ સૂતી હતી. પવને એની ઓઢણી છાતી અને પેટ પરથી ખસેડી નાખી હતી. અને – બાપ રે! એની ચોળીનું કયાં ઠેકાણું હતું! જરીના દોરાથી લટકતું, સોનાના એક જ મણકાવાળું, મોટું, ચોરસ રૂપાનું માદળિયું ઊંચી અને હાંફતી, ખુલ્લી છાતી પર હિલોળી રહ્યું હતું!

આ વખતે બેચર એને જોઈ જ રહ્યો. જોતાં એની નજર ધરાઈ જ નહિ. ધીમે ધીમે એના વિચારો ઊડી ગયા. એને કશાનું ભાન ન રહ્યું.

હલિમા હજી હાલી નહોતી. એક લાંબા પડેલા પગ પર બીજો ઊભો રાખેલો પગ નમી પડ્યો હતો. જમણા હાથની આંગળીઓ હોઠને અડું અડું કરતી ગાલ પર રહી ગઈ હતી અને ડાબો હાથ સાપ જેવો વળાંક લઈ એની બાજુમાં પડ્યો હતો.

બેચર પોતાની આંખોમાં ગુમાઈ ગયો. થોડી વાર તો એણે દુનિયામાં પોતા સિવાય બીજા કોઈને નહિ જોયા. અને પળો ઊડવા લાગી. એની આંખો મીંચાઈ ગઈ. એનું ભાન પાછું ફર્યું.

અને ફરી એ આંખો પાછી ઊઘડી ત્યારે એનો રંગ અને ચહેરાની કરચલીઓ બદલાઈ ગયાં હતાં! સાડાપાંચ વરસની ભૂખ સળવળી ઊઠી!

એ રૂપ – એ જુવાની અને આષાઢી રાતની આ અમૂલ્ય પળ!

અને એ તે કેવી કુમળી જુવાની! બેચરના હોઠ પર એક ગંદું હાસ્ય આવી બેઠું અને એની આંખો બેઅદબ બની ઝીણી થઈ ગઈ. એની છાતીની ગરમી વધવા માંડી. એના સ્નાયુઓ તંગ થઈ ગયા.

બેચર બિલાડીની અદાથી કૂદકો મારી પગથિયાંની પાળ કુદાવી ગયો. એણે પાછળ માથું ફેરવીને ધર્મશાળામાં નજર નાખી. પછી હલિમા પર આંખ ઠરતાં પહેલાં, અજાણતાં, સામેનાં દૂર આકાશ અને ધરતીનાં વૈવિધ્ય એની નજરમાં સમાઈ ગયાં.

વાતાવરણ ભાવનાની અતિશયતાની સુસ્તીથી ભર્યું હતું. અને એ નજર પાછી હલિમા પર ફરી ગઈ ત્યારે એના આખા શરીરે ઝણઝણાટી ફરી વળી. એની નજરનો એ ગુલામ બની ગયો.

પથ્થરના ઓશીકા પરથી હલિમાનું બદન પાણીના રેલા જેવું વહેતું પડ્યું હતું – એ બિડાયેલી કુમળી આંખો – એ રંગીલા હોઠ અને એ… બેચરની રાક્ષસી કાયા તંગ બની ને એની વટ તોળાઈ રહી.

બેચરના સ્વભાવમાં મૂળથી જ ચોરની કાર્યદક્ષતા અને ધાડપાડુની દૃઢતા હતાં. એ ક્યારેય અચકાઈને પાછો ફરતો નહિ.

પળો પાછી ઊડવા લાગી અને બેચર એમ જ ઊભો રહ્યો.

પાસેની આંબલી ધીમું ધીમું બોલી રહી હતી. વાદળાં પાછળથી ચંદ્ર હજી બહાર નીકળ્યો નહોતો – બધું બરાબર હતું. વાતાવરણ પોતાની મસ્તીમાં ગુલતાન હતું.

પણ બેચરને કશુંક થઈ ગયું હતું! એની ઇચ્છા આ બાજુય નહિ અને તે બાજુય નહિ, એમની એમ, મૃત:પ્રાય થીજી ગઈ હતી.

કોઈ એકબે જણ જોઈ જાય એની એને ક્યાં પરવા હતી? ઇષ્ટ-અનિષ્ટ વચ્ચે એણે ભેદ નહોતો પારખ્યો – કે પારખ્યો હતો?

બેચરને હવે વિચાર આવ્યો કે એને ત્યારે કોણ અથવા શું રોકી રહ્યું હતું? – પણ એને ધકેલતુંય કોઈ નહોતું! આ શું? આ કેવી વિચિત્ર મનોદશા! એને કશુંક થયું તો નહોતું? બેચરે ફરી અને ફરી હલિમા પર નજર ફેરવી. એ નાદાનને કશું ભાન નહોતું – એ એમ જ પડી હતી : અને એક ઊંકાર સુધ્ધાં બહાર નહિ કાઢી શકે. બેચરને ફરી હસવું આવ્યું અને ફરી એ ઇચ્છાએ જોર પકડવાનું કર્યું!

ચંદ્ર હવે વાદળમાંથી બહાર પડ્યો, અને આંબલીએ એની ઘટાની કેશવાળી હલાવી હુંકાર કર્યો.

બેચર પરાણે એના હોઠ પર ગંદું હાસ્ય લાવ્યો. પણ અરધો નીચો નમી એ અટકી ગયો. બાપ રે! એ હાંફતી છાતી : એની ઉપર કોઈ હાલતી ડાળીએ પારેવડું ઝૂલે એમ ઝોલાં ખાતું પેલું માદળિયું! કેટલું સુંદર, કોમળ અને નિર્મળ! એ આખો નીચો નમશે અને એ સૌંદર્ય હમણાં ભૂંસાઈ જશે

એ અરધા નીચા નમેલા ચોરની આંખ ફરી ઠાલી થઈ ગઈ – અને ફરી પાછી ભરાઈ ગઈ. એને કશાકની બીક લાગી. એ સીધો થઈ ગયો! એના સ્નાયુઓ શિથિલ પડ્યા અને મોઢાની કરચલીઓ ખૂલી ગઈ. એણે મોઢું ફેરવીને ઊંચે લીધું – બહુ ઊંચે! આંબલીની ઘટા પરથી ઊડી જઈને એની નજર દૂર, પેલાં ઘેરાતાં અને વિખરાતાં વાદળોથી દૂર; ચંદ્ર, તારા અને નક્ષત્રોની તેજટપકીઓને અડતી અડતી, વિસ્તાર પામતી ક્યાંની ક્યાં ગુમાઈ ગઈ! અને એ નજરની આડે બધે પેલાં અબલખ પારેવડાં જેવું હિલોળા ખાતું માદળિયું ફરી વળતું! બેચરના મનમાં એ ત્રિલોકના સૌંદર્યની પરાકાષ્ઠાનો આનંદ ફરી વળ્યો.

જાણે કશુંક બનવા પામ્યું હતું – ક્યારનુંય બની ગયું હતું એનું એને ભાન થયું. એણે એક નિ:શ્વાસ છોડ્યો.

એણે ચાલ્યા જવાનું કર્યું અને પાછા ફરતાં એને એક વિચાર આવ્યો. એણે ધીમે રહીને, કશા ક્ષોભ વગર, હલિમાની ઓઢણીનો છેડો ઊંચકીને એની છાતી પર ઢાંકી દીધો. એ દૃશ્ય જોવાની હવે એને કશી જરૂર નહોતી. એના મનની આંખ હજી હિલોળતી હતી.

હલિમા એની ઓઢણીના સ્પર્શમાત્રથી જાગી ગઈ અને ચમકીને બેઠી થઈ ગઈ – ‘ઓ! – હાય!’

બેચર હસતે મોઢે એની સામે જોઈ રહ્યો.

‘જોને – કેમ સૂતી હતી? મને થયું કે લાવ એને ઓઢણી – ઓઢણી.’

બેચરથી વધારે બોલાય તેમ નહોતું!

હલિમાએ પોતાના હાલ જોયા અને બેબાકળી ઝડપથી ઊભી થઈ જઈ ઓઢણીમાં લપાઈ ગઈ.

‘તમે શું કરો છો અહીં?’

‘મને ઊંઘ આવી નહિ એટલે બહાર નીકળ્યો અને તેને આમ આવી રીતે…’ કહેતાં બેચર પાછો મૂંઝાયો.

‘હવે જાઓને!’ કહેતાં હલિમા પગથિયાંની પાળને અઢેલીને ઊભી – થોડુંક હસી પણ ખરી!

‘તમારે ખાવુંય નથી અને ઊંઘવુંય નથી, કેમ કાકા?’

‘જો છોડી – તું મને ‘કાકા કાકા’ કે’મા!’

‘લ્યો’ હલિમાએ લટકો કરી જમણા હાથની હથેળીને પહોળી કરી, ‘એમાં શું ગાળ ભાંડી તમને? કાકા નહિ તો શું દીકરા કહું?’ એનું રણકતું હાસ્ય કુદરતના બીજા અવાજો સાથે ભળી ગયું.

‘બેચર કહેજે!’

‘નહિ, બેચરકાકા!’ અને મધરાત પછીની નીરવ શાંતિમાં એ બે જણનાં કોમળ, કર્કશ હાસ્યનું મિશ્રણ ઘૂમી રહ્યું!

‘જાઓને, સૂઈ જાઓ હવે.’

‘અને તું?’

હું મારે અહીં જ સૂઈશ.’

‘પૂરી નાદાન છે, છોડી! તને બીક નથી લાગતી?

બીક કોની? – અને કંઈ થાય તો તમે કયાં દૂર છો?’

બેચર અંદર ચાલ્યો ગયો. અને પોતાની પાઘડીના ઓશીકે એણે જોરથી પડતું મેલ્યું. એ જ અંધારાં, એ જ ઉઘાડી ઠાલી આંખ અને એ જ ગણતરી! પણ આ વખતે એ વિચારોમાં ડંખ નહોતો. અને ગણતરી સંતોષભરી રીતે પૂરી થઈ – બેચર ઊંઘી ગયો.

બીજી સવારે, હજી આકાશ ખૂલ્યું નહોતું, અને આથમણો વંટોળિયો પવન વાવો શરૂ થયો હતો.

ધર્મશાળાના આંગણામાં અને આંબલી નીચે ગાડાંઓમાં બળદ જોડાઈ રહ્યા હતા – નદીએ માર્ગ આપ્યો હતો. પીપળાના ઓટલા પાસે લોકોની મેદની ભેગી થઈ હતી.

બેચર મોડો જાગ્યો. અને ઊઠીને બેઠા થતાંવેંત એને હલિમાનો વિચાર આવ્યો. એણે ઝડપથી પાઘડી બાંધી અને બહાર પડ્યો. મુસાફરોનાં ગાડાં એણે દૂર જતાં જોયાં. પણ હલિમા ક્યાંય દેખાઈ નહિ.

વાવની કુંડીએ એણે હાથમાં ધોયાં ત્યારે દૂર ધોરીઆને લાંબે છેડે લૂગડાં ધોતી હલિમા પર એની નજર પડી. બેચર સફાળો ત્યાં પહોંચી ગયો અને હસતાં હસતાં પૂછ્યું :

‘છો તો અક્કલની માઠી! અહીં આવી તે વાવની કૂંડીએ કપડાં ધોતાં શું થતું હતું?’

ત્યારે હલિમાએ ચમકી જઈ ઝડપથી પોતાનાં લૂગડાં પોતાની પીઠ પાછળ સંતાડી દીધાં અને નીચું જોઈ ગઈ!

બેચરની ચકોર આંખોએ કશુંક જોઈ લીધું. અને એણે એ પણ જોયું કે હલિમાની આંખો રડી રડીને લાલ થઈ જઈ સૂજી ગઈ હતી. એના ગાલ પર અને હાથો પર ઉઝરડા પડ્યા હતા અને એની કાયા કંપી રહી હતી!

હલિમા કંઈ કહે તે પહેલાં એણે છલાંગ મારી એનાં કપડાં ઝૂંટવી લીધાં અને જોયું તો એમાં લોહીના ડાઘ હતા, જે હલિમા ધોઈ રહી હતી. ચોળી છાતી આગળથી ફાટી ગઈ હતી અને ચીથરાં લટકી રહ્યાં હતાં.

કોણ હતો એ હેવાન?’ બેચરે બૂમ મારતાં પૂછ્યું, ‘કહે તો ખરી – એનાં હાડકાંના ભુક્કેભુક્કા કરું.’

જવાબમાં હલિમા રડી પડી – ધ્રુસકે ધ્રુસકે રડી. વાળેલા ઘૂંટણ પર હાથ અને હાથ વચ્ચે માથું નાખી, એ શરમ મૂકી, બેફામ રડી પડી.

બેચરની આંખે ઝનૂન ભરાયું.

જીભ તો નથી કાપી નાખી ને તારી? કહે, કોણ હતો એ સૂવરનો બચ્ચો!

હલિમાએ શરમથી મરી જતાં ઊંચે જોયું અને કહ્યું :

જરા હળવે તો બોલો – લાજ લૂંટાવાની હતી તે લૂંટાઈ ગઈ. હવે શા માટે ઢોલ પર દાંડિયા મારો છો?’

બેચર અસ્વસ્થ બની સામેના એક પથ્થર પર બેઠો અને બીડી પેટાવી. હલિમાએ નીચું જોતાં કહ્યું :

‘મને ખબર નથી પણ વહેલી પરોઢે એ બની ગયું. હું જાગી અને બૂમ પાડું તે પહેલાં કોઈએ મારે મોઢે હાથ દાબી દીધો અને બંને હાથ પકડી મને, મને…’ કહેતાં એ પાછી રડી પડી. ‘એ બે જણ હતા અને હું – મેં બહુ જોર કર્યું. મારો જીવ છો જતો રહે પણ હું એમ ન બનવા દઉં. પણ – પણ એ આખરે બની ગયું! મેં એને ઓળખ્યો નહિ – એનું મોઢુંય મને યાદ નથી. પણ એણે રેશમનું ખમીસ પહેર્યું હતું, આંગળીએ વીંટી હતી અને એની ટચલી આંગળી કપાયેલી હતી! મૂઓ રાક્ષસ!…ઓ મા.. રે!’

બેચર મનમાં ને મનમાં મૂંઝાયો. એ હાથની મુઠ્ઠીઓ વાળીને બેઠો હતો. રાજાના ઘોડા જેવી એની છાતી બહાર નીકળી આવી. ‘તેં એને ફક્ત ઓળખ્યો હોત!’ એણે કહ્યું, ‘તો હું એનાં આંતરડાં ખેંચી કાઢત!’

‘હવે શું ફાયદો?’ કહેતાં હલિમા ઊઠીને ઊભી થઈ. બેચર ઊઠ્યો. જરા વાર એ બેમાંનું કોઈ બોલ્યું નહિ.

લે ચાલ હવે,’ બેચરે કહ્યું, ‘સામે પાર મારું ઘર છે, ત્યાં શિરામણ કરીને આગળ જજે!’

હલિમા એની પાછળ પાછળ ચાલી, પણ એની ચાલમાંથી પેલી પતંગિયાની નજાકત જતી રહી હતી.

બધાં નદી પાર કરી ગયાં હતાં. ફક્ત એક જ ભંગીનું ગાડું ભાડાની રાહ જોતું પડ્યું હતું.

બેચરે ભાડું નક્કી કર્યું. એ બંને ગાડા ઉપર ઊભાં રહ્યાં. બળદો પાણીમાં પડ્યા.

નદીમાં પાણી ત્યાં છીછરાં હતાં પણ વિસ્તાર લાંબો હતો. સામે દૂર કણબીની વાડીનાં જામફળ, જાંબુ અને આંબાનાં ઝાડ પવનના ઝપાટા સાથે લડી રહ્યાં હતાં. બેબાકળાં વાદળાંઓની અથડામણ વચ્ચે આકાશ ઘેરું ગૂંગળાયા કરતું હતું.

બેચરની જીભ એને તાળવે ચોંટી ગઈ હતી. હલિમા એના ખભાએ હાથ ટેકવી સ્વસ્થ ઊભી હતી.

‘હું ને કાકા,’ એ હળવું બોલી, ‘છું જ એવી અભાગણી!’

‘હું જન્મી અને મા મરી ગઈ. અને તેર વરસની થઈ ત્યાં સુધીમાં તો અમારાં ખોરડાં ગીરવા મુકાઈ ગયાં, ભાઈ મરી ગયો, તેર ગધેડાંમાંથી એક જ બાકી રહ્યો. અને ‘ હવે બાપ મરવા પડ્યો છે!’ એણે એક હળવો નિ:શ્વાસ છોડ્યો. ‘દાઝ્યા ઉપર ડામ જેવું – મારા પતિએ મને કાઢી મૂકી!’

બેચરને આંચકો લાગ્યો હોય એમ એણે પાછળ ફરીને હલિમાની આંખોમાં જોયું. એ આંખોમાં કેટલું બધું ઊંડું પેસી ગયેલું અને ઠરીઠામ બેઠેલું દુઃખ ભર્યું હતું તોય એ મૂર્ખથી બોલી જવાયું :

‘હેં! કાઢી મૂકી? પણ છો તો આવી ફૂટડી!’

‘હા – અને ચાલાક પણ છું! એ જ તો મારી કમનસીબી છે! હું સ્વભાવે જ હસમુખી રહી, અને માણસનું મન છે તો કો’ક દહાડો વધારે ઊભરાઈ જાય, ત્યારે હસું હસુંય થઈ જવાય! મારે સાસરિયે અને પિયરિયે બધેય ગરીબી અને કમનસીબી છે. મનને એમ થાય કે મારી જાતને મારે કાબૂમાં રાખવી જોઈએ. નહિ તો ગમે તેમ ધારી લેશે. અને લોકોની જીભે કંઈ તાળાં દેવાય છે? પણ – પણ –’ કહેતાં હલિમાની આંખે આંસુ ઊભરાયાં. ‘પણ હું મારી જાતનીય વેરણ નીવડી. અને સાસરિયું છોડવું પડ્યું! લોકોએ કંઈની કંઈ વાતો જોડી કાઢી. મને બીક હતી અને બન્યું પણ એમ જ! મારા સ્વભાવે મને દગો દીધો. મારો ધણી છંછેડાઈ પડ્યો. ત્યારે હું હસી રહી! એણે મને લાત મારીને બહાર કાઢી – હું – હું છું જ અભાગણી!’

બેચરનું મનેય દુભાઈ ગયું. ત્યાં તો એ સામે કાંઠે પહોંચ્યાં. બેચર કૂદકો મારીને નીચો ઊતર્યો અને પાછળ હલિમાય કૂદી પડી. .

‘ધ્યાન રાખજે હોં! ઓલી પારથી જજે. ત્યાંની માટીમાં ઘરણ છે!’

ભેખડ ચડી જતાં એ ગામ નજરને ભેટી પડ્યું.

‘એ જો, પેલું ફળિયું અને એ પેલી ઊંચી આંબલીવાળું મારું ઘર!’ બેચરથી પરાણે હસી જવાયું. ‘સાડા પાંચ વરસે ઘેર પાછો ફરું છું હોં.’

‘એમ? પરદેશ – ખેડવા ગયા હતા?’

‘નહિ – ’

બેચરે કહ્યું. ‘જેલમાં ગયો હતો! હેં – હા – હા..!’ એ ટીખળમાં, જોરથી ખરબચડું હસી પડ્યો પણ બીજી પળે એના સ્વભાવની મશ્કરી મરી ગઈ. એ ધીમો પડી જઈ હલિમાની લગોલગ ચાલવા લાગ્યો. એના ચહેરા પર પાછી કરચલીઓ ચઢી ગઈ.

‘હું ચોર છું – સમજી! મારી બીક તો નથી લાગતી ને?’

‘બીક કોની – તમારી, બેચરકાકા?’

હલિમાએ આંખો ભરીને બેચર પર ઠાલવી. ‘મારે મન તમે ચોર નથી!’ અને એ થોડુંક દયામણું અને ફિક્કું હસી પણ ખરી. આખી સવારમાં એ પહેલું જ હસી હતી. બેચરનું મન આનંદથી ભરાઈ ગયું. એ જોરથી હસી પડ્યો.

‘ચોર તો છું – અવલ નંબરનો – સમજી?’

ત્યાં તો એનું ઘર આવ્યું. ડેલીના દરવાજા ખુલ્લા હતા. બેચરે જોયું તો આંગણામાં એક ઘોડો બાંધ્યો હતો.

લે – આ શું?’ એણે કહ્યું, ‘મારા આંગણામાં આ ઘોડો? – મારી ગેરહાજરીમાં અહીં બાદશાહી આવી બેઠી લાગે છે!’

એનો અવાજ સાંભળીને ઘરવાળી ઓસરીને દરવાજે દોડી આવી. ‘તમે જ?’ એણે કહ્યું, ‘મને થયું કે તમારો જ અવાજ હતો.’ બેચર છલાંગ મારીને ઓટલો ચઢી ગયો. અને ઘરવાળીની છેક નજીક – એની સામે આવીને ઊભો.

‘હં.. દેખાય છે તો મજામાં! અહીં શું અમનચમન ચાલે છે? આ ઘોડો કોનો છે?’

હલિમા ચૂપચાપ બેચરની પાછળ આવીને ઊભી રહી.

ઘરવાળી હસી પડી.

‘કનૈયાનો ઘોડો છે – એય હમણાં જ નદી પાર કરીને આવ્યો. તમને ઓલી પાર ધર્મશાળામાં ભેટ્યો નહિ?’

‘પણ છે ક્યાં એ ગધેડો?’ બેચર અધીરો બન્યો.

‘એ જમે રસોડામાં!’ ત્યાં તો કનૈયો રસોડામાંથી હસતો હસતો બહાર નીકળ્યો. ‘આ રહ્યો ને!’

બહાર નીકળતાં જ એની નજર બેચર પાછળ ઊભી રહેલી હલિમા પર ચોંટી ગઈ, એનું હાસ્ય એમનું એમ થીજી ગયું અને આંખો ફાટી ગઈ!

હલિમા એક ઓચિંતી ચીસ પાડી બેચરની બાજુમાં લપાતી એના હાથને બાઝી પડી. એના હાથમાંથી લૂગડાંની પોટલી પડી ગઈ અને ભીનાં કપડાં વેરાઈ જઈ, અધૂરા ધોવાયેલા લોહીના ડાઘ ખુલ્લા પડી ગયા! બેચરની નજર એ કપડાં પર પડી. ચોરની ચપળતાથી એણે માથું ફેરવ્યું અને જોયું તો કનૈયાની નજરેય ત્યાં ગઈ હતી! એણે એ પણ જોયું કે કનૈયાએ રેશમનું ખમીસ પહેર્યું હતું, એક વીંટી હતી અને એની ટચલી આંગળી કપાયેલી હતી…

બેચરના દાંત જોરથી બિડાઈ ગયા: ‘સા.લંપટ, પાજી, શયતાન!’ એને કોઈ અટકાવે, ઘરવાળી વચમાં પડે, તે પહેલાં એણે હાથ ઊંચક્યો. અને એ હાથ હેઠો ઊતર્યો ત્યારે એક ભયંકર અવાજ થયો. બીજા અવાજે કનૈયો હેઠો પડ્યો અને એના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું!

અરે! આ તમે શું કર્યું? તમે તે લોહીની ભૂખ લઈને પાછા આવ્યા છો કે શું?’ કહેતી ઘરવાળી હેઠા પડેલા કનૈયા પર, આષાઢના મેઘ ધરતી પર નીચા નમે એમ, નીચી વળી. ‘એણે એવડો તે શું ગુનો કર્યો તમારો?’

બેચરે ઘરવાળીનો હાથ પકડીને આંચકા સાથે દૂર ધકેલી.

‘મને પૂછે છે? – પૂછને એ સૂવરને?’

કનૈયો લોહીનીતરતા મોંએ ઊઠીને ઊભો થયો અને ઓસરીને દરવાજે દોટ મૂકી. એને પકડવા કૂદતા બેચરને આડે ફરેલી હલિમા એના પગમાં ઠોકરાઈ ગઈ! રડતી રડતી એના પગને બાઝી પડી :

‘નહિ – નહિ! એને જવા દો, કાકા!’

ચૂપ!’ બેચરે એક આંચકે એના હાથમાંથી પોતાનો પગ છોડાવ્યો, ‘મને કાકા કે મા!’

‘સાડા પાંચ વરસે પાછા ફર્યા અને–’ એની ઘરવાળીની આંખમાંથી આંસુના રેલા વહી નીકળ્યા, એનો અવાજ બેસી ગયો. ‘અને આ રતન જેવા છોકરાને.’

રતને જેવો?’ બેચર ત્રાડૂક્યો.

‘આ આને જો – આ ફૂલની કળી જેવી છોકરીની લાજ લૂંટનાર – એ – એ લંપટ કોનો છોકરો છે? કહે તો ખરી એ કોના લોહીનું ટીપું છે?’

બેચરથી કહેતાં તો કહેવાઈ જવાયું. પછી એ મનમાં જ બબડ્યો: ‘કોના લોહીનું ટીપું?’ અને એની આંખ આડે આષાઢના મેઘ ફરી વળ્યા. એ ખુન્નસભરેલી આંખ એક પળમાં ઠાલી થઈ ગઈ. એના ચહેરા પરથી કરચલીઓની હવા ઊડી ગઈ. એની આંખ આડે પેલું સૌંદર્યદર્શન આવી ઊભું – એ ફૂંકાતો પવન, રસીલી મેઘલી રાત, પેલી ઝૂલતી ડાળી પર હિલોળતા પારેવડા જેવું માદળિયું અને એ – ગુમાઈ જવાનું મન થાય એવી – નિરાંતભરી મોકળાશ!

બેચર ધબ દઈને બેસી ગયો. જે આંખની કીકી આડે કોઈ દહાડો આંસુ નહોતાં ઊભરાયાં ત્યાં આજે ઝળઝળિયાં આવી ગયાં.

ઘરવાળી એની બાજુમાં બેસી ગઈ અને એના માથાના બરછટ વાળમાં આંગળીઓ ભેરવી ધીમું બોલી :

‘હુંય પૂછું છું તમને, એ કોના લોહીનું ટીપું છે?’

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.