જીવાએ લીંબડાનું પાંદડું તોડીને ખાધું. થોડી વાર પાંદડાને મોંમાં રાખી એ બોલવા માંડ્યો, ‘અલ્યા, લેંબડાને કાળો નાગ ડસ્યો છે. જોને કડવો કડવો ઝેર! થૂ… થૂ…’
‘અલ્યા, મને વાંહળી આલો, હાલ નાગને બોલાવું. લ્યો, આયા ગોગબાપો. બાપા, લેંબડાને ડંખ દેવાય? ઝેર ચૂહી લ્યો. અમરતનો કૂંપો બાપા મને આલતા જાવ. કૂંપાને કોઈ અડશો નૈં. અલી છોડી, આઘી રે, ઢોળતી નૈં. ઢળશે તો બધે સોનું સોનું થૈ જાહે. ઘરમાંયે સોનું ને બારેય સોનું. તાંબાનું સોનું. લોઢાનું સોનું. ઢેખાળાનું સોનું. સોનું સોનું!
‘અલ્યા, ઢોલ મંગાવો. મારે સુખલી લેવી છે. મું સુખલી લ્યું ને છે કોઈ મરદનો બેટો કે મારા હામો ફૂદડી ફરે? ફોજદાર શાનો મરદનો બેટો? ઈ ને તો ધોલભેગું હેઠું નાંખું. ઈના જમાદારને હેઠું નાંખું. પુલીસનેય હેઠું નાંખું. ધોલ ભેગા બધાય હેઠાં. ચ્યાં મરી ગૈ મેનડી! તારો ઘાઘરો લાય. આ સપૈડાં હેઠાં પડ્યાં મારી ધોલ ભેળાં. ઈમને ઓઢાડવો સે મેનડી, મારે ઘાઘરો ઓઢવો છે. ઝટ લાય. અલ્યા, ચ્યમ મારાથી ઘાઘરો ના પેરાય? મું મરદ નથી? ’લ્યા, મું તો મરદનો છૈયો. ઈના થૈયાનો યે છૈયો. મું કોણ કે? અમે રે ચિયા ગઢના રાજવી, શાં રે અમારાં નાંમ? રાંમદે પીરની જે ઇંદિરા ગાંધીની જેમ. મેનડી, મારાં હાલ ને હાલ લગન લે. પોકળગઢના રાજાની કુંવરી હારે મારે પૈણવું છે હા! મને ઝટ પૈણાય મેનડી, તને મારી વઉ કરું. જોશીડાને મેકલ. ઘાંયજાને મેકલ, મારા બાપને મેકલ ને મનેય મેકલ. મારી તલવાર લાય, ભાલો લાય, ભોંઠું લાય, ગધાડું લાય. અલ્યા, ઢોલ વગાડો ઢોલ, ઊભા ચ્યમ સો? આખું ગામ ભલે જાનમાં આવતું. અલ્યા, ખાવ પીવો ને કરો લે’ર. મું બેઠો સું ને તમને કુણ રોકનારું સે? સોકરાં, લેંટ કાઢી આવો મેનડી, ગધ્ધી મટકી લે. મું હકમ કરું સું, મરચી લે. તારાં ઠાઠાં ભાગી નાંખીશ હા! તારા બાપનું બારમું છે ને મરચી ચ્યમ નથી લેતી? તારી માને મારી સાસુ કરું, તારી બુનને પૈણું, તારા ભૈને સાળો કરું. તારો ભૈ, તારો ભૈ, હોવે હોવે પેલો નાથલો. રૂપિયા અઢીંહે લૈ જ્યોસે. ઈના બાપના નહોતા. હાલ ને હાલ ગણી દે નકર જા તારા બાપના ઘેર. મું બીજું બૈરું કરીશ. પેલી બાડી રેવલીને મારી વઉ કરીશ ને મારે સાત દીકરા થાશે. છો દીકરા ગધાડાં ચારશે તે એય ભટારા લેર કરશે. સાતમો દલ્લીનું રાજ કરશે. ઈના રાજમાં સબ સુખી, ખોડિયો ઓરગાણોય સુખી. ના કોઈ ઊંચ ને ના કોઈ નેંચ. દારૂ પીવાની છૂટ અલ્યા, ઢેંચો તમતમારે મું રાજાનો બાપ બેઠો છું ને! ઘડા ભરી ભરીને પીઓ. મારા બેટા કોંગરેચિયાનું રાજ. ભૂશે મરી જ્યા-અલ્યા, ચ્યમ ના પીએ? કમૈયે અમે ને પીએ, ઈમાં તમારા બાપનું કાંય જાય? બાવડાંમાં જોર છે તે કમૈયે, માછલાં ખૈએ, ને દારૂડોયે પીએ. આલી ફેર તમને વૉટ દૈએ તો મુંઢા પર ખાહડું દેજો. અલ્યા, દારૂડો તો અમારો દલનો ભોગી. મણિયારો આયો રે ગઢના આંજણે રે લ્યા હોવ્વે હોવ્વે! મું તો તને વારું લ્યા જીવો મણિયારા! હોવ્વે હોવ્વે! મેનડી, રૂમાલ લાય, મારે નાગા થવું છે. મારે નાગા થૈ નાચવું છે. મણિયારો લેવો છે. મેનડી, આખું ગામ નાગું છે. નાંખે લૂગડે નાગું. આવા ગામમાં આપણે નથી રે’વું. હેંડ અમદાવાદ નાહી જઈએ તાં કેણે એય ભટારા. સિનીમા જોહુંને ટાઢો હેમ લુંદો લબકાવહું. તારે ના આવવું હોય તો કાંય નૈં. મારી તો કેવાની ફરજ. તારા બાપે તારો હાથ મારા હાથમાં મેલ્યો એટલે મારાથી દગો રમાય નૈં, તારા બાપે કાંય મફતમાં નથી આલી, હજાર રૂપિયા રોકડા ગણી લીધા’તા સમજી? હાલ ને હાલ તારા દાગીના ઉતાર. તારા બાપના નથી. મારી માના છે. રાંડ ડાકેણ, તીં જ મારી માને મારી નાંસી. ધતૂરાનાં બીજડાં તીં રોટલામાં નાંસ્યાં’તાં. પોલીસવાળા આવશે ને તને મારતા મારતા કોરટે લૈ જાશે. અલ્યા ભૈ, ઈને કળકળતા તેલમાં નાંખવાની સજ્જા કરો. ઈમાં લહણ નાંખો ને કારેલાંનું શ્યાક કરો. ઉની ઉની રોટલી ને કારેલાનું શ્યાક, વા ભૈ વા! મેનડી, શ્યાકમાં મેંઠું શ્યમ નથી નાંસ્યું? ના હોય તો તારા બાપના ત્યાંથી લૈ આય. તારો બાપ વણઝારો ને મું લાખો વણઝારો. સાત-સાત કોઠા વાળી વાયને માંય ગોખલામાં મેનડી. રૂપરૂપનો અંબાર. રાંડ, દાંત શના કાઢે છે? તારે દાંત તેત્રીસ ને બાડી બત્રીસ લખણી. રેવલીને ઊભાં ઊભાં મૂતરવાની કટેવ છે. હેઠી બેસ. ઊભી થા. હેઠી બેસ. ઊભી થા. હેઠી બેસ, બે કાંન પકડ, હજાર વાર ઊઠબેહ કર ને બા’ર જૈ મૂતરી આય. નેહાળમાં મૂતર શાનું આવે છે? ભણીગણીને માસ્તરાંણી થા ને બે’રા માસ્તર હારે નાહી જા. ધના ધતુડી પતુડી, ધના ધતુડી પતુડી. અલ્યા મને ફેર ચડ્યા. કો’ક ઝાલો… ધોડો અલ્યા એ… હે… છાપરું હેઠું પડ્યું લ્યો. આઘા રયો લ્યા, નાગ નેંકળ્યો, મારો બેટો પાણીનો રેલો જાણે. અલ્યા, આ તો મારા બાપા. બાપા તમે નાગ થયા? તમારું નખ્ખોદ જાય આઘાં ખસો છોકરાં. સૈડ સું મેલતાં નથી. સાત સોનાના ચરુ — આ પહેલો, આ બીજો, આ ત્રીજો, હજુ ઊંડે ખોદો લ્યા. ચરુ… ચરુ… નકરા ચરુ મેનડી, ધોડ ચરુ ઘરમાં લૈ જા. જો પાડતી નૈં. ઝાલ રાંડ હરખું ઝાલ. તારા હાથ ચ્યમ ભાજી જ્યા સે? હેં, બંગડી ચ્યાં જૈ? મું પીવું ઈમાં તારે હું? સોની તારો બાપ થતો’તો તે આલી આઈ? હાલ ને હાલ બંગડી લૈ આય. બંગલીમાં રે’તી ત્યારે ઝપાટો મારતી, ઝપાટો ભૂલી જૈ વઉ મારી બંગલી સૂની થૈ! થૈ! થા થૈ થૈ! તાળી પાડો અલ્યાં સોકરાં. સૈડ સુ મે’લો એ… આ બે ના ચાર ને ચારના આઠ. સોના હજાર ને હજારના લાખ. નકરા રૂપિયા. મું તો હેમાળે જૈ વિદ્યા શીશી આયો સું, હું હમજો હો લ્યા? ફૂંક ભેગી ચકલી બનાવી દૈશ મેનડી. તું તારે ઊડને ફૈડકા ભર. રેવલી બાડી, તને ફૂંક ભેગી ગધાડી બનાવી દઈશ. ઊભી ઊભી મૂતર તું તારે. મેનડી આંય આવ મું તને બચી કરું ને બચકું ભરી લઉં. તું તો મેઠી મેઠી દરાખ જેવી છે મેનડી, લે તારો ઘાઘરો.’
ત્યાં તો બે જમાદાર ફરતાં ફરતાં આવી ચડ્યા અને ઘાઘરો ઓઢી લીંબડાની આસપાસ ફરતા જીવાને પકડ્યો. ‘અલ્યા, તું કુણ છે? ડેર છે કે ડાકેણ? હાલ ને હાલ નૈંતર તારી તલવાર ને મારી ડોક’ જીવાએ ઘાઘરામાંથી બહાર ડોકું કાઢ્યું. એની આંખો લાલ હતી. હોઠ પર થૂંક બાઝ્યું હતું. ‘ચાલ છાનોમાનો’ એક જમાદારે એને બાવડું ઝાલીને ખેંચ્યો અને ઘાઘરો એક બાજુ ફેંકી દીધો. ‘નથી આવવું જા. તારી છોડીને નથી પૈણવું.’ જીવાએ હાથ છોડાવવા વલખું માર્યું.
જમાદારે એના ગાલ પર એક તમાચો લગાવી દીધો, ‘જેસા ફાવે વેસા બોલતા હૈ હરામી?’
જીવાના મોંમાંથી લીંબડાનું પાંદડું નીકળી ગયું અને થૂંક સાથે લોહી પડ્યું. જીવાને કાનમાં તમરાં બોલી ગયાં. એણે આંખો મટમટાવીને જોયું ત્યાં તો સામે જમાદાર ઊભેલા જોઈ ચમક્યો—
‘હેં સાહેબ તમે? આ તો જરા… સાયેબ!’
‘જૂઠ બોલતા હે? આજ ફિર પીયા થા? ચલ, થાનેમેં, જાડેજા સાહેબ આયા હે.’
જીવાએ બન્ને જમાદારના પગ પકડી લીધા, ‘સાહેબ, હવે કોય દાડો નૈં પીવું. આટલી ફેર જાવા દો, સાયેબ, તમારી ગાય—’ અને એ રડવા લાગ્યો.
જમાદાર એને ધક્કો મારી ચાલતા થયા. ‘જાને દો કુત્તેકો સાલા રોજ પીતા હૈ.’
(‘સૂરજપંખી’માંથી)