માવઠું

– ફતીયા, પેલા આળહુના પીરને ઉઠાળીયાવ તો! દા’ડો માથે ચઈડો તો હો એદીની જેમ પડી રે’હે! બાનો અવાજ કીડી પેઠે ચટક્યો. ચારસો ઉશેટી બેઠો થઈ ગયો. હજુ સાતેય વાગ્યા નથી તે બા હો અમથી ઉધમાત કર્યા કરે છે. કે બધું વાદળીયું વાદળીયું છે એટલે ટાઇમની ખબર નૈં પડતી હોય? લો, સામેથી તો ભાભીસાહેબા પધારી રહ્યાં છે ને કૈં? લાડકા દિયરની લાડકણી ભાભી! મારા પિતરાઈ ભાઈ વજેસંગબાપુના ઠક ઠક ઠકરાણાં!

કાલે રાતે દસની અમદાવાદ પૅસેન્જરમાં આવ્યો છું. સાલુ દિવાળીએ આવેલો એના કરતાં કંઈ જુદું જુદું લાગે છે. જોકે દિવાળીએ જતી ફેરા જ એના અણહારા આવી ગયેલા. નહીંતર આગલી ફેરા કૉલેજમાં દાખલ થવા ગયેલો ત્યારે કૂખે ચૂંટિયો ને દિવાળી પર તો નેણાં ઝુકાવીને જઃ આવજો! એવું કેમ? ભાભીએ ખાલી નેણાં જ ઝુકાવેલાં એવું નૈં ડાબા અંગૂઠે ભોંય હો ખોતરવા માંડેલી. ખોતરતાં ખોતરતાં સોપારી જેવો કાંકરો નડ્યો તે ઉખેડી હળવી ઠોકરે ગબડાવી મેલેલો. ગબડાવી મેલેલો તો એવો ગબડાવી મેલેલો કે સીધ્ધો મારા જમણા અંગૂઠે આવીને અટકેલો. મેં જરી અટકી અંગૂઠા તળે દાબવા જોર કરેલું તો અંગૂઠો તો ઝઝરી ઊઠેલો. સાલો જબરો કઠણો દેખું ને! આમ જ વજાભાઈને વરતી વેળાએ હો ગોરમ’રાજ ના કે’એ પહેલાં જ સોપારી પરવત ગબડાવી મેલેલા. હું અણવણીયાની ડાબલી ખખડાવતો જોમ તો ગોરનાં ભવાં ચડી ગયેલાં! મને તો ધૂધવે ને ધૂધવે મજા પડી ગયેલી. થયેલું: લાવ ગબડતા હોપારીને ઉં હો એક ઠેલો મારીયાઉં!

આ વખતે હોસ્ટેલ-મેસની ચપાતી કરડી કરડી કંટાળ્યો. ઇન્ટરનલ પતી એટલે થયુંઃ એન્યુઅલને મહિનોક વાર છે તે બેચાર દા’ડા જરા ઘેર જતો આવું. પછી કૈં પટ્ટી નૈ પડે. આખું વરહ મુન્શીની કાકાની શશી ને શશીના કાકા ઉર્ફે કનૈયાલાલની લીલાવતી ને લીલાવતીના કનૈયાલાલ કરતાં કરતાં માથું પાકી ગયું છે તે જરા ચેન્જ રહેશે.

લાવ, ભાભી આવી પૂગે એ પહેલાં ચારસો ઓઢી લૂંગીની ગાંઠ ફિટ કરી દઉં. એમનું ભલું પૂછવું. છેડો હાથમાં આવતો નથી તે બરાબર ગાંઠ વાગતી નથી સાલી. પૂંઠે બવ ઘવડાવે છે તે ખાટલીની કાથી જોડે ઘણું તો કદાચ છે ને હારું લાગે. હોસ્ટેલમાં તો લાકડાની પાટ, લીસ્સી ખરી પણ કઠણી કઠણી સપ્પાટ. ઘસીયે તો ભલી હોય તો હરાક વાગે ને પાછી ઘવડ તો એવી ને એવી. એન્થી કાથીવાળી ખાટલી હારી. જીરી જીરી કૈડતી જાય ને ઊંચીનીચી થતી જાય.

ભાભીનો હાથ પૂંઠે કેમ છે? આંખ કેમ ઇજમેટિયા પાનના બીડા જેવી? અંદરબહાર બધું રવરવ રવરવ કેમ થાય? હસતા વંકુડીયા હોઠ. અદ્દલ આમલી પાડવાની આંકુડી જ જોઈ લ્યો! લાવ, સૂવાનો ઢોંગ કરી બિવડાવું: ભાભજી, બૉ ગલીગલી થાય છે. કાનની બૂટે રેશમી દોરી ના અડાડોની ભૈસા’બ! ભૂખરી દોરી જેવું આ શું પટપટ થાય? બાપ રે! આમથી તેમ મોં પર તેમથી આમ ઝૂલે ઉંદરીયું! આ પડ્યો, ઓ પડ્યો, આ ઊભો, એ દોડ્યો, એ કૂદ્યો. બો મસ્તીએ ચડી છે તે પાંહરી કરવી પડહે! જે થાય તે ખાટલીમાંથી કૂદી પઈડા વના કોઈ આરો ઓવારો નથી.

– આ તમારો ભાઈબંદ કેરીના મરવા ફરફોલી ગીયો છે! ભાભી મારા ગમી ઉંદરિયું હિલ્લોળવા લાગ્યા. એ ખસ્યું પતરું. એ કૂદ્યો મારા પર. હાથ ઝંઝેરું. ચારસો ઉસેટું. ઉંદર કૂદીને ભાભી પર. ભાભીએ ચીસ પાડીઃ આ હગલાને ઝંઝેરો કોઈ! કબજા પરનો પાલવ ઊંચોનીચો થતો જોઈ મેં ઝાપટ મારી. પાલવમાં ગૂંચાયેલો ગભરાયેલો ઉંદર કૂદીને કોઢારિયાની ભીંતના દરમાં… જોઉં તો છાતી પર લાલમલાલ ન્હોરિયા! ભાભી શરમાઈને પાલવ સરખો કરતાં ત્રાંસી નજરે કહે: અ’વે મારા દિયરજીનો માંડવો બંધાવવાનું કે’વું પડહે ગલાબબાને! મેં ભાભીજીની કાનની બૂટ ઝાલી લીધી. ઉફાંડે ચડેલી ગાય વાછડાને જોઈને ડાહીડમરી થઈ જાય એમ ભાભી શાંત થઈ ગયાં.

યાદ આવ્યું: પરણીને આવ્યાં તે જ દા’ડે હનહારો કરી બોલાવ્યો. ઘૂમટે ઓઝલ કાનમાં ઝીણકા પીલુડાનું ઝૂમખું રાતું રાતું ચળકે. મને કોણ જાણે શું થયું તે ઝપ દઈ ખોળામાં બેસી પીલુડાનું ઝૂમખું હિલોળ્યું. ભાભી તો જોતાં જ રહી ગયાં. પછી કાનની બૂટ દાબી. એવી સુંવાળી એવી સુંવાળી જાણે ચંપાની પાંખડી. ભાભીએ ઝાટકાભેર મોં ફેરવી લીધું. થયુંઃ હમણાં ડોળા કાઢશે! જોઉં તો ડબ ડબ આંસુ…

છાતીસરસો ચાંપે. પછી કે’ઃ મારો વીજુ હો અદ્દલ તમારા જેવડો. વીરો મારો હંગાથે હૂતો. હૂતી ફેરા કાનની આ બૂટ આમ જ ઝાલતો, ઝાલતો ને ઘડીમાં નેણાં મળી જતાં! એવામાં બા ડોકાઈઃ દિયર ને ભોજાઈ આજ ને આજ હાત પેઢીની હગાઈ કાઢવાનાં કે હું?

એટલી વારમાં ભાભી ક્યાં અલોપ થઈ ગયા?

ઓટલે આવ્યો. મને જોઈ ફતો બ્રશ કોલગેટ ને લોટો મૂકી ગયો. આ નાયલોનિયા દાંતિયાવાળી પંજેટી મોંમાં ફેરવી ફેરવીને હો હવે તો કંટાળો આવે છે. પીપરમિન્ટ કા સ્વાદ, આ કોલગેટવાળા આખા ઇન્ડીયાવાળાને નાનલા પોયરા જ હમજતા લાગે છે! આન્ધી તો મેંદીનું દાતણ સો દરજે હારું! વાડામાંથી મેંદીની ડાળખી મરડી સાફ કરી. દેવની દીવડી સરખો ગૌરવરણો, ઝીણકી ફૂલડી ફૂલડીનો, મ્હોર ગરી પડ્યો. ના તોડી હોત તો સારું.

દાતણ મોંમાં નાંખતાવેંત જાણે કડૂચ મારતો તૂરો બૉંબ ફૂટ્યો. ઉં હો ગાંઈજો જામ એમ નથી. જેમ કડૂચ મારે એમ વધારે ચાવું. જેટલું કડૂચ મારે તેટલું ચાવું. છટકીને કાં’જવાનું છે? ચાવી ચાવીને કૂચો કાઢી નાંખ્યો. જોર જોરથી ઘણું જોર જોરથી ઘસું. પેઢામાં ઝાળ ઝાળ બળી ગઈ. ઉલ ઉતારવા વચ્ચેથી ચીરી કરું. પણ વાળવા જાઉં ત્યાં તૂટીને ટુકડાઃ હારી બૈઈડ જાત! જેમતેમ ઉલ ઉતારી તે એક જીભ બાકી રહેલી તેય ઝાળઝાળ! કોગળો કરતી ફેરા આંગળી ઘસી તો લોહી. ચાટું, ખારું ખારું ઉસ. પાછી ઘસી તો ટેરવે પાછું રાતું રાતું લોહી. આંગળી ચૂસું. રસોડામાંથી ચા લઈ આવતાં બા જોઈ ગઈ: કેમ આંગળી ચૂહે? મેંદીનો કાંટો વાઈગો કે હું? ભાભી નાવણિયે જતાં હોઠ મરડીને કેઃ મેંદીનું દાંતણ અમ ગામડિયાને ફાવે, તમ કોલેજીયાને નંઈ ફાવે. મોટા કૉલેજીયાવાળી ના જોઈ હોય તો! ગમ્મે તેમ કો’ પણ આટલા દા’ડાનું વાસી મોં તંબૂરાની જેમ ઝણઝણી ઊઠ્યું છે.

વાડાની પાળી અંઢેલીને ચાનો ટેસ કરું. નાવણિયાની ડોલમાં લોટો અથડાવાનો અવાજ થયો. જોઉં તો મટોડિયો ધોળો-શામળો રેલો. ભાભીએ છાસ-માટીથી માથું ધોયું લાગે છે. મટીયાળી છાસની ખટુમડી ગંધ આગળ શિકાકાઈબિકાકાઈ શેમ્પૂ બેમ્પૂ… પાણી ભરે બાપુ નાવણિયેથી દબાયેલો દબાયેલો અવાજ આવ્યોઃ જરા લૂગડાં.

કરાંઠીની શામળી ટટ્ટીમાંથી ઉજમાળી કાયા ઝરે. ઝરે રે કાયાનો મીઠો મધપૂડો. ઝરતી કાયાની ઊડે ઝેણ રે. ઊડી ઊડીને વાગે ઝેણ હોઠને.

ઊઠીને લૂગડાં પેલી કોર મૂકું. પાણીમાં તણાતા રેશમ વાળ. લાવ, કસકસાવી આંગળીએ વીંટું. નૈં, આગળની લટ ઉખેટીને વીંટું,

– ચા ઠરીને ઠીકરું થેઈ ગઈ. આ વીંટીને આંગળીમાં કાઢઘાલ કેમ કઈરા કરે છે કા’રનો! બા ઝીણી આંખે પૂછે. હું ઝંખવાય જાઉઃ આ ચામાં કા’રનો મંકોડો હો પઈડો છે. ચાની રાતી રાતી તળાવડીમાં મંકોડો પગ હલાવે. ડચકાં ખાયઃ કાઢ અ’વે તારા હગલાને! ભાભી વાળ કોરા કરવા પાછળ ઉલાળતા આવે. મંકોડો તર્જની પર લે. ગભરાયેલો મંકોડો મોં ઊંચુંનીચું કરે. પંજાથી મોં પરના બંને ડંખ સાફ કરે. ભાભી મસ્તીમાં અંગૂઠે કરી પગ દબાવે: ઓ મા રે! જોઉં તો આંગળી પર ચોંટી ગયેલો. ઝાપટ મારું. ધડ તૂટીને નીચે તરફડે. માથું ટેરવે ચોંટેલું. નખે કરી ડોકું ઉખેડું. લોહી ઝરે. મોંમાં આંગળી નાંખું. ચૂસું. બા હળદર ભભરાવી તેલનું ટીપું પૂરે. બાની બગલમાંથી પીલુડી જેવી વાસ ઝરે. બરાબર, મને મૂળથી માથાનો વ્યાધિ. માથું દુખવા લાગે એટલે ખોળામાં માથું લઈ બા લવિંગનો ઘહારો ઓરસિયા પર કરી કપાળે લેપ લગાડતી. એ વખતે આ જ પીલુડીની ગંધ નસકોરા ફૂલવી ફૂલવી લેતો. નાનપણમાં પીલુડાં બૉ ખાતો. ઝીણા ઝીણા નાકની જડના રાતા નંગ જેવાં પીલુડાં. દાંત વચ્ચે ફોડીએ તો પટ દેતીક તીખા રસની ઝીણકી સેર છંટાય મોંમાં!

આજે તો ઠંડાં પાણીએ જ ન્હાઉં.

ન્હાઉં ન ન્હાઉં ત્યાં જમવાની બૂમ પડી. થાળીમાં શાક જોઈ ભડકું. બા કે’ઃ આઈવો છે તે થિયું કટમ્બકબીલો ભેળો જમે. વજાને ગલોડા ને તને બટાકા બૉં ભાવે છે તે ભેગું જ શાક કરી લાઈખું! બાએ હો કુંતામાતાવાળી જ કરી કે બીજી? પાંચે ભાઈઓ વહેંચીને ખાજો! બાને તે શું કઉં? બટાકાના શાકમાં ગલોડાંનો ને ગલોડાંના શાકમાં બટાકાનો પાસ બેઠેલો. વજાભાઈ બટાકા બાજુ પર કાઢે. હું ગલોડાં. એમણે મારામાં બટાકા મૂક્યા. મેં ગલોડાં. ભાભી મીઠું મીઠું મલક્યાં કરે. હજુય બટાકા પર ગલોડાંનાં બીયાં દેખાય. આખરને અંતે દાળભાત પર જ હાથ જમાવું. બા કે’: તખલો પ્હેલેથી જ બૉ હુગરો. એક ફેરા મનમાં પેહી ગિયું તો પછી નીં ખાય તે નીં જ ખાય! બાને તે શું કઉં? બટાકા ને ગલોડાંની વાસ જુદી કે નીં, તમે જ કો’! બૉ બૉ તો તમે શાક જુદું પાડો પણ એની પોત્તાની ગંધ કેમ કરતાં જુદી પાડવી? શાકમાં તો એવું છે ને કે ભેગો વઘાર કર્યો એટલે વાત પતી ગઈ!

ખાઈને આડે પડખે થાઉં, ઊંઘ ઊડી ત્યારે ત્રણ વાગી ગયેલા. લાવ, વાડામાં જઈ મોં વીંછળી આવું. પાછા આવતા ભાભી કે આવો! રસોડું વટાવી પરસાળે ગયો તો વજાભાઈ ચા પીવાના શ્રીગણેશ કરે. વચમાં બીડીનો દમ મારવા ગયા તો બીડી રામ થઈ ગયેલીઃ લાવો ચેતાવી આવું. રસોડામાં જાઉં, ભાભી બીડી ચેતવતા કે’: દમ મારહો તો હળગહે, ની તો રામ રામ ભજજો! દમ કેમનો મારવો? તોય કસ ખેંચ્યો. બીડીનું ટોચકું રાતું રાતું ચળક્યું. પરસાળે જઈ ભાઈને આપી. ભાઈએ કસ ખેંચ્યો. પણ બીડીમાં જીવ ના આવ્યો. ભોંયે ઘસી ઠૂંઠું કાને ખોસ્યું. પછી ખાંસીનો ઠુણકો ખાઈ જાતને જ કહેતા હોય એમ બોલ્યાઃ પછી પીવા ચાલશે! ભાભી પરસાળે આવ્યાંઃ તમારા ભાઈને બવ ચા નથી ફાવતી, તમે ચા લઈ લો! હું અચકાયોઃ ભાઈ! બોટી છે તે તમે જ પી જાવ. ભાભી હસવા માંડ્યાઃ બોટી ના બોટીવાળા મોટા ના જોયા ઓ’ય તો! દિયરજીને તો કુંવારી ચાના બૉ અભરખા છે, નૈં? બપોરેય આ તમારા ભૈનું શાક એમનું એમ રે’વા દીધેલું. અમને બધું યાદ છે. હું ખસિયાણો પડી ગયો: ના, ના, એવું તે કઈ હોય? હું ને ભૈ એક જ કેવાઈએ! ભાભી હળવાં થઈ ગયાંઃ મારે મન તો તમારા ભાઈ ને તમે બન્ને હરખા! એક થાળીએ જખ્ખામાં દગદગો રાખે એ બીબીજાયો – નૈં ને એક પિયાલીમાંથી કહુંબો લેવામાં દગદગો રાખે એ રાણીજાયો નૈં, હમજ્યા? કાળી કાળી ઠરીને ઠીકરું થઈ ગયેલી ચામાં તમને કસુંબો કેમનો દેખાય છે?

કપ હોઠે અડાડવા કરું ત્યાં ધૂળિયો ગબ્બારો ધસી આવ્યો. બારણાં ભટકાયાં. આંખ ચોળું. ચામાં તો ધૂળ, કસ્તર, ધૂળ. ભાઈ હાંફળાફાંફળા ખળીમાં દોડ્યા. ઘાસના પૂળા ઊડી જતા હશે. ભાભી વાડા ગમી દોડ્યાંઃ મારાં લૂગડાં ઊડી જહે તો કાં’હોધા? મણનો ધુલારો ચડી જહે તો કેમ ધોવાં?

ઓટલે આવું. બધેબધ ધૂળ. વાંભ વાંભ મોજાં ઊછળે. છાપરું કિચૂડ કિચૂડ. મોજે ચડું. શેરી વટાવી ગામ ચોકે ઊતરું. સામે શેરીએ શેરીએથી નીસરી ડમરી ઘમ્મર ઘૂમતી આવે ચોકમાં. ચોસઠ જોગણી સરખી સાહેલડી સંગ ઘમ્મર ઘૂમે. ઘૂમતી ઘૂમતી ભળે વંટોળે. મહારાસનો પીંડીબંધ રચાય. ધૂળથંભ ઘમ્મર રવૈયો. ગામ આખું વલોવાય. એ દખણાદી મેર નમ્પણ. એ ઓતરાદી મે’ર ઝમ્પણ. એ દખણાદી મે’ર ઢરાળ પડી. એ ઓતરાદી મે’ર ઉલાળ પડી. ફેરફુદરડી ફરતી ખપ્પર જોગણીનો ઘાઘરો એ ફાલ્યો, એ ફલ્યો, એ સંકેલાયો. બધે કાળુંધબ. મહામાયાની અક્ષત યોનિ ઘમ્મર ઘમ્મર. બધું ગરક થાય કે શું? મહામાયા કેશ છૂટા મેલી ઘૂંટણભેર ધૂણે. હીસકારી સંભળાય. ઘાસફૂસ ને તણખા ઊડે. દસે દિગપાળ ધજા ચડાવે.

બા કે’તીઃ ઘૂમરી ખાતો અવગતિયો જીવ વલોવાય વલોવાય ને વંટોળિયો થાય. રજોલિંગ ઓગળે. રાસડાનો પીંડીબંધ ઊકલે. ફેરફુદરડી ફરતી એક એક કરતી માથે માટલી લેતી કુંવારકા મૂળ થાનકે પાછી ફરે…

        પછી રે ફરે કુમકુમ છાંટણે
ઉં રે પત્તઈ તે પાવાગઢનો
મારગડો રોકીને ઊભો, જોગણી
        ઘમ્મર રે ઘૂમે સામે ઘૂમરી.
પાધરો કીધો રે પત્તઈ રાજીયો
આણ રે તને બાપ્પા રાવની
        કેડો રે મેલો રાવળ કુળના…

ખસું ખસું ત્યાં વાયરાનો ધૂળિયો શેરડો વીંટાઈ વળે. ખોટું ખોટું તે ચરણ ઊખડે. ચાંદીનો ચળકતો તાર વચ્ચોવચ મારગ કરી આરપાર નીસરી ગયો કે શું? તલવારથી પાણી કપાય ને સંધાય એવું થયું જાણે.

ત્યાં તો રાડ પડીઃ વજેસંગનું છાપરું ઊડ્યું! હડી મેલું. વજાભાઈ ખળીમાંથી ધીરુ રાણાના વાડા ગમી દોડે. છાંટા વધે. ઘરમાં આવું તો કપડાંનો વેરછેર ઢગલો. ભાભી માનસિંગકાકાના વાડામાં ઊડી પડેલાં કપડાં ભેગાં કરી ઓંડરમાં લઈ પાળી ઠેકતાંક આવેઃ બાયણું બંધ કરજો, ધુલારો પેહી જહે! ઉતાવળે ને ઉતાવળે બારણું બંધ કરું. લૂગડાનો પાલવ ફસાઈ જાય. ચરરચર.. ભાભી ઘૂમરી ખાઈને મારા પર.

ઊના ઊના શ્વાસમાં વીંટળાઉં. કબૂતર પાંખ ફફડાવે. ડોક વ્હાર કાઢે. પંપાળું, દીંટડીનું ખરબચડું બટન દબાવું, કળી ચૂંટું, મસળું, પૂંઠે ઘુમાવી ડોકે ચૂમું. કાનની બૂટથી ખભાના ઢોળાવ લગી ચૂમીની દીપાવલી પેટાવું. આગળ ઘુમાવી કમળ હથેળીની છાબડીમાં ઝીલું. સૂંઘું. અંધારામાં રાતી કળી ખીલવું, કઠ્ઠણ દીંટા છાતીએ ઘસું. અગ્નિ ચેતાવું. અંબોડો ઝાલી હોઠ ચૂસું. મોંમાં જીભ ફેરવું. જીભ જીભથી ચુસાય. કરડું. લોહી ચાખું. કમાન વાળી નાભિની અંધારી ગુફા ખોળું. ટેરવાં અડે ને ચકચક ઝરે. ગોઠણે પડી જીભ અડાડું. ઘૂંટડે ઘૂંટડે ખટુમડો રસ ગટગટાવું.

કેડેથી અધ્ધર કરે. કૂખમાં કીડી ચટકાવે. છાતીએ ન્હોરિયાં ભરે. પીઠ પસવારે. હીસકારે હીસકારે છાતીમાં નાક રગડે. વાળમાં આંગળી ફેરવે. ચણિયાની દોરી ખેંચું. કેમ ખૂલતો નથી? બો ઉતાવળો!: અવાજ ઘોઘરો ઘેઘુર ઘેનાયેલો. ગાંઠ પડી નક્કી. છોડવા તોડવા ઉધામા કરું. થાનોલું ઊંચકી મોંમાં ધરે. ચૂસવા જાઉં… બગલેથી વાસ. અમૂંઝણ થાય. આ તો બગલ કે લૂમઝૂમ પીલુડી? વાછડું થાનમાં માથું મારે એમ બગલમાં માથું મારું. સૂઘું. ગટગટાવું. પીલુડા એક એક કરી દાંત વચ્ચે પટ ફેડું. મૂંઝાઉં. ભાભીના કાનની બૂટને વળગી પડું. બૂટ પસવારું. હળવે દબાવું. ધક્કાભેર ફંગોળાઉં. સામે ભીંતના ગોખલે ભટકાઉં. ગોખલામાં તો શિવપારવતીનું દેવલું. તાંબાનું લિંગ ઊછળી પડે. ગબડતું ગબડતું ભાભીના અંગૂઠે અડે. શિવપારવતીનો ફોટો ઊંધમૂંધ. ભાભી લિંગ આંખે અડાડે. ફોટો ચત્તો કરે. લૂગડાંથી માથું ઓઢવા મથે. બારણાના ફટકિયામાં પાલવનું ચીંધરડું લબડે.

બાએ બૂમ મારીઃ તખા! એ ફતા! વજાભાઈ પતરાં લેઈને કા’રના બાયણે તપે છે તે કોઈ ખભેથી ઉતારવા લાગો! પતરાં ઉતારું. ભાઈ મને જોઈ રહ્યા: ઊંઘીબૂંઘીને આવ્યો કે શું? આ માવઠામાં અમને હાંહા લેવાની હો ફુરસદ નથી ને તને ભલી ઊંઘ ચડે છે? હું છાપરે ચડું, તું નિસરણીના વચલા પગથિયે ઊભો રહી તારી ભાભી પતરું આપે એ મારા હાથમાં સેરવજે. ભાભી લૂગડું સરખું કરતાં બહાર આવ્યાંઃ વંટોળ ચઈડો પણ માવઠું ના થીયું એ હારું થયું! જાણે રક્ષાકવચનો જાપ કરતા હોય એમ ભાભી આંખ ઢાળીને હોઠ ફફડાવતા હતા. એટલામાં બા આવી: માવઠું આવું ખરું પણ પતરાં ઊજળાં કરીને ચાઈલું ગીયું! પછી નેજવું માંડીને કે’: જુવારની રજોટી ધોઈ લાખે એવું ની ઉતું એટલે જુવાર તો બચી ગેઈ! ભાભી ફાટેલો પાલવ સંતાડે તે જોઈ કે’: આ કાં ફાઈટો? પાલવ ફાઈટો એટલે માથે નીં ઓઢાય. આમન્યા ની ઢંકાય, વવ! અવે આ લૂગડું ઉતારી નાંઈખે જ છૂટકો!

– ઉતારી નાંઈખે જ છૂટકો! ભાભીના હોઠ ફફડ્યા.

પતરાની ધાર સાથે ધાર મેળવી. તારથી બાંધી, આંટા મારી વજાભાઈ હેઠે ઊતર્યા. કાનમાં ખોસેલી બીડી કાઢી. ભાભી માચીસ લઈ આવ્યાં. સળગાવી દમ મારવા લાગ્યા. મેં ચાલવા માંડ્યું. કાથીની ખાટલીમાં પડતું મેલ્યું. આ તો સાલી બૉ ખેંચે છે. કેમનું સુવાય? માવઠા પછી બધું ઉબાય ગયું હતું.

કપડાં ભરતો જોઈને બા કે’: ચારેક દા’ડા રે’વાનો અતો ને? હું થ્યું પાછું? હું હસવા મથ્યોઃ લીલાવતીના મુનશી ને મુનશીની લીલાવતી કરવું પડશે ને? શેરી વટાવું. ખરીમાં વેરણછેરણ ભીનાભદ ઘાસના પૂળા વજાભાઈ વવઠાવવા છૂટા છૂટા મૂકતા હતા.

તળાવની પાળ ચડું.

આ ભાભી જેવું કોણ છે પારસપીપળે? નવુંનક્કોર લૂગડું પહેર્યું છે એટલે ઓળખાય એવાં નથી રહ્યાં. કંગનમઢ્યાં હાથ પાંજરું ઠપઠપાવે. પારસપીપળા ગમી કૂદતોક ને દોડે. ચૂં… ચું… કરે. થંભે. આકાશ ભણી તાકી નસકોરાં ફૂલવે. થડીયે ભૂખરા પડછાયા ઠેકડા ભરે. એ ઊડ્યો. એ તરાપ મારી. ભૂખરા પંજા ખરબચડા જકડે. ઊડીને ડાળે બેસે. કાળી વજ્જર ચાંચ કૂખ ઠોલે. શામળી શામળી રેશમી દોરી વળ ખાય. અમળાય. આંચકા સાથે લબડી પડે.

(ગદ્યપર્વ: મે ૧૯૯૪)

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.