મીરાંનું ઘર

બસને એક આંચકો આવ્યો અને મીરાંની આંખ ઊઘડી ગઈ. પોતાની કાંડાઘડિયાળમાં જોયું.હજી તો બે જ વાગ્યા છે. અમદાવાદ તો આવશે છેક સવારે સાત વાગે! હવે જલદી બસને પાંખો આવી જાય અને પાંચ કલાકના બદલે પાંચ મિનિટમાં ઘર આવી જાય તો કેટલું સારું! આજે ઘર છોડ્યું બાવીસ દિવસ તો થઈ ગયા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો શાશ્વત સાથે વાત પણ નથી થઈ. રામ જાણે શું કર્યા કરે છે. ન ઘરનો ફોન લાગે છે ન એનો સેલફોન લાગે છે. નીકળતી વખતે જ નક્કી કર્યું હતું કે રોજ એક વાર ફોન પર વાત કરીશું જ, પણ આ શાશ્વત! મીરાંને જરા ચિંતા થઈ. માંદો તો નહીં પડ્યો હોય! પણ માંદો પડ્યો હોય એમાં ફોન કેમ ન લાગે? તદ્દન ઇડિયટ જેવો છે, ગમાર! મીરાંને સહેજ ગુસ્સો આવી ગયો, તેણે બસમાં નજર કરી. આછી રોશનીમાં બસમાં બધાં જ ઘસઘસાટ ઊંઘતા હતાં. કોઈ કોઈનાં નસકોરાંનો અવાજ બસની ઘરઘરાટીમાં ભળી જઈને રાતની નીરવ શાંતિમાં વિક્ષેપ પાડી રહ્યો હતો. તેણે બારી બહાર નજર કરી. વિશ્વ જાણે ગાઢ અંધકારમાં ડૂબી ગયું હતું. આવો જ ગાઢ અંધકાર તેના જીવનમાં પણ વ્યાપી ગયો હતો જ્યારે તેની માનું મરણ થયું હતું. ઉષાબહેન પણ ત્યારે જ તો તેને મળ્યાં હતાં. ઉષાબહેન ત્યારે શાશ્વતના જન્મ માટે રાણકપુર આવેલાં. ઉષાબહેનનું પિયર અને મીરાંના મામાનું ઘર એક જ ફળિયામાં હતું. મીરાંની માના મૃત્યુ બાદ મામા તેને પોતાના ઘરે લઈ આવેલા. મીરાંની ઉંમર તે વખતે માંડ ૧૪-૧૫ વર્ષની. ઉષાબહેન તેને બહુ ગમતાં. ક્યારેક ઉષાબહેન પાસે આવીને બેસતી અને રડી પડતી. માના મૃત્યુને છ-સાત મહિના જ થયેલા, મામા-મામી સાથે બહુ ફાવતું નહીં અને બીજું કોઈ ખાસ સગું હતું નહીં. બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગતું હતું ત્યારે ઉષાબહેને જ તેનો હાથ પકડેલો. ડિલિવરી પછી અમદાવાદ આવ્યાં ત્યારે શાશ્વતની સાથે મીરાંને પણ લઈ આવેલાં.

અમદાવાદ પહેલી વાર જ્યારે મીરાં આવી ત્યારે ડઘાઈ ગયેલી. પહોળા રસ્તા, ઊંચાં મકાનો, ઢગલો દુકાનો, કેટલીય રિક્ષા-મોટરો અને ઉષાબહેનનું ઘર! અધધધ! કેટલું મોટું! પાંચ ઓરડા નીચે અને ચાર ઓરડા ઉપર. ‘તે હૈ બહેન, તમે અહીં એકલાં રહો છો?’ તેણે પૂછેલું..

ના, અમે બે. હું અને તારા સાહેબ.’ ‘બે જ જણ? ને આવડું મોટું ઘર?’ ‘પણ હવે આપણે ચાર થઈ ગયાં ને?’ ‘તોય શું? આ તો ઘણું મોટું છે.’

ઉષાબહેન હસી પડેલાં. મીરાંને તો અમદાવાદ અને આ ઘર બંને ઘણાં ગમી ગયેલાં. ઉષાબહેને ધીમે ધીમે એને ઘરનું કામકાજ, રસોઈ વગેરે પણ શીખવી દીધેલું. અને થોડા વખતમાં તો મીરાંએ આખા ઘરનું કામ ઉપાડી લીધેલું. મનોહરભાઈ પણ તેને પ્રેમથી રાખતા. ફુરસદના સમયે થોડું ભણાવતાય ખરા. શાશ્વત તો મીરાંનો સાવ હેવાયો થઈ ગયેલો. મીરાંનેય એ ખૂબ વહાલો હતો. સહેજ રડે એટલે મીરાં બધાં કામ પડતાં મૂકીને દોડતી. ( મીરાંએ ફરી પોતાની કાંડાઘડિયાળમાં જોયું. આ કાંટો ખસતો કેમ નથી! તેણે પગ સહેજ લાંબા કર્યા. પગ અકડાઈ ગયા હતા. પાછળ કોઈ સીટમાં બાળક રડી ઊઠ્યું. [ પણ થોડી વારમાં શાંત થઈ ગયું. કદાચ તેની માએ થાબડીને ઊંઘાડી દીધું હશે. શાશ્વતને પણ આવી જ ટેવ હતી. કોઈ થાબડે તો જ ઊંઘ આવે અને થાબડવા માટે હંમેશાં મીરાં જ ઝડપાતી. ઊંઘ આવે એટલે મીરાંનો હાથ પકડીને પથારીમાં લઈ જાય, ‘મીરાં, થાબડને…’ આખો દિવસ બસ મીરાંની પાછળ ને પાછળ. મીરાં તું ખવડાવ. મીરાં, તું નવડાવ. મીરાં, કપડાં પહેરાવ. મીરાં, મેગ્સની નોટ નથી જડતી. મીરાં, મારું એક જ મોજું છે, બીજું ક્યાં ગયું? અરે ઘણી વાર સાંજે મીરાં રસોઈ કરતી હોય ને આવી ચડે, ‘મીરાં, રમવા ચાલ.’

‘શું રમવા ચાલ? રાંધશે કોણ?’

‘મમ્મી છે ને? તું ચાલ…’

‘જા, મમ્મી સાથે રમ. મને રસોઈ કરવા દે.’

‘ના. એને ક્રિકેટ રમતાં ન આવડે. તું ચાલ.’ એક હાથમાં બોલ ને ખભે ક્રિકેટનું બેટ લીધેલ, જીન્સ અને ચટાપટાવાળું ટી-શર્ટ પહેરેલ, પગ પછાડતા શાશ્વતનું ચિત્ર મીરાં હજીય જેમનું તેમ દોરી શકે. ઉષાબહેન હંમેશાં ખિજાતાં, મીરાં, તું આની દરેક જીદ પૂરી ન કર. સાવ જિદ્દી થઈ ગયો છે.’

મીરાં હસી દેતી પણ શાશ્વત તો રોકડું જ પરખાવતો, ‘તે હું તારી સાથે ક્યાં જીદ કરું છું? હું મીરાં પાસે જીદ કરું છું?’

પણ બધી વાતે જીદ કરાય? પોતાનું ધાર્યું જ કરવાનું?’ ‘હા, મીરાં પાસે ધાર્યું જ કરાવવાનો

ઉષાબહેન મીરાંને લડતાં, ‘બહુ બગાડ્યો છે તેં. એક દિવસ પસ્તાવાની છો, યાદ રાખજે.’ મા ઉષાબહેનની વાત આટલાં વર્ષે તદ્દન સાચી નીકળી. ધીમે ધીમે ઘણો જિદ્દી થઈ ગયો છે. આજે આટલો મોટો થયો પણ મનનું ધાર્યું જ કરવાનો. મીરાં માટે ચારધામની યાત્રાની આ ટૂરના પૈસા એ જીદ કરીને જ ભરી આવેલો. મીરાંએ તો ઘણી ના પાડેલી પણ કહે, ‘ના, તું જઈ જ આવ. તારી ઘણા વખતથી ઇચ્છા છે. પછી નહીં જવાય.’ પર ‘અરે પણ હું આ ઘરને, તને કોના ભરોસે મૂકીને જાઉં? તારાં લગ્ન પછી જઈશ.’

‘ફાલતુ વાતો ન કર. હું હવે નાનો નથી. તું જઈ આવ. વીસ દિવસ તો ક્યાંય પસાર થઈ જશે.’

મીરાં ના પાડતી જ રહી પણ એ માને? ધરાર પૈસા ભરી જ આવ્યો ને મીરાંને નીકળવું જ પડવું. સાવ જિદ્દી.’ મીરાંના મોંમાંથી અનાયાસે નીકળી ગયું. બાજુની સીટવાળાં બહેને ચમકીને તેની સામે જોયું પછી વળી આંખો મીંચી દીધી. મીરાં પણ આંખો બંધ કરી વિચારવા લાગી, ‘શું કરતો હશે અત્યારે? અત્યારે વળી શું કરે? ઊંઘતો જ હશે ને?’

મીરાંનો પગાર મનોહરભાઈ બેંકમાં તેના ખાતામાં સીધો જ જમા કરી દેતા. ઉપરથી મીરાંને પચાસ-સો હાથખર્ચીનાય આપતા. પણ મીરાંને વળી શી હાથખર્ચી હોય! એ રૂપિયા તો શાશ્વત પોતાના ક્રિકેટબોલ, પત્તાંની કેટ કે ચોકલેટો પાછળ જ ઉડાવી મારતો. ઉષાબહેન તેને લડતાં, ‘તું મીરાંના પૈસા કેમ વાપરે છે? મારી પાસે માગને!’

‘તું મને ક્યાં તરત પૈસા આપે છે. પચાસ સવાલ કરે છે. મીરાં તરત આપે

પણ આમ તું મીરાંના પૈસા વાપરે એ સારું કહેવાય? કેમ ન કહેવાય?’ હે ભગવાન! આ છોકરો!’ ઉષાબહેન કપાળે હાથ દેતાં.

એવું ન હતું કે ઉષાબહેન મીરાં માટે કંઈ વિચારતાં જ નહીં. કેટલીય વાર એમણે મીરાં પાસે તેનાં લગ્નની વાત છેડી હતી. પણ મીરાં હંમેશાં ડોકું જ ધુણાવતી.

‘હવે આ જ મારું ઘર અને તમે જ મારા સગાં. મારે પરણવું જ નથી. હવે તો અહીં જ મારું જીવન પૂરું થવાનું.’

‘પણ એમ તે ચાલે મીરાં, પરણવું તો પડે ને! એક પોતાનું માણસ જોઈએ બહેન!’ ઉષાબહેન તેને સમજાવવા પ્રયત્ન કરતાં પણ મીરાં વાત ઉડાવી દેતી. મનોહરભાઈએ મીરાંના મામાને મીરાંનાં લગ્ન માટે એક-બે વાર કાગળ પણ લખ્યો હતો, પણ તેમનો કોઈ જવાબ આવ્યો જ નહીં. છેલ્લે છેલ્લે તો ઉષાબહેન અકળાઈ જતાં, મીરાં, હવે તું અઠ્યાવીસની થઈ, ક્યાં સુધી ના પાડચા કરીશ? પછી બેસી રહેજે ઘરમાં કોઈ મળશે નહીં.’

‘પણ મારે પરણવું જ નથી, પછી?’

પણ કેમ નથી પરણવું? તું કહે ત્યાં ટ્રાય કરીએ. મેરેજ-બ્યુરોમાં, તારી જ્ઞાતિમાં, તું કહે ત્યાં. તું કહે તો આપણે બંને એક વાર રાણકપુર જઈએ. પછી પાંચ વર્ષ પછી તું કહીશ તો…’

‘ક્યારેય કહેવાની નથી. પાંચ વર્ષ પછીય નહીં ને પચાસ વર્ષ પછીય નહીં, બસ.’

અઠ્ઠયાવીસ વર્ષ! એ વખતે મીરાં અઠ્યાવીસ વર્ષની હતી અને આજે શાશ્વત અઠ્યાવીસનો થયો. વચ્ચેથી કેટલાં વર્ષો વહી ગયાં. વીતેલાં આ વર્ષે તેની સાથે ઘણું લઈ ગયાં. મીરાંને પોતાના કાળા ભમ્મર વાળ હવે કાળા રાખવા ઘણા પ્રયત્નો કરવા પડે છે, આંખોય સોનેરી ફ્રેમનાં બેતાળાંનાં ચમાં વિના ઝાંખું વાંચે છે, શાશ્વતના હાથમાંય સ્કૂલબૅગ કે કૉલેજબૅગની જગ્યાએ લેપટોપ આવી ગયું છે. ઉછાળા મારતા દરિયાનાં મોજાં જેવી તેની પ્રકૃતિ સહેજ ઠરીને શાંત બનીને પૈસા કમાવા તરફ ફંટાઈ છે. અને ઉષાબહેન, મનોહરભાઈ? એય હવે ક્યાં હતાં? સમયનું વહેણ તેમને સાથે સાથે ઢસડી ગયું. કોઈ લગ્નપ્રસંગે બંને કાર લઈને સુરત ગયાં. પણ પછી પાછાં આવ્યાં જ નહીં. એ બંનેનાં મૃત્યુના પંદર-વીસ દિવસ પછી જ શાશ્વતનું એન્જિનિયરિંગનું રિઝલ્ટ આવેલું. એ દિવસે બંને કેટલાં રહેલાં! શાશ્વત તો હીબકે જ ભરાયેલો પછી મીરાંએ જ તેને માંડ માંડ શાંત પાડેલો..

રિઝલ્ટ આવ્યું તેના અઠવાડિયા પછી જ એક દિવસ સવારે એ મીરાં પાસે આવેલો.

મીરાં, હવે આગળ શું કરીશું ‘શેનું શું કરીશું?’ ‘મારે આગળ એમ.બી.એ. કરવું છે.’

‘તે કર ને. તને કોણ ના પાડે છે? જેટલું ભણવું હોય તેટલું ભણ.’

‘હા, પણ હવે પપ્પા નથી એટલે… મીરાં, હું પૈસાની વાત કરું છું. મારે જે ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.બી.એ. કરવું છે તેની ફી ઘણી વધારે છે. આપણે બેંકમાંથી પૈસા ઉપાડીએ તો ઘરના ખર્ચાઓનું શું?’

મીરાં બે ક્ષણ વિચારી રહી પછી અંદર જઈ પોતાની પાસબુક લઈ આવી. જ જો આમાં છે તેટલા થઈ રહેશે?’

શાશ્વતે જોયું, હા, થઈ રહેશે પણ પછી… મીરાં, આ તારા પૈસા છે.’

હવે તારા પૈસા ને મારા પૈસા. બધું એક જ છે ને? આ બધા તારા જ છે. તું ભણી લે, સારી નોકરી મળે પછી તારા બધા પૈસા મારા, બસ? જા… ફી ભરી દે.’ આ શાશ્વતે મીરાંને ખુશ થઈ ઊંચકી જ લીધેલી. ‘મૂકી દે, મૂકી દે, કહું છું પડી જઈશ.’

મીરાંએ બસનો સળિયો પકડી લીધો. ‘ઓહ! કેટલો યાદ આવી રહ્યો છે.’ તેણે ઘડિયાળ જોઈ. બસ, બે જ કલાક! પછી તેનો કાન પકડીશ હું. આવી બેદરકારી ચાલે? નવાઈનો નોકરી કરે છે? જ્યારનો નોકરીએ લાગ્યો છે ત્યારનો મારી પાસે બેઠો જ નથી. આખો દિવસ નોકરી અને ઘરે આવે એટલે કમ્યુટર અને સેલફોન તો ચાલુ ને ચાલુ. ન ખાવાનું ભાન, ન પીવાનું. આ તો કાંઈ જિંદગી છે? આપણને એમ કે એમ.બી.એ. થયો એટલે ભણવાનું પતી ગયું, પણ આ તો રામ જાણે કેટલીય પરીક્ષાઓ આપ્યા કરે છે, અને કંપનીવાળાય ખરા છે! બહારગામ જવું હોય તો એમનેય શાશ્વત જ મળે છે. હમણાં હમણાં બે વાર મુંબઈ જઈ આવ્યો. જાણે છે. શાશ્વત એકલો છે, પરણેલો નથી એટલે મોકલો એને. એવું ચાલે! હવે તો એને ખીલે બાંધી જ દેવો છે. કોઈ શું કહે? મા-બાપ નથી એટલે આ વછેરા જેવો ફર્યા કરે છે. કોણ ધ્યાન રાખે? પણ આને તો કહીએ એટલે માથું જ ધુણાવ્યા કરે છે. પેલાં કાલિન્દીબહેને બે-ત્રણ વાર એમની દીકરી માટે કહ્યું. છોકરી ડૉક્ટર છે, સારું ઘર છે પછી શો વાંધો! પણ આ મહાદેવજી માને તો ને! આમ ને આમ અઠ્યાવીસનો થયો પણ અક્કલ ક્યાં છે! ઘરનુંય ધ્યાન રાખતો હશે કે કેમ! રાત્રે કેટલાં તાળાં મારવાં પડે છે! આટલું મોટું ઘર ને એ એકલો, રાત્રે ચાર માણસ ઘૂસી આવે તો શું કરી લેવાનો!’ મીરાંને એકાએક પસ્તાવો થવા લાગ્યો, હું જ ખોટી ઉતાવળ કરીને આવી. એ તો જીદ કરે, એની ટેવ છે, પણ મારે તો સમજવું જોઈએ ને! ફોન પણ નથી લાગી રહ્યો… હે ભગવાન! હે ભગવાન! રક્ષા કરજો. આવો તો વિચાર જ આવેલો નહીં, નહીં તો હું ન આવત. એની સારી નોકરી માટે જ બાધા લીધી હતી અને પૂરી કરવા તારા ધામમાં આવી હતી. ભગવાન! ઘરે જાઉં અને એનું મોઢું જોઈ લઉં તો મને શાંતિ થાય. જેમ તેમ કરી આ બે કલાક નીકળે.’ મીરાંએ ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ના જાપ શરૂ કર્યા.

ના – અમદાવાદ બસ આવી ત્યારે સવારના સાડા સાત થઈ ગયા હતા. રિક્ષા ઘર પાસે આવીને ઊભી રહી ત્યારે હૃદયને કંઈક ટાઢક થઈ. ‘હાશ ધરતીનો છેડો ઘર! કંઈ ખોટું કહ્યું છે? હજી તો ઘોરતો હશે. હું આવવાની છું, યાદ જ ક્યાંથી હોય! મને જોઈને ચમકી જ જશે. શું કહે છે પેલું? હા, સપ્રાઇઝ. પછી એવો તો રાજી થશે, હાશ! મીરાં, સારું થયું તું આવી ગઈ. તારા વિના તો યાર કંઈ મજા જ ન આવી. ચાલ હવે ફક્કડ ચા અને કંઈક ગરમ નાસ્તો બનાવ. અહીં તો જમવામાં કંઈ ભલીવાર આવ્યો નહીં. પણ તું ગઈ જ કેમ? હું તો ગમે તે કહું, જીદ કરું પણ તને ખબર ન પડે?’ એવું એવું કેટલુંય બબડશે. એમ વિચારતાં-વિચારતાં મીરાંએ ઝાંપો ખોલ્યો. જો તો બાગમાં પાણી પાયું છે? મારાં તો બધાં ગુલાબ ગયાં. કેટલું કહ્યું તું! આવવા દે માળીને આ વખતે પગાર આપવો જ નથી.’

તેણે બેલ પર આંગળી દબાવી. મધુર લયમાં એક મિનિટ માટે બેલ વાગતી રહી, થોડી વારમાં બારણું ખૂલ્યું. બારણા વચ્ચે એક સુંદર યુવતી ઊભી હતી, ‘કોનું

આ ‘શાશ્વત. તમે.’ મીરાં સહેજ થોથવાઈ ગઈ. ‘આ કોણ હશે?’

‘શાશ્વત તો તમે કોણ છો?’

‘મીરાં.’ ‘ઓહ મીરાંબહેન! આવો, આવો, અંદર આવો.’

ના – તે વચ્ચેથી ખસી ગઈ. મીરાંએ ત્યાં ઊભાં ઊભાં જ ઘરમાં નજર દોડાવી. આ મારું ઘર? મારો પ્રિય પિત્તળની સાંકળનો હીંચકો, પેલો કોતરણીવાળો સોફા, ઉષાબહેનની પ્રિય આરામખુરશી, મનોહરભાઈએ દોરેલું પેઇન્ટિંગ, શાશ્વતની મોટી છબી, કંઈ ન મળે. તે બારણા પાસે જ જડાઈ ગઈ.

‘અંદર આવો મીરાંબહેન. તમે તો ચારધામ ગયાં હતાં ને?’ બોલતાં બોલતાં પેલી યુવતી અંદર જતી રહી. મીરાં સંકોચાઈ ને સોફાના ખૂણામાં બેઠી. આ બધું શું છે? આ કોણ છે? શાશ્વત ક્યાં છે? તેને કંઈ ખબર ન પડી. એટલામાં પેલી યુવતી ટ્રેમાં પાણીનો ગ્લાસ અને એક કવર લઈ પાછી આવી..

‘શાશ્વતભાઈ ગયા શુક્રવારે જ અમેરિકા ગયા. તમે અહીં એમને ત્યાં કામ કરતાં હતાં ને? એમણે વાત કરેલી. તમારા માટે આ કાગળ આપીને ગયા છે.’ યુવતીએ પેલું કવર મીરાંને આપ્યું. મીરાંએ ઘૂજતા હાથે ખોલ્યું.

‘મીરાં,

હું અમેરિકા જઈ રહ્યો છું. મને ત્યાં ઘણી સારી જોબ મળી ગઈ છે. તને મળ્યા વિના જ જઈ રહ્યો છું, નહીં તો તું મને જવા જ ન દેત. હવે પાછો ક્યારે આવીશ નક્કી નથી. આ મકાનનો સારો ભાવ આવતો હતો એટલે એનેય વેચી નાખું છું. તે મને મારી ફીના જે ત્રણ લાખ આપ્યા હતા તે અને બીજા બે લાખ એમ પાંચ લાખ તારા ખાતામાં જમા કરી દીધા છે. પાસબુક આ કવરમાં કાગળ સાથે જ છે. જોઈ લેજે. મારું અમેરિકાનું સરનામું, ફોન નંબર વગેરે મારા મિત્ર અમિત પાસે છે. તું એની પાસેથી લઈ લેજે. બીજી કોઈ મદદની જરૂર હોય તો ચોક્કસ લખજે.

– શાશ્વત.

બે પળ માટે તે ત્યાં જ બેસી રહી, પછી ધીમા પગલે સામાન લઈ ઝાંપાની બહાર નીકળી ગઈ. સહેજ આગળ જઈ પાછા ફરી તેણે ઘર તરફ એક નજર નાખી.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.